Get The App

વેલકમ : ભલે પધાર્યા! .

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
વેલકમ : ભલે પધાર્યા!                                          . 1 - image


- શબ્દ સંહિતા-પરેશ વ્યાસ

આવ ગઝલ, તારું સ્વાગત છે,                                                                                      

કોઈ તને મળવાનું ટાળે?                                                                                         

-યામિની વ્યાસ 

સ્વાગત છે નવ વર્ષનું. વિક્રમ સંવત વર્ષ ૨૦૮૧ સૌને શુભ નીવડે. સૌને લાભ થાય. સૌનું મન મસ્ત અને તન ટનાટન રહે. વેલકમ ટૂ ધ લાઈફ! શબ્દ 'વેલકમ' ભારતીય ઉદ્યોગનાં રતન ટાટાનાં નિધન સમયે ફરી સમાચારમાં આવ્યો હતો. ટાટા નેનોનું કારખાનું મૂળ પશ્ચિમ બંગાળમાં સ્થપાવાનું હતું પણ તે સમયે એટલે કે વર્ષ ૨૦૦૬માં પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષ તરીકે મમતા બેનરજીએ તત્કાલીન સામ્યવાદી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. 

કંટાળેલા રતન ટાટાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું કે તેઓ પશ્ચિમ બંગાળમાંથી નેનો પ્રોજેક્ટ હટાવી દેશે. તે સમયે ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રતન ટાટાને એક શબ્દનો એસએમએસ કર્યો હતો. એ એક શબ્દ હતો   વેલકમ(Welcome).. ટાટા નેનોની ફેક્ટરીની સિંગુંરથી સાણંદની સફર આ એક શબ્દ પર થઈ હતી. તાજેતરમાં રશિયામાં આયોજિત બ્રિક્સ શિખર સંમેલનમાં મોદીસાહેબ ચીનનાં જિનપિંગને મળ્યા ત્યારે તેઓએ ભારત ચીન વચ્ચે થયેલી સરહદ સમજૂતીને તેઓએ 'વેલકમ' કર્યાનાં પણ સમાચાર આવ્યા. આજે વેલકમ શબ્દથી નવા વર્ષની પ્રથમ શબ્દસંહિતામાં આપ સૌ શબ્દપ્રેમી વાંચકોનું સ્વાગત છે. 

ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'વેલકમ' એક ઉદ્ગાર છે, જેનો અર્થ થાય છે સુસ્વાગતમ્, સ્વાગત, આવકાર, સત્કાર, -નું સ્વાગત કરવું, વધાવી લેવું, આવકારલાયક, અતિથિ તરીકે સ્વીકાર્ય, વાપરવા કે લેવાની છૂટવાળું. દાખલા તરીકે, વિદ્યાર્થીઓ શિક્ષકનાં ઘરે ગયા ત્યારે શિક્ષકે તેઓને વેલકમ કર્યા. અથવા આર્ટ ગેલરીમાં મારા ચિત્રોનું પ્રદર્શન છે, યૂ આર વેલકમ. એટલે એમ કે તમને આવવાની છૂટ છે. કેટલાંક લોકોને જોખમ હોય તો પણ  કાંઈ પડી હોતી નથી. ધે વેલકમ ડેન્જર! આવ બલા, પકડ ગલા.. પુરાતન ઇંગ્લિશમાં એક શબ્દ હતો 'વિલકમા'. 'વિલ્લા' એટલે ખુશી, ઈચ્છા અથવા પસંદગી. અને 'કુમા' એટલે મહેમાન. તમે મહેમાન બનીને મારે ત્યાં આવો અને એ કૃત્ય મારી ઈચ્છા કે પસંદગીને અનુકૂળ હોય તો... તમે વેલકમ, નહીં તો.. ના, 'વેલગો' એવો કોઈ શબ્દ ઇંગ્લિશમાં નથી. 'નોટ વેલકમ' એવું કહેવું પડે. ગુજરાતીમાં 'આવકારો' શબ્દ છે તો 'જાકારો' એવો શબ્દ પણ છે. 'ગ્રીટિંગ' એટલે કે  સલામ, શુભેચ્છા કે રામરામનાં ઉદ્ગાર તરીકે વેલકમ શબ્દ સને ૧૫૩૦માં પહેલી વાર રેકર્ડ થયો હતો. કોઈ તમને 'થેન્ક યૂ' કહે તો તમે જવાબમાં એને 'યૂ આર વેલકમ' કહો એ અર્થમાં વેલકમ શબ્દ સને ૧૯૦૭થી વપરાતો થયો. આપણે તો ભલે પધાર્યા! એવું કહીએ છીએ. ઠીક થયું છે, જે આપ અમારા આંગણ આવ્યા.

