સફળતા માટે રોજ નવું શીખવાની આદત પાડો
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- જો તમારે વધુ કમાવવું હોય તો વધુ જ્ઞાન અને જાણકારી મેળવો. જો તમે આ જગત પાસેથી વધુ મેળવવા માંગતા હશો તો વધુ આપતા શીખવું પડશે
ત મે આજે લાખોપતિ, કરોડપતિ કે અબજોપતિ હોવ તો પણ એક નગ્ન સત્ય એ છે કે દરેક વ્યક્તિ બાળપણમાં પાપાપગલી કરતા લથડીયા ખાય છે, ભોંય પર પટકાય છે, ધૂળમાં રમે છે, માટી ખાય છે, પતંગિયાને પકડવા માટે દોડે છે, પેન્સિલથી દીવાલ ગંદી કરે છે. કપડામાં પેશાબ પણ કરી નાંખે છે અને ગમે ત્યારે ઉલ્ટી પણ કરી નાખે છે. આમ દરેક વ્યક્તિનું બાળપણ લગભગ એક જેવુ જ હોય છે. પણ મોટા થવાની સાથે જ બધામાં તફાવત આવવા લાગે છે.
છે કોઈ એવું બાળક જેણે પેન્સિલથી દીવાલ ચિતરી નાખી ન હોય કે પછી ઊંઘમાં કપડામાં પેશાબ ન કરી નાખ્યો હોય અથવા તો તેણે ઉલ્ટી ન કરી હોય ?
ના. એવું કોઇ જ બાળક હોતું નથી. બધાનું બાળપણ લગભગ એક જેવુ જ હોય છે પણ જુવાની અલગ અલગ હોય છે. કોઈક પાસે પૈસાની કોઈ ખોટ નથી તો કોઈક પાઈ પાઈ માટે વલખાં મારે છે. આ વસ્તુ વિચાર માંગી લે એવી છે કે બાળપણથી જવાની સુધીમાં કંઇક તો ફરક ચોક્કસ પડે છે. આ ફરક માત્ર એક કારણને લીધે પડે છે અને એ છે જ્ઞાન અને શિક્ષણ.
જો તમારે સુખી થવું હોય તો સુખી થવા માટેનું જ સાહિત્ય વાંચો. જો તમારે આર્થિક રીતે સધ્ધર અને સ્વતંત્ર થવું હોય તો એ વિષયનો જ અભ્યાસ કરો. તમારે જે બનવું છે એનો અભ્યાસ તમારે કરવો પડશે. યાદ રાખો જીવનમાં Learning (શીખવું) એ બહુજ મહત્વ ધરાવે છે. જોકે આ એક અત્યંત કંટાળાજનક પ્રક્રિયા છે. ત્રણ કલાકનું પિક્ચર ક્યાં પૂરું થઇ જાય છે એની ખબર નથી પડતી જ્યારે ૧૫ મિનિટ ચોપડી વાંચવાની હોય તો બગાસા આવવા માંડે છે અને એક વાત તમારે બરાબર સમજી લેવી પડશે કે સફળતા એજ કામો કરવાથી મળે છે જે કામ કરવામાં તમારું મન નથી લાગતું. સફળતા એ કામ કરવાથી ક્યારેય નથી મળતી જે કામ કરવામાં તમને મજા આવતી હોય.
એક વાસ્તવિક હકીકત એ છે કે તમારી કમાણી તમારા વ્યક્તિત્વ ઉપર ક્યારેય છલાંગ લગાવીને આગળ જઈ શકતી નથી. ઘણાં લોકો એવું કહે છે કે મારામાં કાબેલિયત તો બહુ છે પણ હું પૈસા ઓછા કમાઉ છું. પરંતુ એક કડવું સત્ય એ છે કે વ્યક્તિ એની ઓકાત પ્રમાણે જ પૈસા કમાય છે. એને જેટલી કમાણી થવી જોઈએ તેટલી જ થાય છે. જો કમાણી વધારવી હોય તો મહેનત કરવા કરતાં પોતાની માનસિક શક્તિ ખીલવવા માટે તેના પર કામ કરવું જરૂરી છે.
