પર્સ્યૂટ ઓફ પર્પઝ: જીવવાનાં પ્રયોજનનો પીછો કરતાં રહેવું તે
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- જીવવાનો હેતુ તનમનને દુરસ્ત રાખે છે. અને એટલે જ, જીવવાનાં ઉદ્દેશ્ય પાછળ મંડી રહેવું જરૂરી છે
કૂર્માવતાર
અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની સંખ્યામાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે:
- હવે શું ?
ભારત જઇ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊંડીને સ્થિર થઇ ગયાં
પોતપોતાનાં માળામાં
અમે બધા
સિટી વિનાના
સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ
- પણ કેટલાં ?
અમે ટેલિવિઝન જોઇએ
- પણ કેટલું ? ક્યાં લગી ?
સ્થિર થઇ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
- અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઇ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય ?
- પન્ના નાયક
અમિતાભ બચ્ચન ૮૧ વર્ષે 'કૌન બનેગા કરોડપતિ' ની ૧૬મી સીઝનમાં યજમાનગતિ કરે છે. રજનીકાંત સાથે નવી ફિલ્મ પણ આવી રહી છે. લોકો અમિતાભને પૂછે છે કે તમે આ ઉંમરે પણ કામ કેમ કરો છો ? અમિતાભ કહે છે કે 'મારી પાસે કોઇ જવાબ નથી. કદાચ એમ કે કામ કરવાની એક તક મળી છે, બીજું તો શું કારણ હોઇ શકે ? સૌ પોતાની જાતનું મૂલ્યાંકન કરે છે અને નક્કી કરે છે કે ક્યાં સુધી કાર્યરત રહેવું ? પોતાનાં સંજોગ, પોતાની સ્થિતિ પ્રમાણે તેઓને વર્તવાનો અધિકાર છે. સૌ કોઇ પોતાની માન્યતા માટે સ્વતંત્ર છે. જે રીતે કોઇ માણસ કામ ન કરવા માટે સ્વતંત્ર છે, એ જ રીતે હું કામ કરવા માટે સ્વતંત્ર છું.' અમિતાભ બચ્ચન પાસે ૮૧ વર્ષે પણ કામ કરતાં રહેવાનાં કારણનો કોઇ જવાબ નથી પણ એ જવાબ અમારી પાસે છે અને એ છે આજનો શબ્દ સમૂહઃ
પર્સ્યૂટ ઓફ પર્પઝ (Pursuit of Purpose)
ગુજરાતી લેક્સિકન અનુસાર 'પર્સ્યૂટ' એટલે પાઠલાગ, વ્યવસાય, નોકરી અથવા મનોરંજન, પીછો, કેડો, પ્રવૃત્તિ, ધંધારોજગાર, સાહિત્યિક પ્રવૃત્તિ. 'પાઠલાગ' એટલે પાછળ લાગવું તે. ભગવદ્ગોમંડલ અનુસાર પાઠલાગ એટલે 'મૃગયા' અથવા 'શિકાર કરવો' એવો અર્થ પણ છે. અને 'પર્પઝ' એટલે હાંસલ કરવાનો ઉદ્દેશ, અપેક્ષા, ધારણા, હેતુ, ઇરાદો, પ્રયોજન, સંકલ્પ, દ્રઢનિશ્ચય, અમિતાભ બચ્ચન કામ એટલા માટે કરે છે કારણ કે તેઓએ સંકલ્પ કર્યો છે કે કામનો પીછો કરવા રહેવું. સતત વ્યસ્ત રહેવું. બુઢ્ઢા હોગા તેરા બાપ!
કમાણી તો કરવી જ પડે, નહીં તો ઘર કેવી રીતે ચાલે?-એવી ચિંતા અમિતાભને નથી. પણ ના, એ કામ કરે છે. સતત કામ કરે છે. કદાચ એટલે જ ફિલ્મ 'કૂલી'નાં સેટ ઉપર થયેલાં લગભગ જીવલેણ અકસ્માત બાદ આ ઉંમરે પણ સ્ફૂર્તિથી કામ કરી શકે છે. માઈલ્સ મુનરોનાં એક પુસ્તકનું શીર્ષક છે: પર્સ્યૂટ ઓફ પર્પઝ. માણસને આખરે શું જોઈએ? પરિતોષ, તૃપ્તિ, પૂર્ણ સંતુષ્ટિ. એ ક્યારે મળે? જ્યારે તમારું રોજબરોજનું કાર્ય તમારા સંકલ્પ સાથે મેળ ધરાવતુ હોય ત્યારે. લોકો કે સમાજ ભલે તમને સફળ ગણે પણ જો તમને મઝા ન આવતી હોય તો એવી સફળતા સંતુષ્ટિ આપતી નથી. એનાથી ઊલટું, લોકો ભલે એમ ગણે કે તમે સફળ નથી પણ જો તમારા હેતુ સાથે તમારું કામ બંધબેસતું હોય તો તમને સુખ મળતું જ હોય છે.
