સિન્ગ્યુલોમેનિઆ: છાતી સરસું ચાંપવાની અદમ્ય ઈચ્છા
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- લેટિન શબ્દ 'સિન્ગ્યો' એટલે ચોતરફ કે આસપાસ ફરી વળવું, ચારે બાજુથી ઘેરી લેવું, આંતરી લેવું અને 'મેનિઆ' એટલે ગાંડપણ, પ્રક્ષોભ, નાદ
जाहिल-ए-मसिक मकुन तगाफुल
दुराय नैना बनाय बतियां
कतिबे-हजिरा न दारम् ए जां
न लेहु काहे लगाय छतियां ।।
- अमीर खुसरो
આ જબરી સૂફી કવ્વાલી છે, જેની એક પંક્તિ ફારસી અને બીજી પંક્તિ હિંદવીમાં છે. અને એનો મધ્યવર્તી સૂર છે પ્રેમ. વિરહ અને પ્રેમ. નિતાંત પ્રેમ. 'મિસ્કીં' એટલે ગરીબ અભાગણ. હું અભાગણ છું કારણ કે આ મારો જે પ્રેમી છે એ મારી અવગણના(તગાફુલ) કરી રહ્યો છે. આંખ ચોરી રહ્યો છે. વાત પલટી રહ્યો છે. અને હવે આ જે વિરહ છે એ મારા તાબામાં નથી. તું કેમ આવીને મને છાતીએ લગાડતો નથી? પ્રેમિકાનો આ કૂટપ્રશ્ન છે. સામી છાતીનું ધીંગાણું કરવાનાં એને ઓરતાં છે. અને આજે હગ (Hug) ડે છે. 'હગ' એટલે જોરથી ભેટવું, છાતી સરસું ચાંપવું, વળગવું, પકડી રાખવું, દબાવવું, ભેટી પડવું, ગાઢ આલિંગન, બથ ભરવી. ર. પા. લખે કે 'કોઈ પૂછે કે ઘર મારું કેવડું, મારો વાલમજી બથ ભરે એવડું'. એ બે હાથની ચૂડમાં તો મારું સર્વસ્વ આવી જાય. પ્રેમમાં આવું બધું થાય. પ્રેમમાં આવું ઘણું થાય. આજનો શબ્દ સિન્ગ્યુલોમેનિઆ (Cingulomania) એટલે કોઈને છાતીએ લગાડવાની ચરમ ઈચ્છા. આજે નહીં તો ક્યારે? ન લેહુ કાહે લગાય છતિયાં..
લેટિન શબ્દ 'સિન્ગ્યો' એટલે ચોતરફ કે આસપાસ ફરી વળવું, ચારે બાજુથી ઘેરી લેવું, આંતરી લેવું અને 'મેનિઆ' એટલે ગાંડપણ, પ્રક્ષોભ, નાદ. આ ભેટી પડવું, એ કરવા જેવું ગાંડપણ છે. આજે નહીં તો ક્યારે? વસંત ઋતુનું કલેવર સિન્ગ્યુલોમેનિઆક છે. આપણે ડિજિટલ થઈ ચૂક્યા છીએ. ફોનમાં ગૂંદાણા રહીએ છીએ. છાતી સરસું ચાંપવું તો જવા દો, જરા અમસ્તો માનવ સ્પર્શ પણ રહ્યો નથી. કોવિડની સામાજિક દૂરીએ ઘાણ વાળી દીધો હતો. હજી આપણે એમાંથી બહાર નીકળી શક્યા નથી. માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય કથળી ગયું છે. કામ કરીએ છીએ પણ ધાર્યું પરિણામ મળતું નથી. વિશ્વાસ ઘટી રહ્યો છે. ગુસ્સો વધી ગયો છે. આનો એક માત્ર ઇલાજ છે આલિંગન. આલિંગન માટે ૪:૮:૧૨ નો નિયમ છે. માણસ માટે રોજનાં ચાર આલિંગન જીવતા રહેવા માટે જરૂરી છે. આઠ જો થાય તો જીવનની નિભાવ મરામત થતી રહે છે. અને પોતાનાં અંગત વિકાસ માટે માણસ માટે દરરોજનાં બાર આલિંગન જરૂરી છે. હગ ડે તો આજે છે પણ સિન્ગ્યુલોમેનિઆ હૈ સદા કે લિયે! ન લેહુ કાહે લગાય છતિયાં..
