તમે જંગલના સિંહ બનશો કે સર્કસના?

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
તમે જંગલના સિંહ બનશો કે સર્કસના? 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- તમારો વર્તમાન જો આરામદાયક છે તો ભવિષ્ય અનેક મુશ્કેલીઓથી ભરેલું હશે.

આ દુનિયામાં બે પ્રકારના સિંહ હોય છે. એક જંગલનો સિંહ અને બીજો સર્કસનો સિંહ. બંને સિંહ જ હોય છે પરંતુ આમાં વધારે આરામદાયક રીતે કોણ જીવે છે ? જંગલનો સિંહ કે સર્કસનો સિંહ ?

સર્કસના સિંહનું જીવન આરામદાયી છે. કારણ તેને ખોરાક માટે શિકાર શોધવા દરદર ભટકવાનું નથી. એણે બેઠેબેઠે ત્રણ વખત ખાવાનું આપવામાં આવે છે. સ્વાદિષ્ટ માંસ પણ આપવામાં આવે છે. તેને કોઈપણ પ્રકારની કુદરતી આફત આવી પડે તો પણ મુશ્કેલીનો સામનો કરવાનો નથી. તેને પોતાના એક આનંદદાયક અને સુરક્ષિત વાતાવરણમાં જીવન જીવવાનું હોય છે. જ્યારે જંગલના સિંહને ક્યારેક ખાવાનું મળશે અથવા તો ક્યારેક ખાવાનું નહી મળે. માનીલો કે ભારે વરસાદ પડે તો તેનાથી બચવા કોઈ જગ્યા પણ ન મળે એવું બને. ક્યારેક પીવાનું પાણી પણ ન મળે અને ત્રણ ટાઈમ તો શું એક ટાઈમ પણ ખાવાનું મળે કે કેમ એ નક્કી નથી હોતું. બંને સિંહ જ છે તો પણ તેમને મળતી સગવડમાં આટલો બધો તફાવત છે.

તમને જો પસંદગી મળે તો તમે જંગલના સિંહ બનવાનું પસંદ કરશો કે સર્કસના સિંહ બનવાનું ?

કેટલાક લોકોનો જવાબ હશે કે સર્કસના સિંહ બનવાનું પસંદ કરીશું. જો તમે આવો અભિપ્રાય ધરાવતા હો તો આ લેખ વાંચી તમારા નિર્ણય વિષે પુનર્વિચારણા કરો.

આ સર્કસના સિંહની સમસ્યા એ છે કે પેલો ચાબુકવાળો જેમ કહે તેમ એણે કરવું પડે છે. ચાબુકવાળો કહે કે ''બેસી જા'' તો સિંહ કહેશે ''ભલે સાહેબ આપનો હુકમ''. હવે ચાબુકવાળો અમે કહે કે ઉભો થા તો સિંહ કહેશે ''ેજેવી આપની મરજી. હું ઉભો થઈ જાઉં છું.'' ચાબુકવાળો તેને ચાબુક ફટકારી એમ કહે છે કે ''આ આગનું વર્તુળ છે તેમાંથી તું કૂદ''. આ સાથે જ સિંહ કહેશે કે ''જહાપના જેવી આપની ઈચ્છા''. સર્કસનો સિંહ જ્યારે પાંજરાની અંદર બેઠો હોય છે ત્યારે એની પૂછડી બહાર નીકળેલી હોય છે. નાના બાળકો પણ એની પૂછડી હલાવે છે અને પૂછડી સાથે રમે છે. પણ સિંહ કંઈ જ કરી શકતો નથી. હવે જો એ સિંહ પરનું પીંજરું હટાવી દેવામાં આવે પછી બાળકોને કહો કે સિંહની પૂછડી સાથે રમત રમે. મજાલ છે કોઈની. સિંહ એમને ફાડી ખાશે.

આપણા દેશમાં મોટાભાગના લોકો સર્કસના સિંહ છે. તેઓ જે જગ્યાએ છે ત્યાં જ પડયા રહે છે. તે આરામદાયક જિંદગીને ત્યજવાનો વિચાર પણ એમને આવતો નથી. સર્કસના સિંહ જેવા વિદ્યાર્થીઓ યૂ.પી.એસ.સી., જી.પી.એસ.સી., નીટ વગેરે જેવી પરીક્ષાઓ આપવાથી દૂર ભાગે છે એ જેમ છે તેમ ચાલવા દેવા માંગે છે. કોઈ નોકરિયાતને નોકરી છોડીને અથવા તો ચાલુ નોકરીએ કંઈક નવું સાહસ કરવાની ઈચ્છા થાય છે પણ તે આવું કરી શકતો નથી. તેને તો આરામદાયક જિંદગીમાં પડી રહેવાની જ મજા આવે છે.

