ચાલો, ઉદાસીને માણતાં શીખી લઈએ .
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- તમે કેટલાયે લોકોના જીવતરનો નકશો ભલે ચિતરી આપ્યો હોય કે લોકોના રાહબર ભલે બન્યા હોવ, એનાથી તમને ઉદાસ ન થવાનું અભય વચન મલી જતું નથી.'
જી વનની પ્રત્યેક પળે આપણી પાસે બે વિકલ્પ હોય છે. પહેલો વિકલ્પ ગમે તેવા સંજોગોમાં ટકી રહેવાની તાકાત ઊભી કરી વિકાસ તરફ આગળ ડગલું માંડવાનો અને બીજો વિકલ્પ છે સંજોગોથી હારી થાકી જઈ પીછેહઠ કરવાનો. પીછેહઠ કરવાથી થોડા સમય માટે સલામતી અને રાહતનો ચોક્કસ અનુભવ થાય છે. પરંતુ આગેકૂચ કરવાથી ગમે તેવા વિપરીત સંજોગોમાં ટકી રહેવાનું બળ મળે છે. એટલે જ આપણે ઉદાસીને થોડી માણતાં શીખવી પડશે.
વિન્સ્ટન ચર્ચિલ ડિપ્રેશનના હુમલાને 'બ્લેક ડોગ બાઈટ' સાથે સરખાવતા અને તેમની મુલાકાતે આવનાર પ્રેસ રિપોર્ટરોને પણ ચોખ્ખેચોખ્ખું સુણાવી દેતા કે ''મને કાળો કૂતરો કરડયો છે, હાલ હું તમને નહીં મળું.''
તીવ્ર ડિપ્રેશનના હુમલાનો અનુભવ ચર્ચિલના કહેવા મુજબનો હોઈ શકે, પરંતુ સામાન્ય ઉદાસીનો પણ એક આનંદ હોય છે. ઉદાસીન કુદરતનો ક્રમ છે. પ્રકૃતિ પણ ચોવીસ કલાકમાં એક વખત જાણે ઉદાસ હોય છે. આથમતા સૂર્યના આછા અંધકારવાળી ઢળતી સાંજ એટલે કુદરતે અનુભવેલી ઉદાસી. એ સાંજ પાનખરની હોય, વસંતની હોય, ગ્રીષ્મની હોય કે પછી વર્ષાની. સામાન્ય માનવીની રોજિંદી ઉદાસી સાથે સાંજ સંકળાયેલી છે.
કુદરતની ઉદાસીનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું. ક્યારેક તેનું સ્વરૂપ પાનખરની સાંજ જેવું નગ્ન અને પારદર્શક હોય છે તો ક્યારેક વસંતની સંધ્યા જેવું વૈભવશાળી. સામાન્ય માનવીની ઉદાસીનું પણ કોઈ જ કારણ ક્યારેક નથી હોતું. બસ આમ અમસ્તાં જ ઉદાસીનો અનુભવ થયા કરે છે. આમ તો બધું જ હોય છે છતાં કંઈક ખૂટતું હોય છે. હર્યાભર્યા જીવનમાં ખૂટે છે તેની પણ ક્યારેક ખબર નથી હોતી. પ્રેમની જેમ ઉદાસીને પણ કોઈ ચોક્કસ કારણો હંમેશા નથી હોતાં. કોઈક અમથું, અમસ્તું સાવ અચાનક જ ગમવા લાગે છે, એમ ઉદાસીન પણ ચોક્કસ કારણો વગર અચાનક જ અનુભવાય છે. પ્રેમમાં ઉદાસ થવાય છે અને ઉદાસી પ્રેમ વધારે છે. આમ જોવા જાવ તો ઉદાસીનું પોતાનું પણ એક આગવું સ્વરૂપ અને સૌંદર્ય હોય છે. બસ એને માણતા શીખી જવું જરૂરી છે. ઉદાસીનું સ્વરૂપ એટલે રડમસ ચહેરો જ નહીં. ઉદાસીથી છૂટવું હોય તો એમાંથી છૂટવા કે છટકવાનો પ્રયત્ન ન કરવો અને સમજવાનો કે એનું પૃથ્થક્કરણ કરવાનો પ્રયત્ન કરવાનો.
કવિઓ, લેખકો અને સાહિત્યકારોને ઉદાસી સાથે ગહેરો સંબંધ હોય છે. ઉદાસી તેમની સફળ કૃતિઓની પાછળ રહેલી સ્ત્રી સમાન હોય છે. જો એ લોકોએ એમની ઉદાસી માણી ન હોત કે વાગોળી ન હોત તો મહામૂલી સાહિત્યિક કૃતિઓનું સર્જન પણ કદાચ ન થયું હોત. રશિયામાં જન્મેલ અમેરિકન કવિયિત્રી સેલિયા ડ્રોપકીન Cellia Propkin ની કવિતા The Acrobat- સરકસ સુંદરી આનું સચોટ ઉદાહરણ છે. જેનો ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે.
