સ્થિતિની જાળ ને સંજોગના પિંજરમાં રહીને પણ...

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
સ્થિતિની જાળ ને સંજોગના પિંજરમાં રહીને પણ... 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- કાપડમિલના કામદાર જગતભાઈ સુમેળભર્યા સંબંધો રાખવામાં માનતા. સમાન સ્તર પર સમજણનો સેતુ એટલે સંબંધ એ વાત જગતભાઈએ સાર્થક કરી હતી

જ ગતભાઈને 'સેરેબ્રો વાસ્ક્યુલર સ્ટ્રોક' - સી.વી. સ્ટ્રોક અર્થાત્ બ્રેઇન ઍટેકનો હુમલો આવ્યો હતો. મધરાતે અચાનક ઊલટી જેવું થતાં તેઓ પથારીમાંથી ઊભા થઈ બાથરૂમમાં ગયા. ત્યાં ઊલટી કરતા તેમની જીભ થોથવાઈ ગઈ અને તેઓ ત્યાં જ બેભાન થઈને પડી ગયા. પિતાની સેવામાં હાજર એવા પુત્રએ તેમને તાત્કાલિક ઇન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ કર્યા અને તેમની ઘનિષ્ઠ સારવાર શરૂ કરાઈ.

ઘરનાં તમામ સભ્યોને ખૂબ જ નવાઈ લાગી, કારણ જગતભાઈને સત્તાવન વર્ષની વય સુધી કોઈ જ પ્રકારની બીમારી થઈ ન હતી. એટલું જ નહીં પણ તેમને ઍટેક આવ્યો એ દિવસે તો પિતા-પુત્ર શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવો ફ્લેટ લેવાની શોધમાં સ્કૂટર પર સાત-આઠ કલાક રખડયા હતા.

પિતાની સારવારમાં પોતાની તમામ શક્તિ અને જ્ઞાાન ખર્ચી નાંખવાની તબીબોને વિનંતી કરતા સંજયે કહ્યું હતું કે આ માટે ગમે તેટલા પૈસા ખર્ચવા તે તૈયાર છે, પરંતુ તે કોઈપણ સંજોગોમાં પિતાને પહેલાંની જેમ જ સ્વસ્થ કરવા માંગે છે.

નિષ્ણાત તબીબોએ પણ ભારે જહેમત ઉઠાવી. ટૂંકી સારવાર પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયેલા જગતભાઈને આઈ.સી.યુ.માંથી સામાન્ય વૉર્ડમાં ખસેડવાનું પણ તબીબોએ કહી દીધું હતું. પરંતુ સંજય તબીબોને વારંવાર વિનવણી કરતા કહેતો હતો કે, 'પપ્પાને હજી ઇન્ટેન્સીવ કેર યુનિટમાં રાખીને જ ઘનિષ્ઠ સારવાર આપો. કારણ પપ્પા હજીયે સંપૂર્ણપણે મૌન છે. તેઓ બોલી શકતા નથી.'

'જગતભાઈ હજી બોલતા નથી એ વાત સાચી, પણ એનું કારણ એમના મગજમાં સ્પીચ માટે જવાબદાર 'બ્રોકાસ એરિયા'ની કોઈ ખામી નથી. એમ.આર.આઈ.ના રિપોર્ટ પ્રમાણે તેમના સ્પીચ સેન્ટરને પૂરતું લોહી પહોંચે છે, એટલે જગતભાઈ બોલતા નથી. તેનું કારણ પોસ્ટ સ્ટ્રોક ડિપ્રેશન છે.' સારવાર કરતા નિષ્ણાત તબીબ ડૉ. ચાવડાએ સંજયને સમજાવ્યું.

'સંજયભાઈ, તમારી લાગણી સમજી શકાય છે, પરંતુ તમે માનો છો એટલા તમારા પપ્પા સિરિયસ નથી. પોસ્ટ સ્ટ્રોક ડિપ્રેશન એટલે બ્રેઇન ઍટેકમાંથી સાજા થયેલા દર્દીને આવતો હતાશાનો હુમલો. આવો હુમલો મગજના રાસાયણિક ફેરફારથી આવી શકે છે અને દવાથી તે સંપૂર્ણપણે મટાડી શકાય છે. આને માટે એમને આઈ.સી.યુ.માં રાખવા જરૂરી નથી. સામાન્ય વૉર્ડમાં પણ એમની યોગ્ય સારવાર કરીશું જ. છતાં પણ તમારી લાગણી જોઈને આપણે મનોચિકિત્સકનો અભિપ્રાય લઈને જ જગતભાઈને આઈ.સી.યુમાંથી ખસેડીશું.' ડો. ચાવડાએ સંજયને સાંત્વન આપતા કહ્યું.

