ઉન્માદની મનોસ્થિતિ : જીવતો ડાઈનામાઇટ!!
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- હતાશામાં વ્યક્તિ તેના ભૂતકાળને વાગોળે છે અને ભૂતકાળમાં જીવી ઉદાસ રહે છે, જ્યારે ઉન્માદમાં વ્યક્તિનું ધ્યાન ભવિષ્ય તરફ કેન્દ્રિત થયેલું હોય છે
ઉ ન્માદની ગતિ વંદે ભારત થી માંડી બુલેટ ટ્રેઇન જેવી બની શકે છે જ્યારે ઉન્માદમાં રાચતા લોકો વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે. એટલું જ નહી, પણ તેમની આકાશી ઊંચાઈ ધરાવતી મહત્ત્વાકાંક્ષાને આંબવા માટે તેઓ હવામાં ઉડવા લાગે છે. તેઓ પોતાની મર્યાદા સમજી શકતા નથી અને સ્વીકારી શકતા નથી. આના કારણે જ વ્યક્તિનો આવો આનંદ, ક્યારેક તેની તથા બીજાઓની પાનાખરાબી માટે જવાબદાર બની શકે છે.
આનંદની અનુભૂતિ અને ઉન્માદ વચ્ચે એક પાતળી પણ સ્પષ્ટ ભેદરેખા છે.જ જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થવો, ખુશ રહેવું તથા સ્ફૂર્તિ અને તરવરાટ સાથે રોજિંદા જીવનમાં પ્રશ્નો ઉકેલવાનો આત્મવિશ્વાસ હોવો તેમજ ત્વરિત નિર્ણયને કારણએ જીવનમાં હંમેશાં પ્રગતિ કરવી એ એક સફળ વ્યક્તિની નિશાનીઓ છે. આવી વ્યક્તિઓના નિર્ણયો ત્વરિત પરંતુ સમતોલ હોય છે, તેઓ તેમના મૂડના ચઢાવ-ઉતારને કાબૂમાં રાખી શકે છે. તેઓને વાસ્તવિકતાનું સાચું મૂલ્યાંકન અને પ્રમાણભાન હોય છે. આવા લોકો આનંદની અનુભૂતિ સાથે જીવન પસાર કરે છે. તેઓ ખુશ રહે છે, પરંતુ તેમના પગ ધરતી પર હોય છે. તેઓ આકાશી ઊંચાઈને આંબવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હોય છે. એ માટે પ્રયત્નશીલ હોય છે, પરંતુ હવામાં ઊડવા નથી લાગતા. વાસ્તવિકતા સાથેનો આ ધરતી સાથેનો તેમનો સંબંધ જળવાઈ રહે છે. આવા લોકો એમની ''ઔકાત'' ક્યારેય નથી ભૂલતા.
જ્યારે ઉન્માદમાં રાચતા લોકો વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે. એટલું જ નહીં, પણ તેમની આકાશી ઊંચાઈ ધરાવતી મહત્ત્વાકાંક્ષાને આંબવા માટે તેઓ હવામાં ઉડવા લાગે છે. તેઓ પોતાની મર્યાદા સમજી શકતા નથી અને સ્વીકારી શકતા નથી. આના કારણે જ વ્યક્તિનો આવો આનંદ. ક્યારેક તેની પાનાખરાબી માટે જવાબદાર બની શકે છે. જીવનમાં અનહદ આનંદ અને સુખની અનુભૂતિ કરતા આવા લોકોને તેમની ઉન્માદની શરૂઆતની અવસ્થામાં તેમના દ્વારા અનુભવાતી શક્તિ અને સ્ફૂર્તિ પાછળ રહેલી વિકૃતિનો ખ્યાલ નથી આવતો.
ઉન્માદના પ્રથમ લક્ષણ તરીકે તેમના મગજમાં વિચારો ત્વરિત ગતિએ ભાગતા હોય એવું અનુભવાય છે. વિચારવાની ઝડપની સાથે વાત કરવાની ઝડપ પણ વધે છે અને તેમની કામકાજ કરવાની ઝડપ પણ અસાધારણ રીતે વધે છે. તેઓ ચાલતા હોવ તો પણ તેમને ઉતાવળે ક્યાંક પહોંચવું હોય એવી રીતે ઝડપથી ચાલે છે અને તેઓ વાહન હંકારવામાં પણ ખુબ ઝડપી અને જોખમી બની જાય છે. ઉન્માદની અવસ્થામાં વ્યક્તિ ઝડપી સમયના ચક્ર સાથે સ્પર્ધા કરે છે અને ઘડિયાળની ઝડપ કરતાં પોતાની ઝડપ વધારી કાર્યસિદ્ધ કરવાના પ્રયત્નો કરે છે. આવી વ્યક્તિઓનું સતત ક્રિયાશીલ રહેતું મગજ શાંત થતું નથી એટલે રાત્રે તેઓને ઊંઘ નથી આવતી અને નવી નવી યોજનાઓ ઘડી પથારીમાં પડખાં ફેરવતા રહે છે.
