અંધશ્રદ્ધાના અનિષ્ટ સામે યુવાવર્ગ જંગે ચડશે?
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- પ્રત્યેક વ્યક્તિ પોતાની સમજદારી, શિક્ષણ અને બુદ્ધિનો ઉપયોગ કરી અને સૂચનો સ્વીકારે છે તથા અનુકરણ કરવા પ્રેરાય છે. છતાં પણ સદીઓ જૂના ખ્યાલો તથા માન્યતાઓ પ્રત્યેક સમાજને વારસામાં મળે છે, અને ''ઓલ્ડ ઈઝ ગોલ્ડ''નાં લોભામણાં સૂત્રોના ઓઠા હેઠળ સમાજ કેટલીક માન્યતાઓને વળગી રહે છે.
ગુ જરાતમાં તાજેતરમાં જ સ્ત્રી શક્તિના નવરાત્રિની ઉજવણી પૂરી થઈ છે. આ નવરાત્રી દરમ્યાન એવો પણ વિરોધાભાસ માહોલ જોવા મળ્યો હતો જ્યાં સ્ત્રીની જ ડાકણનો વહેમ રાખીને હત્યા કરવામાં આવી હતી. સમાચારપત્રોના અહેવાલ પ્રમાણે ભિલોડા તાલુકાના રામપુરી ગામે બે બાળકોની માતા સામે ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુટુંબીએ મહિલાને બંદૂકથી ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી છે.
૪૫ વર્ષિય મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી રાજેશ ઉર્ફે રાજેન્દ્ર તબીયાર અવાર નવરા હેરાન પરેશાન કરતો હતો. તું તો ડાકણી છે અને તને તો મારી નાખવાની છે તેમ કહી ત્રાસ આપતા આ આરોપી વિરૂધ્ધ આ પરિવારે અગાઉ પણ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
એનસીઆરબીના વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કુલ ૧૮ મહિલાની ડાકણનનો વહેમ રાખીને હત્યા થઈ છે. ગામ કે પરિવારમાં કોઈ નાની વયની વ્યક્તિનું આકસ્મિક મોત થાય ત્યારે અંધશ્રદ્ધામાં રાચતો પરિવાર ઘરની કે ગામની એકાદ મહિલાને ડાકણ માની તે ખાઈ ગઈ છે તેમ કહી તેની હત્યા કરે છે. આ હત્યામાં એક વ્યક્તિથી લઈને અનેક લોકો જોડાયેલા હોય તેવું પણ બને છે. જેને પાછળથી મોબલિન્ચિંગનું નામ આપી દેવાય છે. ડાકણ માની લેવાયેલી સ્ત્રી સાથે ક્રૂર અને અમાનવીય વર્તન કરવામાં આવે છે. આ સમાચારને પગલે ભૂતકાળમાં આ લેખમાળામાં પ્રસિદ્ધ થયેલ એક લેખ ફરીથી રજૂ કરું છું. આપણે ભલે આર્ટીફીસીઅલ ઈન્ટેલીજન્સ અને સોસીઅલ મીડિયાના યુગમાં હરણફાળ ભરતા હોઈએ પણ અંધશ્રદ્ધાના ઘોર અંધકારને દૂર કરવામાં સફળતા મેળવી નથી. એનું શું કારણ ?
સમાજશાસ્ત્રીઓ કહે છે કે સમાજ સૂચનો અને અનુકરણોનું પરિણામ છે. જોકે માનસશાસ્ત્રીઓ આમાં એટલું ઉમેરે છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાની સમજદારી, શિક્ષણ અને બુદ્ધિનો ઉપયોગ કરી અને સૂચનો સ્વીકારે છે તથા અનુકરણ કરવા પ્રેરાય છે. છતાં પણ સદીઓ જૂના ખ્યાલો તથા માન્યતાઓ પ્રત્યેક સમાજને વારસામાં મળે છે, અને ''ઓલ્ડ ઈઝ ગોલ્ડ''નાં લોભામણાં સૂત્રોના ઓઠા હેઠળ સમાજ કેટલીક માન્યતાઓને વળગી રહે છે.
