આત્મવિશ્વાસનો જાદુઈ ચિરાગ .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
આત્મવિશ્વાસનો જાદુઈ ચિરાગ                                 . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- તમારા અને આત્મવિશ્વાસના જાદૂઈ ચિરાગની વચ્ચે એક મજબૂત અભેદ્ય દીવાલ છે.  અહીં આલેખાયેલ માહિતી વાંચશો એટલે એ દીવાલ અદ્રશ્ય થતી જશે

ત મે અલ્લાદિનના જાદુઈ ચિરાગની બાળવાર્તા સાંભળી હશે. અલ્લાદિન જ્યારે પણ તેનો જાદુઇ ચિરાગ ઘસતો ત્યારે એક જીન પ્રગટ થતો જે અલ્લાદીનની તમામ ઇચ્છાઓ પરિપૂર્ણ કરી આપતો. બાળવાર્તામાના આ જાદુઈ ચિરાગનું અસ્તિત્ત્વ ભલે આભાસી હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તમારા હાથમાં આત્મવિશ્વાસનો જાદુઈ ચિરાગ તમને પ્રાપ્ત થાય તે માટે તમારે એ જાદુઇ ચિરાગ અને તમારી વચ્ચે આવેલી એક ભયાનક વિકટ દીવાલને ભેદવી જરૂરી છે.

આ ભયાનક અભેદ્ય દીવાલને જરા નજીકથી જુઓ એ દીવાલ મજબૂત પથ્થરોથી ચણાયેલી છે.

એ દીવાલના દરેક પથ્થર પર કંઇક આવું લખાણ લખ્યું છે.

'એ કામ તમે નહીં કરી શકો'

'એ કામ કેવી રીતે થાય તે તમે જાણતા નથી.'

'એ અશક્ય છે.'

'એ કામ તમારી પહોંચની બહાર છે' 'તમને ક્યારેય કોઈ કામમાં સફળતા મળી છે ખરી ?'

'તમે જે કામ હાથમાં લો છો તે બગડી જાય છે'

આ મજબૂત પથ્થરો ક્યાંથી આવ્યા ? એ બધા ભેગા થઇ એક દિવાલ સ્વરૂપે કેવી રીતે ગોઠવાઈ ગયા ? આ પથ્થરો એટલે તમે તમારા બાળપણમાં તમારા માતા-પિતા, શિક્ષક સહોદર, મિત્ર કે સ્નેહી પાસેથી તમે સાંભળેલા ટીકાત્મક વિધાનો. તમારા આ બધા આપ્તજનોએ કદાચ તેમનો સામાન્ય અભિપ્રાય આપતાં ઉચ્ચારેલ વાક્યો.

ધીરે ધીરે એમના દ્વારા ઉચ્ચારાયેલા વાક્યોને એ લોકો વડીલ હતાં એટલે તમે સાચા માનતા ગયા અને તમારી અને આત્મવિશ્વાસના જાદુઈ ચિરાગ વચ્ચે મજબૂત દીવાલ ચણાતી ગઈ. શક્ય છે કે આમાંની કેટલીક ઇંટો ભૂતકાળમાં તમારા પ્રયત્નોને મળેલી નિષ્ફળતાને કારણે તમે પણ મૂકી હોય.

પણ હકીકતમાં એ છે કે આ દીવાલ હંમેશા તમારી સામે જ ઊભી હોય છે. તમે કોઇપણ જગ્યાએ જાવ કોઈપણ કામમાં આગળ વધવાની કોશિશ કરો એટલે આ અડીખમ દીવાલ તમને અવરોધવા માટે સામે ચાલીને ઊભી જ રહે છે.

તમે કોઈ પાર્ટીમાં જાવ છો ત્યારે...

પરીક્ષા આપવા જાવ છો ત્યારે

ઇન્ટરવ્યૂ આપવા જાવ છો ત્યારે

તમારી અને તમે જે કરવા માંગો છો કે કહેવા માંગો છો તેની વચ્ચે આ મજબૂત દીવાલ ઊભી છે. જે કદાચ નીચેના કારણોસર હોઈ શકે.

બીજાઓ તમારા દેખાવ વિશે શું વિચારશે ?

તમારી બોલવા-ચાલવાની રીતભાત વિશે શું માનશે ?

પરીક્ષા/ઇન્ટરવ્યૂમા પાસ થવાશે? બધું યાદ આવશે ?

મને સફળતા નહીં મળે તો લોકો મારા વિશે શું વિચારશે ?

ક્યારેક પ્રસંગોપાત તમને બે શબ્દો બોલવાનું કહેવામાં આવે છે અને તમારી સામેની મજબૂત દીવાલ પર લખાયેલાં વાક્યો ખૂબ જ મોટા અક્ષરે તમારી આંખ સામે ઉપસ્થિત થાય છે.