હતાશામાં વ્યક્તિ તેના ભૂતકાળને વાગોળે છે અને ભૂતકાળમાં જીવી ઉદાસ રહે છે, જ્યારે ઉન્માદમાં વ્યક્તિનું ધ્યાન ભવિષ્ય તરફ કેન્દ્રિત થયેલું હોય છે. તેમના મનમાં ખૂબ જ મોટા મોટા અને સાહસિક વિચારો આવે છે. શરૂઆતમાં આ યોજનાઓ વાસ્તવિક લાગે છે, પરંતુ ધીરે ધીરે વ્યક્તિ વધારે પડતો આશાવાદી બની જઇને પોતાની શક્તિનો સાચો અંદાજ ગુમાવી બેસે છે. તેની નિર્ણયોક્તિ તથા વાસ્તવિકતા સાથેનો સંબંધ પણ તે ગુમાવી બેસે છે. ઉન્માદની ચઢતી અસર સમજવા આપણએ નીચેનું ઉદાહરણ તપાસીએ.
રાકેશના પિતા તેમના વ્યવસાયમાં સ્થિર થયેલા છે. પિતાનો ખૂબ જ જામેલો ધંધો આમ તો ત્રણેય ભાઈઓને પૂરતી કમાણી કરાવી શકે તેમ હતો. પરંતુ રાકેશ કંઇક નવું કરવા માંગતો હતો એટલે તેને પિતા સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી અને નવા ધંધાઓ માટે જુદી જુદી યોજનાઓ તે પિતા સમક્ષ રજૂ કરવા માંડયો. રાકેશ પોતાની યોજનાઓ એવી કુશળતાપૂર્વક ઘડી કાઢતો હતો અને પોતાની વાત સામેની વ્યક્તિને ગળે ઉતારવાની તેની તાકાત એટલી અદ્ભુત હતી કે તેના પિતા ખૂબ ખુશ થઇ ગયા અને રાકેશને નવો ધંધો શરૂ કરવા માટે જરૂરી પૈસા પણ આપ્યા.
રાકેશે પોતાનો નવો ધંધો સરૂ કર્યો. તેણે રૂ. પચાસ હજારમાં ્ફજી સ્કૂટી આપવાની એક યોજના બનાવી. રાકેશની યોજના પ્રમાણે જે વ્યક્તિ પચાસ હજારમાં સ્કૂટી ખરીદીને ઘેર લઇ જાય તેને આવા પાંચ બીજા ઘરાકો લાવી આપવા પડે. રાકેશની યોજના કાગળ પર તો બરાબર હતી. એક વ્યક્તિ પચાસ હજારમાં સ્કૂટી લઇ જાય અને આવા પચાસ હજારવાળા બીજા પાંચ જણા શોધી લાવે. આમ, ગ્રાહકોની એક ચેઇન ચાલે અને રાકેશને ઢગલો રૂપિયા મળવા માંડે. પણ આવું થયું નહીં. રાકેશની યોજનાની આ ચેઇન વચ્ચે વચ્ચે જ તૂટવા માંડી અને પચાસ હજાર રૂપિયા ભરી રાકેશને આમતેમ સમજાવી લઇ સ્કૂટી જનારની સંખ્યા વધવા લાગી, અને થયું એવું કે રાકેશે એમાં દસ લાખની ખોટ કરી અને કેટલાયે સાથે ઝઘડો કરવો પડયો. એટલે રાકેશે તેના પિતા સમક્ષ નવી યોજના મૂકી. તેણે એવી દલીલ કરી કે સ્કૂટી ખરીદનાર લોકો મધ્યમ વર્ગ કે નીચલા મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે. જ્યારે કાર ખરીદનાર બધા માલેતુજાર હોય એટલે એ લોકો ક્યારેય છેતરપિંડી ન કરે, એટલે તેણે પંદર લાખ રૂપિયામાં 'ક્રેટા' કારની યોજના ઘડી કાઢી. આમાં પણ પંદર લાખમાં 'ક્રેટા' ખરીદનારે બીજા પાંચ સભ્યો આવી આપવા પડે. રાકેશનો એવો પ્લાન હતો કે આ યોજના અંતર્ગત શહેરમાં બધા 'ક્રેટા' ફેરવતા થઇ જશે. પરંતુ રાકેશના પિતા હવે થોડા સાવચેત થઇ ગયાં તેમના ગળે રાકેશની આ વાત ન ઊતરી એટલે એમણે રાકેશને એવું કહીને સમજાવ્યો કે 'ક્રેટા' એ તો બહુ મોંઘી કાર ગણાય. એટલે એના ઘરાકો ઘણા ન મળે.
