એનશિટિફિકેશન : નફા માટે કાંઈ પણ.. .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- યુઝર્સ બોટ્સ થઈને રહી ગયા છે. આપણે સૌ ઈન્ટરનેટને વાપરનારાઓ યંત્રમાનવ થઈ ચૂક્યા છીએ
ભણ્યા ગણ્યા બહુ દરિયા ડો'ળ્યા
ગિનાન ગાંજો પીધો
છૂટયો નહીં સામાન
ઉપરથી છાંયો બાંધી લીધો!
જાતર ક્યાં અઘરી છે જીવણ!
થકવી નાંખે થેલો
-દલપત પઢિયાર
ટેકનોલોજી રોમાંચક પણ છે અને થકવી પણ નાંખે છે. ઓસ્ટ્રેલિયાની અધિકૃત ડિક્સનરી મેક્વારીએ વર્ષ ૨૦૨૪નાં 'વર્ડ ઓફ ધ યર' તરીકે 'એનશિટિફિકેશન'(Enshittification) શબ્દ ઘોષિત કર્યો છે. આમ તો ધ અમેરિકન ડાયલેક્ટ સોસાયટીએ આ જ શબ્દને વર્ષ ૨૦૨૩નો વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો હતો. એ શરૂઆત હતી, લાગે છે કે હવે એનશિટિફિકેશન વિશ્વવ્યાપી થઈ ગયું છે. એક જાણીતા ઇટાલિયન મેગેઝિન અનુસાર: ઈન્ટરનેટ મરી ગયું છે, બ્રાઉસર્સ નકામા છે, મેલબોક્સ સ્પામથી છલોછલ છે, સોશિયલ મીડિયા અને નેટવર્કસ હવે એડવર્ટાઈઝમેન્ટ ફીડ બની ગયા છે, વિઝયુઅલ્સ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ સર્જિત છે, યુઝર્સ બોટ્સ થઈને રહી ગયા છે. 'બોટ્સ' એ રોબોટ્સનું ટૂંકું નામ છે. આપણે સૌ ઈન્ટરનેટને વાપરનારાઓ યંત્રમાનવ થઈ ચૂક્યા છીએ. હા ભાઈ હા. એવું જ છે.
એનશિટિફિકેશનમાં મુખ્ય શબ્દ શિટી(Shitty) છે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'શિટ' એટલે હગવું, અઘવું, હગીને બહાર કાઢવું, ગૂ, વિષ્ટા, ગુદાદ્વારથી મળત્યાગ કરવો, ઝાડે ફરવું. પણ ઇંગ્લિશમાં આ શબ્દ હવે ઉદ્ગાર બની ગયો છે. ગુસ્સો આવે, આશ્ચર્ય થાય કે નિરાશા વ્યાપે ત્યારે શિટ્ટ-નો ઉદ્ગાર આપણે સાંભળીએ છીએ. મુશ્કેલીમાં હો તો 'ઇન ધ શિટ' કહેવાય છે. મુશ્કેલીનો અહેસાસ ત્યારે થાય જ્યારે 'ધ શિટ હિટ્સ ધ ફેન'. આ શબ્દપ્રયોગનો અર્થ એ કે માનવમળ જો પંખા ઉપર પડે તો એ વમળ બનીને આખા ઓરડામાં ચારેકોર ફેલાઈ જાય! ગંધગંધાણ.. શિટની આગળ 'એન' છે અને પાછળ 'ફિકેશન' છે. પ્રત્યય તરીકે 'એન' કોઈ પણ શબ્દની પહેલાં લાગે તો એનો અર્થ 'ની અંદર' થાય અને અનુનય તરીકે 'ફિકેશન' શબ્દની પાછળ લાગે ત્યારે એનો અર્થ 'બનવું' 'સર્જન કરવું' એવો અર્થ થાય છે. કોઈ વાત કે વસ્તુનું એનશિટિફિકેશન થાય એનો અર્થ એ કે શિટની અંદર એનું નવસર્જન થયું છે.
