Get The App

સ્વિન્ડલ : શ્રી 318 .

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
સ્વિન્ડલ : શ્રી 318                                           . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- બોસ્ટન યુનિવર્સિટીનાં જર્નાલિઝમનાં પ્રોફેસર મિશેલ ઝકોફ કહે છે કે દરેક સ્વિન્ડલ પાછળ આસાનીથી પૈસા કમાઈ લેવાની લાલસા હોય છે

રેત - ડમરી - મૃગ - તરસ - મૃગજળ વગેરે..

મન - મરણ - શ્વાસો - અનાદિ છળ વગેરે...

- ભગવતીકુમાર શર્મા

ઉપરોક્ત એબ્સ્ટ્રેક્ટ ગઝલનો મત્લા આમ જુઓ સમજાય નહીં પણ... જો તેમ જુઓ તો.... સમજાઈ જાય! આ જીવન પણ સાલું એક સનાતન છળ છે. હેં ને? મૃગ અને તરસ અને મૃગજળ, મન અને શ્વાસો અને મરણ.... આ સઘળું આખરે છે શું? મનોજ ખંડેરિયાની ગઝલનો એક શેર કહે છે.. 'તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી, પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા'. પણ આ તો કવિત્વ છે. અહીં છળ કાં તો અનાદિ હોય છે, કાં તો રૂપાળું હોય છે. આપણે અલબત્ત સમાચાર બનેલા છળની વાત કરવી છે અને એ રીતે શબ્દને સમજવાનો છે. કવિતા પ્યોર સાયન્સ છે. શબ્દસંહિતા એપ્લાઇડ સાયન્સ છે. પણ એ વાત જવા દો.  

'ડેક્કન ક્રોનિકલ' અનુસાર આદિલાબાદ, તેલાંગણામાં નેશનલ હાઇવે-૩૬૩ બન્યો. જેની પાસે જમીન લીધી એ ખેડૂતોને વળતર રૂપે ચૂકવવા માટે ફાળવેલા  ૧.૧૫ કરોડ રૂપિયા અધિકારીઓ બારોબાર ખાઈ ગયા. લો બોલો! 'ઇન્ડિયન એક્સપ્રસ'માં એક સાયબર ફ્રોડનાં સમાચાર આવ્યા કે મનીલોન્ડરિંગ કર્યું છે- એવો ખોટો આરોપ મૂકી, નોઇડા, યુપીની એક ૭૩ વર્ષનાં મહિલાએ સ્કાઈપ પર પાંચ દિવસ કોઈ નકલી પોલિસે ડિજિટલ પૂછતાછ કરી અને એની પાસેથી ૧.૩ કરોડ રૂપિયા પડાવી લીધા. 'ઓનમનોરમા'માં સમાચાર છે કે કાસરગોડ, કેરળમાં એક મહિલાએ કોઈ સ્થળે પોતે ઇસરોની એન્જીનીયર તરીકે ઓળખાણ આપી તો બીજે ક્યાંક આઇટી ઓફિસરનો સ્વાંગ રચી બેન્કર, જીમ ટ્રેઈનર, અરે એક પોલિસ અધિકારી સાથે પણ છળ કરીને લાખો રૂપિયા ઓળવી લીધા. આ બધા સમાચાર છેલ્લાં દસ દિવસનાં છે. આ બધા સમાચારનાં શીર્ષકમાં એક શબ્દ કોમન છે : સ્વિન્ડલ (Swindle). 

