હેપ્પી ફ્રેન્ડશીપ ડે .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
હેપ્પી ફ્રેન્ડશીપ ડે                                     . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- પ્રેમ અને મૈત્રી સંબંધોની સ્મૃતિ વાગોળવી એ પણ સંબંધોની ધન્યતા છે.

પ્રો ફેસર, કવિ અને લેખક સુધીર ખંડેવાલ ''એસ.કે.'' છેલ્લા ત્રણેક મહિનાથી પોતાના બંધ બેડરૂમમાં એકલા અટૂલા પડયા રહે છે.

પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર સાંભળી યુ.એસ.એ.થી ખાસ ઈન્ડિયા આવેલી પુત્રી હેમીના અને ઉપેક્ષિત પત્ની દૈવિકાને તો સ્પષ્ટ લાગે છે કે એસ.કે. માત્ર ''વેજીટેટીવ સ્ટેઈજ''માં જીવે છે. ખૂબ દબાણ કરવાથી પથારીમાં પરાણે એક-બે વાર ખાવા માટે બેઠા થાય છે અને દિવસમાં બે-ત્રણ વાર માંડ બાથરૂમ સુધી 

જાય છે.

આખો દિવસ અને રાત પથારીમાં પડયા રહેતા એસ.કે.ની આંખોમાં ઊંઘનું નામ નથી. એક ખૂંખાર પ્રિન્સિપાલ અને કીલર-પ્રોફેસર તરીકે ગર્લ્સમાં ખ્યાતિ ધરાવતા 'એસ.કે.' એ વીસ-પચીસ પુસ્તકો અને કાવ્ય-સંગ્રહો લખ્યાં છે, પણ અત્યારે તેમને લખવા-વાંચવામાં કોઈ રસ નથી. ટી.વી. ન્યૂઝ કે સિરિયલો પણ તેમણે મહિનાઓથી નથી જોયાં. સતત ટેલિફોન અને મોબાઈલ  ફોન પોતાની પાસે રાખતા એસ.કે. એ કેટલાય સમયથી કોઈ સાથે વાત પણ નથી કરી.

રિટાયરમેન્ટ અને પુત્રીના લગ્ન અને ત્યાર બાદ આવેલ એક સામાન્ય પેરાલીસીસ ના અટેક પછી સાવ ખખડી ગયેલા એસ.કે. આમ તો સેંકડો ચાહકોના દિલમાં સ્થાન ધરાવે છે પણ તેમના દિલમાં છે માત્ર ભયાનક એકલતા... આજે પોતાના દિલની વાત તેઓ કોઈને કહી શકે એવું પણ કોઈ તેમની  આસપાસ નથી. પણ વિતેલાં વર્ષોની વાત કંઈક અલગ જ હતી.

હા... એ દિવસો હતા જ્યારે એસ.કે. તેમના દિલની વાતોને તેમની કવિતામાં વાચા આપતા. પ્રેમ અને મૈત્રીસંબંધો પર એસ.કે. બિન્દાસ્ત લખતા. એમનાં લખાણો અને કાવ્યો યુવાવર્ગમાં અત્યંત લોકપ્રિય થતાં. સેંકડો યુવાહૃદયો તેમની કવિતાની સંવેદનાન પ્રવાહમાં મન મૂકીને વહેતાં હતાં. એસ.કે.નાં કાવ્યો પ્રત્યેક લોકોના મનમાં એક સવાલ ઊભો કરતા... આ માણસ ખરેખર કોઈના પ્રેમમાં રંગયો છે અને ઘવાયો પણ છે.... પણ એસ.કે. લોકોને કહેતા કે તેઓ પ્રેમની કંઈક જુદી જ વ્યાખ્યામાં માને છે. એસ.કે. કહેતા, ''હું ક્યારેય પ્રેમમાં પડયો નથી... હા પરણ્યો ચોક્કસ છું અને નિર્દોષ મૈત્રીનો હિમાયતી છું... મને મિત્રો બનાવવા બહુ ગમે છે...'' એસ.કે. આવી વાતો જ લોકોને પાગલ કરી મૂકતી અને એસ.કે. કવિસંમેલનોની જાન પુરવાર થતા.

ફ્રેન્ડશીપ ડેના આવા જ એક કવિસંમેલનમાં એસ.કે.એ કવિતા કહી હતી...''તારા વિના'' અને તે કવિતાએ જ રેવતીના હૃદયના તારને ઝણઝણાવ્યા હતા. કવિસંમેલન પછી રેવતી એસ.કે. ની નજીક પહોંચીને સવાલ કરી બેઠી હતી : ''તમે ક્યારેય પ્રેમમાં પડયા છો...?'' શું તમે અને હું એક સારા મિત્રો થઈ શકીએ ?

 એ દિવસે રેવતીની આંખોમાં જોઈ એસ.કે. બોલ્યા હતા : ''વ્હાય નોટ ?''

અને એ દિવસથી ''રેવતી કપૂર'' - આર.કે. અને સુધીર ખંડેલવાલ - એસ.કે.ની મૈત્રીમાયા શરૂ થઈ હતી. એસ.કે. ને મૈત્રીસંબંધમાં પારાવાર ભરોસો હતો. તેઓ દ્રઢપણે માનતા કે મૈત્રી એ વર્ણવવાની વસ્તુ નથી. નાની નાની વાતમાં મિત્રની કાળજી લેવામાં એ પ્રગટ થાય છે. એ પણ સાહજિક લાગણી છે. તેઓ મૈત્રીસંબંધમાં ક્યારેય સ્ત્રી-પુરુષનો ભેદ ન જોતા. તેઓ કહેતા કે મૈત્રી વ્યક્તિથી શરૂ થાય છે અને ઈશ્વર સુધી પહોંચે છે. એસ.કે. સાચા અર્થમાં આર.કે.ના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. રેવતી પણ એક ઉત્કૃષ્ટ કવિયત્રીની અદાથી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરવા માંડી.

પ્રત્યેક ફ્રેન્ડશિપ ડેના દિવસે રેવતી અને પ્રો.સુધીરની મૈત્રી  પરિપક્વ થવા લાગી. એસ.કે. ની કવિતાઓ મંચ અને મુશાયરાની મટી એકાંતમાં માણવા જેવી ચીજ બનવા લાગી. સંબંધોમાં પ્રારંભે શરીરની બાદબાકી કરી મૈત્રી કરવામાં માનતા એસ.કે.ને ધીરેધીરે સમજાવા લાગ્યું કે આત્મા જવા આત્માને પણ આખરે શરીરમાં જ રહેવું પડે છે ને ?

એસ.કે. અને આર.કે.ના સંબંધોમાં પ્રેમનો સંચાર થયો. વાસનાનો વંટોળિયો આવ્યો. આવો પ્રેમ ભયંકર પણ છે ને પવિત્ર પણ છે એમ કહેવાયું છે. પણ હકીકત એ છે કે ભયાનકતામાંથી પસાર થયા વિના પવિત્રતા પ્રાપ્ત થતી નથી.

બે વ્યક્તિ વચ્ચે પ્રેમ થઈ જાય છે ત્યારે એમાં સામીપ્ય છે. એકાંતમાં હાથમાં હાથ પરોવીને ચાલવાનો આનંદ હોય છે. પ્રેમના સ્પર્શની પણ એક અલગ જ એબસીડી હોય છે. રેવતી ઉંમરના પ્રભાવમાં સંપૂર્ણ સુધબુધ ગુમાવી બેઠી જ્યારે એસ.કે. વાસ્તવિકતાવાદી બન્યા. રેવતીથી થોડીક જ નાની ઉંમરની પુત્રી અને પુત્રના ભવિષ્યની ચિંતા થઈ. દૈવિકાની ઉપેક્ષાનો અપરાધભાવ પેદા થયો અને મૈત્રી તથા પ્રમનો મહિમા કવિતામાં કંડારવામાં ક્યારેય પાછીપાની ન કરતા એસ.કે.એ એક સનાતન સત્ય પુરવાર કર્યું કે : ''જે બુધ્ધિથી વિચારે છે તે ક્યારેય હૈયાફાટ પ્રેમ કરી શકતો નથી...''

રેવતી અને પ્રો. સુધીરના સંબંધોની નિશાની રૂપ છેલ્લો કાવ્યસંગ્રહ બહાર પાડયો : ''તારા વિના...'' એસ.કે.ના અતિ આગ્રહથી રેવતી પરણી ગઈ. પુત્રી હેમીનાનું કન્યાદાન કર્યાના થોડાક જ મહિના પછી એસ.કે. એ પોતાના જ એક સ્ટુડન્ટને રેવતી રૂપી મિત્રદાન કરી દીધું. રેવતી પતિ સાથે વિદેશ ચાલી ગઈ.