'તમે એ કામ નહીં કરી શકો'

'તમારામાં એવી આવડત નથી?'

અને જાત પ્રત્યેની શંકામાંથી ઊભો થયેલો ભય તમને લકવાગ્રસ્ત બનાવી દેશે.

જો કે આ દીવાલ જેટલી અભેદ્ય, ભયાનક અને કઠીન દેખાય છે તેટલી છે નહીં. હકીકતમાં આ દીવાલ, પથ્થરો બધું જ આભાસી છે. ઝાંખા પ્રકાસમાં પડછાયો જેમ લાંબો થતો દેખાય છે અને અજવાળું થતા જ જેમ તે અદ્રશ્ય થતો જાય છે તેમ આ પથ્થરો કોણે મૂક્યા ? ક્યાંથી આવ્યા ? દીવાલ કેવી રીતે ચણાતી ગઇ એ વિષેની તમે જેમ જેમ માહિતી મેળવતા જશો તેમ તેમ જ્ઞાનના પ્રકાશમાં આ ભયાનક અને મજબૂત લાગતી દીવાલ અદ્રશ્ય થતી જશે.

તમે જ્યારે એ વાત સમજશો કે લોકોએ તમારા વિશે ટીકાત્મક વિધાનો કેમ ઉચ્ચાર્યા ? તમને આ ટીકાઓથી ડર કેમ લાગવા માંડયો. તે ઘડીથી તમે તમારી શરમ, શંકા, ડર, અવિશ્વાસ, દૂર કરી શકશો. ટીકાત્મક વિધાનો બે પ્રકારના હોય છે.

૧. હિતેચ્છુ વડીલો મિત્રો દ્વારા કરાયેલ ટીકા :-

માતા-પિતા, શિક્ષક અને કેટલાક સાચા મિત્રો તમારી ટીકા એટલા માટે કરે છે કારણ કે તેઓ તમારા હિતેચ્છુ છે. દા.ત. તમારા અક્ષરો સારા નથી આવતા એટલે તેઓ કહે છે. 'તારા અક્ષરો તો જો કેટલા ખરાબ છે ? તું મોટીબેન બીના પાસેથી કંઇક તો શીખ. એના અક્ષર કેવા મોતીના દાણા જેવા છે?'

તેમનો આશય તમને સારા અક્ષર કાઢવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પણ તમે જ્યારે પણ કાગળ પર લખવા બેસો છો ત્યારે સભાન કે અભાન પણે તેમના ઉચ્ચારાયેલા એ સરખામણી કરતાં ટીકાત્મક વિધાનો તમને અવરોધવાનું જ કામ કરે છે. એવું તમે અનુભવ્યું હશે.

કદાચ તમારી મમ્મીએ તમને ક્યારેક એમ કહ્યું હોય કે 'હીના... તું આ રીતે કેમ ચાલે છે ? તને બરાબર ચાલતાં પણ નથી આવડતું ? જરા તારી બેન નેહા ને તો જો. કેવી ગ્રેસ ફુલ ચાલ ચાલે છે ?' આ વિધાનો રીનાને તેની ચાલ પ્રત્યે સભાન બનાવશે. પરંતુ જો રીના એ સત્ય સમજે કે તેની મમ્મીનું તેની ચાલ અંગેનું ટીકાત્મક વિધાન માતા તરીકેની અંગત દરબાર સૂચવતું હતું અને ભવિષ્યમાં રીના પ્રભાવપૂર્વક અને આત્મવિશ્વાસપૂર્વક વર્તન કરી શકે તે માટે હતું. જો તમે તમારા વડીલો દ્વારા બોલાયેલાં ટીકાત્મક વિધાનો પાછળનો આશય સમજતો તો પેલી આભાસી દીવાલ અદ્રશ્ય થવા માંડશે. 

તમારી હીન ભાવના ઓછી થશે અને તમે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી શકશો.

૨. દ્વેષભાવથી કરાયેલ ટીકાત્મક વિધાનો :

પેલી મજબૂત દીવાલની મોટાભાગની ઇંટ એવી વ્યક્તિ દ્વારા મૂકાઈ છે જે તમારી ઇર્ષ્યા કરે છે. ઇર્ષાથી પ્રેરાઇને કરાતી ટીકાઓનો સામનો લગભગ દરેક વ્યક્તિ કરે છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓ જ્યારે લોકપ્રિય બનતી જતી હતી ત્યારે તેમના કેટલાક સમકાલીનો અને પશ્ચિમી કવિઓ ઇર્ષાભાવથી તેમની હાસી ઉડાવતા હતા. એક વખત કલકત્તા યુનિવર્સિટીની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ટાગોરના લખાણોમાંથી એક પેરેગ્રાફ આપવામાં આવ્યો હતો અને તેને અલંકાર રહિત સરળ બંગાળી ભાષામાં અનુવાદિત કરવાનું કહેવામાં આવ્યું હતું. બંગાળી ભાષાના લખાણનો જ બંગાળીમાં અનુવાદ ? કારણ ટાગોરની લોકપ્રિયતાથી તેઓ ઇર્ષાથી બળી ગયા હતા. લોકો શા માટે તમારી ઇર્ષ્યા કરે છે એ વાત જો સમજી શકશો તો તમને એમના પર ગુસ્સો નહીં પણ દયા આવશે.