'પોસ્ટ સ્ટ્રોક ડિપ્રેશન'થી પીડાતા જગતભાઈને તપાસ્યા પછી તેમનું ડિપ્રેશન એક્યુટ હોવાનું જણાયું. જગતભાઈ સંપૂર્ણ મૌન હતા એટલું જ નહીં પણ તેમનો ચહેરો એટલો ભાવશૂન્ય હતો કે તેઓ 'બિન શાબ્દિક વાર્તાલાપ' અર્થાત્ 'નોન વર્બલ કૉમ્યુનિકેશન' કરવા પણ નહોતા માગતા. એટલે જગતભાઈના ડિપ્રેશનનું કારણ મગજના રાસાયણિક ફેરફાર ઉપરાંત બાહ્ય વાતાવરણનું કોઈ કારણ હોવાની શક્યતા પણ હતી.

'સાહેબ, મારા પપ્પાને કોઈપણ ભોગે સાજા કરો. હું તેમને સ્વસ્થ જોવા માગું છું અને એ તમામ સુખ આપવા માગું છું, જેનાં તેમણે આજ સુધી માત્ર સ્વપ્નો જ જોયાં છે.' સંજયે વિનંતી કરતા કહ્યું. 'તમારા પિતા વિશે થોડી વિગતે વાત કરશો?' 'હા...આ વાત કહેવા માટે જ હું ક્યારનોયે બેચેન છું. મારા પપ્પા એક ફરિશ્તા છે. અમને ચાર ભાઈ-બહેનોને સારી રીતે ઉછેરી સારી લાઈન પકડાવવામાં એમણે એમની જાત ઘસી નાંખી છે. જીવનમાં એમણે ક્યારેય કોઈ સુખ નથી જોયું...' આટલી વાત કરી ગળગળા થઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા સંજયે પિતાનો પૂર્વ ઇતિહાસ અને પિતા-પુત્ર વચ્ચેના સંબંધોની કેટલીક અંતરંગ વાતો કરી જે કંઈક આ પ્રમાણે હતી.

જગત દલસુખભાઈ પ્રજાપતિ કાપડની મિલના એક સામાન્ય કામદાર હતા. ચાર સંતાનોના યોગ્ય ઉછેર માટે તેઓ વધારાના કલાકો કામ કરતા. આમ તો તમામ સંતાનો તેમને અત્યંત પ્રિય હતાં. પરંતુ સૌથી નાના સંજય પર તેમને વિશેષ વહાલ હતું. સ્વભાવના શાંત અને બીજાઓ માટે જાત ઘસી નાખવાની ઇચ્છા ધરાવતા જગતભાઈ બધાંની સાથે સારો સંબંધ ધરાવતા હતા. પત્ની, સંતાનો, કુટુંબીજનો, સ્નેહીઓ, પાડોશીઓ બધા સાથે સુમેળભર્યા સંબંધો રાખનાર જગતભાઈ માનવીય સંબંધોનો આદર્શ હતા. સમાન સ્તર પર સમજણનો સેતુ એટલે સંબંધ. એ વાત જગતભાઈએ સાર્થક કરી બતાવેલી.

જગતભાઈ કહેતા : 'સંબંધ એ જ ગરીબની મૂડી છે. પાસે પૈસા ન હોય એટલે કોઈપણ સંબંધોમાં કોઈને પણ તમારી પાસેથી અપેક્ષા ન હોય પછી સંબંધોમાં તિરાડ પડે પણ ક્યાંથી ?'

મિલમાં પણ બધા જોડે સારા સંબંધો ધરાવતા જગતભાઈને મળવા બાજુની સ્કૂલમાં ભણતો સંજય જ્યારે પણ આવતો ત્યારે મિલના સિક્યોરિટી ગાર્ડ્સ તેને રોકતા નહીં. રિસેસમાં પિતા-પુત્ર હળવી વાતો કરતા. સંજય પોતાની શાળાની વાતો કહેતો. કયા પિરિયડમાં તેને કેટલું આવડયું, સાહેબોએ તેની હોશિયારી બદલ કેટલી શાબાશી આપી વગેરે અનુભવોને તે વર્ણવતો અને પિતા તેને પ્રોત્સાહિત કરતા અને છૂટા પડતાં પહેલાં પોપીન્સ ખરીદવા માટે પુત્રને પૈસા આપતા. સંજયને પણ પોપીન્સ ખાવાનો અને એના રપર ભેગાં કરવાનો ભારે શોખ હતો.

