ટેમ્પરરી : અસ્થાયી, અનિત્ય, કામચલાઉ .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ખુશી ટેમ્પરરી છે અને દુ:ખ પણ. ગતિ ટેમ્પરરી છે અને રૂકાવટ પણ. કાયમીપણું કામચલાઉ છે અને કામચલાઉપણું પણ કામચલાઉ છે
ऐ बहार-ए-बाग़ दुनिया चंद रोज़
देख लो इस का तमाशा चंद रोज़
ऐ मुसाफ़िर कूच का सामान कर
इस सरा में है बसेरा चंद रोज़
- शाह अकबर दानापुरी
દુ નિયાનાં બાગમાં વસંત ઋતુ થોડા દિવસો માટે છે. થોડા દિવસ એનું પ્રદર્શન જોઈ લે. આપણે મુસાફર છીએ. સામાન બાંધીને રાખ. આ ધર્મશાળામાં રહેવાસ થોડા દિવસ માટે તો છે. દિલ્હીનાં પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીનાં અત્યારનાં મુખ્ય પ્રધાન આતિશીને ટેમ્પરરી (Temporary) વિશેષણથી નવાજ્યા. એમાં તો દિલ્હીનાં લેફ. ગવર્નર વિનય સકસેના ગુસ્સે થઈ ગયા. તેઓએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો કે ચૂંટાયેલા મુખ્ય પ્રધાનને 'ટેમ્પરરી' કહેવાની વાત બંધારણનાં પાયાનાં સિદ્ધાંતની વિરૂદ્ધ છે અને રાષ્ટ્રપતિનું અપમાન છે, એ રાષ્ટ્રપતિ કે જેઓ મુખ્ય મંત્રીને નિયુક્ત કરે છે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'આતિશી'નો અર્થ થાય સહેજમાં ગુસ્સે થનારા પણ આતિશીજીએ જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું કે મને તો હસવું આવે છે કારણ કે લોકશાહીમાં દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ ટેમ્પરરી જ તો હોય છે. પોતાનો કાર્યકાળ પતે એટલે વાર્તા પૂરી ! વ્હોટ અ ફિલોસોફી...
ટેમ્પરરી હવે કાયદેસર ગુજરાતી શબ્દ છે. ટેમ્પરરી શેલ્ટર (કામચલાઉ આશ્રયસ્થાન), ટેમ્પરરી રીલીફ ફ્રોમ પેઈન (દુ:ખાવામાંથી થોડા સમયની રાહત) વગેરે શબ્દો આપણે સાંભળીએ છીએ. ગુજરાતી ભાષાનાં માન્ય સાર્થ જોડણીકોશમાં અનુસાર એનો અર્થ 'અસ્થાયી', 'અનિત્ય' કે 'કામચલાઉ' થાય છે. અલ્પકાલિક, સામાયિક પણ તમે કહી શકો. ઉર્દૂમાં ટેમ્પરરી માટે આરઝી કે ચંદરોજા શબ્દો છે. વચગાળાની કે કામચલાઉ સરકારને આરઝી હકૂમત કહે છે. 'રોજ' એટલે દિવસ અને 'ચંદ' એટલે થોડા એ ચંદરોજા. ઈંગ્લિશ ભાષામાં ટેમ્પરરી શબ્દ સને ૧૫૪૦ થી છે. મૂળ લેટિન શબ્દ 'ટેમ્પસ' એટલે સમય અથવા સીઝન. જે કાયમી નથી તે. એ પરથી 'ટેમ્પોરેરિસ' એટલે સીઝનલ, એક સમય સુધી જ જેનું અસ્તિત્વ જ ન રહે. ગાંધીજીનાં મતે હિંસાથી થતો ફાયદો ટેમ્પરરી હોય છે પણ એનાથી થતું અનિષ્ટ પરમેનન્ટ હોય છે. એક ઈંગ્લિશ શબ્દ કન્ટેમ્પરરી (Contemporary) પણ છે. કો+ ટેમ્પરરીમાં 'કો' એટલે સાથે. એવા જે એક સમયે સાથે હતા. 'સમકાલીન' કે 'સમવયસ્ક' એવો અર્થ થાય.