ધારો કે તમે આખી દુનિયાની દોલત ભેગી કરો અને બધા વચ્ચે એક સરખી વહેંચી દો તો માત્ર બે વર્ષમાં એ તમામ દોલત એની પાસે જ પાછી ફરશે જેની એ હતી. અર્થાત જેનામાં યોગ્યતા હશે એને એ પાછી મળી જશે. પૈસા કમાવવા અને પૈસાને સંભાળવા એ બંને અલગ અલગ બાબત છે.
જીવનમાં જો તમે આગળ વધવા માંગતા હોવ, પૈસા કમાવવા માંગતા હોવ કે પછી તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવા માંગતા હોવ તો તમારે કંઇક નવું 'શીખવું' પડશે. જો તમને આજે મહિને પચીસ હજારનો પગાર મળતો હોય તો યાદ રાખો કે તમે એટલો પગાર મેળવવા પુરતું જ જ્ઞાન ધરાવો છો. જો તમારે મહિને એક લાખ કમાવવા હોય તો પૈસા કમાવા પાછળ ન ભાગો પણ પહેલા એક લાખ કમાવા જેટલું જ્ઞાન એકત્ર કરો. તમે વધારે સમય કામ કરીને વધારે પૈસા કમાશો એ વાત ભૂલી જાવ. કારણ તમે એક કલાકમાં એક કલાક જેટલુ જ કામ કરી શકશો અને દિવસના તમને ૨૪ કલાક જ મળશે. એમાં તમે ૮ થી ૧૦ કલાક કામ કરી શકશો. વધારે સમય નહીં.
ઘણાં લોકો મને એવો પ્રશ્ન કરે છે કે શું અમે વધારે કલાક કામ કરીએ તો વધારે કમાણી કરી શકીએ ? મારો જવાબ હોય છે 'ના'. પરંતુ તમારે જો વધારે પૈસા કમાવવા હોય તો તમારી કિંમત વધારો. દા.ત. તમને તમારી કંપની પચીસ હજાર રૂપિયા મહિને આપે છે. એ જ કંપની બીજી વ્યક્તિને પચાસ હજાર આપે છે અને ત્રીજી વ્યક્તિને બે લાખ રૂપિયા આપે છે અને આ બધા જ લોકો લગભગ એકસરખા કલાક જ કામ કરતા હોય છે. એટલે વધારે કલાક કામ કરવાથી વધારે પૈસા કમાઈ શકાય એ વાતમાં કોઈ તથ્ય નથી. પણ તમારે વધારે પૈસા કમાવા હોય તો જ્ઞાન મેળવી, નવું નવું શીખી અને તમારી કિંમત વધારવી પડશે.
પ્રશ્ન એ છે કે શું માણસ પોતાની કિંમત વધારી શકે ? આઠ કલાક કામ કરીને જે કમાતો હોય એનાથી બમણું કમાઈ શકે ? હું તો એમ કહું છું કે તમે ડબલ નહી પણ દસ ગણું કમાઈ શકો જો તમારી કિંમત તમે દસ ગણી વધારો.