એક દિવસ પોતાના દસબાર ભાઈબંધોને લઈને રિસેસમાં તે પપ્પાને મળવા ગયો. જગતભાઈ તેના ભાઈબંધોને મળવા મિલમાંથી ખાસ બહાર આવ્યા. બધાની વાતો સાંભળી. સંજયની બહુવિધ કાબેલિયતના બધાએ ભરપૂર વખાણ કર્યાં. સંજયે પપ્પાને કહ્યું કે બધા મિત્રોને પોપીન્સ આપી શકાય તેટલા પૈસા આપો. જગતભાઈએ સહેજ પણ ખચકાટ વિના પોપીન્સના પૈસા આપ્યા. મિત્રોને પોપીન્સનું આખું પેકેટ આપ્યા પછી બારબાર રૅપર ભેગાં કરી સંજય તો રાજીનો રેડ થઈ ગયો. તે સ્કૂલેથી ઘેર ગયો. મમ્મીને બધી વાત કરી અને પોતાની 'પોપીન્સ રેપર બૅન્ક'માં એક સાથે બાર રૅપર જમા કરી દીધાં.

એ સાંજે જગતભાઈ ઘેર ન આવ્યા. ઘણી વાર બીજી શિફ્ટનો કામદાર ગેરહાજર હોય ત્યારે જગતભાઈ ડબલ શિફ્ટ ભરતા. પછી રાત્રે બાર-સાડાબાર પછી ઘેર આવતા. એટલે ડબલ શિફ્ટ કરી હશે એમ કહી બાળકોને જમાડી કમળાબેન પતિની રાહ જોતા રહ્યાં. રાત્રે એક વાગે જગતભાઈ ઘેર આવ્યા.

જગતભાઈનું શરીર ગરમ હતું. મોં પર થાક વરતાતો હતો. તેમને જોઈને કમળાબહેને પૂછયું, 'તબિયત બરાબર નથી?'

'જલદી ખાવાનું આપ... સવારનો ભૂખ્યો છું.'

'મને ખાતરી જ હતી, સંજયે બાર પોપીન્સના રૅપર મને બતાડયાં ત્યારે જ હું સમજી ગઈ હતી કે તમે તમારા ખિસ્સાના બધા જ કાવડિયા ખર્ચી નાખ્યા હશે. પછી સળંગ બીજી શિફ્ટ કરતા પહેલાં નાસ્તો કરવાના પૈસા તમારી પાસે બચ્યા જ નહીં હોય !! શા માટે તમે આવું કર્યું ? તમારો પોતાનો થોડોક ખ્યાલ તો રાખવો જોઈએને? શું જરૂર હતી ખિસ્સાના બધા પૈસા સંજય અને એના ભાઈબંધોને આપી દેવાની ?'

'અરે સંજયની ખુશી માટે તો હું એક નહીં પણ દસ ટંક પણ ભૂખ્યો રહું અને ધીમે બોલ, બાળકો જાગી જશે તો તેમની ઊંઘ બગડશે. હું તો અત્યારે તારા હાથના ચાર રોટલા ખાઈને ઊંઘી જઈશ એટલે સવારે તાજોમાજો થઈ જઈશ.'

થોડો સમય પતિ-પત્ની વચ્ચે મીઠો ઝઘડો ચાલ્યો. આખરે બંને સૂઈ ગયાં, પરંતુ પુત્ર સંજય જાગી ગયો હતો. તેને એ વાતની ખબર પડી ગઈ હતી કે પપ્પાએ પોતાના લંચના પૈસામાંથી મિત્રો માટે પોપીન્સ લઈ આપી હતી. તેને પોતાના પર ધિક્કાર ઊપજ્યો. એ દિવસે એણે મનોમન સંકલ્પ કર્યો.

