ચીટ ડે : કાંઈ પણ ખવાય એવો દિવસ! .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ચીટ ડે એટલે તો સઘળું ડાયેટિંગ ત્યજીને એક આખો દિવસ અકરાંતિયા પેઠે ખાયા જ કરવું- એવો અર્થ થાય!
ફક્ત એ જ શહેનશાહ છે,જે આઇસ્ક્રીમનો શહેનશાહ છે.
- વાલેસ સ્ટીવન્સ
આ ખી કવિતા 'ધ એમ્પરર ઑફ આઇસક્રીમ' વાંચીએ તો મૃત્યુ જેવા ગંભીર વિષયમાં પણ આઇસક્રીમની વાત આવે છે. જિંદગી ક્ષણભંગુર છે. આઇસક્રીમ જેવી. પીગળી જાય તે પહેલાં ચગળી લેવી. સમાચાર છે કે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા માનનીય ચંદ્રચૂડ સાહેબ રોજ વહેલી સવારે જાગી જાય છે, યોગસાધના કરે છે, નિયમિત આયુર્વેદિક આહાર તેઓની આદત છે, દર સોમવારે તેઓ ઉપવાસ કરે છે, સાબુદાણા નહીં પણ રામદાણા(રાજગરા)ની વાનગીની ફરાળ કરે છે, પણ..... જ્યારે ચીટ ડે (Cheat Day) હોય ત્યારે તેઓ આઇસક્રીમ ખાઈ લે છે. એનડીટીવીનાં ઇન્ટરવ્યૂમાં તેઓએ પોતે જ આ વાત કહી છે. કહેવાય છે કે ખુશી બજારમાં ન મળે, ખુશી ખરીદી ન શકાય. પણ આઇસક્રીમ બજારમાં મળે, એને ખરીદીને ખાઈ શકાય. અને આખરે વાત તો એક જ છે! આજનો શબ્દ ચીટ ડે છે. 'ચીટ' એટલે છેતરવું. 'ડે' એટલે દિવસ. જો દેશનાં સર્વોચ્ચ ન્યાયમૂત પણ ચીટ ડે (છેતરવાનો દિવસ) ઉજવતા હોય તો આપણે 'ચીટ' શબ્દને ઇન્ડિયન પીનલ કોડ સિવાયનાં અર્થમાં જાણી લેવો જોઈએ.
મેદસ્વી શરીર અનેક રોગનું ઘર છે. પહેલાં મેદવૃદ્ધિ અનેક રોગની જનક મનાતી હતી. હવે એ ખુદ એક રોગ છે. એટલે જ જાગૃત લોકો કસરત કરે છે અને આહારમાં પરહેજી પાળે છે. ડાયેટિંગ વિષે વોટ્સએપ યુનિવર્સિટીમાં અનેક સંદેશાઓ હરફર કરે છે. વજન કેટલું છે?- એ ચોરેચૌટે ચર્ચાતો વિષય છે. અમર્યાદ ભોજનની ટેવનાં કારણે ફાંદ ઘેઘૂર બનતી જાય છે. થાક અથાગ લાગે. આમાંથી છૂટકારો મેળવવા ડાયેટિંગનાં રવાડે ચઢી જતા લોકો બે પ્રકારનાં હોય છે. બંને પ્રકારનાં લોકો ઓછી કેલોરીવાળો આહાર ઓછી માત્રામાં ખાય છે પણ પહેલાં પ્રકારનાં લોકોને પોતાની આવી આદત પર ગર્વ છે. આ લોકો હચૂકડચૂક થતાં નથી. એની સરખામણીમાં બીજા એવાં છે કે જેને સતત એવું લાગ્યા કરે છે કે આ ડાયેટિંગનાં કારણે તેઓ જીવનમાં કશુંક ગુમાવી રહ્યા છે. આમ પણ ૪૦ વર્ષ પછી વ્યક્તિની કામવાસના અન્ય ઇન્દ્રિયો પરથી હઠી જઈને માત્ર ને માત્ર જીભ પર કેન્દ્રિત થઈ જતી હોય છે. આ બીજા પ્રકારનાં ડાયેટાતૂર લોકો માટે 'ચીટ ડે' શબ્દ સર્જાયો છે. આ શબ્દ ટ્રીટ ડે (Treat Day)) હોવો જોઈતો હતો. 'ટ્રીટ' શબ્દનો એક અર્થ છે ઉજાણી, પ્રીતિભોજન. પણ ચીટ ડે લોકોની જીભ પર ચઢી ગયો છે. ભોજન વિષે અનેક સ્વૈચ્છિક નિયમન અપનાવ્યા પછી, કોઈ એક ચોક્કસ દિવસે એ સઘળાં નિયમન તોડીને, પોતાની જાત સાથે છેતરપીંડી કરીને, કશુંક ન ખાવાનું ખાઈ બેસવાનો દિવસ એટલે ચીટ ડે. ચીટ મીલ (Cheat Meal) એવો શબ્દ પણ છે. કદાચ આ શબ્દ વધારે સાચો છે. ચીટ ડે એટલે તો સઘળું ડાયેટિંગ ત્યજીને એક આખો દિવસ અકરાંતિયા પેઠે ખાયા જ કરવું- એવો અર્થ થાય!
