Get The App

દિવ્યાંગ ભલો હતો, ડરેલો હતો કે ગૂઢ હતો?

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
દિવ્યાંગ ભલો હતો, ડરેલો હતો કે ગૂઢ હતો? 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- જીવનની ઘટમાળ અને વ્યક્તિ સાથે બનતા સારા-માઠા પ્રસંગો ગમે તેવા કઠણ કાળજાની વ્યક્તિને પણ હતાશ બનાવી શકે છે. દાંપત્યજીવનમાં સેક્સ સમસ્યા ડિપ્રેશનનું કારણ બની શકે. સેક્સ વિષયક અજ્ઞાન આપણા દેશમાં જ છે એવું નથી

ર મોના એકાએક બોસ્ટનથી પાછી આવી ગઈ હતી. વહાલસોયી પુત્રીને ''તું શા માટે ઘેર આવી છે?'' એવું તો ન પૂછાય, પરંતુ હજારો માઇલ દૂરથી કોઈ પણ પ્રકારના સંદેશા વગર એકાએક પુત્રી કારણ વગર પાછી ન આવે એવું સમજતાં મમ્મી-ડેડીને વાર ન લાગી.

ભારેખમ ચહેરો, શુષ્ક આંખો, બંધ હોઠ અને ઢાળેલાં પોપચાંથી મમ્મી-ડેડી સાથે સરખી રીતે આંખ મેળવવાનું ટાળી રમોના યંત્રવત્ બબડી, ''મામા, હું બહુ થાકી ગઈ છું... આઇ હેવ જેટ લેગ... લીવ મી અલોન.''

વર્ષોથી જે રૂમમાં રહી મોટી થઈ હતી તેનું બારણું બંધ કરી રમોનાએ પોતાના ફૂલ સાઇઝ મીરર સામે જોયું. બે ઘડી એ પોતાની જાતને ઓળખી ન શકી. તોફાની અને અલ્લડ નદી જેવી રમોના સાગરને શોધતા તરસ્યા ઝરણામાં ફેરવાઈ ગઈ હતી. સાત સમંદર પાર જવા છતાં પણ તેના તોફાની નદી જેવા અલ્લડ યૌવનને સમાવી શકે એવો સાગર તેને ક્યાંય જોવા મળ્યો નહોતો. જાણે બધાં જ સમુદ્રો તળાવ કે ખાબોચિયાં બની ગયાં હતાં!''

બે-ચાર નહીં પણ પૂરા બોતેર કલાક વીતી ગયા. પુત્રીનું મૌન માતા-પિતાને ભયાનક લાગતું હતું. ફ્લેટના અલગ અલગ કમરાઓમાં છત તરફ તાકી રહેલી આંખોએ આ સમય દરમિયાન ભાગ્યે જ મટકું માર્યું હશે. રમોનાની આંખો સમક્ષ અતીત સદેહે ખડો થયો.

એચ.એસ.સી.માં રમોના ઝળહળતી ફતેહ મેળવી પાસ થઈ હતી. આર્કિટેક્ટ પિતા પોતાની એકની એક પુત્રીને ડોક્ટર બનાવવા માગતા હતા, પરંતુ પુત્રી તો પિતાના પગલે આર્કિટેક્ટ થવા જ ઇચ્છતી હતી. કારણ ડેડી હવે પોતાના વ્યવસાયનો ઢસરડો એકલા ખેંચી શકે તેમ નહોતા. મમ્મી-ડેડીને ચાલીસી વટાવ્યા પછી સંતાન પ્રાપ્તિ થઈ હતી એટલે જ ડેડીની ષીપૂર્તિ ઉજવાય તે સાથે જ તેમના વ્યવસાયનો તમામ બોજો પોતાના માથે લઈને તે વહાલા ડેડીનો દીકરો બનવા માંગતી હતી. પુત્રીની જિદ આગળ મમ્મી-ડેડી ઝૂકી ગયાં હતાં અને રમોના આર્કિટેક્ટ બની પિતાની ઓફિસે બેસવા લાગી હતી.

રમોનામાં એક તરવરાટ હતો. ચુંબકીય વ્યક્તિત્વ હતું. સાહસિકવૃત્તિ હતી. ભરપૂર આત્મવિશ્વાસ હતો. વાચાળ સ્વભાવ હતો અને અદ્ભૂત તન સૌંદર્ય પણ હતું.