સમય વીતતો ગયો. સંજય ગ્રૅજયુએટ થયો. એમ.બી.એ. થયો. સારી નોકરીએ લાગ્યો. એ દરમિયાન જગતભાઈની મિલ બંધ પડી ગઈ. નાની મોટી ફૅક્ટરીઓમાં કામ કરી, ડબલ-ટ્રીપલ શીફ્ટ કરી તેમણે પોતાની જાત ઘસી નાંખી. પરંતુ છોકરાઓને સારી રીતે ભણાવ્યાં- સારી લાઈનમાં સેટ કર્યાં. ત્રણ વર્ષ પહેલાં કમળાબહેન પણ જીવલેણ બિમારીમાં સપડાયાં અને દુનિયાને અલવિદા કરી ગયાં. સંતાનોની જવાબદારી નિભાવવામાં જગતભાઈ એકલા પડી ગયા, પરંતુ એકલા એકલા પણ એ જવાબદારી એમણે સારી રીતે નિભાવી.

ચારેય સંતાનોએ પણ પિતાના આ બલિદાનને યોગ્ય ઠેરવ્યું હતું. તેઓ સૌ પોતાના સંસારમાં સુખી હતાં. પુત્ર સંજય પરણ્યા પછી પિતાને પોતાની સાથે જ રહેવા લઈ આવેલો. સંજયની પણ એક મહેચ્છા હતી. પિતાને ચાલીમાંથી બહાર કાઢી શહેરના પશ્ચિમ વિસ્તારમાં સારો ફ્લેટ લઈને તેમનાં સ્વપ્નાંના બધાં જ સુખો તેમને આપવાં. એટલે જ નોકરીના સ્થળેથી લોન મળવાનું નક્કી થતાં પિતા-પુત્ર નવો ફ્લેટ શોધવા સ્કૂટર પર ફરતા હતા. આખરે એક રાત્રે ફ્લેટ શોધતાં શોધતાં જગતભાઈને 'બ્રેઈન ઍટેક' આવ્યો.

એક્યુટ ડિપ્રેશનમાં ભાવશૂન્ય બનેલા જગતભાઈ પર દવાઓની ધીરેધીરે અસર થઈ હતી. તેઓ સૌ પહેલાં માત્ર એટલું જ બોલ્યા, 'મારી તમામ ફરજ હવે પૂરી થઈ. હવે મારે નથી જીવવું. બસ મને શાંતિથી મરવા દો...'

પરંતુ જગતભાઈને એમ મરવા દેવાય એમ નહોતા. યોગ્ય સારવાર પછી ફરીથી એમને હસતા બોલતા કરી શકાયા. હૉસ્પિટલમાંથી તેમને રજા આપવાનો દિવસ આવ્યો.

હૉસ્પિટલમાંથી રજા અપાતાં જ સંજયે પિતાના હાથમાં એક ચાવી આપી અને કહ્યું, 'પપ્પા, આપણે જ્યાં જવાનું એ જગ્યાની આ ચાવી છે. હું ઇચ્છું છું કે તમે એ સ્વપ્નનાં તમામ સ્વર્ગીય સુખો માણો.'

જગતભાઈને હૉસ્પિટલમાંથી સીધા નવા ફ્લેટ પર લવાયા. એ જ ફ્લેટ...એ જ એરિયા જે તેમને સૌથી વધારે પસંદ પડેલો !! માંદગીમાંથી સાજા થયેલા જગતભાઈએ ફ્લેટના દરવાજાનું તાળું ખોલવા ચાવી કાઢી. તેમણે બારણા પર જોયું... એક હાર લટકતો હતો જેમાં પોપીન્સના સંખ્યાબંધ રૅપર્સ પરોવેલાં હતાં.

'બેટા ! આ શું છે ? તું તો મને એક વાર કહેતો હતો કે તને હવે પોપીન્સ નથી ભાવતી અને તેં ખાવાનું બંધ કરી દીધું છે...'

'હા પપ્પા, એ રૅપર્સ મારો શોખ હતો અને આ છેલ્લાં બાર રૅપર્સ જે તમે મને ભૂખ્યા રહીને ભેટ આપેલાં તે મારી પ્રેરણા છે... તે રાત્રે તમારી અને મમ્મીની વાત સાંભળીને મેં મનમાં ગાંઠ વાળી હતી...' 

અને ફ્લેટનો દરવાજો ખોલી પિતા-પુત્ર અંદર પ્રવેશ્યા હતા.

ન્યુરોગ્રાફ

ઘરડાં મા-બાપ એ ડ્રોઈગરૂમના શૉ પીસ નથી, તેમ જ સંતાનો પણ ઘડપણમાં કામ આવે એવાં પગલુછણિયાં નથી.


Google NewsGoogle News