જે છે એ પરિસ્થિતિમાં પડી રહેવાથી જીવન તો જેમતેમ ચલાવી શકાય છે પણ જીવનમાં સફળતા મેળવી શકાતી નથી. કેટલાંક લોકોને ધંધો શરૂ કરી અને એકસ્ટ્રા મોડર્ન લાઈફ જીવવાની ઈચ્છા હોય છે પરંતુ પાંચમી કે સાતમી તારીખે નિયમિત તેમના હાથમાં આવતો પગાર તેમને કોઈપણ પ્રકારનું નવું સાહસ કરતાં અટકાવે છે. તેઓ જ્યાં છે ત્યાં જ આરામની જિંદગી જીવવાનું પસંદ કરે છે. કારણ નોકરી છોડીને કોઈ અન્ય ધંધો કરે તો ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે છે. કારણ ક્યારેક ધંધો ચાલે ક્યારેક ધંધો ન ચાલે.

છતાં પણ જો લોકોને એવું પૂછવામાં આવે કે તમે જંગલના સિંહ બનવા માંગો છો કે સર્કસના સિંહ. તો મોટા ભાગના લોકો એવો જવાબ આપશે કે તેઓ જંગલના સિંહ બનવા માંગે છે. પણ વાસ્તવિક જીવન સર્કસના સિંહ જેવું જીવે છે.

સોનાના પીંજરામાં પુરાયેલો પોપટ મસ્તીથી જીવન જીવે છે. કારણ ખાવાનું શોધવા એને દરદર ભટકવાનું નથી. સવાર સવારમાં તેને ગરમ ગરમ પરોઠા ખવડાવવામાં આવે છે. બાળકો તેને ક્યારેક કાજુ બદામ ખવડાવે છે તો ક્યારેક લીલું મરચું પણ ખવડાવે છે. અને પોપટ મીઠુંમીઠું કહીને તેને મનાવતા જ રહે છે. આ પોપટ આરામદાયી જિંદગી જીવે છે. ગમે તેવો વરસાદ પડે તો પણ તેના પર પાણી પડવાનું નથી. તે દરેક રીતે સુરક્ષિત છે. પરંતુ શું આ જિંદગી એ કોઈ જિંદગી છે ? એના કરતાં તો વધારે સારું એ કે સો વર્ષને બદલે આકાશમાં ઉડીને ભલે માત્ર ૩૦ વર્ષ જીવતો પણ જીવતો તો સારી રીતે. પોતાની મરજીથી જીવતો. ભલે એને ખાવાનું મળે કે ન મળે પણ એ કેદમાં તો ન જીવતો.

નોકરીયાતની દશા પણ કંઈક આવી છે કારણ એક તારીખ અને પાંચ તારીખે તેને પગારનો મેસેજ આવે છે. જેને કારણે તે પોતાના સગવડભર્યા સુરક્ષા ક્ષેત્રમાં રહે છે. અને એમાં એ ખુશ છે કારણ સમય જતાં એણે જીવન અને સંજોગો સાથે સમાધાન કરી લીધું હોય છે. અને જે માણસ આ રીતે સમાધાન કરી લે છે એ ખુશ રહે છે. એનો અર્થ એવો નથી કે નોકરી ના કરવી પણ તમે જ્યાં છો ત્યાંથી આગળ વધવા સતત પ્રયત્નો કરવા. જીંદગીમાં જોખમો ઉઠાવવા.

જો માણસના સ્વપ્નાં અથવા ખર્ચા ઘણા મોટા હોય પરંતુ સિદ્ધિ અને આવક ધાર્યા કરતા ઓછી હોય તો તમારે કોઈક બીજી દિશામાં વધરે મહેનત કરવી પડશે. નોકરી સિવાય સ્વપ્નાઓ જો સિદ્ધ કરવા હોય કે પછી કમાણી વધારવી હોય તો મહેનત કરવી પડશે. નોકરી સિવાય સ્વપ્નાઓ સિદ્ધ કરવા અને કમાવા માટે વધારે કલાક કામ કરવું પડશે, વધારે સમય ઘરની બહાર રહેવું પડશે અને આરામદાયક સુરક્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળવું પડશે. એટલે જે લોકો પોતાના સુરક્ષા ક્ષેત્રમાંથી બહાર નથી નીકળવા માંગતા તેઓ પોતાના સ્વપ્નાઓ અધુરા છોડી દે છે અને ખર્ચો ઘટાડી નાંખે છે અને પછી એ કહે છે કે જેટલો ખર્ચો એટલી કમાણી, જેટલી સિદ્ધિ એટલા જ સ્વપ્નાં. આમ ઓછું કામ કરીને ઓછા પૈસામાં આરામની જિંદગી જીવે છે. હકીકતમાં કેટલાંક અનિવાર્ય ખર્ચ કરવા જ પડે છે. એટલે આવક વધારવા સુરક્ષા ક્ષેત્રમાંથી બહાર નીકળી કમાણીના અન્ય સાધનો શોધવા જ પડે છે.