તમારી આવક વધારવા માટે તમારે તમારું જ્ઞાન વધારવું પડશે. સમસ્યા એ છે કે બે વર્ષ પહેલા તમને જે જ્ઞાન હતું એ જ્ઞાન જ આજે છે. તમારી જાણકારીમાં કોઈ ફરક પડયો ખરો ? કારણ મજાની વાત એ છે કે આપણે સારી આદતો પાડતા નથી અને એક કડવું સત્ય એ છે કે સારી આદતો પાડવી પડે છે અને ખરાબ આદતો એની મેળે પડી જાય છે. સવારે ચાલવાની આદત એ સારી આદત છે પણ એ પાડવી પડશે અને જો તમે ચાલવા નહીં જાવ તો પથારીમાં પડયા રહેવાની આદત એની મેળે જ પડી જશે. યાદ રાખો તમારું ભવિષ્ય તમે નહીં પણ તમારી આદતો બનાવે છે. સારી આદતો પાડી તમે સારી જિંદગી જીવી શકશો અને નબળી આદતો પાડી તમે દિનહીન દશામાં જીવતા રહેશો. નબળી આદતો પાડી તમે પૈસાદાર ક્યારેય નહીં થઇ શકો. જીવનમાં ધારી સફળતા ક્યારેય નહીં મેળવી શકો.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ બરાક ઓબામાએ એમની પુત્રીને ત્રણ મહિનાનો એક કોર્ષ કરાવડાવ્યો હતો જેનું નામ હતું ‘How to read a book fast’ એટલે કે ઝડપથી ચોપડી વાંચવાની કળા કેવી રીતે વિકસાવવી. આ કળા બહુ જ મહત્વની કળા છે. કારણકે એ ચોપડીમાં જેટલું લખ્યું છે એ બધું તમારે વાંચવાની જરૂર નથી પરંતુ એમાંથી તમારા કામનું શું છે એ વાંચતા અને ગ્રહણ કરતાં શીખવું એજ મહત્વનું છે. જો તમે જીવનમાં સફળ થવા માંગતા હોવ તો રોજ નિયમિત સમય માટે વાંચનની આદત કેળવો. પણ હું જાણું છું કે તમે ચોપડીઓ ખરીદવા ગૂગલ પર કે એમેઝોન પર પણ જશો. પરંતુ વાંચવાની આદત ક્યારેય નહીં વિકસાવી શકો. એક સનાતન સત્ય એ છે કે જે લોકો પુસ્તકો ખરીદે છે એમના નેવું ટકા ક્યારેય એ પુસ્તકો વાંચતા નથી. હું એટલું ઈચ્છું છું કે એ ૯૦% જે લોકો ચોપડી ખરીદીને વાંચતા નથી એમાંના એક તમે ન હોવ. તમે બાકીના ૧૦% માંના બની રહો.
જે લોકો પુસ્તકો નથી વાંચતા એ ભલે ન વાંચે, તમે વાંચો. જે લોકો મહેનત નથી કરતાં એ ભલે ન કરે પણ તમે કરો. જે લોકો નવું નવું શીખવાની તાલીમ નથી લેતા એ ભલે ન લે પણ તમે ચોક્કસ લો. આવું કરવાથી એ લોકો જ્યાં છે ત્યાના ત્યાંજ રહેશે પરંતુ તમે જિંદગીમાં ઘણાં આગળ વધી ગયાં હશો. તમારી જિંદગી કિંગ સાઈઝની થઇ ગઈ હશે.
એક સત્ય સ્વીકારી લો કે તમે બદલાઈ શકો છો અને નિષ્ફળતાની ગર્તામાંથી સફળતા તરફ આગેકૂચ કરી શકો છો. મનુષ્યની સૌથી મોટી ખાસીયત એ છે કે એ બદલાઈ શકે છે. ઠંડીમાં ઠંડીને અનુરૂપ રહે છે જ્યારે ગરમીમાં ગરમીને અનુરૂપ રહે છે. તમે પણ બદલાઈ શકો છો. એક સારા વાચક બનો.