''જગમોહન આર્કિટેક્ટ્સ એન્ડ કન્સલ્ટન્ટ્સ''નો સમગ્ર કાર્યભાર તેણે બરાબર સંભાળી લીધો હતો. પોતાના જ પેગડામાં પોતાની જ સ્ટાઇલથી પગ નાંખી જિંદગીની રેસમાં પવનવેગે ઘોડા દોડાવવાની ઇચ્છા ધરાવતી  પુત્રી પર પપ્પાને પણ ગૌરવ હતું.

પરંતુ મમ્મીને આ પસંદ નહોતું. યુવાન પુત્રી પિતાના વ્યવસાયમાં ગળાડૂબ થઈ જાય એ પહેલાં તેઓ પુત્રીને પરણાવી દેવા માગતા હતા. એવામાં અમેરિકામાં સ્થાયી થયેલ એક ડોક્ટર મૂરતિયાની વાત આવી હતી. છોકરો બોસ્ટનથી થોડા સમય માટે જ ઇન્ડિયા આવ્યો હતો. ઘણી હા-ના પછી રમોના દિવ્યાંગ સાથે લગ્ન કરવા સંમત થઈ હતી.

સગાઈ-લગ્ન બધું એકાએક ગોઠવાઈ ગયું હતું અને લગ્ન કરીને મૂરતિયો બોસ્ટન પરત પણ થઈ ગયો હતો. રમોનાને વિઝા મળતાં એ પણ પતિગૃહે ચાલી ગઈ હતી... રમોના વિચારતી હતી... બોસ્ટનમાં પતિના વૈભવશાળી એપાર્ટમેન્ટના એ દ્રશ્યો એને અકળાવતાં હતાં. એ યાદ કરી કરીને રમોના વધારે ને વધારે મૂઢ થતી જતી હતી.

પૂરા ત્રણ દિવસ સુધી દિગ્મૂઢ બની મૌન પડી રહેલી પુત્રીની પીડા હવે માતા-પિતા સહન કરી શકે તેમ નહોતા. પુત્રી પર તેમને સવાલોની ઝડી વરસાવી, કાકલૂદી કરી, ક્રોધ કર્યો, પાલવ પાથરી આંસુ સાર્યાં... પણ રમોનાએ પોતાનું મન કળાવા દીધું નહીં એટલે તેને મનોચિકિત્સા માટે લવાઈ.

'એક્યુટ ડિપ્રેશનદથી પીડાતી રમોના સૌ પ્રથમ તો સાવ ભાવશૂન્ય અને મૌન જ રહી. એન્ટિડિપ્રેશન્ટ્સ અને હિપ્નોટિક્સથી તેને ઊંઘાડી શકાઈ પણ બોલતી ન કરી શકાઈ. આખરે 'નારકો એનાલિસિસ' દ્વારા તેના મનના વિચારોનો તાગ મેળવવાની વિધિ હાથ ધરાઈ.

નારકો એનાલિસિસ દરમિયાન ટ્રાન્સમાં ગયેલી રમોનાને એઇજ રિગ્રેસન -અર્થાત્ પાછલી ઉંમરની ઘટનાઓમાં લઈ જવાઈ.... જે દરમિયાન દિવ્યાંગ સાથે બોસ્ટનમાં બનેલી ઘટના તેણે આ મુજબ વર્ણવી...

''ઘણી ઉતાવળને કારણે અમને લગ્ન પછી  અહીંયાં ઇન્ડિયામાં સમય કે એકાંત નહોતા મળ્યાં. દિવ્યાંગ લગ્ન પછી તુરંત જ હોસ્પિટલ ડયૂટીને કારણે બોસ્ટન પહોંચી ગયા હતા. હું મારા એ પ્રિયતમને પામવા ઉત્સુક હતી. વિઝા મળી જતાં હું બોસ્ટન જવા માટે ફ્લાઇટમાં બેઠી, મને ખૂબ જ ગભરામણ અને ડર લાગતો હતો. અજાણી ધરતી પર પગ મૂકવાની મને ઘણી ચિંતા હતી, પરંતુ દિવ્યાંગને મળવાની તડપન પણ એટલી જ હતી. ફ્લાઇટમાં ચોવીસ કલાક હું સ્વપ્નાંઓ જોતી રહી. બોસ્ટન પહોંચી દિવ્યાંગ મને લેવા આવ્યા હશે એ આશા સાથે હું એરાઇવલ લાઉન્જમાં એમને શોધતી રહી, પણ લાંબી પ્રતિક્ષા પછી પ્લેકાર્ડ સાથે એક વ્યક્તિને મેં જોયો. હોસ્પિટલ ડયૂટીમાં વ્યસ્ત દિવ્યાંગે તેને મને લેવા 

મોકલ્યો હતો. હું ખૂબ નિરાશ થઈ પણ મન મનાવી મારા નવા ઘેર પહોંચી ગઈ.

''મુસાફરીનો થાક છતાં હું સરસ તૈયાર થઈ દિવ્યાંગની રાહ જોતી રહી. એ ખૂબ જ મોડેથી ઘેર આવ્યા. મારી સાથે ઔપચારિક વાતો કરી એ  એમનો નાઇટ ડ્રેસ ચડાવી 'ગુડનાઇટ... ટેઇક કેર...' એટલું બબડી સૂઈ ગયા., થોડી વારમાં એ જોરથી નસકોરાં બોલાવવા માંડયા. અને મારી ઊંઘ સાવ ઊડી ગઈ. એ રાત્રે હું ખૂબ રડી...''

અજાણી ધરતી, અજાણ્યા લોકો અને નીરસ, શુષ્ક એવા અજાણ્યા પતિનું વર્તન, એ બધાથી રમોના સાવ ભાંગી પડી. એનું હાસ્ય, અલ્લડતા... આવેગ બધું ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગ્યું.

રમોનાની પીડા એ હતી કે દિવ્યાંગ ખાસ કંઈ બોલતો જ નહોતો. એણે પત્ની પર ગુસ્સો નહોતો કર્યો, એ અવિવેકી પણ નહોતો, એને કોઈ ખરાબ આદત નહોતી. એ વર્કોહોલિક હતો, ઠંડો હતો, લાગણીશૂન્ય હતો. એના તરફ સાવ બેધ્યાન હતો. સવારે વહેલા હોસ્પિટલ જતા રહેવું, સાંજે મોડા આવવું, આવીને ઔપચારિક વાતો કરવી, ટી.વી., વીડિયો, ઇન્ટરનેટ પર એકેડેમિક વિષયો પર સર્ફિંગ કર્યા કરવું, મરજી પડે ત્યારે ગુડનાઇટ કરી નસકોરાંની ઘરઘરાટી બોલાવતાં સૂઈ જવું!

એકાદ મહિનામાં રમોનાને ખ્યાલ આવી ગયો કે ઘણા બધા દર્દીઓની ભયાનક બીમારી મટાડતો ડોક્ટર પોતે જ એક મોટો દર્દી હતો. પોતે એક એવા પુરુષને પરણી હતી જે એને જાતીય સુખ સિવાય પત્નીત્વના બધા જ હક આપી શકે તેમ હતો!!

રમોનાએ દિવ્યાંગ સાથે પ્રેમ અને સહાનુભૂતિપૂર્વક ચર્ચા કરવાનાં તમામ પ્રયત્નો કર્યા. સારવાર માટે સેક્સ થેરાપિસ્ટને મળવા માટેના અનેક સૂચનો કર્યાં. પણ દિવ્યાંગનો પ્રતિભાવ ઠંડો જ રહ્યો. રમોનાના પ્રશ્નોના જવાબમાં તે એટલુંજ બોલતો, 

''યુ કેન લીવ યોર લાઇફ...''

''તું મને છોડી શકે છે.''

''હું તને ડિવોર્સ આપી અહીં જ સેટલ કરી દઈશ.''

''તું બીજાં લગ્ન પણ કરી શકે છે... ઇન્ડિયા પણ પાછી જઈ શકે છે... પણ આઈ નો માય લિમિટેશન્સ.''

''ડોક્ટરો આમાં બીજું કંઈ જ કરી શકે તેમ નથી.''

રમોનાને દિવ્યાંગ ક્યારેક ખૂબ ભલો, ભોળો લાગતો હતો તો ક્યારેક ગૂઢ અને રહસ્યમય લાગતો હતો. તબીબી વિજ્ઞાનને પૂરી તક આપ્યા વગર તે દિવ્યાંગને છોડવા માંગતી નહોતી. તેણે દિવ્યાંગ સાથે જ રહેવાનું નક્કી કર્યું.

લગ્ન પછી ત્રણ વર્ષનો સમય નીકળી ગયો. રમોના અને દિવ્યાંગ એક જ છત નીચે રહેતા હતા પણ હોસ્ટેલમાં રહેતા રૂમ પાર્ટનરની જેમ. વૃદ્ધ માતા-પિતાને પોતાની વાત કરી તે તેમને દુઃખ પહોંચાડવા નહોતી માંગતી. તે તો પોતાના દામ્પત્ય જીવનની સુખની ઉપજાવી કાઢેલી વાતો જ મમ્મી-ડેડીને કરતી રહી. વ્યસ્ત રહેવા માટે તેણે બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો.

