ઈલીટ : ઊંચે લોગ .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ઊંચા માણસો ધજા ધર્મ પાળે. હવા મુજબ ફરકે. ઈલીટનું તો ભાઈ એવું
એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો,
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે
- સ્નેહી પરમાર
વિરાટ કોહલીનાં સંદર્ભે આ શબ્દ બે અલગ સમાચારમાં નજરે ચઢ્યો. સાઉથ આફ્રિકાનાં પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમે વન ડે સીરીઝ ૩-૦થી જીતી લીધી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ લખ્યું કે એક વન ડે સીરીઝમાં બે સદી ફટકારીને પાકિસ્તાનનો ૨૨ વર્ષનો બેટિંગ સેન્સેશન - 'સઈમ અયુબ જોઈન્સ વિરાટ કોહલી ઈન ધ ઈલીટ લિસ્ટ'. 'ઈલીટ' (ઈનૈાી) એટલે શ્રેષ્ઠ ભાગ, ચુનંદો વર્ગ કે જૂથ. બીજા સમાચાર ખુદ વિરાટ કોહલીને ઉદ્દેશીને હતા. હાલ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે ગયેલી ટીમમાં વિરાટ કોહલીનું બેટિંગ ચિંતા કરાવે છે. પાંચ ઈનિંગ્સમાં કુલ ૧૨૬ રન. એમાં ય 'ધ સીડની મોર્નિંગ હેરાલ્ડ' માં પોતાની કોલમમાં ગ્રેગ ચેપલે લખ્યું કે વિરાટ 'ઈપીડીએસ'નો શિકાર બન્યો છે. ઈ.પી.ડી.એસ. એટલે ઈલીટ પરફોર્મન્સ ડીક્લાઈન સીન્ડ્રોમ. 'પરફોર્મન્સ' એટલે કાર્ય કે પ્રદર્શન, 'ડીક્લાઈન' એટલે ગિરાવટ, અવનતિ કે પતન, 'સીન્ડ્રોમ' એટલે સંકેતો કે લક્ષણોનો એક સમૂહ જે અસામાન્ય સ્થિતિ દર્શાવે છે. એટલે એમ કે એક ચુનંદો બેટ્સમેન અત્યારે પતન તરફ જઈ રહ્યાનાં લક્ષણો દેખાઈ રહ્યા છે. જ્યારે કોઈ પણ બેટ્સમેન બેટિંગ કરવા આવે ત્યારે કાં તો એમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય અથવા એ એક પ્રયોગાત્મક રીતે રમતો હોય એવું દેખાય. રમવાનો બોલ છોડી દેય અને ઓફ સ્ટમ્પની બહાર જતાં બોલને સળી કરે. ગ્રેગ ચેપલે કહ્યું કે આ નવું નથી. આવું ઈપીડીએસ આ અગાઉ તેંડુલકર અને પોન્ટિંગને પણ થઈ ચૂક્યું છે અને પછી એણે સલાહ આપી કે પહેલાં ૨૦ કે ૩૦ રન બને ત્યાં સુધી સાવચેતી રાખવી. એક વાર એટલા રન થઈ જાય એટલે મનોવૈજ્ઞાનિક રીતે સ્થિતિ સારી થઈ જાય અને આત્મવિશ્વાસ પણ આવી જાય. 'ઈલીટ' શબ્દ જો કે માત્ર રમતગમતમાં જ છે એવું નથી. એનડીટીવીનાં એક તાજા સમાચાર અનુસાર ઈસરોનું વર્ષ ૨૦૨૪નું આખરી મિશન ભારતને ઈલિટ સ્પેસ ગ્લોબલ ક્લબમાં મૂકી દેશે. એમ કે બે સેટેલાઈટ્સ કે સ્પેસક્રાફ્ટમાં જોડાણની ક્ષમતા જે હાલમાં માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ છે તેવી ઈલીટ ક્લબમાં હવે ભારત પણ આવી જશે. ઈલીટ હોવું ખરબ નથી અથવા તો એમ કે ઈલીટ શબ્દનું ગોત્ર નકારાત્મક નથી. પણ હા, ઈલીટીઝમ (અભિજાત્યવાદ) નો વિરોધ ચોમેર થાય છે.
