કોલ્ડ શોલ્ડર : ઠંડી ઉપેક્ષા .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- 'કોલ્ડ શોલ્ડર'માં 'દેખીતી રીતે અપમાન કરવું' એવો અર્થ નથી. અહીં અનદેખી કરીને અપમાન કરવાની વાત છે. આ સાયલન્ટ ઇન્સલ્ટ છે!
મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
- 'સૈફ' પાલનપુરી
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી અને બાંગ્લા દેશનાં ચીફ એડવાઇઝર અમેરિકામાં મળ્યા. ભારતનાં પ્રધાનમંત્રી પણ અમેરિકામાં જ હતા. પણ ન મળ્યા. નેપાળ અને બાંગ્લા દેશને પાકિસ્તાનની મદદથી સાર્ક સંગઠન ફરીથી કાર્યરત કરવું હતું. સાર્ક (સાઉથ એશિયન એસોસિએશન ફોર કોઓપરેશન) સંગઠન ૨૦૧૬થી મૂર્છિત અવસ્થામાં છે. પાકિસ્તાન સાથે કોઈ સંવાદ થાય એવું ભારત ઇચ્છતું નથી. ૨૦૨૪માં સત્તા પરિવર્તન પછી બાંગ્લાદેશની પાકિસ્તાન સાથેની 'યે નજદીકિયાં' વધી છે. આપણે અલબત્ત પાકિસ્તાન કે બાંગ્લાદેશને ઘાસ નાંખવા ઇચ્છુક નથી. ભારતનાં વિદેશ મંત્રી બાંગ્લાદેશનાં વિદેશમંત્રીને મળ્યા તો ખરા પણ 'સાર્ક'ને ચેતનવંતુ કરવા અંગે મગનું નામ મરી પાડયું નહીં. 'ડેક્કન હેરલ્ડ'નાં આ સમાચારનું શીર્ષક હતું : 'ઈન્ડિયા કોલ્ડ શોલ્ડર્ડ લેટેસ્ટ મૂવ બાય નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન ટૂ રીવાઈવ સાર્ક'. ટૂંકમાં, ભારતે કોઈ ભાવ આપ્યો નહીં. સિફતથી નજર ફેરવી લીધી. આપણી તો ઉપેક્ષા ય કળામય છે! શબ્દસંહિતા માટે અમને શબ્દ મળ્યો : કોલ્ડ શોલ્ડર (Cold Shoulder).
શાબ્દિક અર્થ 'ઠંડો ખભો'! ગુજરાતી લેક્સિકન અનુસાર 'કોલ્ડ શોલ્ડર' એટલે જાણી જોઈને કરેલું બેદરકારીપૂર્વકનું વર્તન, ઠંડકથી ઉપેક્ષા દર્શાવવી. ના, અહીં દુશ્મનાવટ નથી. પણ દોસ્તી પણ નથી. વર્તનમાં ઉષ્મા નથી, સહાનુભૂતિ નથી. બેધ્યાન, બેપરવાઈ, ઉદાસીનતા, ઔદાસ્ય કે મહત્ત્વ આપવાની વૃત્તિનો અભાવ- એવા અર્થ થાય. કોલ્ડ શોલ્ડર-માં અલબત્ત આવું વર્તન જાણીબૂઝીને કરવામાં આવે છે. દા. ત. રેસ્ટોરાંમાં ડીનર વેળાએ એને એનો જૂનો સાહેબ મળી ગયો પણ હી ગેવ હિમ અ કોલ્ડ શોલ્ડર. સમાનાર્થી ઇંગ્લિશ શબ્દ 'સ્નબ' (Snub) પણ છે. આમ તો ઉતારી પાડવું, ઉવેખવું કે અપમાન કરવું- એવો અર્થ થાય પણ 'કોલ્ડ શોલ્ડર'માં 'દેખીતી રીતે અપમાન કરવું'- એવો અર્થ નથી. અહીં અનદેખી કરીને અપમાન કરવાની વાત છે. આ સાયલન્ટ ઇન્સલ્ટ છે! ઇંગ્લિશ ભાષામાં 'સાયલન્ટ ટ્રીટમેન્ટ' એવો શબ્દ પણ છે.
