ઓબાયટોરી : ફૂલ ખીલે પોતાની રીતે, દેખાદેખીથી નહીં
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- કોઈનાં વિકાસથી હું લગીરે જલતો નથી. એ એનો સમય છે. સમય વીતે પાનખર તો આવે જ છે.
સાવ ખોટી માંગણી કરતાં નથી,
રોજ એ કૈં માપણી કરતાં નથી,
ફૂલની માફક એ ખીલતા હોય છે,
જે મનુજ સરખામણી કરતાં નથી.
- ડૉ. મુકેશ જોષી
આજનો શબ્દ જાપાનીઝ છે. જીવન જીવવાની કલા વિષે જાપાન પાસે અદ્ભૂત શબ્દો છે. ઇકિગાઈ, વાબીસાબી, શિકિતા ગા નાય, ગામા, કાઇઝન, શુ હા રી અને આજનો શબ્દ ઓબાયટોરી (Oubaitory). આપણે આજનાં શબ્દની વિશેષ વાત કરીએ.
'ઓયુ' એટલે ચેરીનાં ફૂલોનું ખીલવું, 'બાય' એટલે પ્લમ ફૂલોનું ખીલવું, 'ટોઉ' એટલે પિચનાં ફૂલોનું ખીલવું અને 'રી' એટલે એપ્રિકોટ ફૂલોનું ખીલવું. વૃક્ષો ભલે સાથ સાથ હોય પણ અલગ વૃક્ષોનાં ફૂલો અલગ અલગ ઋતુઓમાં ખીલે. દરેક વૃક્ષની પોતાની આગવી અદા હોય. એને ખીલવું હોય ત્યારે જ ખીલે. એ ય પોતાની માત્રામાં, પોતાની રીતે, સમય આવે ત્યારે. દરેક વ્યક્તિ પણ એ જ રીતે અનોખી હોય છે. અનન્ય હોય છે. અનુપમ હોય છે. પાંચ આંગળીઓ કાંઈ સરખી ન જ હોય. પણ આપણે સરખામણી કરીએ છીએ. પાડોશી શર્માજીકા બેટા કલેક્ટર બન ગયા ઔર તૂ દેખ, કહાં રહ ગયા. માબાપ પણ દુ:ખી અને દીકરો પણ દુ:ખી. અરે ભાઈ ! કોઈ સરખાં નથી તો સરખામણી શા માટે ? દોડાદોડ અને હાયવોય શા માટે ? હું તો ભાઈ, મારા વ્યક્તિવૈશિષ્ટયનો ઉત્સવ કરીશ. તું તું જ છે, પણ હું ? હું તો હું છું. મને હું પ્રિય છે. ના, આજનો શબ્દ આમ આળસવૃત્તિનો દ્યોતક નથી.
કામ તો કરવાનું જ છે. ઊગવાનું છે, મ્હોરવાનું છે અને ખીલવાનું છે. પણ મારા સમયે, મને અનુકૂળ હોય એવી મોસમમાં અને મારી રીતે. મારે મારા રંગ અને ગંધનાં સૌંદર્યનું સામ્રાજય મારી રીતે સ્થાપવાનું છે. બસ, તુલના કરવાની નથી. મારા સુખની ચાવી મેં કોઈ અન્યને આપી નથી. કોઈનાં વિકાસથી હું લગીરે જલતો નથી. એ એનો સમય છે. સમય વીતે પાનખર તો આવે જ છે. અમરપટો કોઈ લખાવીને આવતું નથી. પણ માણસ મૂરખનો સરદાર છે. સરખામણી કરી બેસે છે.