ઈલીટ શબ્દ કોઈ પણ વિષયમાં હોય ત્યાં એટલું નક્કી એ વર્ગમાં ખૂબ ઓછા લોકો હોય અને આવા લોકો શક્તિશાળી પણ એટલાં જ હોય અને અલબત્ત સત્તા અને પ્રભાવમાં પણ તેઓ જોરદાર જ હોવાનાં. ઈલીટ એટલે અભિજાત, કુલીન કે ભદ્ર લોક. સમાજનો ઉત્કૃષ્ટ ભાગ. આ એવો સંભ્રાંત વર્ગ છે જેમાં લોકો ઓછાં હોય છે પણ રાજનૈતિક રીતે તેઓ ભારે શક્તિશાળી, અત્યંત ધનાઢ્ય અને સામાજિક રીતે પ્રભાવી હોય છે. ઉચ્ચ વર્ગમાં જન્મીને પણ કેટલાંક લોકો ઈલીટ બની જતાં હોય છે. બાકીનાં લોકો માટે આ ઈલીટિસ્ટ્સ નફરતનો વિષય બની જતાં વાર લાગતી નથી. અમેરિકન વ્યંગકાર અને લેખક પી. જે. ઓરોર્ક કહે છે કે કોઈ ઘર વિહોણો માણસ ગટરમાં પડયો હોય તો ઈલીટ ક્લાસનાં માણસ એવું માની લે છે કે ચાલો, આને વાહન પાર્કિંગની કોઈ ઝંઝટ નથી. ટૂંકમાં, ઈલીટિસ્ટને સામાન્ય માણસની પડી હોતી નથી, એ ગટરમાં પડી ગયો હોય તો પણ...
કોઈ તમને પૂછે કે આ દેશ કોણ ચલાવે છે ? તો જરાય ગેંગેફેંફેં થયા વિના કહી દેવું કે પાવર ઈલીટ. આ પાવર ઈલીટ કોણ છે ? એવા લોકો જે પુરુષ છે (કારણ કે સ્ત્રી લોકોનો અવાજ ક્યાંય પહોંચતો નથી.) એવા લોકો જે ૬૦ વર્ષથી ઉપર છે. (કારણ કે બુઢ્ઢા લોકો પોતાની જગ્યાએ ચીટકીને બેઠાં છે, કોઈનો વારો આવવા દેતા નથી !) એવા લોકો જે ભણેલાં ગણેલાં છે. (કારણ કે એમનાં માબાપ પૈસા ખર્ચીને દેશ વિદેશમાં ભણવા મોકલે છે, આમાં સામાન્ય જનની પીપૂડી વાગે ક્યાંથી ? ) એવા લોકો જે ભદ્ર છે, સુધરેલા છે, પોતાની જાતને ખાનદાની સમજે છે, પોતાનાં સમાજમાં જેઓ આગળ પડતાં છે. (પાછળ રહી ગયેલાઓનો ભાવ પછી કોણ પૂછે ?) આવા અભિજાત, કુલીન અને ભદ્ર લોકો જ દેશ ચલાવે છે. ખેતમજૂર કે સફાઈ કામદારને પૂછીને દેશ ન ચાલે. હોં ને ? બસ આ જ કારણસર અમને આ ઈલીટિસ્ટ સામે વાંધો છે. 'હિંદુસ્તાન ટાઈમ્સ' અનુસાર વિરાટ કોહલી એમબીબીએસ એટલે કે મિંયા, બીબી, બાલબચ્ચા, સમેત-કાયમ માટે લંડન જઈને રહેવાનો છે. ઊંચા માણસો ધજા ધર્મ પાળે. હવા મુજબ ફરકે. ઈલીટનું તો ભાઈ એવું.
કવિ શ્રી હરીશ મીનાશ્રુની એક જબરી કવિતા 'એક લોકકથા શાહીનાં ઘસરકાની' યાદ આવે છે. રાજ ભલે ઈલીટ ચલાવે પણ પાંચ વર્ષે આ નોન-ઈલીટ પામર માનવીનો વારો જરૂર આવે છે પણ.. કવિ લખે છે કે 'પાંચ વરસે એ થોડા દહાડાં પાંચમાં પૂછાતો; ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ; દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી, ને ચાર જાંબલી નોટો; ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ (જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર - ઝંડેરવેર તો સિવડાવી જ શકાય)...' કવિએ કાવ્યમાં જબરજસ્ત વ્યંગ શબ્દક્રીડા કરી છે. દર પાંચ વર્ષે બે જ મિનીટમાં મત આપવાની ક્રિયાનું થતું સદ્ય સ્ખલન આમ જ થતું રહેશે, સાહેબ. ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ હવે જાગતો નથી. અને એટલે અમે માનીએ છીએ કે બસ, રાજ તો આ ઈલીટ જ કરશે.
અને છતાં ઈલીટ એ ખરાબ શબ્દ નથી. એ ઉમેદ જગાવે છે, આકાંક્ષા સીંચે છે. ઈલીટ લોકો થોડા હોય છે. તેઓ બસ થોડા સંવેદનશીલ થઈ જાય એટલે ભયો ભયો..
શબ્દકોષઃ ''દરેકને એક ઉત્તેજના હોય છે ઈલીટ બનવાની.'' - અમેરિકન અભિનેત્રી અલ્ફ્રી વૂડવર્ડ