તમે આ સદીના આધુનિક માનવી વિશે-વીજળી સહેલાઈથી મળતી હોય છતાં કોડિયું જલાવીને જ અંધારું દૂર કરવાનો આગ્રહ રાખતો હોય અને સ્થળાંતર માટે સહેલાઈથી વાહનો મળતાં હોય છતાં પણ ચાલતાં-ચાલતાં કે બળદગાડીમાં જ એક ગામથી બીજે ગામ જવા માંગતો હોય તેવી કલ્પના કરી શકો છો ?... તમને કદાચ આવી કલ્પના પણ હાસ્યાસ્પદ લાગે પરંતુ આ પ્રકારના માણસો સૌને જોવા મળતા જ હશે !
આપણે એકવીસમી સદીમાં હરણફાળ ભરી રહ્યા છીએ ત્યારે આપણા ગરીબ અને પછાત દેશનો અડધાથી પણ વધારે સમૂહ પણ દૈવી અંધશ્રદ્ધામાં જીવી રહ્યો છે તેના પર શિક્ષિત અને સભ્ય લોકોએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
તમે પણ એ વાત સાથે સંમત થશો કે વહેમ, અજ્ઞાાન, અંધશ્રદ્ધા, દૈવી પ્રકોપ કે ડાકણના વળગાડની વાતો શહેરી અને શિક્ષિત સમાજની સોસાયટીઓમાં પણ રસપૂર્વક થતી રહે છે. માનસિક બીમારીને દૂર કરવા માટે દોરા-ધાગા કરાવવામાં કે ફકીર-ભૂવાને નોતરી ડાકલાં વગડાવવામાં શહેરી અને સભ્ય જનસમૂહ પણ બહુ પાછળ તો નથી જ ! એટલે જ પછાત ગ્રામ્યજનો આ બાબતમાં બારમી સદીમાં જીવતા હોય તો નવાઈ પામવા જેવું ખરું !
ગ્રામ્યપ્રજાની અંધશ્રદ્ધાનું એક ચોંકાવનારું સત્ય ઉદાહરણ અહીંયાં આપું છું.
આ સત્ય ઘટના સાથે સંકળાયેલ શ્રી રમેશ એક આશાસ્પદ યુવાન છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરે છે.
લગભગ છ વર્ષ પહેલાં આ યુવાન મારી પાસે તેના રોગની સારવાર કરાવવા આવ્યો હતો. તેણે અકારણ ભય લાગવાની, ગભરામણ, હ્ય્દયના ધબકારા વધી જવા, હાથપગ પાણી પાણી થઈ જવા, ચક્કર આવવા, બેલેન્સ ગુમાવી બેસશે તેવો અહેસાસ થવો, આત્મવિશ્વાસનો અભાવ, કામકાજમાં મન ઓછું ચોંટવું વગેરે વિવિધ માનસિક તકલીફ અનુભવતો હોવાની ફરિયાદ કરી હતી. આ લેખમાં રમેશની તકલીફો અને તેની ચિકિત્સાની ચર્ચા નથી કરવી, પરંતુ રમેશે તેની દ્રષ્ટિએ પોતાની તકલીફ માટે જવાબદાર એક પ્રસંગ મને કહ્યો જે નીચે મુજબ છે :
રમેશના મનમાં જે ઘટના પછી ભય અને ચિંતા જાગી હતી તે ઘટના ૧૯૮૨માં બની હતી, એક સમી સાંજે ડાંગ જિલ્લાના માળુંગા ગામમાં આંબાના ઝાડ નીચે નાનાં નાનાં છોકરાં રમતાં હતાં. રમતમાં સાત વર્ષની બાળાએ ત્યાંના એક ઝૂંપડાની નજીકના ખાડામાં કેરીનો ગોટલો લેવા માટે હાથ નાખ્યો. એ બાળાની કમનસીબીએ ત્યાં પડેલા ઝેરી સર્પે આંગળી ઉપર ડંખ માર્યો. છોકરાંઓએ બૂમાબૂમ કરી. ગામલોકો ભેગા થયા. સાપનું ઝેર ઉતારવા માટે જડી-બુટ્ટી અને જંતર-મંતરના પ્રયોગો થયા, પરંતુ આખરે તે બાળા મૃત્યુ તામી. ગામમાં સન્નાટો વ્યાપી ગયો અને તે બાળાની માતાના કલ્પાંતે ગામલોકોનાં હૈયાં ધુ્રજાવી નાંખ્યાં.
