સ્મૂચ: ચુમ્મા .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- 'ચુંબનમીમાંસા' એવોય શબ્દ ભગવદ્ગોમંડલમાં છે. અર્થ થાય છે: ચૂમી લેવાનું શાસ્ત્ર
बोसा-ए-रुखसार पर तकरार रहने दीजिए
लीजएि या दीजएि र्इकार रहने दीजएि
- हफीज जौनपुरी
ચહેરાનાં ચુંબન ઉપર તકરાર રે'વા દો, કાં (ચુંબન) લઈ લો, કાં (ચુંબન) દઈ દો, (પણ) ઈન્કાર રે'વા દો. વાત સાચી તો છે. હું તો આપું અને તમને ન ગમે તો પાછું દઈ દેજો! કારણ આપવાની ક્યાં જરૂર છે? અને હવે સમાચાર છે કે બેંગલુરુમાં એક પ્રાઇવેટ ટેક્સી સ્ટાર્ટ અપ સ્મૂચ ટેક્સી સર્વિસ શરૂ થઈ ચૂકી છે. વડીલોનાં જાપ્તા અને મોરલ પોલિસિંગનાં ઠેકેદારથી બચતા યુવા પ્રેમી પંખીડા ન તો ઘરમાં મળી શકે છે, ન તો બગીચામાં ત્યારે તેઓને પ્રાઈવસી આપે એવી ટેક્સી હવે ઉપલબ્ધ છે. બારીનાં કાચ જેના કાળા છે, અંદર કોણ છે? શું કરી રહ્યા છે? એ દેખાય નહીં. અને હા, ટેકસીનાં ડ્રાઇવરને તાલીમ આપવામાં આવી છે કે પાછલી સીટ પર જે થાય એ સાંભળવું નહીં. આ સમાચાર ઘડીમાં વાઇરલ થઈ ગયા. બેંગલુરુ બેંગલુરુ, તેરા મેરા પ્યાર શુરુ. ક્યાંક સ્વાગત થયું તો ક્યાંક ભારતીય સંસ્કૃતિ સામે ખતરાનું રણશિંગુ ફૂંકાયું. પણ... પણ.. પછી ખબર આવ્યા કે આ તો એપ્રિલ ફૂલ હતું. ડેઇટિંગ એપ દ્વારા જાહેરાતનાં ભાગ રૂપે આ મજાક કરવામાં આવી હતી. અમને આ ટેક્સી સર્વિસ સાથે જોડાયેલો શબ્દ સ્મૂચ (Smooch) ) ગમ્યો. ત્રણ મહિના પહેલા મુંબઈનાં રસ્તા ઉપર ટીખળ કરતાં એક વિડીયો કન્ટેન્ટ મેકર આવતા જતાં લોકોને નિર્દોષ ભાવે પૂછતો હોય એવો એક વિડીયો વાઇરલ થયો હતો. એનો સવાલ હતો: મુઝે સ્મૂચ ચાહિયે, કહાં પે મિલેગા? તુમ દે સકતે હો ક્યા? જવાબમાં કોઇકે કીધું કે આ નામ પહેલી વખત સાંભળ્યું. કોઇકે કહ્યું કે પેલા પૂલની નીચે હાર્ડવેરની દુકાને મળી જશે. આ વિડીયો જોઈને મને થયું કે મુંબઇમાં પણ ઘણાંને શબ્દ 'સ્મૂચ' વિષે જાણકારી નથી, એ વાત અલગ છે કે સૌએ ક્યારેક 'ને ક્યારેક તો સ્મૂચ કર્યું જ છે. ચાલો આજે આંગિકમ શબ્દ સ્મૂચની વાચિકમ્ જાણકારી મેળવીએ.