આલિંગન સંસ્કૃત શબ્દ છે. 'આલિંગ્' એટલે ભેટવું અને 'અન' એટલે -પણું. ભેટવાપણું અથવા ભેટણું. આલિંગનમાં કોઈ વયમર્યાદા/વયતફાવત નથી. સમયનાં ય બંધન નથી. આલિંગન માટે સૌ ટાણાં સુહાણાં છે. સંબંધોનાં પ્રકાર પર આલિંગન નિર્ભર નથી. આલિંગનમાં મમતા ભાવ પણ હોઈ શકે. આલિંગન માત્ર મૈત્રી ભાવનું સૂચક પણ હોઈ શકે. આલિંગન નિર્ભેળ પ્રેમ પ્રદર્શિત કરે છે. આપણે અલબત્ત આલિંગનને રોમેન્ટિક નજરે જ જોઈએ છીએ. એનું ય કારણ એ છે કે બાહ્યરતિનાં સાત પ્રકારો પૈકી એક પ્રકાર આલિંગન છે. (અન્ય છ પ્રકાર છે ચુંબન, સ્પર્શ, મર્દન, દંતક્ષત, નખક્ષત અને અધરપાન) પણ આલિંગન માત્ર રોમેન્ટિક જ છે, એવું નથી. સૌથી મઝાની વાત એ છે કે આલિંગન એકતરફી નથી. તમે આપો એટલે સામું મળી જ જાય. તુરંત. અને એની લેતી દેતી ઊભય પક્ષે લાભદાયી છે. એ વાત જુદી છે કે એક સ્વયં આલિંગન પણ હોય છે. વૈજ્ઞાાનિકો કહે છે કે આલિંગન એક પ્રકારનો સંદેશાવ્યવહાર છે. તમે જે શબ્દોમાં સમજાવી ન શકો એ વાત વગર કહ્યે કહી દેવાની કરામત એટલે આલિંગન. આખી વાતની મઝા તો એ છે કે બંને નિ:શંકપણે સમજી જાય છે કે આ એ જ છે કે જેને મારી પડી છે. અને એટલે જ કહું છું, ન લેહુ કાહે લગાય છતિયાં..
ભેટવાની અલબત્ત એક આચારસંહિતા છે. એમાં ગમે તેમ છાકટાઈ ન કરાય. એક વાર મેનેજમેન્ટ કોલેજનો એક છોકરો કોલેજમાં એક સુંદર છોકરી સામે સ્મિત કરતાં કરતાં એને ભેટી પડયો. છોકરી તો હેબતાઈ ગઈ. પણ પછી છોકરીએ કારણ પૂછયું તો છોકરો કહે કે આ ડાયરેક્ટ માર્કેટિંગ છે. છોકરી ય મેનેજમેન્ટની સ્ટુડન્ટ હતી. એણે છોકરાને જોરથી તમાચો માર્યો અને બોલી : આ લે કસ્ટમર ફીડબેક! જેને તમે ભેટવા ઈચ્છો છો એ સામે મળે તો સ્મિત કરો, હાથોને ફેલાવો અને કહો કે બાહોમેં ચલે આઓ.. હમસે સનમ ક્યા પરદા! ઊંચાઈનું ય એડજસ્ટમેન્ટ કરવું પડે. લાંબાએ કમરેથી વળવું અને ટૂંકાએ પગનાં પંજેથી ઊંચકાવું પડે. રોમેન્ટિક આલિંગનની વાત જુદી છે પણ તે સિવાય વળગણ ઢીલું રાખવું જરૂરી છે. આલિંગન થોડી પળો માટે જ હોય. પણ રીસર્ચથી એવું પૂરવાર થયું છે કે જો તમે તકલીફનાં સમયમાં હો તો ૧૦ સેકન્ડ્સથી વધારે કોઈ વહાલાંને હળવેથી વળગી રહેવાથી સ્ટ્રેસ ઘટી જાય છે. પણ આલિંગન માટે જો કોઈ નિમંત્રે અને તમને ભેટવાની ઈચ્છા ન થાય તો હસ્તધૂનન માટે હાથ લંબાવવો કે કહેવું કે મને ભેટવું મુદ્દલ ગમતું નથી અથવા ખોંખારો ખાઈને જૂઠ્ઠું બોલવું કે મને વાઇરલ ઇન્ફેકશન છે! દૂરથી નમસ્કાર પણ કરી શકાય. પણ યાદ રહે કે પ્રેમમાં આપણે આલિંગનનાં ઓશગિણ હોઈએ છીએ. કવિ શ્રી હરીન્દ્ર દવેની પંક્તિ યાદ આવે છે: તેં પૂછયો પ્રેમનો મર્મ, ને હું દઈ બેઠો આલિંગન, જ્યાં પ્રથમ મેઘ વરસ્યો, સરિતાએ તોડયા તટનાં બંધન. ન લેહુ કાહે લગાય છતિયાં..
શબ્દશેષ
'ક્યારેક પ્રેમ શબ્દોથી નહીં પણ આલિંગનથી વ્યક્ત કરવો. એની વેલ્યૂ વધારે હોય છે.'
- પર્સી શેલી