બદલાવની દરેક પ્રક્રિયા સજા હોય છે .

Updated: May 28th, 2024


Google NewsGoogle News
બદલાવની દરેક પ્રક્રિયા સજા હોય છે                  . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- આપણને એક જુઠાણું વારંવાર કહેવામાં આવે છે, ''તમે એજ કામ કરો જેમાં તમને મજા આવતી હોય.'' હકીકતમાં બદલાવની પ્રક્રિયા માટે કરાતું કોઈપણ કામ ક્યારેય મજા નથી આપતું.

એ ક શિલ્પકાર પથ્થર પર છીણી અને હથોડી લઈને ઘા કરે છે તો શું એનાથી પથ્થરને મજા આવે છે ? અને એ એમ કહેવા માંગે છે કે માર... ઠોક... મારે માર ખાવામાં મને મજા આવે છે.

ના. એને મજા નથી આવતી એ પીડાતો હોય છે.

જે ડોક્ટર બને છે, આઈ.એ.એસ. બને છે, આઈ.પી.એસ. બને છે શું એમને દિવસમાં ૧૨-૧૪ કલાક મહેનત કરવાની મજા આવે છે ? તરુણાવસ્થા અને યુવાવસ્થાનો તમામ આનંદ છોડી ચોપડીમાં ૧૨-૧૪ કલાક મોઢું નાંખી રાખવામાં શું એમને મજા આવે છે ?

ના. આ સજા ભોગવવા જેવું 

કામ છે.

જીવનમાં કંઈક નવું કામ કરી બતાવવા માટેની, બદલાવ લાવવા માટેની આવી તો ઘણી પ્રક્રિયા છે જેમાં મજા નથી પણ સજા છે.

છતાં પણ એક જુઠાણું વારંવાર કહેવામાં આવે છે.

તમે એજ કામ કરો જેમાં તમને મજા આવતી હોય.

આ જુઠાણું જુદી જુદી પેઢીનાં કરોડો યુવાનોને કહેવામાં આવ્યું છે અને એવા સેંકડો યુવાનો મજાની શોધમાં પોતાને આનંદ આવે એવું કામ કરવા નીકળી પડયા છે અને એ કામને હાથમાં લઈ એવી ફરિયાદ કરતાં સંભળાયા છે કે હવે મને આ કામ કરવાની કોઈ મજા આવતી નથી. કંટાળો આવે છે. શું તમે મજા લેવા કોઈ કામ હાથમાં લીધું હતું ? તમને એમ હતું કે એ કામ કરતાં કરતાં એનીમલ પિક્ચરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને જોવાની જેવી મજા આવતી હતી એવી મજા આવશે?

શું તમારે મજા જોઈએ છે તો યાદ રાખો જીવનમાં બદલાવની પ્રક્રિયા સખત મહેનત, સમર્પણ અને લગન માંગી લે છે. એ આનંદ અને મજા હોમી દેવાનું દ્રઢ મનોબળ પણ માંગે છે. આ સમજ્યા વગર જો જીવનમાં બદલાવ માટે નવું કામ હાથમાં લેશો તો ૬ મહિના કે ૧૨ મહિનામાં એવું કહી છોડી દેશો કે મને મજા નથી આવતી. એટલે જ તમને હું ભારપૂર્વક કહું છું કે જીવનમાં બદલાવની દરેક પ્રક્રિયા ક્યારેય મજા નથી આપતી સજા પુરવાર થાય છે.

કેટરપીલરમાંથી બટરફલાય બનવાની પ્રક્રિયામાં મજા નથી. એને માટે નાનકડા કકૂનમાં જવું પડે છે. સંકડાઈને રહેવું પડે છે અને ઘણા સમય પછી કકૂન ફાટે છે અને બટરફલાયનો જન્મ થાય છે. શું આમાં એને મજા આવે છે ? એક પથ્થર પર મૂર્તિકાર હથોડી મારે છે કે છેણી મારે છે તો શું એમાં પથ્થરને મજા આવે છે ? એટલે એ મૂર્તિકારને એમ કહે છે કે તું તારે મને માર... ઠોક... મારે તો મજા જોઈએ છે. હકીકતમાં એ પારાવાર વેદનાનો અનુભવ કરે છે અને સતત આવી વેદનાનો અનુભવ કરીને પથ્થર એક મૂર્તિમાં ફેરવાય જાય છે. આ મજા લેવાનું કામ નથી.