પ્રો.સુધીર ખંડલવાલે ત્યાર પછી કવિતા લખવાનું બંધ કરી દીધું. મનની લાગણીને વાચા આપવાનું થંભાવી દીધું. તેઓ મિત્ર વહોણું એકાકી જીવન ગાળવા લાગ્યા. કોલેજમાંથી પણ નિવૃત્ત થયા. તેઓ રેવતીને ક્યારેય ભૂલી ન શક્યા. રેવતીના પ્રેમ અને મૈત્રી સંબંધો પછી ''બ્રોકન હાટ સિન્ડ્રોમ''માં હતાશામાં ગરકાવ થયેલા એસ.કે. રિટાયરેમન્ટ પછી સાવ ભાંગી પડયા. તેમને બ્રેઈન એટેક આવ્યો. પેરાલીસીસમાંથી તો સંપૂર્ણ સાજા થઈ ગયા પણ આઈ.સી.સી.યુ.માંથી ઘેર આવ્યા પછી વધારે ને વધારે નિર્બળ થતા ગયા... સાવ પથારીવશ થઈ ઘોર હતાશાના અંધકારમાં ગરકાવ થઈ ગયા. જીવન જીવવાની ઈચ્છા સાવ મરી પરવારી.

પથારીવશ પતિની દેવિકા દિલથી સારવાર કરે છે. મળમૂત્ર પણ સાફ કરે છે અને એસ.કે.ની હતાશા વધતી જાય છે. ભયાનક અપરાધભાવના તેમને કોરી ખાય છે. પુત્રી હેમીના પતિ અને સંતાનોને મૂકી એક મહિનાથી પપ્પાને સાજા કરવા આકાશ-પાતાળ એક કરે છે 

પણ પરિણામ મળતું નથી.

રેવતીના ફોન આવવાના એક વર્ષથી બંધ થઈ ગયા છે. એક.કે.નું ડિપ્રેસન વધતું જાય છે. એમને હવે કોઈ પ્રકારની લાગણી સ્પર્શતી નથી. એસ.કે.ની મનોસ્થિતિનું ''લેઈટ લાઈફ ડિપ્રેસન'' એવું નિદાન થાય છે. એન્ટિ ડિપ્રેસન્ટ્સથી સંબંધો કે ગુમાવેલી વ્યક્તિને પાછી મેળવી શકાતી નથી પણ ગુમાવ્યાના આઘાતમાંથી મગજમાં થયેલી રાસાયણિક ઊથલપાથલને સુલટાવી શકાય છે. જે કંઈ ગુમાવ્યું છે એના આઘાતને હળવો બનાવી શકાય છે. એન્ટિ ડિપ્રેસન્ટ્સથી એસ.કે. ના મનમાં નવી ચેતના, નવી દિશા અને નવા વળાંકો લાવી શકાય છે.

એસ.કે. ને હવે સમજાય છે. રેવતીની રાહ જોઈ રસ્તા પર આંખ પાથરીને બેસવાથી એ આવી જવાની નથી. એ સફર જે રેવતી સાથે થઈ હતી એ રસ્તો હવે અજાણ્યો છે, નિર્જન છે. કોઈપણ સંબંધોની પણ એક સમયમર્યાદા હોય છે એ વાત એસ.કે. સ્વીકારે છે.

પપ્પાના દિલની વાત કઢાવવા મમથતી પુત્રી હેમીના પપ્પાને તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ ''તારા વિના'' ના કેટલાંક કાવ્યો વાંચી સંભળાવે છે અને પપ્પાને પૂછે છે : આ દર્દસભર... આ કાવ્યો કોના માટે લખ્યાં હતાં... ? તમે લખવાનું બંધ કેમ કર્યું...?

અને એસ.કે. બોલે છે : ''તારા માટે બેટા. તારા માટે... તું પરણીને વિદેશ ચાલી ગઈ પછી હું ભાંગી પડયો હતો... બસ હવે તું આવી ગઈ છે...''

હેમીનાને પપ્પા બહુ મોડર્ન લાગે છે. તે મનોમન નક્કી કરે છે આ ફેન્ડશિપ ડેના દિવસે પપ્પાને પૂછી જોઈશ.... ''શું આપણે સારા મિત્રો બની શકીએ ?...''

એસ.કે.નો જવાબ ખબર નથી પણ પ્રેમ અને મૈત્રીસંબંધોની સ્મૃતિ વાગોળવી એ પણ સંબંધોની ધન્યતા છે. કોઈ વ્યક્તિને આપણું સમગ્ર અર્પણ કરવાથી છેવટે ગમ અને માતમ જ મળે છે. વ્યક્તિથી પ્રારંભ થયેલો પ્રેમ સમષ્ટિ સુધી પહોંચે એમાં જ પ્રેમની મહાનતા છે અને મૈત્રીની ધન્યતા છે. પ્રેમીજનની અનુપસ્થિતિમાં એની યાદનો સથવારો જીવન જીવવાનું બળ આપે એ જ સાચો મૈત્રીસંબંધ...''હેપી ફ્રેન્ડશીપ ડે.''

ન્યુરોગ્રાફ :-

પ્રેમનું રાજ્ય એવું છે જ્યાં કોઈપણ શરત વિનાની શરણાગતિ હોય છે  અને એનો આનંદ અનેરો હોય છે.


Google NewsGoogle News