ઉંમર વધવાની સાથે સ્વ-જનો દૂર થતાં જાય છે

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ઉંમર વધવાની સાથે સ્વ-જનો દૂર થતાં જાય છે 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- રેસના ઘોડાઓએ સતત દોડતા જ રહેવું પડે છે, તેમને ટટ્ટુઓની જેમ ખોડંગાવાનો અધિકાર નથી. કારણ ટટ્ટુઓ પર કોઈ ક્યારેય રેસ પણ લગાડતું નથી

લા ઇટ્સ ઓન કરી સતીશચન્દ્રએ ઘડીયાળના કાંટા સામે જોયું, એ સાથે જ તેઓ ચોંકીને સફાળા બેઠા થઇ ગયા. આંખો ચોળી ધ્યાનથી જોતાંવેંત તેમને ભાન થયું કે બપોરના બે વાગ્યા હતા અને તારીખ પણ બદલાઈ ગઈ હતી.

પથારીમાં સફાળા બેઠા થઈ તેમણે ફોન હાથમાં લીધો. વિતેલી રાતે ગુગલ પર સર્ચ કરેલ સચીન તેંડુલકરના કપરા દિવસોની દાસ્તાન દર્શાવતું પેઇજ હજી ખુલ્લું પડયું હ તું.

'કારકિર્દી પર કાળા ધબ્બા સમાન સચીનની હતાશ પળો'એ શિર્ષક હેઠળના સમાચારમાં એક ફોટો હતો સચીનની પોર્ટ ઓફ સ્પેઇનની હોટેલના ૩૭૧ નંબરની રૂમના બપોરના બે વાગ્યા સુધી બંધ બારણાના હેન્ડલમાં છાપું ભરાયેલું દેખાતું હતું. બરાબર તેની બાજુમાં બીજો ફોટો હતો જેમાં માસ્ટર-બ્લાસ્ટરના કુલ સાઇઝ પોસ્ટર પર નાનાં ભૂલકાઓથી માંડી યુવક-યુવતીઓ અને સ્ત્રી પુરૂષો સહુ સાથે મળી ખાસડા મારતા હતા. બન્ને ફોટા નીચે લખ્યું હતું.

'નકામો સચીન, પૈસા પાછળ પાગલ સચીન, માત્ર અંગત રેકોર્ડસ માટે જ ક્રીકેટ રમતો સચીન ફરી એકવાર શૂન્ય રનમાં પેવેલીયન ભેગો થઈ ગયો હતો. ૨૦૦૭ના વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડીયા સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. અણીના સમયે પાણીમાં બેસી જનાર સચીનની ૩૬ સેન્ચ્યુરી અને તેર હજાર રન સાવ નકામા સાબિત થયા હતા.'

સતીશચન્દ્રને સચીનની કથામાં પોતાના જીવનની વ્યથા છલકાતી લાગી. ફરક એટલો જ હતો કે સચીનને ખાસડા મારનાર કે કાંટાળો હાર પહેરાવનાર તેના ફેન્સ હતા પણ પોતાને ખાસડા મારનાર તેમના પોતાના અંગત માણસો હતાં.

આ સમાચાર ગુગલ પર વાંચતા વાંચતા ગઈ રાત્રે સૂઈ ગયેલા સતીશચંદ્રને આખી રાત તેમને લોકો ખાસડાઓથી પીટતા હોય તેવાં સ્વપ્નાં આવ્યાં હતાં એ બધા જ ચહેરાઓ અંગત હતા.

વાતાવરણને હળવું બનાવવા તેમને રીમોટથી મ્યુઝીક સિસ્ટીમ ઓન કરી. ફીલ્મ ઉપકારનું સ્વ.મન્નાડેએ ગાયેલું અને તાજેતરમાં જ અસગરખાને રીક્રીએટ કરેલું ગીત વાગવા લાગ્યું.

કસ્મે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોં કા ક્યા ? કોઈ કીસીકા નહીં હે ઝૂઠે નાતે હૈં નાતોં કા ક્યા ?

સતીશચન્દ્રને છાતીમાં સણકો ઉપડયો. જોરથી ચક્કર આવવા લાગ્યા. આંખ જેમ કાનના પડદા ને ફાડી નાંખે તેવા અવાજો સંભળાવા લાગ્યા.