એક વાત યાદ રાખો કે તમારો વર્તમાન જો આરામદાયક છે તો ભવિષ્ય અનેક મુશ્કેલીઓથી ભરેલું હશે. અને જો તમારો વર્તમાન મુશ્કેલીઓથી ભરેલો હશે તો ભવિષ્ય આરામદાયક હશે. કેરીઅરની શરૂઆતના પાંચ વર્ષ આમતેમ મહેનત કરીને તમારા સ્વપ્નાઓ સિદ્ધ કરીને કમાણીના અન્ય સ્ત્રોત ઉભા કરો. અત્યારે જો મુશ્કેલી વેઠીને જીવન જીવશો તો જિંદગીના પચાસ વર્ષ આનંદથી જીવી શકશો પણ આજ પાંચ વર્ષ આરામથી જીવશો તો જિંદગીના પચાસ વર્ષ મુશ્કેલીઓમાં ઘસડાતા જ રહેશો. એટલે જ અત્યારે તમે જે પણ કઈ કમાવ છો એમાં તમારી જિંદગીનું પ્લાનિંગ કરવા કેટલું વદારે કમાવું પડે તે નક્કી કરો અને એ દિશામાં આગળ વધો. જરૂર પડે વધારે સારી નોકરી બદલો, ધંધો શરૂ કરો અથવા તો પછી નોકરી સાથે અન્ય કામ શોધી લો જેમાંથી વધારાના ખર્ચાને ભવિષ્યમાં પહોંચી વળાય.

જીવનમાં સુરક્ષા ક્ષેત્રમાં પડયા રહેવું બહુ જ ખતરનાક છે. તમે ''ફ્રોગ સિન્ડ્રોમ'' વિશે સાંભળ્યું હશે. આ સમજાવવા માટે હું તમને એક પ્રયોગ વિષે સમજાવું છું જેમાં દેડકાને એક ઉકળતા પાણીના પ્રવાહમાં રાખવામાં આવે છે. અને નીચેથી એ પાણીને ગરમ કરવામાં આવે છે. ધીરે ધીરે પાણી ગરમ થવા લાગે છે. પરંતુ દેડકામાં એક ખાસિયત હોય છે તેના શરીરનું ટેમ્પરેચર એ પાણીના ટેમ્પરેચર સાથે મેળવી લે છે. જો પાણીનું ટેમ્પરેચર વધે તો દેડકો એ વધેલા ટેમ્પરેચર સાથે અનુકુલન સાધી લે છે. આમ પાણી ગરમ થતું જાય છે અને દેડકો એની સાથે પોતાનું અનુકુલન સાધતો જાય છે. દેડકાને આમાં મજા આવે છે.

પણ ધીરે ધીરે પાણીનું ટેમ્પરેચર વધતું જાય છે અને દેડકાની હાલત ખરાબ થતી જાય છે. હવે એ કૂદવા માંડે છે પણ એનામાં એટલી શક્તિ નથી રહેતી કે એ કૂદી શકે અને છેવટે દેડકો ગરમ પાણીમાં મરી જાય છે.

શું દેડકાના મોતનું કારણ ગરમ પાણી છે ? ના. દેડકાના મોતનું કારણ એ છે કે જ્યારે એણે કૂદકો મારવાનો હતો ત્યારે એ એડજસ્ટ કરી રહ્યો હતો અને એણે કૂદકો જ ન માર્યો અને સંજોગોને આરામદાયક સમજી એમાં જ પડયો રહ્યો.

મોટાભાગના લોકોની દશા આ દેડકા જેવી થાય છે. સંજોગો બદલવા માટે જ્યારે એક નોકરીથી બીજી નોકરી પર કૂદકો મારવાનો શક્ય હોય ત્યારે જ્યાં છે ત્યાં જ પડયા રહે છે અને તે રીતે કૂદકો મારવાનો સમય જતો રહે છે. અને પછી ઠેરના ઠેર જ રહેવાય છે.