એક વાર્તા છે. એક હતો કાગડો. એ સુખી હતો. ઊડતો રહેતો, ક્યારેક પૂરી તો ક્યારેક ખીર એને મળી રહેતી. મરેલાં જીવને ચૂંથીને ઉજાણી પણ કરતો. એક દિવસ એને કબૂતર મળી ગયો. સફેદ કબૂતર. શાંતિનો દૂત. પુણ્યશાળી આત્માઓ ચબૂતરે ચણ નાંખે. અનલિમિટેડ થાળીનું ભોજન હંમેશા ચાંચવગું. કાગડાને થયું કે સાલું, આને જબરો જલસો છે. એની સાથે સરખામણી કરી તો પહેલી ઇમ્પ્રેસન વો ગોરા ઔર મૈં કાલા ! એને ય બ્લેક લાઇફ મેટર્સ-વાળી ફીલિંગ આવી ગઈ. લો બોલો ! એણે કબૂતરને પૂછ્યું કે તારે તો કોઈ દુ:ખ હોય જ ક્યાંથી ? તો કહે કે આ બધા ચણ ખાઈ ખાઈને ઝાડા થઈ જાય છે. વળી બાજથી બીતાં ય રે'વું પડે. ક્યારે શિકાર થઈ જઈએ, ખબર ય ન પડે. ઓલ્યું કિંગ ફિશર જોયું છે ? તામ્રવર્ણ છાતી, ચમકતી ભૂરી પાંખો અને કાળી લાંબી ચાંચ. ગજબનો દેખાવ. આમ પાણીમાં ડૂબકી મારે અને તેમ ચાંચમાં માછલી લઈને બહાર. સુખી તો એ છે. કાગડો ઊડીને કિંગ ફિશરને મળ્યો. કિંગ ફિશર કહે કે મારા રૂપરંગ તો રૂડા પણ તમે પેલો મોર જોયો છે ? જાજરમાન. રાષ્ટ્રીય પક્ષી. હું તો એની સામે કાંઈ જ નથી. મારા નામની એક એરલાઇન્સ હતી એ ય વિજય માલ્યા અહીં મૂકીને ભાગી ગયો. અને બદનામ હું થઈ ગયો. પણ પેલો મોર તો ભાઈ ભાઈ... એનું મોરપિચ્છ તો માધવનો મુગટ. કાગડાને વાત સાચી લાગી. એ ગયો મોર પાસે અને રામરામ કર્યા. મોરે જય શ્રી કૃષ્ણ કહીને એનું સ્વાગત કર્યું. કાગડાની વાત સાંભળીને મોર કહે કે સઘળી વાત સાચી પણ મોરપિચ્છનાં ભારથી હું તો ઊડી ય શકતો નથી. માંડ વંડી ઠેકી શકું. બસ, એટલું જ. અને પીછાં ખરી પડે પછી તો હું એટલો કુરૂપ થઈ જાઉં કે મારી સામે કોઈ જુએ ય નહીં. ઢેલ પણ મને ફારગતી આપી દેય. કાગડાને સમજાયું નહીં. એને એમ કે 'ફાર' એટલે દૂર અને 'ગતી' એટલે સ્પીડ. પણ મોરે ચોખવટ કરી કે ફારગતી એટલે 'ડીડ ઓફ ડાયવોર્સ'. એણે આગળ કહ્યું કે મને કાયમ એમ થાય કે હું કાગડો હોત તો કેવું સારું થાત. આકાશમાં મુક્ત રીતે ઊડી તો શકત. મુક્તજીવનની તો મઝા જ કાંઈ અલગ છે. અને કોઈ તારો અવાજ સાંભળે એટલે એને પ્રિયતમનાં આગમનનાં એંધાણ મળે. પ્રેમિકાનો તો તું જ ફેવરિટ છે, ભાઈ. ગુજરાતી ભાષાનાં શિરમોર કવિ કવિ રમેશ પારેખે તારા વિષે કેટલાં કાવ્યો લખ્યા. મારો ઉલ્લેખ તો ભાગ્યે જ છે. કાગડાને થયું કે આ સાલું કેવું ? મારો અવાજ કર્કશ, રંગ શ્યામ પણ મોરનાં પોઈન્ટ ઓફ વ્યૂ-થી મારા વિષે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું.
દુનિયામાં કોઈ સરખાં નથી તો સરખામણી શા માટે ? સૌ પોતાની રીતે યુનિક છે. સુંદરતા અનેક રૂપ, રંગ અને આકારમાં આવે છે. જીવન જીવવાની કોઈ એક જ પદ્ધતિ તો હોતી નથી. મારી જાત સાથે હું હંમેશા સારી રીતે વાત કરું છું. બીજાને હું ક્યારેય સામે ચાલીને કહેતો નથી કે મારામાં આ ખરાબી છે. બીજા સાથે સરખામણી હું કરતો નથી. સરખામણીથી પ્રેરણા મળે તો કરું, બાકી ઠીક છે. અને હા, કોઈની ય ઈર્ષ્યા હું લગીરે કરતો નથી. આ સોશિયલ મીડિયાનાં ખેલ ખતરનાક છે. નાછૂટકે સરખામણી થઈ જાય છે. ઓબાયટોરી આપણને ફૂલની જેમ ખીલવા સમજાવે છે. સમય આવે ત્યારે, પોતાની ગતિથી, પોતાની મતિથી. ફૂલની વાતો જે ન સમજે એ ડેમ ફૂલ (Damn Fool) છે.
શબ્દ શેષ
''સરખામણી એ આનંદની
ચોર છે'' - થિયોડાર રૂઝવેલ્ટ