આ જીવન પર જો માત્ર તમાંરો જ હક હોત તો તમે ઈચ્છો તેમ જીવન જીવી શકતા હતાં. પરંતુ તમારા જીવન પર તમારા માતા પિતા, પત્ની અને સંતાનો એમ ઘણાં લોકોનો અધિકાર છે. એ બધા લોકો કોઈકને કોઈક રીતે તમારી સાથે જોડાયેલા છે એ બધાનું ઋણ તમારે ચૂકવવાનું છે. બાળકો ઘણાં ઉમંગ અને ઉત્સાહથી તમારી સામે જુએ છે કે મારો બાપ કંઇક કરશે. પત્ની હંમેશા એવું વિચારે છે કે પતિ ક્યારેક તો કંઇક કરશે. અને તમારા માતાપિતા એ આશ લગાવીને બેઠા છે કે તમે કંઇક કરશો, તમને સફળતા મળશે અને કુટુંબની પ્રગતિ થશે. તમે નહીં કરો તો બીજું કોણ કરશે? તમે એકલા નથી તમારી પાછળ તમારા તરફ નજર માંડીને બેઠેલી એક લાંબી લાઈન છે તો પછી તમે કેવી રીતે હારી શકો ? તમે કેવી રીતે નેગેટીવ થઇ શકો ? તમને નેગેટીવ થવાનો કોઈજ અધિકાર નથી. તમારે ઘણાંના કરજ ચૂકવવાના છે.
કાલે શું થશે એની કોઈને ખબર નથી. એટલે જ રોજ તમારી જાતને એક પ્રશ્ન કરો કે 'મારે કોનું કોનું કરજ ચૂકવવાનું છે?' અને કરજ ચુકવવા માટે જ તમારી જાતને રોજ નીચે મુજબ પ્રશ્નો કરો.
આજનો દિવસ હું જે રીતે જીવ્યો એ શું મારા લક્ષ્યની દિશામાં હતો ?
આજના દિવસમાં એવા ક્યાં બે કામ હતાં જે મેં મારી પુરેપુરી લગનથી કર્યાં ? કદાચ આ પ્રશ્નો તમને હેરાન કરે અને તમને એવું લાગે કે આજે મેં એવું કોઈજ કામ કર્યું નથી જે મારા લક્ષ્યની દિશા તરફ લઇ જતું હોય. તો હવે તમારી જાતને ફરીથી તમે નીચે મુજબ પ્રશ્ન પૂછો કે
'આજે કેટલા એ બે જરૂરી કામ હતાં જે હું ન કરી શક્યો?.'
'અને એ કામ જો મેં કર્યું હોત તો ચોક્કસ કઈક સારું થાત?'
'આજ જો મેં અડધો કલાક વાંચ્યું હોત તો કદાચ કઈક સારું થાત?'
'એવા ક્યાં કારણો આડા આવ્યા જેથી હું આજ થોડું પણ ભણી ન શક્યો?'
આજે જે કઈ મેં ભૂલ કરી એ ભૂલ હું ફરીથી નહીં કરું એવું વચન તમારી જાતને તમે આપો. ભૂલ કરવી એ પાપ નથી પરંતુ ભૂલનું પુનરાવર્તન કરવું એ મહાપાપ છે. કમનસીબે માણસ જ એક એવો ગધેડા જેવો છે જે એકની એક ભૂલ વારંવાર કરે છે. ગધેડાને પૂછશો કે આ ખાડો છે એમાં કૂદવું છે તો ગધેડો જવાબ આપશે કે પહેલા હું ખાડામાં પડી ચુક્યો છું હવે એજ ખાડામાં મારે ફરીથી નથી પડવું. પરંતુ માણસ એ એક માત્ર એવું પ્રાણી છે જે એકના એક ખાડામાં એક વાર નહીં પણ પચાસ વાર પડે છે. કદાચ ગધેડા પણ વધારે સમજદાર છે.
એટલે જ તમારી જાત ને આ નવા વર્ષે એક વાત તો જરૂર પૂછો કે 'આજે હું કઈ નવી વાત શીખ્યો?'
આ પ્રશ્નનો જવાબ મેળવવાથી તમને ફાયદો થશે એની મારી ગેરેન્ટી છે. જીવનમાં નવું જ્ઞાન મેળવતા રહો. નિત નવું શીખતા રહો. તમારી કિંમત વધારતા રહો તો સફળતા તમારા કદમો ચૂમશે જ.
ન્યુરોગ્રાફ :
એવી રીતે જીવો કે તમે કાલે જ મારવાના છો. એવી રીતે નવું નવું શીખો કે તમે હમેંશ જીવવાના છો. દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન.