Get The App

''નથીંગ ઇઝ ઇમ્પોસીબલ'' ક્રિસ્ટોફર રીવ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
''નથીંગ ઇઝ ઇમ્પોસીબલ'' ક્રિસ્ટોફર રીવ 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- જીવનમાં પહાડ જેવો અંતરાય આવે તો પણ હું કહીશ કે 'હે પર્વત અહીંથી બાજુએ ખસ મારે આગળ વધવું છે'.

(હોલીવુડના બહુચર્ચિત લોખંડી હીરો ક્રીસ્ટોફર રીવ એક ફિલ્મના શુટિંગ દરમ્યાન ૨૭મે ૧૯૯૫ના જીવલેણ અકસ્માતનો શિકાર બન્યા અને તેમની ગરદનની નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું. ત્યારબાદ તા. ૨૭ જુલાઈ ૨૦૦૩, આઠ વર્ષ અને બે મહિનાનો સુપરમેને એમની આગવી સુપર સ્ટાઇલમાં વિતાવ્યા. તેમના સંઘર્ષપૂર્ણ જીવનની વાતો આપને ગતાંકમાં કરી ગયા. હવે વાંચો આગળ)

(ગતાંકથી આગળ)

કેથીબ્રેવીસને સન્ડે ટાઈમ્સ લંડન માટે ક્રીસ્ટોફર રીવે આપેલ તેમની દિનચર્યાનો અહેવાલ તથા મુલાકાતના કેટલાક અંશ નીચે મુજબ છે.

'સવારે ૬.૩૦ના ટકોરે હું ઉઠી જાઉં છું. આખી રાત અક્કડ થઇને સૂતા પછી હું માસના લોચાનો નહિ પણ પથ્થરનો બનેલો હોઉં તેવું મને લાગે છે. દાના સાડાસાત વાગ્યે ઉઠે ત્યાં સુધીનો કલાક હું મારા સ્વપ્નાંઓ અને મારી વાસ્તવિક્તાઓ વચ્ચે મારી જાતને એડજેસ્ટ કરવામાં વિતાવું છું. સ્વપ્નામાં હું આજેય અપંગ નથી. સ્વપ્નાઓમાં હું ઘોડેસવારી અને નવી ફિલ્મોના શોટ્સ આપું છું. થોડા વર્ષો પહેલાં આવાં સ્વપ્નાંઓ પછીની વાસ્તવિક્તા મને ભયાનક અને પીડાકારક લાગતી હતી. પરંતુ હવે હું આવનાર દિવસ તરફ નજર રાખીને એનાથી આનંદ અનુભવતાં શીખી ગયો છું.'

સાડા સાતે નર્સ અને આયા મારી રૂમમાં આવીને રેડિયો ચાલુ કરે છે. જેનાથી હું સમાચાર અને ક્લાસીકલ મ્યુઝીક સાંભળું છું. ત્યારબાદ કોફી પીધા પછી મને સવારની કસરત કરાવાય છે. જેથી મારું અક્કડ શરીર હળવું બને છે. મસલ્સના ટોન અને કોન્ટ્રેકશન માટે ઇલેક્ટ્રોનિક્સ સ્ટીમ્યુલેટરનો પણ ઉપયોગ કરાય છે.

હું મારી જાતે કોઈ જ ક્રિયા કરી શક્તો નથી એ સત્ય ને સભાન પ્રયત્નો પછી મે સ્વીકારી લીધું છે. બ્રશ-વોશ પછી કપડાં પહેરાવવાની ક્રિયા માટે બે વ્યક્તિ મારા સમગ્ર શરીરનું સંચાલન કરે છે. મારે રોજ ગરમ કપડાં પહેરવા પડે છે. કારણ સ્પાઇનલ કોર્ડની ઇજાથી શરીરના 'તાપમાન નિયંત્રણનું' કામ થતુંબંધ થઇ જતાં મને સતત ઠંડીનો અનુભવ થાય છે.'

ત્યારબાદ મને કઠોળ અને ફળોનો નાસ્તો અપાય છે. ત્યાર પછીથી મારી દિનચર્યાનો આધાર હું ઘરમાં છંગ કે મુસાફરીમાં તેના ઉપર આધારિત હોય છે.

છેલ્લા પાંચ વર્ષમાં લગભગ દરેક રાજ્યની મેં હવાઈ માર્ગે મુલાકાત લીધી છે. હું સ્કુલ્સ, કોલેજીસ, રીહેબીલીટેશન સેન્ટર્સ અને ફીઝીયોથેરાપીસ્ટ, ન્યુરોસાયન્ટીસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ વગેરેની મીટીંગોમાં નિયમિત રીતે પ્રવચનો આપું છું.

મારી પાસે જીવનમાં માત્ર બે વિકલ્પો છે.

એક સંજોગ સામે હાર સ્વીકારી લેવી.