'ચીટ મીલ' ખાવું ફાયદાકારક છે. શરીરનાં ચરબીકણોમાં એક લેપ્ટિન નામક હોર્મોન હોય છે જે ભરપેટ ભોજન બાદ મગજને સિગ્નલ મોકલે છે કે બસ, હવે બહુ થયું! ખાવું બંધ કરો. શું મંડી પડયા છો. આ લેપ્ટિનનું લેવલ વધે એટલે તમને ભોજન આરોગવાનો સંતોષ મળે છે અને એટલે બાકીનાં નૉન-ચીટ દિવસોમાં ચટાકેદાર પણ નુકસાનકારક ખાવાનું ખાવાની ઈચ્છા થતી નથી. ચીટ મીલનો એક ફાયદો એ પણ છે કે એનાથી માનસિક રીતે ઘણી રાહત મળે છે. જો મને ખબર હોય કે આજે ભલે હું આવું બાફેલું કાચું ભોજન ઓછી માત્રામાં ખાઉં છું પણ....મારો પણ એક ચીટ ડે આવશે. અપના દિન ભી આયેગા! અને ત્યારે મને છૂટ મળશે. એ દિવસે મારી સ્વાદેન્દ્રિય એક અનુપમ તૃપ્તિનો ઓડકાર લેશે. આહા! અને એટલે અત્યારે હું મારા કડક ડાયેટિંગ નિયમનનું વિના સંકોચે પાલન કરતો રહું છું. ચીટ ડે ભોજનનાં પાંચ નિયમો છે. પહેલો નિયમ એ કે ભાવતું ભોજન આરોગીને ગુનો કર્યાની લાગણી ન થવી જોઈએ. ચીટ મીલને એન્જોય કરો. મઝા લો. બીજો નિયમ એ કે ચીટ ડેનું આયોજન આગોતરું કરવું. એમ નહીં કે અચાનક એક દિવસ જાતને કહેવું કે ચાલો આજે ચીટ ડે, મન ફાવે એ ઝાપટી લઈએ. ત્રીજો નિયમ એ કે ભાવતા અને સ્વાદિષ્ટ ભોજનનો જથ્થો હંમેશા મર્યાદિત રાખવો. ચીટ ડે એટલે ખાયા જ કરવું- એવું જરાય નહીં. ચોથો નિયમ એ કે એ જોવું કે ચીટ ડે છાશવારે ન આવે. એમ કે અઠવાડિયે એક વાર કે મહિને એક વાર. અને છેલ્લે, એ ધ્યાન રાખવું કે એક વાર જાત છેતરીને ન ખાવાનું ખાઈ લીધું પણ પછી એવું અનેક વાર થવાની આદત ન પડી જાય.
'ફાઇટર' ફિલ્મનાં શૂટિંગ માટે ૧૪ મહિના સુધી સ્ટ્રિક્ટ ડાયેટિંગ અપનાવ્યાં બાદ ચીટ ડે આવ્યો ત્યારે રિતિક રોશને બીટરૂટ હલવા, પ્રોટીન બ્રાઉની અને મગદાળહલવો મિનિટોમાં ઝાપટીને નામ રોશન કર્યા-નાં સમાચાર છે. ક્રિકેટર વિરાટ કોહલીનું વિરાટ ચીટ મીલ દાલ મખની અને ગાર્લિક નાન છે. ટાઈગર શ્રોફ માટે દર રવિવાર ચીટ ડે છે અને તે દિવસે ટાઈગર ચોકોલેટ, વડાપાઉં, પિત્ઝા અને ચાર પાંચ કટોરી આઇસક્રીમનો શિકાર કરે છે. ચીટ ડેનાં દિવસે કૃતિ સેનનને પાણીપુરી અને પંજાબી ફૂડની આકૃતિ પસંદ છે. 'એનિમલ' ફિલ્મ શૂટિંગ શિડયુલ પત્યેથી બોબી દેઓલ પાશવી અદાથી પોતાનું સ્નેક્સ એકસ્ટ્રા હની અને બટર સાથે એન્જોય કર્યું હતું. 'પુષ્પા'ની હીરોઈન રશ્મિકા મંડાનાનું ચીટ ફૂડ ચોકોલેટ આઇસક્રીમ છે. મૈં ઝૂકેગા નહીં! ફરી ફરીને ચીટ ફૂડ તરીકે આઇસક્રીમ સરતાજ હોય, તેવું લાગે છે. ખાઈ લેવું. ગુનો કરી લેવો. દેશનાં સર્વોચ્ચ ન્યાયાધીશ ખુદ આપણી તરફેણમાં છે. તંઈ શું!
શબ્દશેષ
'તૃપ્ત થાઓ, જીતી લો.'
-અજ્ઞાત