એવા લોકો જે ક્યારેય તૂટતા કે ઝૂકતા નથી
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- કપરા સંજોગોમાં ભાંગી ન પડવું પણ બેઠા થવું એમાં જ વ્યક્તિની સાચી કસોટી હોય છે.
સં ઘર્ષ કરીને સફળતા મેળવનાર વ્યક્તિઓની સંખ્યાબંધ કથાઓ છે. નિષ્ફળતા સામે ન ઝૂકનાર ઘણાં લોખંડી મનોબળ વાળા વિરલાઓ છે. એ સહુની કથા પ્રેરણાદાયક હોય છે. પરંતુ આજે એક એવા માણસની વાત કરવી છે, જે ''સુપરમેન''માંથી એકાએક ''પુઅરમેન'' થઈ ગયો છતાં આત્મબળની તાકાત વડે મોતના મુખમાંથી પાછો ફરી સામાન્ય જીવન જીવવા શક્તિમાન બન્યો.
આ વાત છે હોલીવુડના બહુચર્ચિત લોખંડી હીરો સુપરમેનની. ફિલ્મી પડદા પરનો લાખોનો લાડીલો સુપરમેન ક્રીસ્ટોફર રીવ જ્યારે સફળતાની ટોચ પર હતો ત્યારે વ્યક્તિત્વ વિકાસ, સ્વ વિકાસ અને જીવન વિકાસની પણ ટોચ પર હતો. 'સુપરમેન' નો આ હીરો કરોડોની પ્રેરણા મૂર્તિ હતો. ઘડિયાળના ડાયલમાં કાંટો થઈને ફરતા કાળનો વિકૃત ચહેરો કેવો હોય તેની કદાચ તેને કલ્પના પણ નહોતી.
પરંતુ કાળ ભલભલાને ધૂળ ચાટતા કરી દે છે. આજે જે માણસ છાપાને મથાળે ચમકતો હોય છે એજ માણસ થોડા સમય પછી પસ્તીમાં પણ વેંચાતો નથી. ત્યારે એ માણસના અંતરમનની પીડા અવર્ણનીય હોય છે. આવા કપરા સંજોગોમાં ભાંગી ન પડવું પણ બેઠા થવું એમાં જ વ્યક્તિની સાચી કસોટી હોય છે. આવા કઠિન સમયમાં જો પ્રેમીજનના સંબંધોનો સથવારો મળી જાય તો હારેલી બાજી ફરીથી માનભેર રમી શકાય છે. ''સુપરેમન'' ના હીરો ક્રીસ્ટોફર રીવની આવી જ સત્ય વાત છે, જે તેના જ શબ્દોમાં સમજીએ.
''૧૯૯૫ના મે મહિનાના આખરી સપ્તાહના અંત સાથે મારી દુનિયા હંમેશને માટે બદલાઈ ગઈ હું ઘોડેસવારીની સ્પર્ધાના એક દ્રશ્યનો શોટ આપતો હતો. મારા ઘોડાએ ત્રીજીવારનો કૂદકો મારતાં પહેલાં એકાએક પોતાની ગતિને બ્રેક લગાવવાનું નક્કી કર્યું. ઘોડો એકાએક થોભ્યો જ્યારે મારૂ શરીર ગતિમાં હતું તેથી હું તેના માથા તરફ ફેંકાયો મારા હાથ તેને બાંધેલ લગામની દોરીમાં ફસાઈ ગયા જેથી હું મારો બચાવ ન કરી શક્યો અને ૬ ફૂટ ૪ ઈંચ લાંબુ ૯૮ કી.ગ્રા.ના વજન સાથે મારું માથું જમીન પર જોરથી પટકાયું એ સાથે જ થોડી પળોમાં ગરદનથી નીચેનું મારું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું અને હું ડૂબતા માણસની જેમ હવા મેળવવા તરફડીયાં મારવા લાગ્યો.''
પાંચ દિવસ પછી હું ભાનમાં આવ્યો ત્યારે વર્જીનીયા યુનિ. હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં ઈન્સેન્ટીવ કેરમાં હતો. ન્યુરો સર્જન ડૉ.જેહાનના માનવા મુજબ ગરદનના પહેલાં બે મણકા છુંદાઈ જવા છતાં હું બચી ગયો એ એક જાદૂઈ ઘટના હતી. પરંતુ હવે કદાચ જીવન પર્યંત હું મારી મેળે શ્વાસ લઈ શકીશ નહીં. મારી ખોપડી ને મારી કરોડરજ્જુના મણકા સાથે ફરીથી સાંધવાનું ઓપરેશન કરવાનું હતું જે સફળ જવાના અને મારા બચવાના ચાન્સ બહુ ઓછા હતાં.