બીજો 'મારી હાલની પંગુતાની મર્યાદા સ્વીકારી લઇ એનો વિચાર કરવા કરતાં હવે પછી શું કરી શકાય તેમ છે એનો જ વિચાર તથા પ્રયત્ન કરવો.'

વૈજ્ઞાનિકો હવે એ માનવા લાગ્યા છે કે સ્પાઇનલ કોર્ડ રીપેર કરી શકાય છે. પ્રેસીડેન્ટ બુશે સ્ટેમસેલ રીસર્ચના સંશોધન કરતાં બહુ જ ગણતરીના રીસર્ચ સેન્ટર ને ગ્રાંટ આપી છે પરંતુ અમેરિકા બહારના વૈજ્ઞાનિકો આમાં નજીકના ભવિષ્યમાં જ સફળતા મેળવશે. આ માત્ર વીશફુલ થિંકીંગ જ નથી એક દિવસ આ શક્ય બનશે જ.

મારે ઘેર જીમ છે. અઠવાડિયામાં ત્રણ વખત એક ખાસ પ્રકારની બાઇક પર મને બેસાડી ઇલેક્ટ્રોડ વડે મારા મશલ્સને સ્ટીમ્યુલેટ કરવામાં આવે છે. પહેલાં આ પાંચ દસ મિનીટ માટે જ શક્ય બનતું. હવે એક કલાક મને સાઇકલ પર મૂકી દસ કી.મી. જેટલું અંતર કપાવવામાં આવે છે. સાડા અગિયાર વાગે નાનકડા તળાવમાં ઉભી કરાયેલી લાકડાંની ઓફીસમાં મને લઇ જવાય છે. હું 'વોઇસ એક્ટીવેટેડ' કોમ્પ્યુટરનો ઉપયોગ કરું છું. મારે માટે ખાસ સોફ્ટવેર બિલ ગેટ્સે પોતે બનાવી મને ભેટ આપ્યું છે.

૧૯૯૬માં અમે સ્પાઇનલ કોર્ડ ઇન્જરીમાં સંશોધન કરવા માટે એક ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. ૧૯૯૯માં અમેરિકન પેરાલીસીસ એસોસીએશન અમારી સાથે જોડાયું મારૃં કામ હવે વધ્યું છે. મારે હવે ત્રણ આસીસ્ટન્ટ રાખવા પડે છે. મોટા ભાગનો સમય હું ડીક્ટેશન આપવામાં કે ફોન પર વાત કરવામાં ગાળું છું.

'બુ્રક એલીસન' નામની એક છોકરીની સત્ય કથા પરથી હું એક ફિલ્મનું નિર્માણ પણ કરૂ છું. એલીસનને ગરદનથી નીચેના સમગ્ર શરીરનું પેરાલીસીસ થયું છે. સંજોગો સામે લડીને આવી અવસ્થામાં પણ તેની માતાની મદદથી તેને હાર્વર્ડ સ્કુલમાં ભણવાનું ચાલુ રાખ્યું છે.

લંચ સમયે પણ હું મારું કામ ચાલુ રાખું છું. હું પ્રોટીન વાળો આહાર લઉં છું. કાર્બોહાઈડ્રેટ્સયુક્ત પદાર્થો ખાવામાં મારે ધ્યાન રાખવું પડે છે. સહેલાઇથી પચી ન શકે તેવા તથા ગેસ કરે તેવાં ખોરાકથી હું દૂર રહુ છું. હાડકાની સંભાળ માટે મને કેલ્શીયમનો માસીવ ડોઝ અપાય છે. કીડનીને નુકશાન ન થાય એ માટે હું રોજ ત્રણ લીટર પ્રવાહી લઉં છું.

ચાર વાગ્યે મારો પુત્ર વીલ શાળાએથી આવે ત્યાં સુધી હું ઓફીસમાં કામ કરું છું. ત્યારબાદ હું તેને હોમવર્ક કરાવવામાં મદદ કરું છું. મને અકસ્માત થયો ત્યારે વીલ માત્ર ત્રણ વર્ષનો હતો તેથી તેની સાથે ઘણી બધી રમતો નથી રમી શક્યો.

મારા દિવસનો ખૂબ અઘરો સમય આવે છે. જ્યારે ડીનર પહેલાં એક કલાક માટે મારૂ વેન્ટીલેટર દૂર કરવું પડે છે. ૧૯૯૫માં હું તેના વગર માત્ર ૯૦ સેકન્ડ રહી શક્તો હવે ગરદન તથા ડાયાફ્રામની મદદથી શ્વાસ લઇ હું એક કલાક વેન્ટીલેટર વગર રહી શકું છું.

સાત વાગ્યે હું મારું ડીનર લઉં છું. ડીનર દરમ્યાન અમે ક્યારેય મેડીકલ ઇસ્યુસ પર ચર્ચા કરતાં નથી. રાત્રે ટી.વી. પર બેઇઝબોલની રમત જોવાનું અમને ગમે છે.

અઠવાડિયામાં ત્રણ વખત અમે ન્યુયોર્ક સીટીમાં જઇએ છીએ. 