બસ, રાકેશે 'ક્રેટા' એટલે મોંઘી કાર એ શબ્દ પકડી લીધો અને સસ્તી કારના ઉત્પાદનની એક યોજના તૈયાર કરી. રાતોની રાતો જાગીને રાકેશે નવી કારના ઉત્પાદન માટે જરૂરી જમીન, યંત્રસામગ્રી વગેરેનો એક પ્રોજેક્ટ બનાવ્યો અને કઇ વિદેશી કંપની સાથે કોલાબોરેશન કરી બે લાખથી પણ ઓછી કિંમતમાં કાર બનાવવી તેનો પ્લાન તૈયાર કર્યો. વળી, તેની કંપનીને પબ્લિક લિમિટેડ કંપની બનાવીને ઇસ્યુ બહાર પાડવાની યોજના પણ બનાવી લીધી. આ બધા સમય દરમ્યાન રાતોના ઉજાગરા અને ભવિષ્યમાં સસ્તી કાર ઉત્પાદિત કરી ભારતનો ''ફોર્ડ થવાનાં સ્વપ્નાઓને કારણે રાકેશ એટલો આનંદ અને સ્ફૂર્તિમાં રહેવા લાગ્યો કે તેની ઊંઘ ઊડી ગઈ.
તે બેંકો પાસે સહાય માટે આમથી તેમ ફરવા લાગ્યો અને છેવટે તેના પપ્પાને પૈસા રોકવા માટે સમજાવવા લાગ્યો. પરંતુ રાકેશના પપ્પા પાસે એટલા પૈસા હતા નહીં એટલે તેમણે પૈસા આપવાની અશક્તિ દર્શાવી એટલે ગુસ્સામાં પ્રમાણભાન ગુમાવી બેસેલા રાકેશે ઝઘડાઓ, ગાળાગાળી અને પછી મારામારી શરૂ કતરી. ભવિષ્યનો હિંદુસ્તાનનો એ ''ફોર્ડ'' હોસ્પિટલનો ઇન્ડોર દર્દી બની ગયો. જો કે, રાકેશની આ ગતિ ઉપર પૂરેપૂરો કાબૂ મેળવી શકાયો, પરંતુ વિચારોની ઝડપી ગતિને કારણે મગજની સમતુલા ન ગુમાવે તેને માટે અમુક દવા લાંબો સમય લેવાનું જણાવવામાં આવ્યું.
ઉન્માદનો અનુભવ કરનાર વ્યક્તિને પોતાના અવાસ્તવિક અને અતાર્કિક વિચારો ક્યારેય સમજાતા નથી એવું પણ નથી. અર્થાત્ ઉન્માદની તમામ અવસ્થાઓ આનંદદાયક જ હોય છે એવું નથી. ક્યારેક અતિ ઉન્માદને કારણે વ્યક્તિ ખૂબ જ વ્યગ્રતા અને ચીડિયાપણાનો અનુભવ પણ કરે છે, એટલું જ નહીં પણ સતત બદલાતા વિચારોના પ્રવાહથી તે તંગ આવી જાય છે. ખાસ કરીને વધારે પડતા વિચારોના પ્રવાહથી તે તંગ આવી જાય છે. વધારે પડતા વિચારોને કારણે રાતની ઊંઘ હરામ થઇ જાય છે ત્યારે ઉન્માદનો દરદી હતાશાનો અનુભવ કરે છે અને પોતાની યોજનાઓ કેટલી અવાસ્તવિક છે તેનો તેને ખ્યાલ આવે છે. જો કે ઉન્માદ દરમ્યાન જ હતાશાનો આવતો આ તબક્કો જીવલેણ બની શકે છે.