બોસ્ટનનો શિયાળો ખતરનાક હોય છે. કાતિલ ઠંડી, હિમવર્ષા અને માઇનસ ટેમ્પરેચરમાં બોસ્ટનવાસીઓ ગરમ કપડાંના ચાર-પાંચ આવરણ ચડાવીને રહેતાં હોય છે. રમોના આવી કાતિલ ઠંડીમાં પણ ઘર બહાર નીકળી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં બેસી સ્નોફોલ જોતી જોતી યુનિવર્સિટી પહોંચી જતી. રાત્રે બંનેય રૂમ પાર્ટનર ભેગાં થતાં અને આટલી ઠંડીમાં પણ એક છત નીચે જોજનો દૂર હોય તેમ સૂઈ જતાં. દિવ્યાંગના નસકોરાંનો અવાજ ક્યારેક તેને આખી રાત જગાડતો. ત્રણ વર્ષ વિતાવ્યા પછી રમોનાએ આખરે દિવ્યાંગને છોડીને ઇન્ડિયા જવાની તૈયારી કરી લીધી. માત્ર એક લાઇનનો મેસેજ મૂકી તે ઇન્ડિયા આવી ગઈ. બોતેર કલાક સુધી મૌન રહીને રાહ જોઈ, પરંતુ દિવ્યાંગનો કોઈ સંદેશો ન આવ્યો...

રમોનાના 'એક્યુટ ડિપ્રેશન'ના કારણની મમ્મી-પપ્પાને જાણ કરાઈ. તેમ ને જબરદસ્ત આંચકો લાગ્યો. પુત્રી માટે કેવાં સ્વપ્નાંઓ જોયાં હતાં અને વાસ્તવિકતા કેવી ભયાનક હતી તે તેમને સમજાઈ ગયું. તેઓ સાવ ભાંગી પડયાં. રમોના હજી પણ ડાયવોર્સ લઈ ઇન્ડિયામાં નવી જિંદગી શરૂ કરે તે માટે તૈયાર થઈ ગયાં, પરંતુ રમોના દિવ્યાંગને હજી એક ચાન્સ આપવા માંગતી હતી. દિવ્યાંગને સેક્સોલોજિસ્ટ પાસે લઈ જઈ તે ખરેખર પૂર્ણ પુરુષ છે કે કેમ તેની ખાતરી કરવા માંગતી હતી અને ડોક્ટર દિવ્યાંગને નપુંસક જાહેર કરો તો જ તેને છોડવો કે નહીં તેનો વિચાર કરવા માંગતી હતી.

વિયાગ્રા અને અન્ય આધુનિક સેક્સ થેરાપીથી જાગ્રત એવા દેશનો દિવ્યાંગ એક અજાયબી છે. આપણા દેશમાં અજ્ઞાન, શરમ, સંકોચ, સેક્સ તરફની સૂગ, ખોટી માન્યતાને કારણે યુવાનોમાં સેક્સ સમસ્યા વ્યાપક છે. સેક્સ થેરાપી માટે આવતાં યુવાન-યુગલોમાં ભોગવાયાં વગર લગ્નો અર્થાત્ ''અનકોન્ઝયુમેટેડ મેરેજ'' ‘UNCONSSUMATED MARRIAGE’  ના ૧૦ ટકા જેટલા કિસ્સાઓ હોય છે. હોમો સેક્સ્યુઆલિટી, યોનિસંકોચ અને પુરુષમાં કામેચ્છા અને કામોત્તેજનાનો અભાવ એનાં મુખ્ય કારણો છે. જાતીય શિક્ષણ અને કપલ થેરપીથી આવાં યુગલોને મહદ્ અંશે મદદ કરી શકાય છે. આપણા દેશમાં આવી તકલીફો માટે સ્પેશિયાલિસ્ટ પાસે જવાનું જ્ઞાન ઘણાં લોકોને નથી, પરંતુ દિવ્યાંગ અને રમોનાનો કિસ્સો આઘાત અને આશ્ચર્યજનક છે. વિદેશની ધરતી પર પણ સેક્સ વિષયક આટલી ઉદાસીનતા જોઈને લાગે છે કે પરગ્રહ પર પહોંચવા મથતો કાળા માથાનો માણસ પરસ્પરના દિલ સુધી પહોંચવામાં કેમ હડબડિયાં ખાય છે એ સમજવું મુશ્કેલ છે?!!

ન્યુરોગ્રાફઃ 

સેક્સ સમસ્યાનું મૂળ બે કાન વચ્ચે મગજનાં મિઝોલીંબીક સિસ્ટમના કેન્દ્રોમાં હોય છે.


Google NewsGoogle News