'પ્રસિદ્ધિ,' 'પ્રતિષ્ઠા,''પૈસા' અને નામ કમાવવા માટે જ આ માણસ જીવે છે.

'એના જીવનનું એક માત્ર ધ્યેય છે એ પોતે.'

'આખું જીવન સિદ્ધિના શીખર પર પહોંચવાના નશામાં જ આ માણસ જીવ્યો છે.'

'આની સાથે એક પણ પળ જીવી ન શકાય.'

'આ માણસ જ્યારે હોય ત્યારે બધાંને સલાહ અને શીખામણ જ આપ્યા કરે છે.'

'એને એની જવાબદારીનું ભાન નથી.'

'આ માણસે જ બધાંની જિંદગી બગાડી છે.'

સતીશચન્દ્રના માથામાં હથોડાની જેમ આ શબ્દો વાગતા હતા એટલું જ નહીં આ શબ્દો બોલનારા તેમને ખાસડા મારતા હોય તેવા ભયાનક દ્રશ્યો પણ તેમને દેખાતાં હતાં.

સતીશચન્દ્રએ ફુલસાઇઝ મીરરમાં પોતાની જાતને ધારી ધારીને જોયા. તેમણે વિચાર્યું કે

'શું ખરેખર તેઓ આટલા નકામા માણસ છે ?'

'શું તેઓ એક ત્રાસવાદી છે ?'

'સ્વજનો માટે તેમણે આપેલ બલિદાન અને જીવનભરની તેમની સિદ્ધિઓ સચીનની છત્રીસ સેન્ચ્યુરી અને તેર હજાર રનની જેમ સાવ નકામી છે ?'

'વ્યવહારિક વાતોમાં સ્વજનોને સમજાવીને તો ક્યારેક સખ્તાઈથી કહેવું કે પછી શિસ્તના પાઠ ભણાવવા સિદ્ધાંતોથી જીવતાં શીખવાડવું, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજાવવો એટલે બધું ખતમ ?'

'દાયકાઓની મહેનતને નકામી ગણાવી મને ખાસડે મારવાનો ?'

એકલતામાં શૂન્ન થઈ ગયેલા સતીશચન્દ્રના મને જીવનમાં પાછું વાળીને જોયું.

વિતી ગયેલી જીંદગીનો સંઘર્ષ, સમસ્યાઓ, સફળતાઓ, સાહસિક નિર્ણયો, સિદ્ધિઓ અને અંગત જીવનની કેટલાક અધૂરા સ્વપ્નાંના ભંગારને તેમનું મન વાગોળવા માંડયું.

જીવનની આ મંઝીલ સુધી પહોંચવા માટે કેટકેટલી યાતનાઓ તેમને વેઠી હતી ? કેટકેટલાં સમાધાનો તેમણે કરવાં પડયાં હતાં ?

ગામડાંની પ્રાથમિક શાળાના શિક્ષકના પુત્ર તરીકે માસ્તર બની કારકિર્દી બનાવવાની પિતાની ઈચ્છાથી જોજનો દૂર પોતાનું એંપાયર ઉભું કરવાના સ્વપ્નાં જોનાર સતીશચન્દ્ર જોતજોતામાં આઇ.ટી. કીંગ બની ગયા હતા. કઠોર પરિશ્રમ અને દ્રઢનિશ્ચયથી જાત પર જુલ્મો સિતમ કરીને તેઓ સફળતાના શીખર પર પહોંચ્યા હતા.

સતીશચન્દ્ર પાસે આજે પ્રતિષ્ઠા, કીર્તિ, પૈસો, વૈભવ, મોજમસ્તીના સાધન બધું જ હતું. પરંતુ સાથે પથારો પણ એટલો પાથર્યો હતો કે તેમાંથી મુક્ત થઇ થોડી હળવાશની પળો માણવી તેમના માટે મુશ્કેલ બની ગયું હતું.

તેમનું જીવન એક સામાજિક ક્રિયાકાંડ બની ગયું હતું. જન્મ્યા એટલે જીવવું પડયું. બાળપણમાં શાળાએ બેસવું પડે એટલે ભણ્યા. ઉંમર વધવા માંડી એટલે પરણ્યા. પરણ્યા એટલે છોકરાં થયાં. પછી એમને સારી રીતે સેટ કરવાનો સંઘર્ષ કરવો પડયો.

