બ્ર્રોકન વિન્ડો ફૅલસી : શિક્ષણનું અર્થશાસ્ત્ર .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- 'ફૅલસી' એટલે હેત્વાભાસ, તર્કદોષ, ભૂલભરેલી માન્યતા, ભ્રામકતા કે ભ્રમણા.
ફૂટપટ્ટી
વીસ વરસ પછી આજે અમારા 'ક્લાસ-ટીચર' મળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે 'રીટાયર્ડ' થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધુ્રજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
'તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં...
- વિપિન પરીખ
દિલ્હીનાં રાઉસ આઇએએસ કોચિંગ સેન્ટરમાં કશું ય રાઊસ નહોતું. ભગવદ્ગોમંડલ અનુસાર 'રાઊસ' એટલે બરાબર, વ્યાજબી, યોગ્ય. આ સ્ટડી સર્કલનાં ભોંયરા સ્થિત લાયબ્રેરીમાં વરસાદી પાણી ભરાવાથી ત્યાં અભ્યાસ કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબીને મર્યા. પોલિસે બહાદૂરી દાખવી અને રસ્તા પર પસાર થતી કારનાં ડ્રાઈવરની ધરપકડ કરી, એમ કે વાહનને કારણે દરવાજો તૂટયો 'ને ભોંયરામાં ઘોડાપૂર આવ્યું. લો બોલો! અલબત્ત તંત્ર ખાડે ગયું હતું. અલબત્ત વરસાદી પાણીનાં નિકાલમાં ગુનાઈત નિષ્કાળજી હતી. પણ બિલાડીનાં ટોપની માફક ફૂટી નીકળેલાં કોચિંગ સેન્ટર કે ટયૂશન ક્લાસની પ્રથા પણ આ માટે જવાબદાર છે. તગડાં પૈસા લેવા અને આશાસ્પદ યુવાનોને રગદોળવા, એ ક્યાંનો ન્યાય? સુપ્રીમ કોર્ટ ભલે કહે પણ આજકાલ શિક્ષણ નફો રળવાનું સાધન બની ગયું છે. પોષાય એવી ટયૂશન ફી હોવી જોઈએ- એવું નારાયણ મેડિકલ કોલેજ વિરુદ્ધ સ્ટેટ ઑફ આંધ્રપ્રદેશ કેસમા ંસુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એમ. આર. શાહ સાહેબનું જજમેન્ટ છે, સાહેબ. પણ શિક્ષણનો ધંધો લઈને બેઠેલાં માંધાતાઓ કોઈને ગાંઠતા નથી.આપણું શિક્ષણ તંત્ર ભાંગી પડયું છે, જેનો લાભ કોચિંગવાળા લઈ રહ્યા છે. કોચિંગ સેન્ટર્સનાં શિક્ષકો શિક્ષક નથી, સુપર સ્ટાર છે. પાનાં ભરીને જાહેરાતો ક્યાંથી આવે છે? 'ધ પ્રિન્ટ'નાં આ સમાચાર વિવેચન લેખમાંથી શબ્દ મળ્યો : બ્રોકન વિન્ડો ફૅલસી (Broken Window Fallacy).
ગુજરાતી લેક્સિકન અનુસાર 'ફૅલસી' એટલે હેત્વાભાસ, તર્કદોષ, ભૂલભરેલી માન્યતા, ભ્રામકતા કે ભ્રમણા. 'બ્રોકન વિન્ડો'નો શાબ્દિક અર્થ તૂટેલી બારી. પણ શબ્દસમૂહ તરીકે આ શબ્દો અર્થશાસ્ત્રનો અર્થ લઈને આવે છે. ઓગણીસમી સાદીનાં ફ્રેંચ અર્થશાસ્ત્રી ફ્રેડરિક બેસ્તીઅતની એક દ્રષ્ટાંતકથાનાં પાત્ર જેમ્સ ગૂડફેલો નામક એક દુકાનદાર ભારે ગુસ્સામાં હતો કારણ કે એનાં બેદરકાર દીકરાથી બારીનો કાચ તૂટી ગયો હતો. લોકો એકઠાં થઈ ગયા. નુકસાન તો થયું પણ લોકોએ આશ્વાસન આપ્યું કે એના કારણે કાચની ફ્રેમવાળાને કામ મળશે. ફ્રેમવાળાને બારી રીપેર મહેનતાણા પેટે ૬ ફ્રાન્ક્સ મળ્યા ત્યારે ફ્રેેમવાળાએ મનોમન બેદરકાર બાળકનો આભાર માન્યો. એમાંથી એણે બ્રેડ ખરીદી. બેકરીવાળાને રોજગાર મળ્યો. બેકરીવાળાએ દારૂ ખરીદ્યો. દારૂવાળાને વકરો થયો. દારૂવાળાએ દરજી પાસે કપડાં સીવડાવ્યા. એને કમાણી થઈ. જુઓને, એક બારી તૂટી એમાં કેટલાંય લોકોને આર્થિક લાભ થયો. હેં ને? પણ ફ્રેંચ અર્થશાસ્ત્રી કહે છે કે આ માન્યતા જ ખોટી છે કે નુકસાનની ભરપાઈ કરવાથી રોજગાર મળે છે. આ કથાનું શીર્ષક હતું : 'એ જે જોઈ શકાય છેત એ જે દેખાતું નથી'. એમ કે ફ્રેમવાળો, બ્રેડવાળો, દારૂવાળો, દરજી વગેરેનો રોજગાર જોઈ શકાય છે પણ શું નથી દેખાતું? એ નથી દેખાતું કે બારીનો કાચ ન તૂટયો હોત તો દુકાનદારનાં છ ફ્રાન્ક્સ બચી ગયા હોત અને એ પૈસાથી એણે એના દીકરા માટે બૂટ લીધા હોત. તો મોચીને કમાણી થઈ હોત અને પછી મોચીએ.. આમ એક પોઝિટિવ ઈકોનોમિક સાયકલ શરૂ થયું હોત. કશું ય બારીની માફક ભાંગી જાય છે ત્યારે જેને જેને આર્થિક ફાયદો થાય છે, એ સમાજનો અને દેશનો ફાયદો નથી. આ તો માત્ર મેન્ટેનન્સ કોસ્ટ છે. જો કશુંક તૂટવાથી ફાયદો થતો હોય તો એક એવા છોકરાને કામે લગાડવો જોઈએ, જે રોજ પથ્થર મારી મારીને આખા શહેરની બિલ્ડિંગ્સની બારીનાં કાચ તોડે. ફ્રેમવાળા સાથે સાંઠગાંઠ. છ ફ્રેન્કસમાંથી એક ફ્રેન્ક પેલા છોકરાનો. યૂ સી! ઈકોનોમિક સાયકલ ચાલવા માંડે. પણ આ વાત સાચી નથી. એમ તો આગ લાગે, ઘર તૂટી પડે તો બિલ્ડર નવું ઘર બાંધે. એનો ધંધો ચાલે પણ કોઈનો ધંધો ચાલે એ માટે આખું પેરિસ શહેર થોડું સળગાવી દેવાય?
આપણી શિક્ષણ પ્રથા ભાંગી પડી છે પણ એનાથી ટયૂશન ક્લાસ કે કોચિંગ સેન્ટર્સનાં 'સર' લોકોનીલખલૂટ કમાણી ચાલવા દેવી, ઠીક નથી. આ કમાણી કમાણી નથી, આ તો 'સર' લોકોનાં બખાં છે, સાહેબ! બખાં એટલે? ઘણો નફો, ભારે આમદાની.'ધ પ્રિન્ટ' લખે છે કે આ કોચિંગ સેન્ટરવાળા છડેચોક ધંધો કરે છે અને જીએસટી પણ ભરે છે. ૨૦૧૯-૨૦માં જે ૨૨૪૦ કરોડ હતો એ ટેક્સ પાંચ વર્ષમાં ૧૫૦% વધીને ૫૫૧૭ કરોડ થઈ ગયો. ધંધો ફૂલ્યો ફાલ્યો હોય તો જ આટલો ટેક્સ ભરી શકે. ટેક્સની આવકથી સરકારે ખુશ થવાની જરૂર નથી. કારણ કે આ એ છે જે દેખાય છે. જે નથી દેખાતું એ છે પરંપરાગત શિક્ષણનું કથળી ચૂકેલું સ્તર. ટયુશન ક્લાસ વિના તો કેમ ચાલશે રે....
આપણે ચીનની ટીકા કરીએ છીએ પણ ચીને ૨૦૨૧થી ટયુશન ક્લાસ પર પ્રતિબંધ મૂકી દીધો. શિક્ષણ ખાનગી ન જ હોય. બખોલ જેવા મકાનમાં કોલેજ અને તબેલાં જેવી ઇમારતમાં યુનિવર્સિટી ચાલતી હોય એ બ્રોકન વિન્ડોની જ નહીં પણ સમગ્ર શિક્ષણ પ્રથાની ફૅલસી છે.
શબ્દશેષ :
'બારીનાં તૂટેલા કાચની દલીલ આધુનિક રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ દલીલ છે.'
- બ્રિટિશ પોલિટિકલ એક્ટિવિસ્ટ એમેલીન પંકહર્સ્ટ (૧૮૫૮-૧૯૨૮)