પોલરાઈઝેશન: ધુ્રવીકરણ .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- આક્ષેપ પ્રતિઆક્ષેપ કરનારાઓ બંને સાચા હોઈ શકે, એવું હવે કોઈ માનતું નથી
चुनाव आते फूटता, जातिवा नासूर ।
ध्रुवीकरण हो मतों का, प्रयास हो भरपूर ।।
- अशर्फी लाल मिश्र
અમેરિકાની રાજનૈતિક સ્થિતિનું બયાન કરવા વારંવાર ઉપયોગ કરાતો શબ્દ મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરીએ વર્ષ ૨૦૨૪નો સરતાજ શબ્દ ઘોષિત કર્યાનાં તાજા સમાચાર છે. ચૂંટણી સમયે 'મતોનું ધુ્રવીકરણ' એવા શબ્દો આપણે વાંચતા કે સાંભળતા હોઈએ છીએ. ચૂંટણીમાં આજકાલ કોઈની તરફેણમાં નહીં પણ કોઈની વિરુદ્ધમાં મતદાન થાય છે. આ તો ન જ જીતવો જોઈએ ભલે કાળો ચોર જીતી જાય! દસ વર્ષ પહેલાં અમેરિકન રાજનીતિશાસ્ત્ર વૈજ્ઞાાનિક જેમ્સ એડમ્સને અમેરિકાનાં રાજકારણનું એક વલણ ચિંતા કરાવી ગયું. એણે રાજકીય ટેકેદારોને પ્રશ્ન પૂછયો કે તમારા વિરોધ પક્ષનાં રાજકારણીઓ માત્ર ખોટા છે? કે પછી દુષ્ટ છે? અમેરિકામાં મુખ્ય બે રાજકીય પક્ષ છે. રીપબ્લિકન અને ડેમોક્રેટિક. બંને પક્ષનાં ટેકેદારો પૈકી ૫૦%થી વધારે માણસોએ વિરોધ પાર્ટીનાં નેતાઓને 'દુષ્ટ' ગણાવ્યા. દુષ્ટ એટલે અધમ, પાપી, નઠારાં. ખોટાં હોય તે સમજાય પણ દુષ્ટ? ભારતનાં રાજકારણનાં સંદર્ભે જોઈએ તો... ધારો કે હું ભાજપાનો ટેકેદાર હોઉં તો મને રાહુલ ગાંધી ખોટા છે, એવું લાગે પણ એ દુષ્ટ છે એવું લાગે? એ જ રીતે હું કોંગ્રેસનો ટેકેદાર હોઉં તો મને નરેન્દ્ર મોદીની નીતિ રીતિ ખોટી લાગે પણ તેઓ દુષ્ટ? વધારે પડતું લાગે પણ જુઓએ, 'મોતનાં સોદાગર' શબ્દો ભારતીય રાજકારણમાં પોલરાઈઝેશનનું સીમાચિહ્ન બની ગયા.
પોલ (Pole) એટલે ધુ્રવ એ પણ આપણે જાણીએ છીએ. અચળ ધુ્રવનાં તારાને ઇંગ્લિશમાં પોલારિસ (Polaris) કહે છે. ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવ પૃથ્વી પરિભ્રમણનાં સૌથી દૂરનાં બિંદુ છે. બે માણસો એક બીજાથી સાવ જુદા હોય તો ઇંગ્લિશમાં એને 'પોલ્સ અપાટ' કહેવાય છે. દા. ત. આમ તો એ બંને સગ્ગી બહેનો પણ બંનેની રહેણીકરણી અને સ્વભાવ પોલ્સ અપાર્ટ છે. એટલે માન્યતા, અભિપ્રાય કે ગુણધર્મમાં એકબીજાથી સાવ જુદા છે, એવું કહેવાય. આજનો શબ્દ પોલરાઈઝેશન (Polarization) આ રીતે સાવ જુદા કરવાની/થવાની પ્રક્રિયા દર્શાવે છે, પોલરાઈઝેશન થયેલો સમાજ, જૂથ કે દેશ જ્યારે એક સાતત્ય સભર વિકાસથી દૂર થઈને સામસામે આવી એક ચરમ કક્ષાએ વિખૂટો થઈ જાય, મતભેદ મનભેદ થઈ જાય ત્યારે એ લોકશાહી માટે હાનિકારક છે, એવું જાણકારો કહે છે. પોલરાઈઝેશન શબ્દ મૂળ તોપ્રકાશ વિજ્ઞાાનનો શબ્દ છે. ગોગલ્સમાં પોલરાઇઝ્ડ લેન્સ આવે છે, જે નુકસાનકારક કિરણોને આંખ સુધી પહોંચવા દેતો નથી. આજે પોલરાઇઝેશન શબ્દ વિભાજન માટે વપરાય છે, એવું વિભાજન જે આત્યંતિક છે. આત્યંતિક એટલે તદ્દન છેડાનું, હદ વટાવી જનારું.