આ માટે ઇર્ષ્યા વિશે આટલું સમજી લો.

ઇર્ષ્યા ચાર મુખ્ય પાયાના આધારે ઊભી રહે છે.

૧. જે વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ થતો હોય તેની સાથે તમારી સરખામણી કરાતી હોય. સામાન્ય રીતે આપણને ભાઇ, બહેન, મિત્રો, સહકાર્યકર, સમાન પ્રોફેશનલ્સની ઇર્ષ્યા આવતી હોય છે. કારણ તેની સાથે જ તો લોકો સતત આપણને સરખાવતા રહે છે.

૨. તમને જે વ્યક્તિની ઇર્ષ્યા આવે છે એની પાસે એવું કંઇક છે જે તમારી પાસે નથી. આનાથી તમારામાં અભાવની લાગણી પેદા થાય છે.

૩. એની પાસે જે છે એ મેળવવાની તમને તીવ્ર ઇચ્છા થાય છે. એ તમારી પાસે પણ હોય એવું તમે ઇચ્છો છો.

૪. તમે એ મેળવવાની પરિસ્થિતિમાં નથી - અસહાય છો.

દા.ત. તમારા મિત્ર પાસે સ્કુલ કોલેજ જવા માટે બાઈક છે તમારી પાસે નથી. તમારે એ જોઇએ છે પણ તમે એ ખરીદી શકો તેમ નથી. આ લાચારી ઇર્ષ્યાનું કારણ બને છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ તમારી ઇર્ષ્યા કરે છે ત્યારે હકીકતમાં તમારી કમને એ પ્રશંસા કરે છે. ઇર્ષ્યા કરીને એ તમને કદાચ કંઇક આમ કહેવા માગે છે.

'જો તારી પાસે એવું કંઇક છે જે મારી પાસે નથી. મને એ મેળવવાની ઇચ્છા છે.. પણ કદાચ મારી લાચારી છે... હું એ મેળવી શકું તેમ નથી.'

જો તમને કોઈ વ્યક્તિની ઇર્ષ્યા થતી હોય તો આ ચારમાંથી એક પાયો હચમચાવી નાંખો. એટલે તમારા મનમાંથી ઇર્ષ્યાની પકડ ખતમ થઇ જશે.

૧. તેની સાથે સરખામણી કરવાની બંધ કરો.

૨. તમે જો સખત પરિશ્રમ કરો તો એની પાસે જે છે તે તમે પણ મેળવી શકો.

૩. અસહાયતા અને લાચારી દૂર કરો. ઇર્ષ્યા મુક્ત થઇ જશો.

એક એવો મોટો વર્ગ છે જે બીજાઓની સતત ટીકા કરતો રહે છે. એટલે જ સમાજમાં કેટલાક એવા કમનસીબ લોકો છે જેમને બીજાઓની ટીકાઓનો જ સતત સામનો કરવો પડે છે. જેથી તેઓ વ્યથિત છે. આ લોકો જ્યારે તમારી ટીકા કરે છે ત્યારે ખો-ખોની રમત રમે છે.

આ લોકોની ટીકાથી તમારો આત્મવિશ્વાસ તૂટવા ન દો. એમને તમારી મદદ અને દયા ભાવનાની જરૂર હોય છે. આવા લોકો દ્વારા કરાયેલી તમારી ટીકા પ્રત્યે જ્યારે પણ તમે ઉપર મુજબ સમજ કેળવશો ત્યારે તમને સમજાશે કે આવા દુ:ખી લોકોએ તમારા સામેની દીવાલ પર મૂકેલી ઇંટો કેટલી આભાસી છે !! બસ એ સાથે જ એ અદ્રશ્ય થવા માંડશે અને આત્મવિશ્વાસના જાદુઇ ચિરાગ તરફ તમે આગળ વધશો.

ન્યુરોગ્રાફ 

ટીકાખોરી કરવાની ખો-ખોની રમત રમવા જેવી નથી કારણ એનાથી બીજાનો આત્મવિશ્વાસ જરૂર તૂટે છે પણ તમારો વધતો નથી !!


Google NewsGoogle News