ગુજરાતી લેક્સિકનમાં આ શબ્દ નથી. હોવો જોઈતો હતો. સ્મૂચ એટલે ચુંબન. ઇંગ્લિશમાં 'કિસ' શબ્દ છે જ પણ એ જનરલ અર્થમાં છે. એની સરખામણીમાં 'સ્મૂચ' એટલે પ્રેમાતુર ચુંબન, એવું જબર ચુંબન જે આલિંગન સમેત પણ હોઈ શકે. ટૂંકમાં કિસ એટલે નાનું ચુંબન અને સ્મૂચ એટલે મોટું ચુંબન. કિસ નીરવ હોય, સ્મૂચમાં અવાજ કમ્પલસરી. સ્મૂચમાં એક જોશ છે, એક ઉત્સાહ છે. કેમ્બ્રિજ ડિક્સનરી અનુસાર 'સ્મૂચ'નો એક અર્થ અડોઅડ ઊભેલાં પુરુષ અને સ્ત્રીનો ધીમો ડાન્સ પણ થાય છે. હા, એ નક્કી કે સ્મૂચ ચોરી ચોરી ચૂપકે ચૂપકે ચોડેલું સાઇલન્ટ ચુંબન નથી. આ શબ્દ ચુંબનની ક્રિયાનાં અવાજ પરથી બન્યો છે. આવા શબ્દોને ઇંગ્લિશમાં 'ઑનૉમટોપીયા' અને ગુજરાતીમાં 'રવાનુકારી' કહેવાય છે. જેમ 'સૂસવાટા', 'કલકલાટ' તેમ ચુમ્મા ઉર્ફે હોંઠનો ગાલ પર અડવાનો અવાજ. કહે છે કે ચુમ્માનો અવાજ કાંઈ બોમ્બ જેટલો લાઉડ હોતો નથી પણ એનાં પડઘા લાંબો સમય ગૂંજતા રહે છે. એક વાર એક ટ્રેનમાં એક સુંદર છોકરી અને એની માતા સફર કરી રહ્યા હતા. સામેની સીટ ઉપર એક સીનિયર મેનેજર અને એની ઓફિસમાં કામ કરતો આસી. મેનેજર હતો. ટ્રેન એક બુગદામાં દાખલ થઈ અને થોડી વાર અંધારપટ છવાયો. એક ચુમ્માનો અવાજ અને પછી એક તમાચો. અજવાળું થયું ત્યારે સીનિયર મેનજર ગાલ પર હાથ ફેરવાતો વિચારી રહ્યો હતો કે મારા આસી. મેનેજરે છોકરીને ચૂમી એમાં માતાએ મને તમાચો માર્યો. માતાને થયું કે સારું થયું મારી દીકરીએ બરાબરનો જવાબ આપ્યો. છોકરીને થયું કે આ જુવાનિયો મને ચૂમવાને બદલે મારી માતાને ચૂમ્યો હશે. કાશ, મને ચૂમ્યો હોત! જુવાનિયો મનમાં રાજીનો રેડ હતો. એ વિચારતો હતો કે મેં તો મારા હાથ પર જ સ્મૂચ કર્યું હતું. મારા મેનેજરને તમાચો પડયો. સાલો, એ જ લાગનો હતો! પછી બીજું બુગદુ આવ્યું. અંધારું થયું. છોકરાએ છોકરીને ચોરીચોરી કિસ કરી. અવાજ ન થયો. વડીલોએ વાંધો ન લીધો. લો બોલો! સ્મૂચ અને કિસમાં આ ફેર.
ચુંબનનું ય દારૂ જેવું. પહેલી વાર એની અસર જાદૂઈ, બીજી વાર એ અંતરંગ હોય અને ત્રીજી વાર આપણે એનાં હેવાયા થઈ જઈએ. ફ્રેંચ રોમાંટિક લેખક વિક્ટર હ્યુગો કહેતા કે ચુંબન થાય ત્યારે પક્ષીઓ ગાવા લાગે, બરફ પીગળતો જાય, ગુલાબની પાંદડીઓ ખૂલવા માંડે અને દૂર પર્વતનાં શિખરે તેજ વાયરામાં હલતા વૃક્ષો પાછળ સફેદ રંગ છવાતો જાય અને સૂરજ ઊગે. એક ચુંબન અને વગર કીધે આવું બધું કહેવાય જાય. 'ચુંબનમીમાંસા' એવો ય શબ્દ ભગવદ્ગોમંડલમાં છે. અર્થ થાય છે: ચૂમી લેવાનું શાસ્ત્ર. ચૂમી લેવાની રીતિ હોય, વિધિ હોય પણ શાસ્ત્ર..? ખબર નથી. હા, એટલું ખરું કે આમ સાવ લઘરવઘર વેશમાં ચૂમી લેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચુંબન ટાણે ચહેરો ચોખ્ખો અને લિસ્સો હોવો જોઈએ. હળવું સુગંધી દ્રવ્ય નિષ્પન્ન થતું હોય તો સારું. હોંઠ સૂકકા ન હોય તે જોવું. મોઈસ્ચ્યૂરાઈઝિંગ ક્રીમ ન હોય તો છેલ્લે જીભથી હોંઠને પલાળી લેવા. શ્વાસની દુર્ગંધ તો ન જ હોવી જોઈએ. લસણ ડુંગળી જો ખાધા હોય તો ચુંબન ટાળવું જરૂરી. અને પ્રાઇવસી હોવી જોઈએ. ફોનને ચૂપ કરાવીને સંતાડી દેવો. ખરે ટાણે રણકે તો મૂડની તો પત્તર જ ઝીંકાઈ જાય. જાણી ય લેવું કે જેને તમે ચૂમવા જઈ રહ્યા છો એને ગમશે કે કેમ? કવિ તુષાર શુક્લ ભલે કહે કે એમ પૂછીને થાય નહીં પ્રેમ.. પણ ડાઉટ હોય તો પૂછી લેવું. જબરજસ્તીથી થાય નહીં પ્રેમ.. હેં ને?
શબ્દ શેષ :
'ચુંબન એ કુદરતની ડીઝાઇન કરેલી એક અદ્ભૂત કરામત છે, શબ્દો જ્યારે જ્યારે અનાવશ્યક થઈ જાય ત્યારે બોલવું આપોઆપ બંધ થઈ જાય છે.' - સ્વીડિશ અભિનેત્રી ઈન્ગ્રિડ બર્ગમેન