સ્કોટિશ લેખક સર વોલ્ટેર સ્કોટની નવલકથા 'ધ એન્ટીક્વરી'માં પહેલી વાર કોલ્ડ શોલ્ડર શબ્દોનો ઉપયોગ થયો હતો, જેના મૂળમાં ચોથી સદીનાં લેટિન ભાષામાં લખાયેલા 'વલ્ગેટ બાઇબલ'નાં શબ્દોનો ખોટો અનુવાદ હતો. શબ્દો હતા : એ અડિયલ હતો, જિદ્દી હતો, એણે હઠપૂર્વક પોતાની પીઠ ફેરવી લીધી. લેટિન શબ્દ 'ઉમરસ'નાં બે અર્થ થાય છે. એક 'પીઠ' અને બીજો 'ખભો'. વોલ્ટેર સ્કોટે અનુવાદમાં 'ખભો' શબ્દ રાખ્યો. આમ જુઓ તો 'પીઠ ફેરવી લીધી' કદાચ વધારે યોગ્ય શબ્દપ્રયોગ થાત. ગુજરાતી લેક્સિકન અનુસાર 'પીઠ ફેરવવી' એટલે તજી દેવું, તિરસ્કારથી જોવું, તરછોડવું, મદદ માટે ના પાડવી વગેરે. પણ એક ખોટો અનુવાદ પછી ઇંગ્લિશ ભાષામાં લોકોની જીભે ચઢી ગયો એનું એક અન્ય કારણ પણ હતું. મધ્યકાલીન ઈંગ્લેંડમાં માનવંતા મહેમાનોને ઉમળકાભેર ગરમ ભોજન પીરસવામાં આવે એ સ્વાભાવિક આગતાસ્વાગતાનો ભાગ કહેવાતો પણ કોઈ અણગમતાં મહેમાન આવી ગયા હોય તો એને જાણી જોઈને 'કોલ્ડ શોલ્ડર મટન' પીરસવામાં આવતું. બકરાનાં ખભાનાં ભાગનું ઠંડુ મટન પીરસાય ત્યારે મહેમાને સમજી જવું કે હવે સમય થઈ ગયો છે અહીંથી નીકળી જવાનો. 'કોલ્ડ શોલ્ડર' શબ્દોની આ લોક-વ્યૂત્પત્તિ સાહિત્યિક તો નથી પણ રસપ્રદ છે. લોકોની જીભે ચઢીને આવતા શબ્દો વિષે વિદ્વાનો ભલે ચોખલાવેડા કરે પણ અમને એમાં મઝા પડે છે.
જાણકારો કહે છે કે 'કોલ્ડ શોલ્ડર' આપવો પણ સારી વાત નથી. સંબંધ માટે પણ સારી વાત નથી. રીસર્ચ તો કહે છે કે વાત ન કરો, માહિતીનું આદાનપ્રદાન ન કરો તો સામેવાળાનાં દિમાગ પર એ જ અસર થાય છે, જે અસર શારીરિક પીડનને કારણે થાય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જો સીધી કે આડકતરી રીતે આતંકની પુષ્ટિ કરતાં હોય તો ભારતની ઉપેક્ષા અલબત્ત જાયજ છે. આપણે સમજી ગયા છીએ કે બહુ ગળે મળવામાં ભલીવાર નથી. ભારત શક્તિશાળી દેશ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પરિપક્વતા દાખવે છે. આડોડાઈને વશ થતો નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. કોલ્ડ શોલ્ડર તો હજી શરૂઆત છે. આતંકવાદને સમર્થન આપતા પાડોશીને પણ પુચકારવો જોઈએ, એવી નપુંસક નીતિ હવે નથી. મુત્સદ્દીગીરી કે કૂટનીતિમાં ઉપેક્ષા હાથવગું હથિયાર છે.
માનવ માનવ સંબંધની વાત જો કે અલગ છે. અહીં કૂટનીતિ નથી. ઉપેક્ષા પણ ઠીક નથી. વાત કરી લેવી. જોડાણની કોશિશ કરી લેવી. સંબંધ પર બુલડોઝર ફેરવતા પહેલાં એક વાર મળી લેવું. 'ઠંડો ખભો' આપતા પહેલાં પેટ છૂટી વાત કરી લેવી. બશીર બદ્ર કહે છે કે 'દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે, જબ કહીં હમ દોસ્ત હો જાયે તો શર્મિંદા ન હો'. સાહિર સાહેબે પણ વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન-વાળા સંબંધને એક 'ખૂબસૂરત મોડ' ઉર્ફે ફૂટડો વળાંક(!) આપવાની વાત કહી હતી. અન્ય સાથે તો શું, અમે અમારી જાત સાથે પણ ઝગડીએ તો પણ જાતની ઉપેક્ષા કરતા નથી. 'સ્વાર્થ' અને 'સ્વસંભાળ' બે અલગ બાબત છે. અને હા, અમને કોઈ પાસે ટચૂકડી ય અપેક્ષા નથી. અમે એટલે જ કોઇની ઉપેક્ષા કરતા નથી. અમે મહાન છીએ!
શબ્દશેષ :
'કમ સે કમ, હું મારી જાત સાથે વાત તો કરું છું. હું મને કોલ્ડ શોલ્ડર આપતો નથી.' - અમેરિકન લેખક ગ્રેગરી મેગ્વાયર