શું તમામ ભૂતકાળે તમને કરેલ નુકસાનની અસર હેઠલ તમે આજે જીવન જીવી રહ્યા છો ? તમે તમારી આવતીકાલ ઉજ્જવળ બનાવવા માગો છો ? તો એની શરૂઆત આજથી શરૂ કરવી પડશે.

તમારા વિચાર, વાણી, વર્તન, વલણ, માન્યતા અને વ્યક્તિત્વમાં બદલાવ લાવવાની તમારી ઈચ્છા હોય તો તમારે એક પડકાર તરીકે એનો સ્વીકાર કરવો પડશે. એને માટે સગવડ ભોગવવી પડશે.

મોટાભાગના લોકો પોતે જ છે તે પરિસ્થિતિમાં વર્ષો સુધી પડયા રહે છે. પોતાની આવી પરિસ્થિતિ બદલ બીજાને દોષ દેતા રહે છે, પણ ગમે તેટલી અગવડ ભોગવવા છતાં પણ પરિસ્થિતિ બદલવાનો નિર્ણય લઈ શકતા નથી.

કારણ આ અગવડની તેમને ફાવટ આવી ગઈ છે. નવી પરિસ્થિતિ કેવી હશે, આજના કરતાં વદારે સગવડ ભરેલી હશે કે કેમ તેની કોઈ ગેરંટી ખરી ? આવું વિચારી જીવનમાં બદલાવ લાવવા આગળ આવતા નથી. પરિવર્તન ઝંખતા પ્રત્યેક વાંચક મિત્રો યાદ રાખે કે જીવનમાં થતા પ્રત્યેક ફેરફાર માટે તમારે મુશ્કેલીઓ તો વેઠવી જ પડશે. કારણ મુશ્કેલીઓ વેઠયા વિના કોઈ પ્રકારની સિદ્ધિ મળતી નથી.

માનવ સ્વભાવ એવો છે કે વર્તમાન પરિસ્થિતિથી તે ગમે તેટલો ત્રસ્ત હોય તો યે પરિવર્તનથી ડરે છે. સાવ અણીના સમયે જ પોતાનો ઉદ્ધાર થાય તેવા પરિવર્તનના પગલાં ભરનાર લોકોએ ''ફ્રોગ સિન્ડ્રોમ''માંથી બહાર આવવું પડશે.

ગમે તેવી વર્તમાન પરિસ્થિતિમાં ગાડું ગબડાવ્યે રાખતા લોકોએ એક વાત સમજવી પડશે કે વર્તમાન સંજોગો અસ્વીકાર્ય હોય તો ગમે તેટલી મુશ્કેલી અને વેદના વેઠી સુખ-સગવડોનો ભોગ આપીને પણ પરિસ્થિતિમાં પલટો લાવવાનો દ્રઢ સંકલ્પ કરવો પડશે.

કેટલાયે લોકો પોતાના નાનકડા ગામની સુખસાહ્યબી ત્યજી મોટા શહેરમાં કિસ્મત અજમાવવા આવે છે. શહેરમાં ચાલીઓમાં રહે છે. પોતાના સંજોગો સામે લડે છે. તેમના મનમાં એક દ્રઢ સંકલ્પ હોય છે કે જીવનમાં કંઈક કરી બતાવવું છે, આગળ વધવું છે, સફળતાની અને સિદ્ધિની એક પછી એક ઊંચાઈએ પહોંચવું છે. એ લોકો પરિવર્તન લાવવા માટે તત્પર હોય કારણ તેઓ એમ વિચારે છે કે, ''આમ પણ હું ભોંયતળિયા પર પડયો છું. આથી નીચે જવાની કોઈ શક્યતા નથી. મારે માટે એક જ દિશા ખુલ્લી છે. હું જે કંઈ કરીશ તેમાં મારી તો પ્રગતિ જ થવાની છે.''

ન્યુરોગ્રાફ

તમે પણ જો તમારા વર્તમાન સંજોગોથી સંતુષ્ટ ન હોવ. જીવનમાં બદલાવ લાવવા માંગતા હોવ તો સલામતીનો ખ્યાલ છોડી દો. સંજોગોના ગુલામ બહુ સમય રહ્યા. આથી વધુ ગુમાવવાનું કંઈ જ નથી એમ સમજી જંગલના સિંહ બનવા તૈયાર રહો.


Google NewsGoogle News