Get The App

કાઈન્ડનેસ : કર ભલા, હોગા ભલા .

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
કાઈન્ડનેસ : કર ભલા, હોગા ભલા                             . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- કાઈન્ડનેસ (Kindness). દુનિયાની દરેક અને કોઈ પણ વ્યક્તિ જો દયા, ભલાઈ, અનુકંપા, મહેરબાની, નેકી, રિઆયત, કૃપા, મહેરબાની, મહેર, સદ્વ્યવહાર, સદ્વર્તન કે કરુણાનું આચરણ કરે તો સૌનાં જીવનનો ઘણો ભાર હળવો થઈ જાય. 

વૈષ્ણવજન તો તેને કહિયે, 

જે પીડ પરાયી જાણે રે   

પરદુ:ખે ઉપકાર કરે તોયે, 

મન અભિમાન ના આણે રે                                                                                                              

- નરસિંહ મહેતા

'ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ'માં ચેન્નાઈનાં સોફ્ટવેર એન્જીનીયરનાં સમાચાર વાંચીને લોકોને આશ્ચર્ય થયું કે આવા લોકો આજે ય છે? પોતાના કોઈ સગા નથી પરંતુ આ  યુવાન નિયમિત રીતે પંદરેક વડીલોને મેડિકલ સારવાર માટે હોસ્પિટલ લઈ આવે છે, કન્સલ્ટિંગ દરમ્યાન સાથે રહે છે, સારવાર બાદ ઘરે પહોંચાડે છે. બદલામાં કશુંય જોઈતું નથી એને. એ ચૂપચાપ કરે છે આ કામ. કોઈ જાહેરાત કરતો નથી. હા, કોઈ વડીલ આગ્રહ કરે તો એનાં ઘરે થોડું ઘરનું ભોજન ખાઈ લે છે. વડીલોને સંતોષ મળે છે. આ વાત એક ડૉક્ટરનાં ધ્યાન ઉપર આવી, જે સમાચાર બની, જેનું શીર્ષક હતું : ચેન્નાઈ ડૉક્ટર સ્ટન્નડ્ બાય ટેકીઝ હિડન એક્ટ ઓફ કાઈન્ડનેસ. 'તેલાંગણાં ટૂડે' અનુસાર કોલ્ડપ્લે બેન્ડનો ભારત પ્રવાસ પૂર્ણ થયો ત્યારે ક્રિસ માર્ટીને કહ્યું : થેંક યૂ ઈન્ડિયા. યોર લવ એન્ડ કાઈન્ડનેસ વિલ સ્ટે વિથ અસ ફોરએવર એટલે કે પ્રેમ અને કરુણા સદૈવ રહેશે. 'ધ ટ્રીબ્યુન'એ કેલિફોર્નિયાની જંગલની આગ સામે ઝઝૂમતા ફાયર ફાઇટર્સને સ્થાનિક શીખ કોમ્યુનિટી દ્વારા ભોજન સેવાનાં સમાચારને 'કાઈન્ડનેસ ઇન ક્રાઇસિસ' શીર્ષક આપ્યું. ઓક્સફોર્ડ ચિલ્ડ્રન ડિક્સનરીએ ૬ થી ૧૪ વર્ષનાં ૮૦૦૦થી વધુ બાળકોને પૂછીને ત્રણ શબ્દો શૉર્ટલિસ્ટ કર્યા હતા. એક 'આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ' (કૃત્રિમ બુદ્ધિ), બીજો 'કોન્ફલિક્ટ' (સંઘર્ષ કે અથડામણ)  અને ત્રીજો શબ્દ હતો 'કાઈન્ડનેસ' (ભલાઈ). પછી મતદાન થયું. 'કાઈન્ડનેસ' વર્ષ ૨૦૨૪નો સરતાજ શબ્દ જાહેર થયો. બાળકો ભારે બુદ્ધિશાળી હોય છે. તેઓ સમજે છે કે અત્યારે ભેદભાવ વધી રહ્યો છે. મન વ્યથિત થઈ જાય છે. કદાચ કોઈ એક શબ્દ પાસે આ મુશ્કેલીનો ટોટલ ઉકેલ હોય તો એ શબ્દ છે કાઈન્ડનેસ (Kindness). દુનિયાની દરેક અને કોઈ પણ વ્યક્તિ જો દયા, ભલાઈ, અનુકંપા, મહેરબાની, નેકી, રિઆયત, કૃપા, મહેરબાની, મહેર, સદ્વ્યવહાર, સદ્વર્તન કે કરુણાનું આચરણ કરે તો સૌનાં જીવનનો ઘણો ભાર હળવો થઈ જાય. ચાલો, આજે આપણે શબ્દ-એ-નવાઝિશની થોડી વાતો કરીએ.  