ગુજરાતી લેક્સિકન અનુસાર 'સ્વિન્ડલ' એટલે છેતરવું, ધૂતવું, દગાથી લઈ લેવું કે છેતરવું તે, છેતરપિંડી, છળકપટ, સ્વાંગ રચીને પડાવી લેવું વગેરે. ચેસની રમતમાં કોઈ ખેલાડી હારતો હોય ત્યારે એ એવી ચતુર ચાલ ચાલે કે સામેવાળો ભૂલ કરી બેસે. હારની બાજી જીત કે કમસે કમ ડ્રોમાં પલટાઈ જાય, એ પણ સ્વિન્ડલ કર્યું કહેવાય. સ્વિન્ડલ શબ્દ ક્રિયાપદ છે. જે સ્વિન્ડલ કરે એ સ્વિન્ડલર. મૂળ જર્મન શબ્દ 'સ્કિવિન્ડલર' કે જેનો અર્થ થાય : રમતિયાળ માણસ, ઉચ્છૃંખલ સટોડિયો અથવા છેતરપિંડી કરનારો. કહે છે કે સને ૧૭૬૨માં જર્મન યહૂદીઓ લંડન આવીને વસ્યા ત્યારે તેઓએ આ શબ્દનો અંગ્રેજ લોકોને પરિચય કરાવ્યો અને સને ૧૭૭૪થી આ શબ્દ સ્વિન્ડલર તરીકે ઇંગ્લિશ ભાષામાં દાખલ થયો. તમે કાંઈ પણ સ્વિન્ડલ કરી શકો. પૈસા, માલસામાન, વિચાર.. ટૂંકમાં એવું કાંઈ પણ કે જે છેતરપીંડીથી છીનવી શકાય. પણ સાવધાન, કોઈ તમને પણ સ્વિન્ડલ કરી શકે! ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૨૦ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે, અન્ય વ્યક્તિ સાથે છેતરપિંડી કરે, તેની મિલકત અથવા કિંમતી વસ્તુ પોતાના નામે કરે, બનાવટી સહી કરે, આર્થિક અથવા માનસિક દબાણ હેઠળ બીજાની મિલકત લઈ લે તો તેની સામે કલમ ૪૨૦ લાગુ કરવામાં આવે. આ ગુના હેઠળ મહત્તમ ૭ વર્ષની સજાની જોગવાઈ છે. આ જોગવાઈ જો કે હવે 'હતી' થઈ ગઇ છે કારણ કે હવે આઇપીસીની જગ્યાએ બીએનએસ આવી ગયું. બીએનએસ એટલે ભારતીય ન્યાય સંહિતા કે જેની કલમ ૩૧૮માં આવી જોગવાઈ છે. છળ, કપટ ધોખાધડી, બેઈમાની વગેરે, યૂ સી ! ફ્રોડ (Fraud) શબ્દ એ સ્વિન્ડલનો સમાનાર્થી શબ્દ છે. ટ્રિક (Trick), ટ્રિકરી (Trickery) કે કોન ટ્રિક (Con Trick) વગેરેનો અર્થ પણ એવો જ થાય. એક મસ્ત શબ્દ બૅમ્બુઝલ (Bamboozle) પણ છે, જેનો અર્થ થાય છે: ગૂંચવવું, છેતરવું કે ઘાલમેલ કરવી. ભગવદ્ગોમંડલ અનુસાર 'ઘાલમેલ' એટલે કોઈ પણ વસ્તુ કે વાતમાં ઘાલવા મેલવાથી થતી ગડબડસડબડ. એક શબ્દ 'કોન' પણ છે. ગુજરાતી લેક્સિકન અનુસાર કોન (Con) એટલે ભરોસો ઉપજાવીને કરેલી છેતરપિંડી. ના, ખોટેખોટું વિચારશો નહીં. 'કોન' અને 'કોન્ગ્રેેસ'ને કાંઈ લાગતું વળગતું નથી. 

બોસ્ટન યુનિવર્સિટીનાં જર્નાલિઝમનાં પ્રોફેસર મિશેલ ઝકોફ કહે છે કે દરેક સ્વિન્ડલ પાછળ આસાનીથી પૈસા કમાઈ લેવાની લાલસા હોય છે. સ્વિન્ડલ કરનાર અને સ્વિન્ડલનો ભોગ બનનાર એ બંને વચ્ચે આ એક વાત કોમન છે. વાત તો સાચી છે. આપણી કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. પણ દરેક સ્વિન્ડલમાં ભોગ બનનારની ઇઝી મનીની લાલસા જ જવાબદાર છે, એવું નથી. ક્યારેક સ્વિન્ડલર નકલી પોલિસ બનીને આવે છે, બીવરાવે છે અને પૈસા પડાવે છે. આ છલ છલોછલની પાછળ એવું કરનાર ઉર્ફે સ્વિન્ડલરનો અતિલોભ છે. અને બેઈમાની છે. પણ વાત આટલી સિમ્પલ પણ નથી. સ્વિન્ડલરને પૈસા જોઈએ છે. દારૂ, ડ્રગ્સ, સેક્સ, જુગારની થ્રીલ વગેરે એને આવા રવાડે ચઢાવે છે. બેબ્સ, બૂઝ અને બેટ્સ! આવા કારસ્તાનોને જસ્ટીફાઈ કરવામાં સ્વિન્ડલર હોંશિયાર હોય છે. એ એવું માને છે કે દુનિયાએ મને હંમેશા અન્યાય કર્યો છે, મને કાયમ છેતર્યો છે અને એટલે હવે હું બીજાને છેતરું તો બોલો એમાં ખોટું શું છે? એક વાર હું મારા મનને સમજાવી દઉં પછી મને બીજાને છેતરવું આકર્ષક લાગવા લાગે છે. આવી અનેક હોલીવૂડ-બોલીવૂડ ફિલ્મ્સ છે, જેમાં હીરોને સ્વિન્ડલ કરતો દર્શાવ્યો છે અને એની એ આદતને યોગ્ય પણ દર્શાવાઈ છે. આપણને એવા બન્ટી બબલી ગમે છે કારણ કે આપણાં મનમાં ઊંડે ઊંડે સ્વિન્ડલ કરવાની અતૃપ્ક ઈચ્છા હોય છે. આપણે જે કરી શકતા નથી એ સિને પડદા ઉપર કોઈ કરે એવી વાત આપણને ગમે છે. આપણું મન ક્ષુબ્ધ નટવરલાલ છે! 

શબ્દ શેષ :

'પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા એક સ્વિન્ડલ છે અને એ માટેની આત્મસાત્  માન્યતાઓ મોટે ભાગે ભ્રમણા હોય છે.' 

- બ્રિટિશ નવલકથાકાર જ્યોર્જ આર્વેલ (૧૯૦૩-૧૯૫૦)


Google NewsGoogle News