લેટન્ટ : સુપ્ત, ગુપ્ત, છાનું, અવ્યક્ત
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- કહેવાય છે કે દરેક માણસનાં દિલમાં લેટન્ટ અવસ્થામાં એક શૈતાન હોય જ છે
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
-બળવંતરાય ક. ઠાકોર
મં દાક્રાંતા છંદમાં રચાયેલા ગુજરાતી ભાષાનાં સર્વ પ્રથમ સૉનેટની પંક્તિઓ ટાંકી રહ્યો છું. નદીનાં શાંત સુપ્ત જળ - સ્તનયુગ્મની જેમ- ઊંચાનીચા થાય છે અને સ્તન પરનો તલ પણ છાતીની સાથે જેમ પડે-ઊપડે એમ કવિની નાવ પણ ધીમીધીમી હાલકડોલક થાય છે. સૃષ્ટિનું વર્ણન અને શૃંગાર રસનો અદ્ભૂત સંગમ છે. અહીં નદીનું જળ છે જે શાંત છે, સૂતેલું છે, સુપ્ત છે. ઇંગ્લિશ શબ્દ 'લેટન્ટ' (Latent)નો આ સાચો અર્થ છે. પણ ચર્ચા-એ-ખાસ સમાચાર અનુસાર 'ઈન્ડિયા ગોટ લેટન્ટ' સામે થૂં થૂં થઈ રહ્યું છે. આ રીઆલિટી શૉનાં કોઈ સ્પર્ધકને એક જજ એવું પૂછે કે વોચ-યોર-પેરન્ટ્સ-હેવિંગ-સેકસ અને અન્ય જજ સહિત સૌ પ્રેક્ષકો ખી ખી હસે, આ તે કેવી બેહૂદગીની હદ.. તમારા માબાપને સંભોગ કરતાં જુઓ.. અરેરે.. સાક્ષાત કળિયુગ આને કહેવાય. કોમેડીને નામે કાંઇ પણ..પણ આ તો શૉની પબ્લિસિટી થાય અને આવી બેહૂદગી કરનારને પૈસા મળે. આ તો કેવી અજબ જેવી વાત છે! અમને જો કે આ શૉના નામ સામે વાંધો છે. વ્યાકરણ સાવ ખોટું છે. લેટન્ટ (Latent) શબ્દ તો માત્ર એક વિશેષણ છે. 'લેટન્ટ' એટલે છૂપું, સુપ્ત, વિદ્યમાન કિન્તુ અક્રિય કે અદૃશ્ય, છાનું, ગુપ્ત, ઢંકાયેલું, અવ્યક્ત, પ્રછન્ન, નિહિત, અન્તર્હિત, અવ્યત, હસ્તીવાળું પણ અપ્રગટ કે અવિકસિત, જેમ કે ઈંડામાં મરઘી હોય પણ અત્યારે એ અપ્રગટ હોય. કેન્સર થયું હોય પણ કેન્સરનાં કોષ હજી એક્ટિવ ન થયા હોય એવું પણ હોય. દૂધમાં ઘી હોય પણ એ અત્યારે લેટન્ટ અવસ્થામાં હોય. ઘણી પ્રોસેસ પછી ઘી બને. પાણી ઊકળે, વરાળ બને ત્યારે વાસણનું ઢાંકણ ખોલતા કાળજી લેવી કારણ કે વરાળની ગુપ્ત ગરમી દઝાડે. બરફ પીગળે ત્યારે પણ ગલન ગુપ્ત ગરમી (લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન) છૂટી પડે. લેટન્ટ તો ટેલન્ટ પણ હોઇ શકે. 'ટેલન્ટ' એટલે ખાસ આવડત કે વિશિષ્ટ ક્ષમતા. આવી ટેલન્ટ હોય તો ખરી પણ પ્રગટ ન હોય એ લેટન્ટ ટેલન્ટ. લેટન્ટ લર્નિંગ એટલે એવું શિક્ષણ જેનાથી તરત ખબર ન પડે કે શું વધારાનું શીખ્યા? લેટન્ટ ડીફેક્ટ એટલે એવી ખામી જે અત્યારે ખબર ન પડે પણ પાછળથી છતી થાય. ઈન્ડિયા ગોટ લેટન્ટ-નો તો કોઈ અર્થ સમજાતો નથી. ભારત પાસે ગુપ્ત છે, પણ શું? ગુપ્ત ખજાનો હોઇ શકે, ગુપ્ત જ્ઞાાન હોઇ શકે પણ બસ માત્ર ગુપ્ત? એનો કોઈ અર્થ નથી. મને લાગે છે કે આ શૉનું નામ બદલીને 'ઈન્ડિયા ગોટ લેટન્ટ હેઝાર્ડ' રાખી દેવું જોઈએ. ભારતનું ગુપ્ત જોખમ!