આપણે ત્યાં વેલકમની આગવી પરંપરા છે. દૂહો છે ને કે 'કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન, તું  થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા'. દુલા ભાયા કાગ પણ લખી ગયા કે તારે આંગણિયે આશા કરીને કોઈ આવે તો 'કેમ તમે આવ્યા?' એમ ન પૂછવું. એની વાતું સાંભળીને આડું ન જોવું. માથું હલાવી હોંકારો દેવો. કોઈ સંકટ સંભળાવે તો શક્ય હોય તો એ સંકટ કાપવું, ઇફ પોસિબલ, યૂ સી. એને પાણી પાવું. સાથે બેસીને ખાવું. ઝાંપા સુધી મેલવા ય જાવું. વેલકમ આમ એમ ને એમ નો થાય, બાપ. ઈની ય કોક આચારસંહિતા હોય, હોં ને? આ વાત જો કે યજમાનનાં પોઈન્ટ ઑફ વ્યૂ-થી છે. પણ એવો મહેમાન હોય જે આવે ત્યારે આપણે વેલકમ તો કરીએ પણ પછી જવાનું નામ જ ન લે તો? આમ ઝટ ઝાંપા સુધી જવાની વાત જ ન કરે તો? ઓસ્કાર વાઇલ્ડ કહેતા કે કેટલાંક એવા હોય છે જે જ્યાં જાય ત્યાં ખુશી વેરતા હોય છે અને કેટલાંક એવા હોય છે એ જ્યારે ત્યાંથી જાય છે ત્યારે સૌને ખુશી આપે છે! માટે ધ્યાન રહે કે આમ તો 'યૂ આર વેલકમ' પણ 'કન્ડિશન્સ એપ્લાઇડ..' 

અમને કવિ ડેરેક વોલ્કોટની 'લવ આફ્ટર લવ' કવિતા યાદ આવે છે. જાતને વેલકમ કરવાની વાત છે એમાં. પોતાની જાતને જ કહેવું કે 'ભલે પધાર્યા', હેં તે આમ કાં આજે તમે આ તરફ ભૂલા પડયા?!  જુઓને, અરીસા સામે સમસ્ત ઊભા રહીને હાઇ હેલો કરી લેવું, હસી લેવું, પોતાની જાતને જ કહી દેવું કે તમને આજે મળીને ઘણો આનંદ થિયો, ભાઈ! કારણ કે.... આમ સૌને આવકારો આપવાની લ્હાયમાં ને લ્હાયમાં ક્યાંક આપણે આપણી પોતાની જાતને જ જાકારો આપવાની તજવીજ તો કરતા નથી ને?!  'જબ વી મેટ' ફિલ્મમાં કરીનાનો સંવાદ યાદ આવે કે મૈં મેરી ફેવરીટ હૂં! પરમાર્થ કરતાં પહેલાં સ્વાર્થનું પણ સ્વાગત કરી લેવું. ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ લખે છે કે 'નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું'. કોઈનો ય 'નિષેધ' એટલે કે નકાર જો નથી તો પોતાની જાતનો પણ નિષેધ શા માટે? 'વેલકમિંગ યોરસેલ્ફ' એટલે પોતાની જાતની જરૂરિયાત અને પોતાની અંગત લાગણીઓનો પ્રત્યે ઉદાર રહેવું, એનું સન્માન કરવું, જેથી નિરાશ ન થઈ જવાય. અને એટલે જ હું મારા શરીરની સંભાળ રાખું છું, જાતને ગમતું કરવાનો સમય ફાળવું છું. હું બીજા માટે કાંઈ પણ કરું ત્યારે જાતનાં વખાણ કરવાનું ચૂકતો નથી કે હું સર્વ ગુણ સંપન્ન છું. હું ખુશ છું કારણ કે ખુશ રહેવાનો મારો અબાધિત અધિકાર છે. હું તો હું જ છું. મેં મનને દુરસ્ત રાખવાની આદત જ પાડી દીધી છે. હસતો રહું છું હરદમ. અબ્દુલ હમીદ અદમનો શેર યાદ છે? હસકે બોલા કરો બુલાયા કરો, આપકા ઘર હૈ, આયા જાયા કરો! આઈ વેલકમ માયસેલ્ફ!

શબ્દશેષ :

'સ્મિત એ વિશ્વવ્યાપી વેલકમ છે.' -અમેરિકન કવિ, લેખક મેક્સ ઇસ્ટમેન


Google NewsGoogle News