ટચ ગ્રાસ : ઘાસને અડ .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ટેકનોલોજી જરૂરી છે. પણ જ્યારે ટેકનોલોજી આપણી ઉપર ચઢી બેસે ત્યારે એની નાગચૂડમાંથી કામચલાઉ છૂટકારો મેળવવો હિતાવહ છે
धूप में निकलो घटाओं में नहाकर देखो
जिंदगी क्या है किताबों को हटाकर देखो
- निदाफाजली
મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરીએ તાજેતરમાં નવીન ૨૦૦ શબ્દો/શબ્દ સમૂહો ઉમેર્યાનાં સમાચાર છે. ડિક્સનરીનાં એડિટરે કહ્યું કે તેઓનાં લેક્સિકોગ્રાફર્સ ઉર્ફે શબ્દકોશ સંચયન અધિકારીઓ આધુનિક વિજ્ઞાનની ભાષાથી લઈને હાલ ચલણમાં આવતા બોલચાલની ભાષાનાં શબ્દો માટે, દુનિયાભરનાં એકેડેમિક જર્નલ્સથી માંડીને સોશિયલ મીડિયા સુધીનાં,જાતજાતનાં અને ભાતભાતનાં અનેક સ્ત્રોતનું સંશોધન સતત કરે છે. અપ-ટૂ-ડેટ તો રહેવું જ પડે! ભાષા તો જ વાઇબ્રન્ટ રહે, જો સાંપ્રત દુનિયાનું વર્ણન કરવા માટે કોઈ પણ ડિક્સનરી નિયમિત રૂપે નવા નવા શબ્દોનું સંચયન/ઉમેરણ કરતી રહે. આપણી માતૃભાષા ગુજરાતીમાં આવા કામ કેમ થતા નથી?-એવો પ્રશ્ન પૂછવો અસ્થાને છે. આપણે ગુજરાતીઓ આપણી ભાષાનાં ભવ્ય ભૂતકાળનાં ભૂતને ભૂલી શકતા નથી. આપણી નવી પેઢીને નવી લાઇફસ્ટાઇલનાં નવા શબ્દો આપણે દેતા નથી. ગુજરાતી ભાષા એટલે ભૂલાતી જાય છે. જાવેદ અખ્તર કહે છે કે શબ્દ અલબત્ત વિચાર નથી, જેમ ઈંટ ઇમારત નથી. પણ ઇમારત ઈંટથી જ બને છે. શબ્દભંડોળ એટલે વધારવાની જરૂર છે. જો કે આપણાં ભાષાવિદોને ડ્રાઉં ડ્રાઉં કોઠે પડી ગયું છે!
નવા ઉમેરાયેલા શબ્દો પૈકી એક શબ્દસમૂહ 'ટ્રુ ક્રાઇમ' (True Crime) છે. વાર્તા કે નવલકથા આધારિત નાટક કે ફિલ્મમાં ગુનાની વાતો આમ તો કાલ્પનિક હોય પણ કેટલીક વાર્તાઓ ભૂતકાળમાં ખરેખર બનેલા ગુના પર આધારિત હોય તો એ 'ટ્ ક્રાઇમ સ્ટોરીઝ' કહેવાય. એ જ રીતે એક શબ્દ 'એફવાયપી'-'ફોર યોર પેજ' (For Your Page) પણ ઉમેરાયો. સોશિયલ મીડિયાનાં યુઝર માટે ખાસ કન્ટેન્ટ આ પેજ ઉપર અપલોડ થયા કરે કારણ કે ઈન્ટરનેટને ખબર છે કે આપણને શું ગમે છે? અને પછી આપણી ભૂતકાળની ઉત્સુકતાને સંલગ્ન તમામ માહિતીનો આપણી ઉપર અસ્ખલિત બોમ્બમારો થયા જ કરે. આજે જો કે અમે પસંદ કર્યો છે એ શબ્દસમૂહ 'ટચ ગ્રાસ'(Touch Grass) છે. 'ટચ' એટલે સ્પર્શ અને 'ગ્રાસ' એટલે ઘાસ. ઘાસને અડકવું એટલે?
કમ્પ્યુટર સ્ક્રીનમાં ઓતપ્રોત થઈ ગયેલાં કોઈને કહેવું કે 'ઊઠ, બહાર જા, અડાબીડ ઊગેલાં ઘાસને અડીને આવ' - એ એક અપમાન, એક તુચ્છકારો ગણાય છે. ઓનલાઈન પ્રતિક્રિયા/અનુભવની સાપેક્ષ રીઅલ વર્લ્ડની રોજબરોજની સામાન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવું એટલે 'ટચ ગ્રાસ'. અરે સાહેબ, આપણે મોબાઈલફોનનાં એટલાં તો હેવાયા થઈ ગયા છીએ કે વાત ન પૂછો. ઝાડ, પાન, ફૂલ, હવા, પવન, તડકો, વરસાદ, ઝાંકળ, નદી, દરિયો, પહાડ ભૂલાઈ જાય છે. ફરવા જઈએ તો છીએ પણ કુદરતનાં ફોટા પાડીને તુરંત અપલોડ કરવા આપણે સદા સર્વદા તત્પર રહીએ છીએ. જંગલમાં વાઇ-ફાઈ ન હોય અથવા પહાડ પર મોબાઈલ ટાવરનાં સિગ્નલ ન મળે તો આપણે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ. અરે સાહેબ! કુદરત સાથે તાદાત્મ્ય સાધી તો જુઓ. શ્વાસ ભરીને ચાલી તો જુઓ, નયનરમ્ય નદીનું ખળખળ સાંભળી તો જુઓ. કૂણાં કૂણાં અડાબીડ ઊગેલાં ઘાસને અડી તો જુઓ. પણ એવા લોકોની વસ્તી આજકાલ વધતી જાય છે કે જેઓ વધારે પડતા સમય માટે ઓનલાઇન જ ભ્રમણ કરતા રહે છે અને પોતાનાં ઈલેક્ટ્રોનિક સાધનનાં સ્ક્રીનની બહાર આવેલી સાચૂકલી દુનિયાથી વેગળા રહે છે.આજનો શબ્દ 'ટચ ગ્રાસ' આપણને ઇજન આપે છે કે કુદરતને કનેક્ટ કરો, તૃણને સ્પર્શ કરો.. નિદા ફાજલી સાહેબ આજે જીવિત હોત તો તેઓએ 'જિંદગી કયા હૈ, ઇન્ટરનેટકો હટાકે દેખો' - એવું લખ્યું હોત, અમથું ય આજકાલ કિતાબ વાંચે જ કોણ છે?