પંદરમી સદીથી ઇંગ્લિશ ભાષામાં આવેલો શબ્દ 'લેટન્ટ'નાં મૂળમાં લેટિન શબ્દ 'લેટેન્ટમ' છે, જેનો અર્થ થાય છે છૂપાવીને રાખેલું, સંતાડેલું, ખાનગી. અગાઉ કહ્યું એમ લેટન્ટ શબ્દ તો વિશેષણ છે. લેટન્ટ ડીઝાયર એટલે અત્યારે સુપ્ત અવસ્થામાં હોય એવી ઈચ્છાઓ. સામે જતાં ખીલે, ફૂલે, ફાલે. લેટન્ટ ઈચ્છાઓ સારી હોય તો મોડે મોડે પણ સારું થતું હોય છે. મુંબઈનાં એક નિવૃત્ત શિક્ષક દર મંગળવારે ટ્રેનમાં વલસાડ આવે અને પછી બસમાં બેસીને ધરમપુરની આશ્રમશાળામાં આદિવાસી દીકરીઓને ભણાવે. ગુરુવાર સુધી ત્યાં જ રહે. દીકરીઓ કમ્પ્યુટર શીખે, જરદોશી કામ શીખે, નર્સિંગ, ખેતીવાડી વગેરે પણ શીખે. તેમને એક એનઆરઆઈ યુગલની આર્થિક મદદ મળી ગઈ હતી. શિક્ષક પોતે આ કામ માટે કોઈ મહેનતાણું લેતા નથી. પોતે જ્યારે યુવાન હતા ત્યારે તેઓની ઈચ્છા હતી આવું કામ કરવાની પણ સમય નહોતો, સંજોગ નહોતા. નિવૃત્તિ બાદ નિસ્વાર્થ ભાવે કામ કરવાની તક મળી એ સારું થયું. પણ કોઈક લેટન્ટ ઈચ્છા એવી પણ હોય જે વ્યક્ત થાય તો ઘમાસણ મચી જાય. ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે કે ઇન્દ્રિયવિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. મનમાં ને મનમાં જે અસંતૃપ્ત ઈચ્છાઓ રહી જાય છે એ નઠારી હોય તો ગંદકી ફેલાવે છે. પછી માફી માંગો તો ય શું અને ન માંગો તો ય શું? પણ એ નક્કી કે આ લેટન્ટ ઈચ્છાઓ માણસની વર્તણૂંક અને સમજણ નક્કી કરે છે. માણસનું ભાવિ ઘડે છે અને શું પરિણામ આવશે, એ પણ તય કરે છે. કહેવાય છે કે દરેક માણસનાં દિલમાં લેટન્ટ અવસ્થામાં એક શૈતાન હોય જ છે. શક્ય છે કે આ શૈતાન આખી જિંદગી ગુપ્ત જ રહે, બહાર આવે જ નહીં. પણ ક્યારેક સંજોગ, તો ક્યારેક માહોલ એવો આવે કે અંદરનો શૈતાન બહાર આવી જાય. મને લાગે છે કે રણવીર અલાહાબાદિયાનાં અંદરનાં લેટન્ટ શૈતાની વિચાર કોમેડીનાં નામ પર બહાર આવી ગયા. ઈન્ડિયા રીઅલી ગોટ લેટન્ટ!
આ છૂપી ઈચ્છાઓ અઘરી માયા છે, સાહેબ! મનમાં ને મનમાં થાય કે દારૂ એક વાર તો ટ્રાય કરવો જોઈએ. પહેલી વાર દારૂ પીઓ ત્યારે કડવો લાગે પણ પછીથી મનને ગમે. એટલે આસક્તિ પેદા થાય. આસક્તિ એટલે મોહ, આતુરતા, બેકરારી. બસ, એને દૂર રાખો પણ સાહેબ.. કહેવું સહેલું છે, કરવું અઘરું છે. છતાં કોશિશ કરવી. તંઇ શું?
શબ્દશેષ
'મૌન અને સ્વસ્થતા લેટન્ટ પાવર છે. કેટલાંકનાં બોલાયેલા શબ્દોની અસર પડતી નથી અને કેટલાંકનાં માત્ર વિચાર વધારે અસરકારક હોય છે.' -બ્રિટિશ સ્ટેટ્સમેન લોર્ડ ચેસ્ટરફીલ્ડ (૧૬૯૪-૧૭૭૩)