Get The App

એગહેડ : બુદ્ધિશાળીપણ.. મિલનસાર દાના જવલ્લે મળે છે, મનુષ્યો મજાના જવલ્લે મળે છે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
એગહેડ : બુદ્ધિશાળીપણ.. મિલનસાર દાના જવલ્લે મળે છે, મનુષ્યો મજાના જવલ્લે મળે છે 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- જર્મન ફિલિસોફર નિત્સે કહેતા કે હું વિચારક છું એટલે એનો અર્થ એ કે મને આવડે છે અઘરી વાતને સરળ કરીને કેવી રીતે કહેવી. 

શ બ્દો શક્તિ છે, શબ્દો જાદુ છે, શબ્દો ગમ્મત છે, શબ્દો કામુક છે, શબ્દો તમારી આંખોમાં આંસુ લાવી શકે છે, શબ્દો તમને હસાવી દે છે, શબ્દો સઘળું કરી શકે છે. તાજેતરમાં જેનું વિમોચન થયું એ પુસ્તક 'અ વન્ડરલેન્ડ ઓફ વર્ડ્સ' (શબ્દોની જાદૂઇનગરી)નાં આ શબ્દો છે. એનાં લેખક છે શશી થરૂર. શબ્દોનાં જબરા કારીગર. એનડીટીવી સાથે ઇંટરવ્યૂમાં તેઓએ કહ્યું કે 'મારી છાપ એટિમોલજિ એગહેડ (Etymology Egghead)તરીકે છે. પણ હું માનું છું કે રાજકારણમાં પણ શબ્દનું ઊંચેરું મહત્વ છે કારણ કે શબ્દ એ માધ્યમ છે જેના દ્વારા તમે તમારા વિચારો, તમારી માન્યતા, તમારી કલ્પનાને લોકો સમક્ષ રજૂ કરી શકો.'એટિમોલજિ' એટલે વ્યુત્પત્તિશાસ્ત્ર. એમ કે શબ્દ ક્યાં જન્મ્યો, કેવી રીતે લોક જીભે ચઢયો, સાહિત્યકારોએ કેવા સંદર્ભે એને લખ્યો વગેરે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'એગહેડ' એટલે બુદ્ધિશાળી માણસ. આ લેખની મથાળે ટાંકેલા ઘાયલ સાહેબની ગઝલનાં શેરમાં 'દાના' એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી લોકો જોયા છે? અતડાં અતડાં રહેતા હોય છે તેઓ. મિલનસાર બુદ્ધિશાળી મનુષ્યો મળવા મુશ્કેલ. આજનો શબ્દ એવા બુદ્ધિશાળી માણસ માટે છે,જે તળની વાસ્તવિકતાથી વાકેફ નથી,જે પુસ્તકીયો કીડો છે, જે ભણ્યો છે પણ ગણ્યો નથી. 

'એગ' એટલે ઈંડું અને 'હેડ' મુખ. એગહેડનો શાબ્દિક અર્થ અંડમુખ. ટાલિયા પુરુષને અપમાનજનક શબ્દમાં અંડમુખ કહેવાય. પણ હા, ટાલિયા પુરુષો બુદ્ધિશાળી હોવાની એક સ્થાપિત માન્યતા છે. મનોવિજ્ઞાાનની અનેક રીસર્ચમાં એવું સાબિત થતું રહ્યું છે કે શારીરિક રીતે ટાલિયાઓ ભલે આકર્ષક ન હોય પણ તેઓ બુદ્ધિશાળી, પ્રભાવશાળી, જ્ઞાાની, સુશિક્ષિત, સમાજમાં આગળ પડતા, નિષ્કપટ અને મદદકર્તા હોય છે. સોક્રેટિસ, નેપોલિયન, એરિસ્ટોટલ, ગાંધીજી, ડાર્વિન, ચર્ચિલ, હિપોક્રેટ્સ, શેક્સપીયર વગેરે ટાલિયા હતા. કિંગ જુલિયસ સીઝર સૌંદર્ય સામ્રાજ્ઞાી ક્લિયોપેટ્રાને મળ્યો તે પહેલાં જ એનાં માથે ટાલ પડી ગઇ હતી. તો ય ક્લિયોપેટ્રાએ યે-ટકલૂકે-સાથ-મૈં-શાદી-નહીં-કરુંગી એવું ત્રાગું કર્યું નહોતું. કેમ? કેમ કે જુલિયસ બુદ્ધિશાળી હતો. ટૂંકમાં, લોકમાન્યતા છે કે ટાલ અને બુદ્ધિનું કોઈ કનેક્શન તો જરૂર છે. ટાલિયું માથું ઈંડા જેવું દેખાય એટલે અમેરિકાનાં ચિકાગોમાં સને ૧૯૧૮થી અખબારો બુદ્ધિશાળી માણસ માટે 'એગ-હેડ' શબ્દ વાપરતા રહ્યા. સને ૧૯૫૨માં અમેરિકન બોલચાલનો આ શબ્દ થોડો અલગ અર્થ લઈને આવ્યો. ના, 'બુદ્ધિશાળી પુરુષ' એવો અર્થ તો રહ્યો જ. પણ એવો બુદ્ધિશાળી પુરુષ જેનો સામાન્ય માણસ જોડે કોઈ તાલમેલ નથી. જેનામાં કોમન સેન્સનો અભાવ હોય. વાસ્તવિકતાથી જે છેટે હોય. કામેચ્છા પણ જેમાં રડીખડી હોય એ એગહેડ.બન્યું એવું કે ત્યારે અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી હતી. રીપબ્લિકન પક્ષનાં ઉમેદવાર આઇઝનહોવર હતા.ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર સ્ટીવન્સન હતા. આઇઝનહોવરે પોતાનાં વાઇસ પ્રેસિડન્ટનાં ઉમેદવાર તરીકે યુવાન નિક્સનની પસંદગી કરી હતી. નિક્સન ચાલાક હતા. લોકોની નાડ તેઓ પારખી શકતા હતા. તેઓએ આપણાં આજનાં શબ્દને હથિયાર બનાવીને કહ્યું કે ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર સ્ટીવન્સન તો એગહેડ છે. એમ કે તેઓનાં માથે ટાલ છે, તેઓ બુદ્ધિશાળી છે પણ લોકોની લાગણી અને માંગણીથી વેગળા છે. આઉટ-ઓફ-ટચ, યૂ સી! આવા એગહેડને તમે અમેરિકાનાં પ્રેસિડન્ટ કેવી રીતે બનાવી શકો? અને બન્યું એવું જ કે ૪૪૨ વિરુદ્ધ ૮૯ ઇલેક્ટરોલ વોટ્સથી આઇઝનહોવર જીતી ગયા. કહે છે કે આ જીત પાછળ 'એગહેડ' શબ્દની જબરી ભૂમિકા હતી. 