''હું છું સરકસની સુંદરી. વર્તુળમાં ઊભા રહીને હું ખંજરો વચ્ચે નાચું છું. ખંજરની અણીઓ મારી સામે ઉપર જોયા કરે છે. મારું શરીર ખંજરોની અણીઓ વચ્ચે રહીને પણ નજાકતથી ભરેલો નાચ કરે છે. મૃત્યુની પરવાહ કર્યા વગર તેનો ઉપહાસ કરતું મારું શરીર હળવેથી ફરતા વર્તુળમાં નફકરું બનીને નાચે છે. લોકો મારા સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના પણ કરે છે. આ ઠંડા પોલાદી ખંજરો વચ્ચે નાચતા નાચતા હું થાકી ગઈ છું. કોઈને પણ ખબર નહીં પડે અને હું આમાં એક દિવસ ઢળી પડીશ. હા...મારે આ ઠંડા પોલાદી ખંજરોને મારા બળબળતા લોહીથી દઝાડવા છે અને તેમની નગ્ન અણીઓ વચ્ચે મારે ઢળી પડવું છે.'
માનવ જીવન પણ એક સરકસ જેવું જ છે. આપણે સૌએ આપણો ખેલ પૂરો કરવાનો હોય છે. પેલી સરકસ સુંદરીની જેમ અણીયાળા ખંજરોથી બચીને, મોતને નકારીને, ફરકતા વર્તુળ કે વિષચક્રમાં આનંદથી નાચતા રહેવાનું છે. સમય, સંજોગ, ઘટનાઓ અને લોકોના અણીયાળા પોલાદી ખંજરોની વચ્ચે તમે જ્યાં સુધી ઢળી ન પડો ત્યાં સુધી એટલે કે મૃત્યુ સુધી તમારે હસતા રહેવાનું છે, નાચતા રહેવાનું છે.
ગુજરાતી સાહિત્યના એક સુપ્રસિદ્ધ નવલકથાકાર, વાર્તાકારે એકવાર મને ફરિયાદ કરી, ''મારી કલમ સાવ અટકી ગઈ છે. બે મહિનાથી એક અક્ષર પણ લખ્યો નથી. કલમ એ મારો શોખ માત્ર નથી, પણ આજીવિકા છે. હું જીવનનિર્વાહ માટે લખું છું. એ આમ અટકી જશે તો મારું શું થશે ? મને આમ અચાનક આ શું થઈ ગયું ?''
મેં કહ્યું, ''તમે 'રાઈટર્સ બ્લોક'ના શિકાર છો જે 'ડિપ્રેશન'નું જ એક સ્વરૂપ છે. ''
એ આદરણીય વડીલને આશ્ચર્ય થયું...'હું ડિપ્રેશનનો દર્દી !? કેવી વાત કરો છો !?... અરે મારી કૃતિઓએ તો સેંકડો લોકોના જીવનને હર્યુંભર્યું બનાવ્યું છે, મારા નિબંધો કેટલાયે લોકો માટે પ્રેરણાસ્ત્રોત સમાન બન્યા છે...હું હતાશાનો દર્દી કેવી રીતે બની શકું ?'
મેં કહ્યું, 'તમે ઉદાસીથી ભાગો નહીં. એની આંખમાં આંખ મિલાવો.
મહાભારતનો અર્જુન જ નહીં પણ રામાયણના શ્રી રામજીએ પણ ઉદાસીનો અનુભવ કર્યો છે. તમે કેટલાયે લોકોના જીવતરનો નકશો ભલે ચિતરી આપ્યો હોય કે લોકોના રાહબર ભલે બન્યા હોવ, એનાથી તમને ઉદાસ ન થવાનું અભય વચન મલી જતું નથી.'
એ વડીલ મિત્રએ ઉદાસીનો સ્વીકાર કર્યો. અને ઉદાસી ઘૂંટવાનો આનંદ માણ્યો. જેમાંથી એક મહામૂલી કૃતિનું સર્જન થયું. જેને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ઉચ્ચત્તમ શિખરો સર કર્યા.
'ડિપ્રેશન' જ્યારે આવે છે ત્યારે દુ:શાસન બનીને એક પછી એક આપણાં વસ્ત્રો ખેંચે છે. વાળ ખેંચીને ઢસડે છે. એવે વખતે આપણી પાસે દ્રૌપદી જેવી ચીસ નથી હોતી. એટલે આપણા ચીર પૂરવા કોઈ કૃષ્ણ આવતો નથી.
ડિપ્રેશન આવે ત્યારે મનનું સમારકામ કરીને મનને અપગ્રેડ કરવું જરૂરી બને છે. અર્જુનના મનને અપગ્રેડ કરવાનું કામ તેના સારથિ બનેલા શ્રીકૃષ્ણએ કર્યું. તમે હતાશાનો અનુભવ કરતા હોવ તો ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ વાંચી જુઓ. તમારી મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ તેમાં તમને મળી જશે. અને તમે પણ વેદનાના કાળી નાગને નાથી શકશો. આપણે અર્જુન નથી કે શ્રીકૃષ્ણ આપણા સારથિ બને. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણો જીવનરથ શ્રીકૃષ્ણ વિના ભડ ભડ બળ્યા કરે. ડિપ્રેશનને માણવાની કળા આપણે શીખવી પડશે. આપણા જીવનરથના સારથિ આપણે જ બનવું પડશે.
ન્યુરોગ્રાફ:
એક પ્રેમિકા એના પ્રેમીજનને કહે છે, ''તું મને હસતો-ચમકતો કે ખીલેલો નહીં પણ થોડો ઉદાસ હોય છે ત્યારે વધારે પ્રેમાળ લાગે છે.''
હા. ઉદાસીને પોતાનું આગવું સૌંદર્યો હોય છે.