આ સમય દરમ્યાન મહત્ત્વકાંક્ષા જાગી એટલે સ્વપ્નસિદ્ધિ માટે તનતોડ મહેનત કરી ધાર્યું તે બધું મેળવીને રહ્યા. દરેક વખતે ટોચ પર રહેવા, મોભો જાળવવા, જવાબદારી નીભાવવા તેઓ સંઘર્ષ કરતા રહ્યા.

બાળપણ કીશોરાવસ્થા અને યૌવન આમ જ વિતી ગયું. આ બધામાંથી પાછા ફરવાની ઘણીવાર 

ઇચ્છા થઇ પણ સમાજના દલદલમાં પગ એવો ખૂંપી ગયો કે તેઓ 'પોઇન્ટ ઓફ નો રીટર્ન' પર પહોંચી ગયા.

ટકી રહેવા માટે સંઘર્ષ કરવાની સાથે સાથે સતીશચન્દ્રએ લોકો માટે કરી છૂટવામાં ક્યારેય પાછું વાળીને ન જોયું. કોઇને રડવા માટે ખભો આપ્યો, કોઈને ઉપર ચઢવા નીસરણી આપી તો કોઇને મંઝીલનો માર્ગ બતાવ્યો તો વળી કોઇને મદદ કરવા તિજોરીની ચાવી આપી.

જોકે આ બધું કરનાર સતીશચન્દ્ર પણ કાંઈ સર્વગુણ સંપન્ન ન હતા. તેમની પણ નબળાઈઓ હતી. લોકો માટે કરી છૂટયા પછી તેમની પણ અપેક્ષાઓ રહેતી. સામેની વ્યક્તિ એમાં ઉણી ઉતરે તો તેમનું ત્રીજું લોચન ભભૂકી ઉઠતું. લોકોને સતીશચન્દ્રની મદદ ગમતી પણ મિજાજ નહીં. તેમણે લોકોનાં એવાં કામો કર્યા હતાં કે સતીષચન્દ્ર સો જૂતાં મારે તો પણ તેમને ખાઇ લેવાં પડે. પરંતુ જૂતાં તો જવા દો તેમના શબ્દો જીરવવાની પણ કૃતજ્ઞાાતા કોઈનામાં નહોતી.

સમય પસાર થતો ગયો. લોકોને શિસ્તબદ્ધ અને જવાબદારીભર્યું જીવન જીવતાં શીખવવામાં તેઓ લોકોને કડક લાગવા માંડયા. બસ ચારેય બાજુથી અવાજો ઉઠવા માંડયા. આ માણસ બધાને ટકાના કરી નાંખે છે. એને પૈસો ચડી ગયો છે. બધાંને તેઓ જેમ જેમ મદદ કરતા ગયા તેમ તેમ લોકોની માંગણી વધતી ગઈ અને તે ને સંતોષાતાં તેઓ વિલન બનવા લાગ્યા.

સચીન અને સતીશચન્દ્રમાં ઘણું સામ્ય હતું. બન્નેને ખાસડા પડયા હતા. લોકોની અપેક્ષાઓ ન સંતોષાતાં તેમણે જે કંઈ કર્યું એ પણ કોઇને યાદ રહ્યું ન હતું. એટલે બન્ને છત્રીસ કલાક પછી ઉઠયા હતા.

આ બધું આવું બધું યાદ કરી સતીશચન્દ્રને રડવું હતું પણ તેમના ડૂસકાં સાંભળનાર ત્યાં કોઈ જ ન હતું.

પરંતુ સંઘર્ષનું બીજું નામ સતીશચન્દ્ર હતું તેઓ સ્વગત બબડયા. હું પણ સચીનની જેમ આ કાળા-ધબ્બા સમાન સમયના દિવસોને કેલેન્ડરમાંથી ડીલીટ કરી ફરી ચોક્કા-છક્કાની રમઝટ બોલાવવા લાગીશ. હા. ૨૦૧૧નો વર્લ્ડ કપ સચીન ટીમ માટે જીતીને લાવ્યો હતો.

ન્યુરોગ્રાફ

જાને વો કૈસે લોગ થે જિનકે પ્યાર કો પ્યાર મિલા,

હમને તો જબ કલિયાં માંગી કાંટો કા હાર મિલા.


Google NewsGoogle News