છતાં પણ એક જુઠ યુવાનોને વારંવાર કહેવામાં આવે છે કે

એ કામ કરો જેમાં તમને મજા આવતી હોય. વાંચક મિત્રો બદલાવની પ્રક્રિયા માટે કરાતું કોઈપણ કામ ક્યારેય મજા નથી આપતું. બદલાવની પ્રક્રિયા હંમેશાં પીડાદાયક હોય છે. તમે તમારા કામને પ્રેમ કરો એ શક્ય છે પણ બદલાવની પ્રક્રિયાને ક્યારેય તમે પ્રેમ કરી શકતા નથી. એમાં કોઈ આનંદ આવતો નથી. યાદ રાખો બદલાવની પ્રક્રિયા આનંદ નથી આપતી પણ એ પ્રક્રિયાને અંતે મળતું પરિણામ આનંદ આપે છે.

જો તમને તમારા જીવનમાં બદલાવ લાવતા કોઈપણ અભ્યાસક્રમ કરવામાં તમને મજા નથી આવતી તો એક વાત સમજી લો કે આ તમારા માટે નથી. બદલાવ લાવવો હશે તો પીડા સહન કરવી જ પડશે.

હું તમને માઈકલ થેલ્પ્સનું ઉદાહરણ આપું છું. ૨૦૦૮ના ઓલમ્પિકમાં એણે માર્ક સ્પેન્સનો બત્રીસ વર્ષ જુનો રેકોર્ડ સ્વિમિંગ ચેમ્પીયનશીપમાં તોડયો. સફળતાની આવી કહાનીઓ માત્ર વાંચવા અને સાંભળવા માટે નથી હોતી પરંતુ અનુસરવા માટે હોય છે પરંતુ મોટા ભાગના લોકોની સમસ્યા એ હોય છે કે એમને બધી ખબર હોય છે. જેવું મેં માઈકલ ફેલ્પ્સનું નામ લીધું એવું તમારામાંથી કેટલાકે મનમાં એવું વિચાર્યું હશે કે આ તો મને ખબર છે. આ કહાની વિશે તો મેં ઘણીવાર સાંભળ્યું છે. કદાચ મારે ફરીથી વાંચવાની જરૂર નથી.

આજ તો સૌથી મોટી કરૂણતા છે. માત્ર જાણકારી હોવાથી કંઈ થતું નથી. આ દુનિયામાં ઘણાબધા લોકોને આવી ધણીબધી બાબતોની ખબર છે છતાં પણ તેઓ સારા માર્ક્સ લાવવા માટે, સફળતા મેળવવા માટે અને પૈસા કમાવવા માટે સંઘર્ષ કરતાં રહે છે. કારણ આ કહાનીમાં દર્શાવાયેલું આચરણ તમે તમારા જીવનમાં કઈ રીતે કરશો એ મહત્વનું છે.

માઈકલ ફેલ્પ્સની કહાની હું તમને આગળ કહું છું. તમને ખબર હોય તો પણ તમે એ વાંચજોજ. કારણ ખબર હોવા છતાં તમારા પલ્લે કંઈ પડતું નથી. એટલે જ તમે આજે જે છો, જેવા છો એજ જગ્યાએ બેઠા રહ્યાં છો. એમાં બદલાવ લાવવો હોય તો આ કહાની વારંવાર સાંભળો, એનું રટણ કરો અને એનું આચરણ કરો. ૨૦૦૮માં ફેલ્પ્સે માર્ક સ્પીટઝનો ઓલમ્પિકમાં સ્વિમિંગમાં ૭ ગોલ્ડ મેડલ મેળવવાનો બત્રીસ વર્ષ જુનો રેકોર્ડ તોડયો અને તેણે ૮ ગોલ્ડ મેડલ મેળવ્યા. આ કોઈ મજાક નથી. તમારે સ્પર્ધા તમારી સોસાયટીના લોકો જોડે નથી કરવાની. રાજ્યના લોકો જોડે કરવાની નથી. દેશના લોકો જોડે નથી કરવાની પરંતુ જુદા જુદા ૧૫૦ દેશોમાંથી આવતાં ચુનંદા તરવૈયાઓ સાથે કરવાની છે અને ત્યાં આવનાર દરેક ચાર વર્ષની સખત મહેનત કરીને આવ્યા હોય છે.આઠ ગોલ્ડ જીત્યા પછી માઈકલ ફેલ્પ્સની પત્રકાર પરિષદ યોજાઈ. 