નરદમ રીટાયર થવું ઠીક નથી. બહાર જાઓ. કમાઓ. પાર્ટ ટાઈમ તો પાર્ટ ટાઈમ પણ કામ કરો. કહે છે કે કામ કરતાં સિનિયર સીટીઝન અદ્યતન ટેકનોલોજી ઝડપથી શીખી લે છે, દુનિયાભરમાં બેલાશક હરીફરી શકે છે, વારંવાર અન્યની મદદની જરૂર રહેતી નથી, આર્થિક રીતે પણ તેઓ કોઈનાં ઓશિયાળાં હોતા નથી. 'ધ ઇન્ટર્ન' (૨૦૧૫) ફિલ્મમાં હીરો રોબર્ટ ડી નીરો ૭૦ વર્ષનો વિધુર છે. હીરોઈન એની હેથવેઝની ઓનલાઈન ફેશન કંપનીમાં સીનિયર ઇન્ટર્નની જોબ માટે અરજી કરે છે. પોતાને વર્ષો સુધી ફોનબૂક બનાવતી કંપનીમાં વરિષ્ઠ જગ્યા પર કામ કરવાનો બહોળો અનુભવ છે. પણ હવે રીટાયર છે. એણે દુનિયા ફરી લીધી છે. હવે દોસ્ત સાથે ગોલ્ફ રમે છે. બગીચામાં યોગાસન કરે છે. રેસ્ટોરાંમાં વાનગીનો સ્વાદ માણે છે. સ્વજનોની અંતિમક્રિયામાં હાજરી આપે છે. પણ લાઈફમાં કોઈ પર્પઝ નથી. ઇન્ટર્નની નોકરી એને પર્પઝ આપે છે. ફિલ્મ અત્યંત મજેદાર છે. આગળની વાર્તા નહીં કહું પણ હા, આ જ ફિલ્મ હિંદીમાં બની રહી છે, જેમાં અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ અભિનય કરશે. વાહ!
જીવનમાં કોઈ પર્પઝ હોવો જરૂરી છે એટલું જ નહીં પણ એ પર્પઝનાં પર્સ્યૂટમાં લાગી રહેવું, એનાથી વધારે જરૂરી છે. વર્ષ ૨૦૧૫નાં એક અભ્યાસમાં એવું પૂરવાર થયું છે કે જે ૬૫ વર્ષ બાદ કામ કરતા રહે છે તેઓનાં તંદુરસ્ત રહેવાનાં ચાન્સ ત્રણ ગણાં વધી જાય છેત હૃદયરોગ કે કેન્સર જેવી ગંભીર બીમારીનાં ચાન્સ ઘટીને અડધાં થઈ જાય છે. માનસિક બીમારી જેવી કે અલ્ઝાઇમર (ભૂલવાની બીમારી) પણ આવતી નથી. તેઓનો જીવવાનો હેતુ તનમનને દુરસ્ત રાખે છે. અને એટલે જ, જીવવાનાં ઉદ્દેશ્ય પાછળ મંડી રહેવું જરૂરી છે. પણ હા, મોટી ઊંમરે ગમતું કામ ન મળે અથવા એ કામ તમારા હેતુ સાથે તાદાત્મ્ય ધરાવતું ન હોય તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે. ખોટું ટેન્સન ન લેવું. મંઈ ગઈ નોકરી... આપણે અમિતાભનાં વહેમમાં ન રહેવું. રીટાયર થઈ જવું. જ્યુસ પીવાનું, કેરમ રમવાનું, મઝ્ઝાની લાઈફ..!
શબ્દ શેષ:
'તમારા જીવનમાં બે દિવસો સૌથી વધારે અગત્યનાં છે. એક એ દિવસ જ્યારે તમે જન્મ્યા હો અને બીજો એ દિવસ જ્યારે તમને ખબર પડે કે શા માટે ?
- માર્ક ટ્વેઇન