એકવાર એક વેપારીએ ઊંઘની વધારે પડતી ગોળીઓ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો કે નસીબજોગે તેમને બચાવી લેવાયા હતા. મારી સાથેની વાતચીત દરમ્યાન તેમના સ્નેહીઓએ એવું જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી તેઓ સતત ક્રિયાશીલ રહેતા હતા અને ખૂબ દોડધામ કરતા હતા. ગોળીઓનું ઘેન સંપૂર્ણપણે ઊતરી ગયા પછી એ વેપારી ભાઈએ એવું જણાવ્યું કે તેમના નવા સાહસમાં તેઓ ગજા બહારનું મૂડીરોકાણ કરી બેઠા હતા. આ માટે લોકોના વ્યાજે લીધેલા પૈસાની રકમ એટલી મોટી હતી કે નવા ધંધામાંથી પૈસાનું પૂરેપૂરું વળતર મળી રહેશે કે કેમ એનો તેમને કોઇ જ અંદાજ નહોતો, જેમ જેમ તેઓ વધારે ઊંડા ઊતરતા ગયા તેમ તેમ તેમને ખ્યાલ આવતો ગયો કે તેમનો આ પ્લાન કેટલો અવાસ્તવિક હતો. આમ, ધીરે ધીરે તેમને વાસ્તવિકતાનું ભાન થવા લાગ્યું અને ઉન્માદની પરિસ્થિતિમાંથી હતાશામાં ગરકાવ થઇ ગયા. તેમને આવુગ્લાગ્યું કે આટલું મોટું દેવું ભરપાઈ નહીં થઇ શકે એટલે એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
ત્રણ દાયકા પહેલાની ઘટના પ્રમાણે પોતાની આગવી કુનેહ, આવડત, ધગશ અને સાહસથી શેરબજારમાં લાખોના સોદા પાડનાર એક શેરદલાલે એક રાત્રે કાંકરિયામાં કૂદી પડી જીવન ટૂંકાવી નાંખ્યું હતું. ઉન્માદની અવસ્થામાં વધારે પડતી સાહસિક વૃત્તિ અને વધારે પડતા આત્મવિશ્વાસને કારણે જોખમી ધંધો કરનાર શેરદલાલનો ઉન્માદ શમ્યો એવું જ વાસ્તવિકતાનું પ્રમાણભાન થયું અને તેણે ઠંડે કલેજે આત્મહત્યા કરી નાખી. શેરબજારની તેજી-મંદી વ્યક્તિના માનસપટ પર કેવી ભયાનક અસર કરી શકે છે તે ઉન્માદમાં જોખમી સટ્ટો કરતા સહુ કોઇએ સમજી લેવાની જરૂર છે.
ઉન્માદ-હતાશાનાં આવાં તો અનેક ઉદાહરણો છે. આપણે રૂઝવેલ્ટ, ચર્ચિલ અને લિંકનની ઉન્માદ-હતાશાની મનોસ્થિતિની ચર્ચા કરી ગયા. આપણા દેશના રાજકારણમાં પણ એવા ઘણાં નેતા છે જેમનાં ઉન્માદના સમાચારો સમાચારપત્રોમાં આપણે વાંચતા રહીએ છીએ.
તમામ તીવ્ર ઉન્માદવાળી વ્યક્તિઓનું બ્લડગુ્રપ ભલે જુદું જુદું હોય પરંતુ તેમના મગજમાં એકસરખાં રસાયણો ઝરે છે. જી હા, ઉન્માદની આ મનોસ્થિતિ મગજમાં ન્યૂરોટ્રાન્સમીટર - અર્થાત્ જ્ઞાનતંતુના એક કોષમાંથી બીજા કોષમાં સંદેશાઓ લઇ જવાનું કામ કરતાં રસાયણો - ની વધઘટને કારણે હોય છે.
રૂઝવેલ્ટ, ચર્ચિલ અને લિંકનના ઉન્માદ-હતાશાએ દેશનું અહિત ભલે ન થવા દીધું પણ એનાથી એવું સિદ્ધ નથી થતું કે ઉન્માદ હંમેશાં આશીર્વાદરૂપ જ હોય છે. કેટલાક નેતાઓનો ઉન્માદ હિંસક અથડામણોમાં પણ ફેરવાઈ શકે છે. એટલે જ હું હંમેશાં કહું છું કે તમારો ઉન્માદ અંતિમવાદી વરવું સ્વરૂપ ધારણ ન કરે, અને તમારા નહીં તો અન્ય નિર્દોષોનાં હિત જાળવવા માટે, સમાજમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે એ માટે તેની સારવાર કરાવવી અત્યંત જરૂરી છે.
ન્યુરોગ્રાફ
ઉન્માદની ગતિને એક્સીલરેટર આપવાથી ભયાનક હોનારત સર્જાયી શકે છે.