ત્યાં પિકચર જોવાનો કે કોઈ મિત્રને ત્યાં જવાનો અમારો કાર્યક્રમ હોય છે. મને વ્હીલચેરમાં જ લઇ જવામાં આવે છે આમાં કઇ શરમાવા જેવું નથી.

સાડા નવ વાગે મને પથારી પર મૂકવામાં આવે છે. આ આખીયે ક્રિયાને પૂરા બે કલાક લાગે છે. રાત્રિ દરમ્યાન મારી શ્વાસોચ્છવાસની ક્રિયા પર એક નર્સ મોનીટર જોઈ ધ્યાન રાખે છે. ઘણીવાર વેન્ટીલેટર દૂર કરી હું અને દાના સાથે સમય ગાળીએ છીએ.

આ પ્રકારની પંગુતા કાં તો કુટુંબને વેરવિખેર કરી નાંખે છે. અથવા કુટુંબને વધારે નજીક લાવે છે. મને એક વાતનો આનંદ છે કે કટોકટીની પળોમાં અમારામાં રહેલા સદગુણો અમે બહાર લાવી શક્યા છીએ. દાના મારાથી પંદર વર્ષ નાની બીજી પત્ની છે. તેને પણ હીરોઇન તરીકેની તેની હોલીવુડની કારકીર્દી ત્યજી દીધી છે. વેચેસ્ટર કાઉન્ટી જે ન્યુયોર્ક શહેરની બહાર આવી છે ત્યાં અમે ક્રીસ્ટોફર અને દાના રીવ પેરાલીસીસ રીસોર્સ સેન્ટર ચલાવીએ છીએ. પેરાલીસમાં રીસર્ચ તથા પેરાલીસીસ થયેલ દરદીને સ્વતંત્ર જીવન જીવતાં અમારા ફાઉન્ડેશનમાં અમે શીખવીએ છીએ.

ક્રીસ્ટોફરની દિનચર્યા અહી પૂરી થાય છે.

ક્રીસ્ટોફર રીવે ૧૯૯૭માં In the Gloaming નું દિગ્દર્શન કર્યું. અને ૧૯૯૮માં ઇીચિ ઉૈહર્ગુ માં અભિનય કર્યો. ૨૦૦૩માં સુપરમેનના કથાનક વાળી બે ટેલીવીઝન સીરીઅલ Rear Window માં મહેમાન કલાકાર તરીકે ભાગ લીધો. ૨૦૦૩માં તેઓ તેમની આત્મકથા રૂપે બે પુસ્તકો ‘‘Still Me'' અને  ‘‘Nothing Is Impossible'' લખ્યા. ૨૦૦૪માં ક્રિસ્ટોફર રીવ હાર્ટ ફેલ્યોરથી મૃત્યુ પામ્યા.

કઠીન પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા ટકાવી રાખનાર ક્રીસ્ટોફરે 'નથીંગ ઇઝ ઇમ્પોસીબલ'માં લખ્યું છે-

અંધકારે એક વખત ભગવાનને ફરિયાદ કરી 'હે ભગવાન' આ સૂર્ય મારી પાછળ પડયો છે. હું જ્યાં જાઉં છું ત્યાં એ મારી પાછળ આવે છે અને મને હેરાન કરે છે. તે મને ક્યાંય ટકવા દેતો નથી.

ભગવાને સૂર્યને તેડાવ્યો... અને પૂછ્યું 'તું અંધકારને શા માટે હેરાન કરે છે ?'

સૂર્ય એ કહ્યું 'ભગવાન આપ કોની વાત કરો છો ? મેં ક્યારેય અંધકારને જોયો નથી કે એને મળ્યો નથી પછી એને હેરાન કરવાની વાત જ ક્યાં આવી ? છતાં પણ એને કહેજો કે એ મને જ્યારે મળશે ત્યારે હું એની માફી માંગી લઈશ.'

ભગવાન અંધકારને મદદ કરવા શક્તિમાન ન હતાં કે સૂર્યને સજા કરવા માટે પણ તેમની પાસે કોઈ કારણ નહોતું.

યાદ રાખો જો તમે સૂર્ય જેમ માત્ર પ્રકાશ જ ધરાવતા હશો તો ભગવાન પણ તમારી પ્રગતિની, વ્યક્તિત્વ વિકાસની કે સફળતાની ટોચ તરફની તમારી સફરને રોકી શકે નહીં શકે બસ જીવનમાં જીત કે હાર કરો સ્વીકાર.

ન્યુરોગ્રાફ

 જીવનમાં કંઈજ અશક્ય નથી. જો આપણે એમ કહીએ છીએ કે અમુક કામ કે વસ્તુ અશક્ય છે તો એ માત્ર બહાનું છે. જો આપણી ઇચ્છાશક્તિ હોય તો શક્યતા તરફ લઇ જતા સેંકડો રસ્તાઓ છે.


Google NewsGoogle News