મનુષ્ય સઘળાં એક જેવા નથી હોતા. સ્વભાવે, વિચારે, કરમે તેઓ ભિન્ન તો હોવાના જ. શિરમોર શાયર મનોજ ખંડેરિયાનો ખૂબ જાણીતો શેદર 'રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખાં, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા' આપને યાદ કરાવી દઉં. આપણે કંકુ ચોખાનાં ચાંલ્લા કરીએ છીએ પણ કવિનાં શુભ અને લાભનાં કાર્યોમાં માત્ર શબ્દોનાં પૂજાપાનો એહતરામ છે. એમાં કોઈ વાંધો ન હોઈ શકે. હા, આપણે સૌ જુદા છીએ, નોખાં છીએ પણ...અલગ હોઈએ એટલે અથવા અલગ હોવા છતાં, કોઈની સાથે આમ સાવઓટોમેટિક દુશ્મનાવટ નથી થઈ જતી હોતી. તું તારી રીતે અને હું મારી રીતે સારી રીતે જીવી લઈએ છીએ. પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે ઓનલાઈન સોશિયલ મીડિયામાં મારી એક ઓળખ ઊભી કરવામાં આવે છે. મારો ધર્મ, મારી જાતિ, મારી જ્ઞાાતિ, મારો સમાજ, મારા સ્થિતિ મંડાણ, મારું નગર, મારું રાજ્ય.. અલબત્ત એમાં ય કોઈ વાંધો નથી. પણ પછી મારા મનમાં એવું પણ ઠસાવવામાં આવે છે કે જે મારાથી અલગ છે એ બધા મારા દુશ્મન છે, મારા હકકનું તેઓ પડાવી લેશે. અને એટલે આપણે આપણાં જેવાઓ સાથે હવે એક થવું જ જોઈએ. કારણ કે અનેકતામાં એકતા નથી, માત્ર એકતામાં જ એકતા છે. કોઈ ધર્મનાં નામે અલગ કરે છે. કોઈ જાતિનાં નામે અલગ કરે છે. જે વાત આપણને કહેવામાં આવે છે એમાં થોડું તથ્ય અલબત્ત છે પણ એમાં જૂઠની ભેળસેળ પણ છે. અને આપ તો જાણો જ છો કે જ્યારે દારૂની પ્યાલીમાં ગટરનું એક ટીપું ય ભળે તો આખો જામ પીવાલાયક રહેતો નથી. નફરત એ પોલરાઈઝેશનનું હાથવગું હથિયાર છે. મારે ય જીવવું છે. અને એટલે હું મારા જેવા સાથે જ ઘરોબો રાખું છું. અપુનવાલે.. યૂ સી! અફવાનું બજાર મોબાઈલ ફોનમાં સતત ગરમ છે. મારું પોલરાઈઝેશન ચિરંજીવી છે. લોકશાહીમાં સૌને સાથે લઈને ચાલવાની વાત હોય છે પણ મને મારા જેવા હોય એની સાથે જ ચાલવાની આદત પડી જાય છે. બાકી સૌ.. બાકી સૌ મારા શત્રુ છે. હું શત્રુઘ્ન બનવાની કોશિશ કરું છું.. ખામોશ! અને વર્ણભેદ, જાતિભેદ, ધર્મભેદ.. દૂરિયાં નજદીકિયાં બને એવો અજબ ઇત્તેફાક હવે થતો નથી. અને સંસાર છે, જે ચાલ્યા કરે છે.
છે કોઈ ઉકેલ? ખબર નથી. ધર્મકારણ, સમાજકારણ કે રાજકારણમાં પ્રતિસ્પર્ધીઓ વચ્ચે આદર કે સન્માન હવે રહ્યું નથી. વાદ વિવાદ, ચર્ચા વિચારણા કે પછી આક્ષેપ પ્રતિઆક્ષેપ કરનારાઓ બંને સાચા હોઈ શકે, એવું હવે કોઈ માનતું નથી. હું હોઉં તો એવું કહું કે હા, તમે જે જગ્યાએ છો ત્યાંથી કદાચ તમે દુનિયાને અલગથી જોઈ શકો છો. તમે સાચા હોઈ શકો. નાયકને જે ફીલિંગ ખલનાયક માટે હોય એ જ ફીલિંગ ખલનાયકને નાયક માટે હોય છે. હા, આ પોલરાઈઝેશન છે તો સારું છે. પોલરાઈઝેશન ન હોય તો લોકો ચર્ચા શેની કરશે?!!
શબ્દ શેષ
''હું પોલરાઈઝેશનનો ચાહક છું. તમે એવું કાંઈ બનાવો જે સૌને ભાવે, જાણે કે વેનિલા આઇસક્રીમ... અને મને લાગે છે કે આપણે અત્યાર સુધી એ ખૂબ ખાધો છે.''
-અમેરિકન ગાયક ક્રિસ સ્ટેપલટન