જેમાં દેશ વિદેશના પત્રકારો આવ્યાં. ડાયસ પર બેઠેલાં માઈકલ ફેલ્પ્સને જુદા જુદા પ્રશ્નો પૂછ્યાં. જેમાં એક મહિલા પત્રકારે પૂછ્યું

માઈકલ, તમારા માટે જીવનનો આ સૌથી નસીબદાર દિવસ હશે. ખરૂને ? માઈકલ એ પત્રકારની વાત સાંભળીને હળવેથી હસ્યો અને એણે એ પત્રકારને ડાયસ પર બોલાવી. એ પત્રકાર તો ખુશ થઈ ગઈ કે આટલો મોટો માણસ મને આ રીતે સન્માને છે. ડાયસ પર બોલાવી એ પત્રકારની આંખમાં આંખ પરોવી માઈકલ ફેલ્પ્સે કહ્યું આજે મેં માર્ક સ્પીટઝનો બત્રીસ વર્ષ જુનો રેકોર્ડ તોડયો છે. આ મારું સપનું ૨૦૦૪માં મેં જોયું હતું. આ સપનું સાકાર કરવા મેં માર્ક સ્પીટઝવિશે કેટલીક પાયાની જાણકારી મેળવી. એમાં મને જાણવા મળ્યું કે માર્ક સ્પીટઝચાર વર્ષથી રોજ આઠ કલાક પાણીમાં રહી તરવાની પ્રેક્ટીસ  કરતો હતો. આ જાણીને મેં મારી જાતને એક વાત કહી કે સૌથી પહેલાં જો મારે માર્ક સ્પીટઝનો રેકોર્ડ તોડવો હશે તો એની મહેનતનો રેકોર્ડ તોડવો પડશે.

કારણ હું સુપરમેન થઈશ... આવા ડાયલોગ્સ બોલવામાં તો સારા લાગે છે. ફિલ્મોમાં એના પર તાલીયો મળે છે પણ આવી સિદ્ધિ માત્ર બોલવાથી નથી મળતી. એને માટે ઘનિષ્ઠ તાલિમની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે જે પીડાદાયક હોય છે. માઈકલ ફેલ્પ્સે ૨૦૦૪માં પ્રતિજ્ઞા લીધી કે હું રોજ પાણીમાં ૧૨ કલાક તરવાની પ્રેક્ટીસ કરીશ. એણે એ પત્રકારને કહ્યું કે હું રોજ ૧૨ કલાક પાણીમાં પ્રેકટીસ કરતો હતો અને એક દિવસમાં ૧૫ કિ.મી. તરતો હતો. અઠવાડીયાના સાતેય દિવસ, વર્ષનાં ત્રણસો પાસઠ દિવસ લગાતાર ચાર વર્ષ સુધી હું આ પ્રેક્ટીસ કરતો રહ્યો. છેલ્લા ચાર વર્ષમાં ૨૦૦૦૦ કિ.મી.થી વધારે હું પાણીમાં તર્યો છું. તમે પાણીમાં માત્ર એક કલાક રહેશો તો તમને તમારી આંગળી ગળી ગયેલી લાગશે. તમારું શરીર પણ ગળી ગયેલું લાગશે. પણ હું ૨૦૦૦૦ કલાક પાણીમાં હતો જો તમે પણ આજે ૨૦૦૮માં ૨૨૦૦૦ કલાક પાણીમાં રહેશો તો ૨૦૧૨ માં ઓલમ્પિકમાં તમે મારો રેકોર્ડ તોડી શકશો.