તુલસીદાસ લખી ગયા કે દયા ધરમકા મૂલ હૈ પણ..પણ.. દયાની માને ડાકણ ખાય, એમ પણ બને! એક જાણીતી ઇસપકથા છે. અંતરિયાળ જંગલમાં એક સિંહ વામકુક્ષી કરી રહ્યો હતો ત્યારે એક ઉંદર ત્યાં આવી ચઢયો. મસ્તી મસ્તીમાં સૂતેલાં સિંહનાં નાક ઉપર ફેરફુદરડી ફરતો'તો ત્યાં સિંહ જાગ્યો, લાલપીળો થયો અને ઉંદરને પંજામાં પકડયો. ઉંદરને થયું કે આપણાં તો ભૈ રામ રમી જવાના.. એણે હાથ જોડયા, દયાની ભીખ માંગી, બોલ્યો કે હે જંગલનાં રાજા, કો'ક દિવસ હું ય તમને કામ લાગીશ. સિંહને હસવું આવી ગયું. અલ્યા તું... અને મને કામ લાગે? પણ પછી એનાં દિલમાં રામ વસ્યા અને એણે ઉંદરને પંજામુક્ત કર્યો. પછી બન્યું એવું કે એક શિકારીએ બીછાવેલી જાળમાં સિંહ ફસાઈ ગયો. અને ત્યારે પેલો ઉંદર સિંહની વહારે ચઢયો. દાંતથી જાળ કાપી સિંહને આઝાદ કર્યો. અને પછી બંને જણાં- યે કાઈન્ડનેસ, હમ નહીં છોડેંગે- ગાતા ગાતા જંગલમાં હાલી નીકળ્યાં. અને પછી તો ઉંદરમાં હિંમત આવી ગઈ. એણે સિંહ પાસે માંગણી કરી કે મારે તારી દીકરી હારે લગન કરવું સે. સિંહનાં મનમાં દયાનાં ભાવ જાગ્યા. એણે પૈણવાની પરમિશન આપી. અને પછી તો એ'ય કરીને ઉંદરનાં દરમાં ય ભૈ શરણાઈ વાગી 'ને ઉંદર ઘોડે ચઢયો 'ને જાન નીકળી. સાત ફેરા સાથે વિવાહ સંપન્ન થયા પણ.. પણ પછી -સુહાગ રાત હૈ ઘૂંઘટ ઊઠા રહા હૂં મૈં- એવું ગીત ગાતા ગાતા ઉંદરડો પરસેવાથી રેબઝેબ થૈ ગ્યો. થાકી ગયેલો ઉંદરડો પછી પરાણે પ્રેમ કરવા ગયો, કન્યા વરરાજા પર પડી 'ને વરરાજો ચગદાઇ મર્યો. બિચારી સિંહ કન્યા..... સુહાગ રાતે જ વિધવા થઈ ગઈ. દયાની માને ડાકણ ખાઈ ગઈ. કાઈન્ડનેસ આમ જુઓ તો કાયમ સારી પણ જો તેમ જુઓ તો......! 

જૂની ઇંગ્લિશ ભાષામાં એક શબ્દ હતો 'ક્યન્ડનેસ'. એનો અર્થ થતો હતો 'દેશ', 'ઉત્પાદન' અથવા 'વધારો'. તેરમી સદીથી આ શબ્દ આજનાં અર્થમાં એટલે કે નૈતિક કાર્ય કે ભલાઈનાં અર્થમાં આવી ગયો. કદાચ દેશ અને ભલાઈ બંને એક જ છે. કોઈની ભલાઈ કરો તો શરીરમાં ઑક્સિટોશિન નામક પ્રેમ હોર્મોન ઝરે છે. રસ્તે ચાલતા એક ભાઈની બેગ ખુલ્લી હતી અને કાગળો નીચે પડયા. તરત ધ્યાન દોર્યું. વેરવિખેર કાગળિયાંને વીણવામાં મદદ કરી. પેલાએ આભાર માન્યો. બંનેને સારું લાગ્યું, જેનું કારણ હતું ઑક્સિટોશિન. એક બહેને આ જોયું. એણે વખાણ કર્યા. ભલાઈ કર્મનાં સાક્ષી બનો તો પણ ઑક્સિટોશિનનો સ્ત્રાવ થાય! શરત એટલી કે આ દેખાડો ન હોવો જોઈએ. અને હા, મન અભિમાન ન આણે રે!-વાળી શરત તો છે જ. કાઈન્ડનેસનાં અનેક કામ રોજ કરું છું. ઢગલાબંધ ગ્રોસરી શોપિંગ બાદ બિલ ચૂકવણી માટે લાઇનમાં ઊભો હોઉં ત્યારે મારી પાછળ કોઈ એવી વ્યક્તિ ઊભી હોય જેની પાસે એકાદ બે આઇટેમ જ હોય તો એને હું  આગળ કરું છું. ગાડી ચલાવું છું ત્યારે બાજુથી આવતી ગાડીને લખનૌનાં નવાબની માફક પહેલે આપ પહેલે આપ કહું છું. કોઈ સમજાવે એ, જે પહેલેથી જ ખબર હોય તો પણ હું એને અધવચ્ચે અટકાવતો નથી, સાંભળી લઉં છું. કોઈ નિવૃત્ત શિક્ષકને ફોન કરીને ખબરઅંતર પૂછી લઉં છું. કોઈનું સારું કરવાનાં મોટા ઈરાદા કરતાં એક નાની ખરેખરી કાઈન્ડનેસ લાખ ગણી સારી. ઇઝન્ટ ઈટ ?

શબ્દશેષ

'શબ્દોમાં કરુણા આત્મવિશ્વાસ જગાવે છે. વિચારોમાં અનુકંપા તત્ત્વદર્શિતા લાવે છે. કોઈને માટે કશું કરી છૂટવાનું સત્કર્મ પ્રેમનું દ્યોતક છે.' 

- લાઓ ત્સુ


Google NewsGoogle News