Get The App

ક્રીપ્ટિક : ઝટ સમજાય નહીં એવી વાત .

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ક્રીપ્ટિક : ઝટ સમજાય નહીં એવી વાત               . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- જ્યારે અસ્પષ્ટ વાત જાણી જોઈને કરાઇ હોય, એની પાછળ કોઈને વાત પહોંચાડવાનો ઈરાદો હોય ત્યારે એ 'ક્રીપ્ટિક'કહેવાય છે

अहद-ए-रिफाकत ढीक है, लेकिन, मुझ को ऐसा लगता है,

तुम तो मेरे साथ रहोगी, मैं तन्हा रह जाउंगा । 

- जौन एलिया

'રિફાકત' એટલે નિકટતા, મિત્રતા. હું અને તું સાથ સાથ છીએ. ઠીક છે.મને જો કે લાગે  છે કે તું મારી સાથે તો રહેશે જ પણ.... હું એકલો રહી જઈશ. હવે વિચારો. તું મારી સાથે રહેશે પણ હું એકલો રહી જઈશ? અમને કાંઈ સમજાણું નૈ. એમ કે તું મળી પણ કદાચ શાયર ઈશ્વરનાં સાક્ષાત્કારની વાત કરે છે...  કે તારી સંગાથે હવે પછીથી જોઈએ તેવું જામશે નહીં અને એટલે હું એકલો રહી જઈશ? કે પછી.. આ કવિ લોકો સહેજે સહેલું લખતા નથી. સહેલી કવિતા જોડકણામાં ખપી જાય છે. તેઓ માને છે કે કવિતા ગૂઢ હોવી જોઈએ. રેંજીપેંજીને ન સમજાય એ જ કવિતા!

જુઓને, સોનાક્ષી સિંહાએ ઝાહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા. 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'નાં સમાચાર અનુસાર આ લવમેરેજનાં વિરોધમાં સોનાક્ષીનો ભાઈ લવ સિંહા સોશિયલ મીડિયા પર લવલવ કરવા લાગ્યો. ભગવદ્ગોમંડલ અનુસાર ગુજરાતી શબ્દ 'લવલવ' એટલે મિથ્યાવાદ, ટકટક, બકબક કરવી તે. હવે ભાઈ બહેનનાં લગ્નમાં આવ્યો નહીં તે તો જાણે ઠીક પણ સોશિયલ મીડિયા ઉપર આ લગ્નનો એણે આડકતરો વિરોધ કર્યો. કદાચ એના જવાબમાં સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક મેસેજને ફોરવર્ડ કર્યો. જેનું શીર્ષક હતું : 'આ વસ્તુઓ જે દરેકને સ્કૂલમાં શીખવાડવી જોઈએ'. એમ કે 'સિનેમા હોલ કે વિમાનમાં કાં તો ચૂપ રહેવું જોઈએ અથવા વાત ધીમેથી કરવી જોઈએ. જે તમે ચાહતા હો અને તમને ન મળે તો એ વાતને સ્વીકારી લેવાની કળા. જીવો અને જીવવા દો. શાબ્દિક અર્થમાં પણ અને એક રૂપક અલંકાર તરીકે પણ'.  હવે આ સંદેશો  એના ભાઈને ઉદ્દેશીને તો લખાયો નહોતો. પણ ધારેલું ન થાય તો 'પરિસ્થિતિનો સ્વીકાર' કરવો અને 'જીવો અને જીવવા દો'- એવું કહેવા પાછળ કોઈ ગૂઢાર્થ જરૂર હતો. સમજનેવાલે સમજ સમજ ગયે, યૂ સી! આમ તો વર્લ્ડ કપ વિનર હાર્દિક પંડયાનાં ઘરે આયોજિત વેલકમ પાર્ટીમાં ગેરહાજર રહ્યા બાદ નતાશા સ્ટેન્કોવિકે -લગ્નજીવનમાં પ્રેમ અને સન્માનની અગત્યતા- વિષે એક મેસેજ અપલોડ કર્યો અને પછી કલાકોમાં ભૂંસી ય કાઢયો. એનો શું અર્થ થાય? આ બધા સેલેબ્રિટી સીધેસીધું કાંઈ કહેતા નથી. ભેદી વાત કરે છે. સમજાય એને સમજાય. બાકી ધારી લેવાનું. વાતનો અર્થ પણ એકથી વધારે નીકળે. આપણને અલબત્ત સોનાક્ષી કે નતાશામાં કે તેઓએ સોશિયલ મીડિયા પર વહેતી કરેલી પ્રછન્ન વાતોમાં રસ નથી. આપણને આવા સમાચારમાં આવતો રહેતો 'ક્રીપ્ટિક' શબ્દ સમજવામાં રસ છે.બાય ધ વે, મૂળ સંસ્કૃત પરથી આવેલો ગુજરાતી શબ્દ 'પ્રચ્છન્ન' એટલે અપ્રગટ, અપ્રત્યક્ષ, ગુહ્ય, ખાનગી.