ગામના પટેલને ત્યાં ગામના આગેવાનો ભેગા થયા. તેઓને આમાં ડાકણનો હાથ હોવાની શંકા ગઈ. અને નક્કી કર્યું કે ગામમાં જે સ્ત્રીમાં ડાકણે પ્રવેશ કર્યો હોય તેને ઓળખી કાઢવી અને ભગાડી મૂકવી, જેથી ગામના બીજા નિર્દોષ છોકરાઓનો જાન આ રીતે જાય નહીં. ગામના આગેવાનોએ આ કામ માટે એ વિસ્તારના ખ્યાતનામ ડાકણભગાડુ નિષ્ણાત ભગતને નોતર્યાં.
નિષ્ણાત ભગતે ખાતરી આપી કે ''ચપટી વગાડતામાં ડાકણને શોધી અને ભગાડી આપીશ.'' તેમના આદેશ અનુસાર ગામની તમામ સ્ત્રીઓને ભેગી કરવામાં આવી. એક વાડકીમાં પાણી ભરી આ નિષ્ણાત ભગતે દરેક બહેનને તે વાડકીમાં પોતે આપેલ મંત્રેલ અડદનો દાણો નાખવા જણાવ્યું. પોતાની આ નિદાન-પ્રક્રિયાનું અગત્યનું પાસું સમજાવતાં નિષ્ણાત ભગતે લલકાર કર્યો
કે સ્ત્રીનો વાડકીના પાણીમાં નાખેલો મંત્રેલો દાણો તરશે તેને ડાકણ માનવામાં આવશે.
બધી સ્ત્રીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. ધૂ્રજતા હાથે એક પછી એક સ્ત્રીઓએ ભગતે આપેલ મંત્રેલ અડદનો દાણો પાણીમાં નાખ્યો અને દાણો ડૂબી જતાં હાશ અનુભવી. એક અસહાય વૃદ્ધાનો વારો આવ્યો, તે વૃદ્ધાએ નાંખેલ અડદનો દાણો તરવા લાગ્યો. બસ.... ભગતને ડાકણ મળી ગઈ. (રમેશે એ વાતની પાછળથી ખાતરી કરી હતી કે આ વિધિ એક નાટક હતું અને એક પુત્ર તથા પુત્રીની માતા હોવા છતાં તેમની ગેરહાજરીથી નિ:સહાય એવી એ વૃદ્ધાને ડાકણ જાહેર કરવા તેણીને અડદનો પોલો દાણો આપવાનું પૂર્વયોજીત કાવતરું ઘડાયું હતું.)
ભગતેએ વૃદ્ધાને ડાકણ જાહેર કરી દીધી. એ અસહાય વૃદ્ધાએ પોતાની નિર્દોષતા સાબિત કરવા બુમરાણ મચાવ્યું. પણ ગામના લોકોએ ભગત અને આગેવાનોના નિર્ણયને માથે ચડાવ્યો અને વૃદ્ધાને ડાકણ માની ગામની રક્ષા કરવા ભગતને વૃદ્ધામાંથી ડાકણ કાઢવાની વિધિ કરવા માટે પરવાનગી આપી દીધી.
