Get The App

કનન્ડ્રમ : ઉખાણું, કોયડો, સમસ્યા, ગોરખધંધો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
કનન્ડ્રમ : ઉખાણું, કોયડો, સમસ્યા, ગોરખધંધો 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- 'કનન્ડ્રમ' એટલે એવો પ્રશ્ન કે જેનો કોઈ એક  સ્પષ્ટ ઉત્તર ન હોય

कभी यहाँ तुम्हें ढूंढा, कभी वहां पहुंचा

तुम्हारी दीद की ख़ातिर कहां-कहां पहुंचा

ग़रीब मिट गए, पामाल हो गए लेकिन

किसी तलक न तेरा आज तक निशां पहुँचा

हो भी नहीं और हर जा हो,

तुम एक गोरखधंधा हो

- नाज खिअलावी

વિ દેશમંત્રી શ્રી સુબ્રમણ્યમ જયશંકર અમને પ્રિય છે. કોઈની પણ શેહશરમમાં આવ્યા વિના, ગુસ્સે થયા વિના, ડર્યા વિના ભારત દેશની વિદેશ નીતિનો ૃદ્રષ્ટિકોણ તેઓ દરેક જગ્યાએ સ્પષ્ટ રીતે કહે છે. તડ ને ફડ. બોલવાનાં શબ્દોની તેઓની પસંદગી શ્રેષ્ઠ છે. એમાં કટાક્ષ પણ હોય છે. અને સેન્સ ઓફ હ્યુમર પણ. 'હિન્દુસ્તાન ટાઈમ્સ'નાં તાજેતરનાં સમાચાર અનુસાર ઇન્ડિયન ફોરેન સર્વિસનાં સેવા નિવૃત્ત અધિકારી શ્રી  રાજીવ સિક્રીનાં પુસ્તક 'સ્ટ્રેટેજિક કનન્ડ્રમ્સ : રીશેપિંગ ઈન્ડિયાઝ ફોરેન પોલિસી'નાં  વિમોચન પ્રસંગે તેઓએ પોતાનાં વ્યક્તવ્યમાં કહ્યું કે 'દુનિયાનાં કોઈ પણ દેશનો દાખલો લઈ લ્યો. પાડોશી દેશ હંમેશા કનન્ડ્રમ હોય છે. અને મહા સત્તા ધરાવતા દેશોનું પણ એવું જ છે. પાસપાસે હોવું એક પડકાર છે, તક પણ છે અને ગૂંચવાડો પણ છે. ચીન સાથે તો ડબલ કનન્ડ્રમ છે કારણ કે એ પાડોશી પણ છે અને મહાસત્તા પણ છે.' 

આ વ્યક્તવ્યમાંથી અમને શબ્દ મળે છે: કનન્ડ્રમ (Conundrum). ગુજરાતી લેક્સિકન અનુસાર 'કનન્ડ્રમ' એટલે કોયડો, ઉખાણું. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર 'કનન્ડ્રમ' એટલે જટિલ અને અઘરો પ્રોબ્લેમ. જેમ કે અનુભવ વિના નોકરી શોધવાનાં કનન્ડ્રમનો હું સામનો કરી રહ્યો છું. બીજા અર્થમાં 'કનન્ડ્રમ' એટલે એવો પ્રશ્ન કે જેનો કોઈ એક  સ્પષ્ટ ઉત્તર ન હોય. દા. ત. અમીર પાસેથી પૈસા લઈને ગરીબોનું ભલું કેવી રીતે કરી શકાય?- એ એક રાજકીય કનન્ડ્રમ છે. ત્રીજો અર્થ એવો પણ છે કે જેમાં સવાલ તો હોય જ પરંતુ એનો જવાબ એક શબ્દરમત કે શબ્દશ્લેષ હોય. દા. ત. સવાલ : તમને ભૂતકાળમાં ભૂલવાની બીમારી હતી? જવાબ : હા, એક વખત, કદાચ બે વખત.. 'કનન્ડ્રમ' શબ્દ સને ૧૬૦૦થી ઇંગ્લિશ ભાષામાં છે. પણ એ ક્યાંથી આવ્યો? એનું મૂળ શું છે?- એ કોઈને ખબર નથી. મતલબ કે કનન્ડ્રમ શબ્દની વ્યૂત્પત્તિ એક કનન્ડ્રમ છે! એની જોડણી અને ઉચ્ચાર પણ બદલાતા રહ્યા. ક્યારેક ક્વોનિમબ્રમ તો ક્યારેક કનનક્રમ તો ક્યારેક ક્વાન્ડડ્રમ. પણ પછી આજની જોડણી અને અર્થમાં આ શબ્દ સેટલ થઈ ચૂક્યો છે. લેખિકા કેઈટ એટકિન્સન તેમની નવલકથા 'લાઈફ આફ્ટર લાઈફ'માં નાયિકાની મનોસ્થિતિ વિષે લખે છે કે 'ઉર્સુલાને એકાંત ગમે છે પણ એકલતા ગમતી નથી અને એ કનન્ડ્રમનો ઉકેલ શોધવાની હજી એણે શરૂઆત પણ કરી નથી.' અત્યારે એવો પ્રશ્ન કે સમસ્યા કે જેનો કોઈ ઉત્તર કે ઉકેલ સહજ રીતે પ્રાપ્ય નથી-નાં અર્થમાં સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્રની દુવિધા કે કશ્મકશની સ્થિતિ દર્શાવવા માટે કનન્ડ્રમ શબ્દ છૂટથી વપરાય છે. દુવિધા માટે ઇંગ્લિશ ભાષામાં ડિલેમા (Dilemma) એવો શબ્દ પણ છે. ડિલેમામાં બે ખરાબ બાબતો પૈકી એકની પસંદગી કરવાની હોય છે. જ્યારે કનન્ડ્રમમાં બાબત એક જ છે, એક એવો અઘરો પ્રોબ્લેમ જેનો કોઈ ઉકેલ નથી અથવા એનો ઉકેલ શોધવો એ લોઢાનાં ચણાં ચાવવા જેવી વાત છે.   