'અનિત્ય' બૌદ્ધ ધર્મનો એક સિદ્ધાંત છે. પાલી ભાષામાં 'અનિકા' કહેવાય. દરેક વસ્તુની અવસ્થા સતત બદલાતી રહે છે. કશું ય કાયમી ક્યાં છે ? વિચારો, લાગણીઓ, ભાવનાઓ, એટલે સુધી કે શરીરનાં દરેક કોષ પણ સતત બદલાતા રહે છે. અનિત્ય-નો સ્વીકાર કરી લઈએ તો જીવનની ચઢતી પડતીને આપણે સમભાવથી જોઈ શકીએ, બદલાવને હકારાત્મક રીતે લઈ શકીએ. એ જરૂરી છે કે જે એની સાથે રહીને વહેતા રહીએ. ખુશી ટેમ્પરરી છે અને દુ:ખ પણ. ગતિ ટેમ્પરરી છે અને રૂકાવટ પણ. કાયમીપણું કામચલાઉ છે અને કામચલાઉપણું પણ કામચલાઉ છે. કશું ય શાશ્વત નથી. પ્રેમ ? મહાકવિ હરિવંશરાય બચ્ચની મધુશાલાની પંક્તિ છે :
दो दिन ही मधु मुझे पिलाकर ऊब उठी साकीबाला,
भरकर अब खिसका देती है वह मेरे आगे प्याला,
नाज़, अदा, अंदाजों से अब, हाय पिलाना दूर हुआ,
अब तो कर देती है केवल फ़र्ज़ - अदाई मधुशाला।।
બે દિવસમાં જ પ્રેમથી કંટાળેલી સાકી હવે સામે પ્યાલો ખસકાવીને જતી રહે છે. (લો, ઢીંચી લો !) પહેલાં જેવો એ અનુગ્રહ હવે નથી, એ અદા, એ અંદાઝ પણ હવે નથી, એ શોખી કે નખરેબાજી પણ તો હવે ક્યાં છે ? હવે તો બસ ફરજ છે એટલે પીવાડે છે. બાકી હરિ હરિ...! જુઓને, પ્રેમ પણ ક્યાં પરમેનન્ટ છે ? એમ્બરોઝ બીઅર્સ 'પ્રેમ'ની વ્યાખ્યા કરતાં કહે છે કે પ્રેમ એ ટેમ્પરરી ગાંડપણની બીમારી છે, જે લગ્ન કરવાથી મટી શકે છે !
ટૂંકમાં, જીવન અસ્થાયી છે. જવાની તો જવાની જ હોય છે. ૪૨ વર્ષે મને બેતાલાં આવ્યા. ભલે પધાર્યા ! દાંતમાં હખળડખળ ચાલુ થઈ ગઈ. ૬૫ વર્ષે ઘૂંટણમાં એક અજીબ સી ઘુટન મહસૂસ થઈ રહી છે. ની રીપ્લેસમેન્ટની જરૂર પડી છે. વાળ કે જે ધોળાં થઈ ચૂક્યા છે અને ધોળાં કાળાં કરવા માટે ફાંફાં મારવા પડે છે. કવિ શ્રી અનિલ જોશીનાં શબ્દોમાં કહું તો ખિસકોલીએ ડાળ ખંખેરી પાંદડા વેર્યા સાત અને મને લાગ્યું કે પાનખર બેઠી. હું તો મારી ટેમ્પરરીનેસનો સાદર સ્વીકાર કરું છું. પણ એક ફરીદ નામનો હજામ હતો જે બાદશાહનાં વાળ કાપવા ગયો. વાળ કાપ્યા પછી ભોળે ભાવે બોલ્યો કે હજૂર, આપના વાળ હવે ધોળાં થવા લાગ્યાં છે. એક હજામ અને એની આવું કહેવાની હિંમત... બાદશાહે ફરીદ હજામને છ મહિના માટે જેલમાં પૂરી દીધો. પછી એક દરબારીને પૂછયું કે 'મારા માથે વાળ ધોળા થયા છે ?' દરબારી ગભરાતા ગભરાતા બોલ્યો કે 'હજૂર, ખાસ નહીં' બાદશાહને થયું કે એનો અર્થ છે કે થોડાં વાળ ધોળા તો છે. 'ત્રણ મહિનાની જેલ'. બીજા દરબારીને પૂછયું તો એણે શાણાં થઈને કહ્યું કે 'હજૂર, આપનાં બધા જ વાળ કાળાં છે.' તો બાદશાહ ગુસ્સે થઈ ગયો. આ સાલો જૂઠ્ઠું બોલે છે. 'દસ કોરડાં મારો અને ત્રણ મહિના જેલમાં પૂરી દો.' પછી મુલ્લા નસરુદ્દીનને પૂછયું. મુલ્લાએ જવાબ દીધો કે 'હું તો રતાંધળો છું એટલે તમારા પ્રશ્નનો જવાબ ચોકસાઈપૂર્વક નહીં દઈ શકું. પણ હા, મારી ઉંમરે માથે ટાલ પડે એનાં કરતાં ધોળાં પણ વાળ હોય એ જ સારું.' મને લાગે છે કે જીવનમાં બધું જ ટેમ્પરરી છે પણ સેન્સ ઓફ હ્યુમર પરમેનન્ટ રહી જાય એટલે ભયો ભયો !
શબ્દ શેષ
''ટેમ્પરરીથી વધારે પરમેનન્ટ બીજું કાંઈ નથી.''
- અમેરિકન કવયિત્રી સ્ટોલિંગ્સ