એનશિટિફિકેશન નવો શબ્દ છે. કેનેડિયન બ્રિટિશ લેખક, બ્લોગર, જર્નાલિસ્ટ કૉરી ડૉક્ટરૉએ પહેલી વાર સને ૨૦૨૨માં આ શબ્દ પોતાનાં બ્લોગમાં લખ્યો. ડૉક્ટરૉની દલીલ હતી કે ઈન્ટરનેટનાં કોઈ પણ પ્લેટફોર્મ/એપ શરૂઆતમાં ખોટ ખાઈને પણ તમને ઉપયોગી વસ્તુઓની નજીવા ભાવે લહાણી કરે. લોકોને મજા પડે. ઉપયોગકર્તાઓ વધતા જાય. સસ્તી વસ્તુ સૌને ગમે. માલ પૂરો પાડતા વિક્રેતાઓને પણ આવું પ્લેટફોર્મ વ્યાજબી ભાવે ધંધો કરવા તક આપે, ભલે પોતાને નુકસાન થાય. પણ એક વાર વાપરનારા અને વેચનારા બંને લૉક થઈ જાય એટલે પછી સ્વાભાવિક રીતે એનું ધ્યાન નફો રળવા તરફ વળે. દાખલા તરીકે એમેઝોન. ઓનલાઈન રીટેલર પ્લેટફોર્મ. કેટલું ય ખરીદી શકાય. એક વાર વપરાશકર્તાઓ એક મોટો વર્ગ નોંધાઈ જાય એટલે વેચનારાઓ પણ એમેઝોન તરફ આકર્ષાય. હું એમેઝોન પરથી તમારો માલ ખરીદ કરું તો તમને નફો તો થવો જોઈએ. પણ એમાં એમેઝોનની કટકી તો ખરી જ. કટકી કટકી હોય ત્યાં સુધી વ્યાજબી પણ ગયા વર્ષે આ કટકીની રકમ વેચાણ કિંમતની ૪૫% થઈ ગઈ. એટલે એમ કે ૧૦૦ રૂપિયાનો માલ વેચાય એમાં ૪૫ રૂપિયા તો એમેઝોનને જાય. વેચનારને અન્યની સરખામણીમાં પોતાનો માલ વેચવો હોય તો એ પોતાની જાહેરાત આપે. હું સર્ચ કરું તો એ જ પહેલાં દેખાય જેણે જાહેરાત આપી હોય. ગૂગલનું જબરું બખડજંતર છે. મારે શું જોઈએ?- એ ગૂગલ નક્કી કરે. હું માંગુ તે નહીં પણ એ ધારે તે દેખાડે. આપણે રહ્યા સાવ ભોળા તે ભેરવાઈ જઈએ. સોશિયલ મીડિયા, રીટેલ એન્ડ સર્વિસ પ્લેટફોર્મ, એન્ટરટેઇનમેન્ટ સર્વિસ જેવી કે ફેસબૂક, રેડિટ, ટ્વીટર (એક્સ), નેટફલિકસ, યૂ ટયુબ, એરબીએનબી, ઉબર વગેરેનું એનશિટિફિકેશન થઈ રહ્યું છે અને એનાં ત્રણ કારણ છે. પ્રોફિટ, પ્રોફિટ અને વધારે પ્રોફિટ..
છે કોઈ ઈલાજ? યસ. વેચાણ કરવા ઇચ્છુક અને ખરીદ કરવા આતુર વ્યક્તિ વચ્ચેનું આદાન પ્રદાન સીધું હોવું જોઈએ. ઇંગ્લિશમાં એને 'એન્ડ-ટૂ-એન્ડ' સિદ્ધાંત કહે છે. સ્પોન્સર્ડ વેબસાઇટ્સ પહેલાં નજરે પડે એવું શા માટે? વચેટિયો બે જણને મેળવી આપે ત્યાં સુધી તો જાણે ઠીક પણ પછી એ બંનેએ શું કરવું? એની પણ સલાહ આપતો ફરે એ એન્ડ-ટૂ-એન્ડ સિદ્ધાંત નથી. અને બીજો ઈલાજ છે 'છોડવાનો અધિકાર'. લવાજમમાંથી નીકળવું હોય તે અઘરું ન હોવું જોઈએ. પણ આ તો અભિમન્યુનો ચક્રવ્યૂહ છે. કહે છે કે આ દરેક ઓનલાઈન સોશિયલ મીડિયા, રીટેલ એન્ડ સર્વિસ પ્લેટફોર્મ અને એન્ટરટેઇનમેન્ટ સર્વિસ એક દિવસ મરશે. સેવાઓની ગુણવત્તા કથળે તો મોડા વહેલાં મોત તો આવે. પણ પછી અન્ય કોઈ ઓનલાઈન મીડિયાનું નવું ગતકડું આવશે, આવતું જ રહેશે. રક્તબીજ રાક્ષસ છે આ. એકને મારો પણ લોહીનાં ટીપાં જમીન પર પડે એમાંથી ફરી પાછા અનેક ઓનલાઈન રાક્ષસ પેદા થાય. મા કાલીની માફક એને એવી રીતે મારવો જોઈએ કે લોહીનું ટીપું ય જમીન પર ન પડે.
મારા માટે વ્યસનમુક્તિ એક સદા સર્વદા ઉચિત ઈલાજ છે. અને એ જાણવા છતાં હું મારો થેલો ભર્યા જ કરું છું. રીઢો નશાખોર બની ગયો છું હું. જીવનની જાત્રા જરા ય અઘરી નથી. પણ મારો થેલો વજનદાર થતો જાય છે. બોજનું વહન કરતાં હું થાકી જાઉં છું. ભણ્યો ગણ્યો અને ઇન્ટરનેશનલ જ્ઞાનનો ગાંજો ય પીધો પણ મન હવે ખાટું થઈ રહ્યું છે. ઓનલાઈન એનશિટિફિકેશન મને કનડે છે. પણ હું હવે જાગ્યો છું. આ મારી સવાર છે. હું સમજી ગયો છું. એક શબ્દ મને સમજાવી ગયો છે.
શબ્દ શેષ
'જાગૃતિ સાથે આવે છે જવાબદારી અને.. પસંદગી'
- આમન્ડા લિન્ડહાઉટ