 હિંદી શબ્દકોશમાં 'કનન્ડ્રમ' એટલે સમસ્યા, પ્રહેલિકા, ગોરખધંધા - એવા અર્થ પણ આપ્યા છે. ગોરખધંધો શબ્દ ગુજરાતી ભાષામાં  'ચોરી' અને 'છેતરપીંડી'નાં અર્થમાં  આવે છે પણ આવો અર્થ પહેલાં નહોતો. ગુરુ ગોરખનાથે લોકોને યંત્ર આપ્યું. શું કરવું જોઈએ? શું ન કરાય?  કેવી રીતથી કરવું? કયું સારું? એની ખબર પડતી હતી. પણ બ્રિટિશ લોકોએ સર્વે સાધુ સન્યાસી ચોર છે, કપટ કરે છે એવી હવા ફેલાવી દીધી. ગુરુ ગોરખનાથનાં શિષ્યો પણ આવા જ છે, એવી વાતો કરી. અને એ પરથી ચોરી કે ભેળસેળ માટે 'ગોરખધંધો' શબ્દ વપરાવા લાગ્યો. પણ શબ્દનો મૂળ અર્થ હજી પણ એવું  ઉખાણું કે કોયડો જે ઝટ સમજાય નહીં- રહ્યો છે.  આમ જુઓ તો પ્રેમમાં ભારોભાર કનન્ડ્રમ હોય છે. આમ જુઓ તો સગપણ પણ એક ઉખાણું જ તો છે. આમ જુઓ તો  પુરુષનો પ્રેમ શારીરિક હોય છે. સેક્સ મળે તો જ એને પ્રેેમ થયાનો સંતોષ મળે છે. પણ જો તેમ જુઓ તો... સ્ત્રી સામાન્ય રીતે પ્રેમનાં બે બોલ અને લાગણીસભર ચેષ્ટાથી પણ સંતોષ પામી જતી હોય છે. મારું બેટું, જબરું કનન્ડ્રમ છે, નહીં?! પ્રેેમી માટે પ્રેમિકા એક કનન્ડ્રમ છે. શાયર ઈબ્ને ઈન્શા પોતાની ગઝલ 'યે બાતે જૂઠી બાતે હૈ, યે લોગોને ફૈલાયી હૈ'-માં  આગળ કહે છે કે 'યા છોડે યા તકમીલ કરે, યે ઈશ્ક હૈ યા અફસાના હૈ, યે કૈસા ગોરખધંધા હૈ..' સાલી સમજ નથી પડતી કે છોડી દઈએ કે પછી અંત સુધી રાહ જોઈએ, આ તે પ્રેમ છે કે પછી કોઈ વાર્તા છે, આ તે કેવો ગોરખધંધો છે.. ઇટ્સ અ કનન્ડ્રમ, યૂ સી! 

આપણાં ભગવાનનું પણ તો એવું જ છે. મિત્ર કવિ ઉદયન ઠક્કરની એક કવિતાનું શીર્ષક છે : 'ભગવાન કાંઈ ઓછી માયા છે?' આ લેખનાં મથાળે ટાંકેલી પંક્તિઓ નુસરત ફતેહ અલી ખાને ગાયેલી કવ્વાલીનો ભાગ છે, જેમાં સવાલી ઈશ્વરને કહે છે કે તારા દર્શન માટે હું ક્યાં ક્યાં પહોંચ્યો? તને ક્યાં ક્યાં શોધ્યો? પણ તારી કોઈ ભાળ ન મળી. તું છે પણ અને નથી પણ. અને તું દરેક જગ્યાએ છે. તું એક ગોરખધંધો છે! 

શબ્દ શેષ

'ઈશ્વરમાં શ્રદ્ધા એક જબરો કનન્ડ્રમ છે. આપણાં પૈકી ઘણાં બધાને ઈશ્વરમાં શ્રદ્ધા છે. પણ જ્યારે જરીક શંકા કે લગરીક સંદેહ પગપેસારો કરે ત્યારે શ્રદ્ધા પહેલી લાગણી હોય છે, જે ડગમગ થવા લાગે છે.'

- અમેરિકન સંગીતકાર જોહ્ન ટેસ 


Google NewsGoogle News