ટેકનોલોજી જરૂરી છે. પણ જ્યારે ટેકનોલોજી આપણી ઉપર ચઢી બેસે ત્યારે એની નાગચૂડમાંથી કામચલાઉ છૂટકારો મેળવવો હિતાવહ છે. 'ઘાસને અડવું' એક મુહાવરો છે જે કહે છે કે બહાર નીકળો, કુદરતને માણો. 'રહો કનેક્ટેડ' એક ઘાતક અભિશાપ સિવાય બીજું કશું નથી. ઇંગ્લિશ ભાષામાં 'અનપ્લગ' (Unplug)એવો શબ્દ પણ છે. આમ તો ઇલેક્ટ્રિક સોકેટમાંથી પ્લગ ખેંચી કાઢવો- એવો અર્થ થાય પણ મુહાવરાનાં અર્થમાં ઇલેક્ટ્રોનિક સાધન સરંજામથી અળગા થઈ જવું, કામકાજને તાળું મારવું અને કામચલાઉ રીતે નિર્લેપ થઈ જવું. ગુજરાતી શબ્દ 'નિર્લેપ' એટલે ન લેપાયેલું, ન ખરડાયેલું, રાગ, દ્વેષ, મોહ,માયા વિનાનું, અનાસક્ત. મોબાઈલ ફોનને તો પ્લગ કરીને રીચાર્જ કરવો પડે પણ 'અનપ્લગ' થઈને 'રીચાર્જ' થઈ શકે એ માણસ.
'ઘાસને અડવુ' ભલે મુહાવરાનાં અર્થમાં છે પણ ઘાસને અડવાથી થતાં વૈજ્ઞાનિક ફાયદા અનેક છે. તૃણસ્પર્શ તણાવ ઘટાડે છે. ચિંતા અને ઉદાસીની બીમારીમાં રાહત આપે છે. તમે કહેશો કે અમને કોઈ મેન્ટલ ઇલનેસ ઉર્ફે માનસિક બીમારી નથી. પણ સાહેબ, 'મેન્ટલ ઇલનેસ' અને 'મેન્ટલ હેલ્થ' - માં ફેર છે. મેન્ટલ હેલ્થ માટે પણ કુદરતનું સાનિધ્ય અસાધારણ ફાયદો કરાવતું હોય છે. કુદરત સાથે ગાળેલો સમય ક્યારેય વ્યર્થ જતો નથી. અને ફરીથી જ્યારે કામે ચઢો.. અરે ભાઈ! કામે તો ચઢવું જ પડશે, કાંઈ આખી જિંદગી ઘાસને અડયા કરવાથી મેળ નહીં પડે! આપણે તૃણસ્પર્શી બનવાનું છે, એ ય કામચલાઉ. આપણે તૃણભક્ષી નથી! ઘાસ ખાયે કાંઈ પેટ નો ભરાય. પણ...જ્યારે જિંદગીને પાછી 'પ્લગ' કરીએ ત્યારે જીવનમાં નવો જોમ, નવા ચૈતન્યનો સંચાર થાય, એ છે ટચ ગ્રાસનો પ્રતાપ. કુદરતનાં સાંનિધ્યમાં સમયસૂચક યંત્ર (ક્લોક) કરતાં દિશાસૂચક યંત્ર (કંપાસ)ની મઝા કાંઈ ઓર જ છે. અને ઘાસ એક અજબ જ વનસ્પતિ છે. જનપીઠ એવોર્ડથી સન્માનિત કવિ કેદારનાથ સિંઘ તો ઢંઢેરો પીટે છે હવે પછીની ચૂંટણીમાં તેઓ પોતાનો મત ઘાસને જ આપશે કારણ કે નાનકડી પત્તીનું બેનર લઈને ઘાસ.. વહ તો હંમેશા મેદાનમેં હૈ,કભી ભી, કહીં ભી ઊગ જાનેકી જીદ હૈ વહ..
શબ્દ શેષઃ
''ટેકનોલોજી તમારી જિંદગીને વધારે સારી બનાવવા માટે છે પણ ટેકનોલોજી એ જિંદગી નથી.'' -અમેરિકન સંગીતકાર બિલી કોક્સ