શું રોજના ૧૨ કલાક પાણીમાં રહેવાને માઈકલ ફેલ્પ્સને મજા આવતી હતી ? ના. કારણ પ્રક્રિયા ક્યારેય મજા નથી આપતી અંતિમ પરિણામ આનંદ આપે છે.

બદલાવની પ્રક્રિયા હંમેશાં પીડાદાયક હોય છે. દસમા ધોરણથી બારમા ધોરણ સુધીનાં આ ત્રણ વર્ષો દરમ્યાન તમે જો પીડા સહન કરશો તો તમને સફળતા મળશે. શક્ય છે કે રોજ તમને નિરાશા સાંપડે. બીજાઓથી તમે પાછળ રહી ગયા છો એવું લાગશે. તમારાથી તમારા સ્વપ્નાઓ સિધ્ધ નહીં થઈ શકે એવું તમને લાગશે. તમને એવું લાગશે કે આ બધું છોડી દઈએ. એવું પણ લાગશે કે તમે ખોટો નિર્ણય લીધો છે. રોજ તમે નેગેટીવ થશો અને બીજા ચાર લોકોને નેગેટીવ કરશો. પરંતુ આ પ્રક્રિયાની પીડાને ત્રણ વર્ષ સહન કરી લેજો. ત્રણ વર્ષ પછી એક શાનદાર કેરિયર તમારી રાહ જોતું હશે. હું એમ નથી કહેતો કે કાલેજ તમને આ પ્રક્રિયામાં મજા આવશે, સફળતાનો આનંદ માણવા મળશે. પણ જો ટકી રહેશો તો અંતિમ પરિણામ આનંદદાયક હશે.

શું તમને એમ લાગે છે કે પચીસ હજાર કરોડનો આસામી ૮૦ વર્ષની ઉંમરે કેબીસી રમવાની મજા લે છે ? આજે પણ કેબીસીનાં સેટ પર તૈયાર થઈને અમિતાભ બચ્ચન આવે છે અને રોજ પ્રમાણે સવાલ જવાબ કરે છે. શું એને મજા આવતી હશે ? એ એકના એક કામથી કંટાળી નહિ જતો હોય ? પરંતુ એને ખબર છે કે પ્રક્રિયા હંમેશાં પીડાદાયક હોય છે. અંતિમ પરિણામ આનંદદાયક હોય છે.

જે આઈ.એ.એસ. બની રહ્યાં છે, ડોક્ટર બની રહ્યા છે એમને બાર ચૌદ કલાક ચોપડીઓમાં માથું રાખવામાં મજા આવે છે ? પરિવારથી એ લોકો પાંચસો-હજાર કિ.મી. દૂર છે. બાપની પાસે પૈસા નથી. બાળકને ભણાવવા એજ્યુકેશન લોન લઈને પૈસા મેળવ્યા છે જેથી બાળક ભણી શકે શું એમાં એમને આનંદ આવતો હશે ? ના. આ પીડાદાયક પ્રક્રિયા છે. છતાં પણ આ લોકો આ પીડા ભોગવે છે. કારણ એમનું લક્ષ્ય અંતિમ પરિણામ પર છે. એમણે ખબર છે કે આ ત્રણ-ચાર વર્ષની પીડા એમના સમગ્ર જીવનની પીડા ખતમ કરી શકે છે. એમના જીવનમાં એક અનોખો બદલાવ લાવી શકે છે.

ન્યુરોગ્રાફ 

પારાવાર પીડા, અસહ્ય વેદના વિના કે હંગામી નુકશાન વિના કરાતું બદલાવનું કોઈ પણ કામ બદલાવ નથી લાવતું. પણ તે માત્ર બદલાવની ભ્રમણને પોષે છે.


Google NewsGoogle News