અમેરિકાની એક જાણીતી યુનિવર્સિટી યુ. સી. ડેવિસ ૨૦૨૪નું વર્ષ 'યર ઓફ એગહેડ્સ' તરીકે ઉજવી રહી છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં એક ફેકલ્ટી મેમ્બર અને શિલ્પકાર રોબર્ટ આર્નિસને એગહેડ્સનાં શિલ્પ કંડાર્યા હતા. આજે યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ માટે અનોખી ઉજવણીનો અવસર છે. ગજબનાં શિલ્પ છે આ. કોઈ એગહેડ ઊંધું ઘાલીને પુસ્તક વાંચી રહ્યો છે તો કોઈ જગ્યાએ બે એગહેડ્સ છે જે પૈકી એક બૂમ પાડીને બોલી રહ્યો છે 'ને બીજો એગહેડ એની એ વર્તણૂંકની નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. મૂળ તો શિલ્પનાં સર્જકે યુનિવર્સિટીનાં બુદ્ધિશાળી લોકોની રીતભાત રમૂજી શૈલીમાં નિરૂપણ કરી છે.   

જર્મન ફિલિસોફર નિત્સે કહેતા કે હું વિચારક છું એટલે એનો અર્થ એ કે મને આવડે છે અઘરી વાતને સરળ કરીને કેવી રીતે કહેવી. પણ બુદ્ધિશાળી માણસો ઘણીવાર પોતાની વાતને સરળ કરીને કહી શકતા નથી. મહાન વૈજ્ઞાાનિક ન્યૂટને જોયું કે ઝાડ પરથી સફરજન નીચે પડયું એટલે તેઓએ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. કોઈ ચિત્રકાર હોય તો એ સફરજનનું ચિત્ર દોરે.

 કોઈ ફિલસૂફ હોય તો એવું ય કહે કે ફળ પાક્યું એટલે ખર્યું. એક દિવસ આપણે પણ આ રીતે જીવનનાં બંધનમાંથી મુક્ત થઈ જઈશું. પણ મારા જેવો સામાન્ય માણસ હોય સફરજન ખાવાની વાત પહેલાં વિચારે. મારા માટે અલબત્ત એ જ વાત બરાબર છે. હું બુદ્ધિશાળી નથી. પણ ન્યૂટન હતો. ન્યૂટન પાસે બે પાળેલી બિલાડીઓ હતી. એક મોટી અને એક નાની. એણે અવરજવર માટે દરવાજામાં બે બાંકાં પડાવ્યા. મોટી બિલાડી માટે મોટું અને બચ્ચાં માટે નાનું. આ મહાન એગહેડને એટલી ખબર નહોતી પડી કે નાની બિલાડી મોટા કાણાંમાંથી આસાનીથી નીકળી જ શકે. એને ખબર નહોતી પણ મને ખબર હતી, લો બોલો! 

પણ હા, દુનિયામાં એગહેડ જરૂરી તો છે. ભલે અસલિયતથી અલિપ્ત છે પણ જો કૂટપ્રશ્ન હશે તો એનો ઉત્તર તો તેઓ જ શોધી શકશે. બાકી જુગાડ તો આપણે કરી જ લઈએ છીએ. હેં ને ?

શબ્દ શેષ

''હું જાણું છું કે હું બુદ્ધિશાળી છું કારણ કે હું જાણું છું કે હું કાંઈ જાણતો નથી.''

- સોક્રેટિસ 


Google NewsGoogle News