ગુજરાતી લેક્સિકન અનુસાર ક્રીપ્ટિક (Cryptic) એટલે ગૂઢાર્થવાળું, પ્રચ્છન્ન, દુર્બોધ, વિસ્મૃત, છુપાયેલું, અદ્રશ્ય, ભેદી, રહસ્યમય, ગુપ્ત, ગૂઢ, ગહન. લોકો આજકાલ સોશિયલ મીડિયામાં ચણભણ કરે છે. 'ચણભણ' એટલે ધીમે અવાજે ચાલતી લોકચર્ચા, છાનીછપની ઘૂસપૂસ.'ક્રીપ્ટિક' શબ્દ ઇંગ્લિશ ભાષામાં સને ૧૬૩૦થી ચલણમાં છે. ગ્રીક શબ્દ 'ક્રીપ્ટિકોસ' પરથી લેટિન શબ્દ 'ક્રીપ્ટોસ' એટલે છુપાયેલું. એક શબ્દ 'ક્રીપ્ટ' પણ છે. ક્રીપ્ટ એટલે ચર્ચની નીચેનો ઓરડો, જ્યાં મૃત વ્યક્તિ દફનાવાય છે.  મીસ્ટિકલ (Mystical)) અને ઓકલ્ટ (Occult)નો અર્થ પણ 'ગૂઢ' કે 'ગહન' થાય છે પણ આ શબ્દો પરમાત્મા કે અલૌકિક રહસ્યની વાત માટે વપરાય છે. સોનાક્ષી કે નતાશાની ગૂઢ વાતને મીસ્ટિકલ કે ઓકલ્ટ ન કહી શકાય! આપે ક્રોસવર્ડ પઝલ જોઈ હશે. ખાલી ખાનામાં શબ્દ લખવાનો હોય. શબ્દનાં અક્ષરની સંખ્યા આપી હોય અને સૂચક કે ચાવીરૂપ શબ્દો આપ્યા હોય. આ શબ્દોને ક્રીપ્ટિક ક્લ્યૂ કહેવામાં આવે છે. 

આજનો શબ્દ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. ક્રીપ્ટિક શબ્દો કે વાક્ય ટૂંકા અને અસ્પષ્ટ હોય છે. વંચાય બધાને પણ એક જણ માટે એક ચોક્કસ મેસેજ એમાં હોય. એમ્બિગ્યુઅસ (Ambiguous) કે વેએગ્ (Vague) એવા શબ્દોનો અર્થ પણ અસ્પષ્ટ, સંદિગ્ધ કે અનિશ્ચિત થાય છે. પણ જ્યારે અસ્પષ્ટ વાત જાણી જોઈને કરાઇ હોય, એની પાછળ કોઈને વાત પહોંચાડવાનો ઈરાદો હોય ત્યારે એ 'ક્રીપ્ટિક'કહેવાય છે. જુઓને, મારે ત્યાં જલસો હતો. મિત્રોને મેં ખાસ નોતરું દીધું હતું. પણ એક મોટા ગજાનો મિત્ર ન આવ્યો. એ આવત સૌને મઝા આવી જાત. બીજે દિવસે મારે એને ફોન કરીને કારણ પૂછવું જોઈતું હતું. પણ એની જગ્યાએ મેં ફેસબૂક પર લખ્યું. 'ઘણાં એવા મિત્રો  હોય છે જે વાયદો કરીને આવતા નથી. ક્યાંક બીજે પહોંચી જાય છે. બેશરમ કહીં કે!' પણ સાહેબ, આ મારો ક્રીપ્ટિક સંદેશ સારી વાત નથી. મેં ધારી લીધું છે કે એ મિત્ર જાણી જોઈને આવ્યો નથી. બીજા કોઈ આવો ક્રીપ્ટિક મેસેજ વાંચીને તેઓને પણ થાય કે મારી આ વાંકી વાણી ક્યાંક તેઓ તરફ તો આંગળી ચીંધતી નથી ને?! પછી મને અવળી વાણીની ટેવ પડી જાય. દરેક વખતે હું વળમાં જ બોલું. મારી સાથે પછી કોણ દોસ્તી રાખે? માટે સાહેબ, હું સ્પષ્ટ કહું છું કે સ્પષ્ટ પૂછી લો, ચોખવટ કરી લો. આ પાર કે તે પાર. સોનાક્ષી એનાં ભાઈ સાથે કે નતાશા એના વર સાથે સ્પષ્ટ વાત કરી લે એટલે વાતનો પાર આવે. આવી વાંકી ચૂંકી ગર્ભિત વાણી વળમાં બોલ્યાં કરવાનો કોઈ અર્થ નથી. સિવાય કે તમે કવિ હો. એ યાદ રહે કે સાચી કવિતા એ જ છે, જે કોઈ અર્થ લઈને આવે છે. બાકી બધું અનર્થ જ છે! 

શબ્દશેષ

''તંદુરસ્ત લગ્નજીવનની એ નિશાની છે કે જેની કોઈ નિશાની સોશિયલ મીડિયા ઉપર નથી.''

- અજ્ઞાત


Google NewsGoogle News