તરકટ આગળ ચાલ્યું. આ ડાકણ જાહેર કરેલી વૃદ્ધાના ઘરેથી જ એક બકરો અને એક મરધો લાવવામાં આવ્યા અને બકરાને કાપી ''લે ડાકણ....આ...ભોગ...લે...'' એમ કહી આ લોહી જબરજસ્તી એ વૃદ્ધાને પીવડાવવામાં આવ્યું. આટલેથી સંતોષ ન થતાં એ વૃદ્ધાને આંબાના ઝાડ નીચે ઊંધે માથે લટકાવવામાં આવી. આંખમાં મરચાંની ભૂકી નાંખવામાં આવી અને નીચે સૂંકા મરચાં તથા મીઠું રાખી તેની ધાણી (ધુમાડો)એ વૃદ્ધાના મોં ઉપર જાય તે રીતે કરવામાં આવી અને ચારેય બાજુથી સોટીઓનો માર મારતા ભગત બોલ્યા, ''બોલ...ક્યાંથી આવી ?... કેટલાનો ભોગ લેવા આવી છે.''
બસ....વૃદ્ધાની સહનશક્તિની મર્યાદા તૂટી ગઈ. પોતાની નિર્દોષતાની સફાઈ કરવાને બદલે જીવતાં જ દોઝખનો અનુભવ કરી રહેલી એ વૃદ્ધાએ રાડો પાડી અને કબૂલાતનામું આપ્યું કે... ''હા...હું જ ડાકણ છું. મેં...હા...હા...મેં...જ સર્પનું રૂપ ધારણ કરી બાળાનો ભોગ લીધો છે !!! હું...હા...હા...હું જ.... ગામના ઢોર-બકરાંઓને ભરખી જતી હતી અને ભગાડો... નહીં તો તમને બધાયને ભરખી જઈશ !!!??''
અસહ્ય વેદનાના આ આર્તનાદ સાથે કબૂલાત થઈ ગઈ અને નિષ્ણાત ભગતે તમામ ગામવાસીઓને ડાકણ જાહેર થયેલી તે બાઈની આંખમાં મરચાં નાંખવાનો અને મારઝૂડ કરવાનો આદેશ આપ્યો.
નાનીમાની આ દશાની જાણ રમેશને થતાં તે અન્ય સગાંઓ સાથે ગામડે પહોંચ્યો. હકીકતો મેળવી પોલીસ ફરિયાદ કરી. ગામના આગેવાનો તરફથી.... ''ભણેલાંઓ આગળ કંઈ કરશો તો ગામમાં પગ નહીં મૂકવા દઈએ...જીવથી જાશો...'' એવી ધમકી અવારનવાર મળવા છતાં રમેશે આ બધી દોડાદોડ બે વર્ષ ચાલુ રાખી અને છેવટે ભીનું સંકેલાઈ ગયું. આ ઘટનાની પાશ્ચાત્ અસરે રમેશને ઉપરોક્ત બીમારીઓનો શિકાર બનાવ્યો.
જોકે દવાઓ અને વિવિધ મનોપચાર પદ્ધતિઓથી તે માનસિક રીતે સ્વસ્થ થઈ ગયો અને આ સત્ય ઘટનાને કોઈનો પણ ડર રાખ્યા વગર લોકો સમક્ષ રજૂ કરવાની હિંમત પણ તે દાખવી શક્યો અને ભવિષ્યમાં બની શકે તો ડાંગમાં જ બદલી કરાવી આ અંધશ્રદ્ધા સામે ઝઝૂમવાનો નિર્ણય કર્યો.
અંધશ્રદ્ધાના આવા અનેક હ્ય્દયદ્રાવક કિસ્સાઓ તમારી સમક્ષ પણ બનતા હશે. અંધશ્રદ્ધાના આ અનિષ્ટને દૂર કરવા પ્રત્યેક યુવાનોએ જંગે ચઢવું પડશે. અંધશ્રદ્ધા એ આજના સમાજની વિકરાળ એવી સહુની સમસ્યા છે. તેની સામેની લડત ઘણી લાંબી અને દુષ્કર છે. પરંતુ તમે નક્કી કરો તો એ અશક્ય તો હરગીઝ નથી.
ન્યુરોગ્રાફ :
અંધશ્રદ્ધા આપણો સામાજિક અને સંસ્કૃતિક વરસો છે. જે ના વરસી હક્કો તબદીલ કરવાનો સમય ક્યારનોય પાકી ગયો છે.