મૂનશોટ થિંકિંગ : ભગીરથ પુરુષાર્થનો વિચાર
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- મોટો વિચાર હોય, મોટા પરિણામની અપેક્ષા હોય તો મોટો પ્રયાસ કરવો પડે.
'વિશ્વમાં બુદ્ધિમતાની કોઈ મર્યાદા નથી. હા, આપણે સાહસ અને સર્જનશીલતાની મર્યાદામાં અટવાઈ જતા હોઇએ છીએ.'
- એસ્ટ્રો ટેલર
સર્વનું કલ્યાણ હો તો,
રીત સાચી થઇ જશે.
ના હસી કાઢો,
જુઓ, એ દિવ્યદ્રષ્ટા છે જ છે,
આંબશે ઊંચાઇ,
સૌની ચોડી છાતી થઇ જશે.
- યામિની વ્યાસ
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર ગયા અઠવાડિયે કવાડ શિખર પરિષદમાં મૂનશોટ કેન્સર નિદાન માટે ભારત તરફથી ૭૫ લાખ ડોલરની ગ્રાન્ટ આપવા માટે બાંહેધરી આપીને મોદી સાહેબે કહ્યું કે આ પહેલના પરિણામે ઇન્ડોપાસિફિક દેશોનાં લોકોને પોષાય એવી, સુલભ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કેન્સર સારવાર મળી રહેશે. આ
શબ્દ મૂનશોટ (Moonshot) એટલે?
'મૂનશોટ' એ 'મૂન શોટ' શબ્દોની વૈકલ્પિક જોડણી છે. ચંદ્રયાન અથવા તો કોઈ પણ ગગનયાન (સ્પેસક્રાફ્ટ) જે ચંદ્ર ઉપર ઉતરે અથવા એની ફરતે ફેરા ફરે, એવા મહાઅભિયાનને મૂનશોટ કહેવાય. 'શૂટ' એટલે પ્રક્ષેપણ કરવું. પ્રક્ષેપિત થાય એને શોટ કહેવાય. આ શબ્દ આ અર્થમાં સને ૧૯૪૯થી ચલણમાં છે પણ આજે આ બે શબ્દો જોડાઈને સમાચારનો શબ્દ 'મૂનશોટ' બને એમાં કેન્સર અને ચંદ્રમાં દેખીતી રીતે કોઈ કનેક્શન નથી. તો પછી આ 'કેન્સર મૂનશોટ'?
મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર સાંપ્રત સમયમાં 'મૂનશોટ' નવા અર્થમાં આવે છે. ઇંગ્લિશ ભાષામાં એક શબ્દ છે 'લોન્ગ શોટ' (Long Shot). 'લોન્ગ શોટ' એટલે કાંઈક એવું જેમાં સફળ થવાની તક ઘણી ઓછી હોય પણ તેમ છતાં કોશિશ કરવામાં શું જાય? ગુજરાતી લેક્સિકન એનો અર્થ 'ઊટપટાંગ અનુમાન અથવા સાહસ' કરે છે. અમને લાગે છે કે લોન્ગ શોટ આમ સાવ ઊટપટાંગ એટલે કે અટપટું, ગોટાળાવાળું કે વ્યર્થ સાહસ હોતું નથી. કાંઈક તો તર્ક જરૂર હોય છે. આ નવા અર્થમાં 'મૂનશોટ' શબ્દ આ 'લોન્ગ શોટ' શબ્દ પરથી આવ્યો છે. કોઈ પ્રચંડ વાત કે વિચાર કે જેમાં અબજોનું રોકાણ કરવું પડે, વળી જેની સફળ થવાની તક પ્રમાણમાં ઓછી હોય. અને છતાં જો સફળ થાય તો એનું પરિણામ કે વળતર માનવજાત માટે અસીમ રીતે લાભદાયી હોય એ મુનશોટ. કેન્સર એવી બીમારી છે. જે ઉત્તરોત્તર વધી રહી છે. જીવલેણ છે અને સારવારનાં ખર્ચમાં તો દેવાળું નીકળી જાય મૂનશોટ કેન્સર કાર્યક્રમમાં સફળતા મળે એવી તક પહેલી નજરે ઓછી જણાય પણ જો સફળતા મળે તો ઈન્ડોપાસિફિક દેશોનાં કેન્સર દર્દીઓનું કલ્યાણ થઈ જાય. ચંદ્ર પર જેવા જેવી અઘરી વાત છે. આ, પણ જાય તો આ તીર છે. અને આખી વાત આમ જુઓ તો તુક્કો નથી જ. ગણત્રી તો એમાં હોય છે. પરીક્ષણ, સંશોધન અને નિદાનની ગતિવિધિ એમાં ચોક્કસ હોય છે. આમ આપણે કોઈ મૂરખ નથી તે અમેરિકન ઉપાધ્યાયને આટો આપી આવીએ!
'મૂનશોટ થિંકિંગ' ઉર્ફે ચંદ્રયાન વિચારધારા એવા ય શબ્દ છે. મૂનશોટ થિંકિંગ એટલે એવા વિશાળ લક્ષ્યનો પીછો કરવો જે દેખીતી રીતે અસાધ્ય લાગે પણ પરિણામ એવું તો વિશિષ્ટ, વિલક્ષણ અને અદ્ભૂત હોય કે સમગ્ર માનવજાતિ માટે એ આશીર્વાદ રૂપ નીવડે. ઇંગ્લિશ ભાષામાં એક શબ્દ છે 'આઉટ ઓફ બોક્સ થિંકિંગ', એટલે એમ કે મૂનશોટની ઈચ્છા હોય તો રૂઢિગત કાર્યપદ્ધતિ કોઈ કામ ન થઈ શકે. કશુંક નવું કરવું પડે. આ નવું કામ અનેક ગણું મોટું કામ હોય. અને મેહનત કરો તો કદીક સાંબેલું ય વાગી જાય! 'મૂનશોટ થિંકિંગ'માં કાર્ય જલદી અને ઝડપથી કરવું પડે. ધીર ધીરે પ્યારકો બઢાના હૈ... એવી વાત મૂનશોટમાં ન આવે. હદસે ગુજર જાના હૈ-વાળું રીઝલ્ટ જોઈતું હોય તો અધીરા તો થવું પડે. ટેકનોલોજી પણ એવી કે અત્યાર સુધી થયું તે તોડફોડ કરીને સાવ નવું કલેવર અખત્યાર કરવાનું રહે. જો કે આ શરત ફરજિયાત નથી. પણ પરંપરાનો વિધ્વંસ કરો તો નવું અને સારું જન્મી શકે. દા. ત. ૧૨ લાખ લોકો પરત વર્ષ કાર અકસ્માતમાં મરે છે. અબજો ડોલર્સ ટ્રાફિક મેનજમેન્ટમાં ખર્ચાઈ જાય છે. ડ્રાઈવર વિનાની કાર મૂનશોટ થિંકિંગ ચાલે છે. ટેકનોલોજીનો સુભગ સંગમ થાય તો ગજબ થઈ જાય.
તમે એમ કહો કે લીટરે ૫૦ કિ. મી.ની એવરેજ આપતી કાર બનાવવી છે તો તો હયાત એન્જીન પર જ સુધારા વધારો કરવાનાં થાય. આ મૂનશોટ માઈન્ડસેટ નથી. મૂનશોટમાં ૧૦% નહીં પણ દસ ગણું કરવાનો ધ્યેય હોય છે. પેચીદા પ્રોબ્લેમનાં પ્રેમમાં પડો તો જ કામ થાય. ટેકનોલોજીને માત્ર માધ્યમ તરીકે જોવી, પરિણામ સિદ્ધ થાય એ જ લક્ષ્ય. આજકાલ મૂનશોટ શબ્દ ક્લાઈમેટ ચેન્જ, હેલ્થકેર, ડિઝાસ્ટર રીસ્પોન્સ, ગવર્મેન્ટ અને લો વિષયમાં આમૂલ પરિવર્તન માટે વપરાય છે. આ બધા જ વિષયો મહત્વનાં છે. 'વેધર' અને 'ક્લાઇમેટ'માં શું ફેર? વેધર એ છે કે આજે મારે શું પહેરવાનું છે? ક્લાઇમેટ એ છે કે મારે મારા આખા વોર્ડરોબમાં કયા કપડાં રાખવાનાં છે? 'હેલ્થકેર' અને 'ડીસીઝ ક્યોર' વચ્ચે શું ફેર? હેલ્થકેર એટલે સમગ્ર માનવજાતનાં સ્વાસ્થ્યની કાળજી જ્યારે રોગનો ઈલાજ એટલે ડીસીઝ ક્યોર. 'ડીઝાસ્ટર' અને 'એક્સિડન્ટ રીસપોન્સ'માં શું ફેર? 'ડીઝાસ્ટર' એટલે એવી આફત જેમાં સ્થાનિક લોકો પોતે કોઈ ઉકેલ ન કાઢી શકે, બહારથી મદદ લેવી જ પડે. 'એક્સિડન્ટ'માં સ્થાનિક કક્ષાએ ઉકેલ મળી જાય. 'ગવર્મેન્ટ' અને 'લો' તો આપ જાણો જ છો. એ નાનકડું કામ તો નથી. દેશનાં બંધારણમાં રમણ કરે એ છે સરકાર અને ન્યાયતંત્ર. એમાં ય મૂનશોટ થિંકિંગ થતું હોય છે. કલમ ૩૭૦નો બંધારણીય સુધારો પોલિટિકલ મૂનશોટ કહી શકાય.
ટૂંકમાં, મોટો વિચાર હોય, મોટા પરિણામની અપેક્ષા હોય તો મોટો પ્રયાસ કરવો પડે. પૂરી તાકાત લગાડવી પડે, ફળ મળે, ક્યારેક ન મળે. પણ મહેનત તો અથાગ કરવી જ પડે. ઇતિ.