એકાએક મારા મનમાં વિચાર ઝબક્યો કે હવે હું બધાને બોજરૂપ બની ગયો છું. મારી જિંદગી તો બરબાદ થઈ જ ગઈ છે પણ મારા કુટુંબીઓનું જીવન શા માટે બરબાદ થવા દેવું ? આના કરતાં મરી જઈને મારી જાતને તથા બીજાં બધાંને મુક્તિ આપવી વધારે સારી.
મિત્રો અને કુટુંબીઓ મને મળવા આવી મારો ઉત્સાહ વધારવાની કોશિષ કરતાં તેનાથી મને આનંદ આવતો પરંતુ તેઓ ચાલ્યાં જતાં ત્યારે હું એજ દિવાલો સામે તાકી મારું ભવિષ્ય શોધવાની કોશિષ કરતો પણ ચારેકોર અંધકાર જ અંધકાર નજર આવતો હતો. આખરે મને ઉંઘ આવી જતી ત્યારે હું મારી પત્ની ''દાના'' ને પ્રેમ કરતો હોઉં, ઘોડેસવારી કરતો ફિલ્મના શોટ્સ આપતો હોઉં એવા સ્વપ્નમાં સરી પડતો. પરંતુ જ્યારે જાગતો ત્યારે મને વાસ્તવિકતા સમજાતી કે હું એ ક્યારેય કરી નહીં શકું.
વેન્ટીલેટર પર શ્વાસ લેતો હતો. આંખો ખોલતો ત્યારે મારી ચારેયબાજુ ઘોર અંધકાર મને ડરાવતો. એક રાત્રે દાના મારી પાસે આવી ત્યારે વેન્ટીલેટરમાંથી હું બબડયો, ''એના કરતાં તો મને હવે ઉપર જવા દે...''
દાના ધુ્રસકે ધુ્રસકે રડી પડી અને મારી આંખમાં આંખ પરોવી બોલી...
''ડીયર આ તારી જિંદગી છે. તું ધારે તે નિર્ણય લેવા સ્વતંત્ર છે. હું તારે જે કરવું હોય તેને ટેકો આપીશ. પરંતુ હું તને એક સ્પષ્ટ વાત આખરી વખત કહેવા માંગુ છું કે ગમે તેવાં સંજોગોમાં હું હંમેશાં તારી સાથે જ રહીશ... તું મારે માટે હજી પણ પહેલાંનો જ સુપરમેન છે. હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું.''
દાનાના અવાજમાં આત્મવિશ્વાસ હતો. આંખોમાં દ્રઢ નિશ્ચય હતો. એ દિવસે એની આંખમાં મને મારું જીવન, મારું ભવિષ્ય દેખાયું. મેં નિશ્ચય કર્યો હું દાના ને છોડીને ક્યાંય નહીં જાઉં.
મારા અકસ્માતે ઉભી કરેલી આફતમાં દાના સાથેના મારા દામ્પત્ય સંબંધોની સ્નેહગાંઠ વધારે મજબૂત બની. હોસ્પિટલમાં મારા ભાંગેલા લકવાગ્રસ્ત શરીરે અસહાય થઈને હું પડયો હતો ત્યારે દાના મારી પડખે અડીખમ ઉભી રહી.
હું ભૂતકાળની યાદોમાં સરી પડયો. ૧૯૮૭ના જૂનમાં મારા પ્રથમ લાંબા વૈવાહિક સંબંધોનો કરુણાન્ત આવ્યો હતો. મેં એકલા રહીને મારા કામ પર એકાગ્ર થવાનો નિર્ણય કર્યો હતો. કોઈપણ સંબંધોની કેટલીક સુખદ યાદો હોય તો તે પણ પૂરતું છે તેવું હું નાનપણથી માનતો હતો. હવે હું નવા સંબંધો શરુ કરી નિરાશાની ગર્તામાં ફરીથી ધકેલાવા નહોતો માંગતો. એ સમયે એક નાઈટ ક્લબના સ્ટેઈજ પર કેબરે કરતી દાના એ મારા દિલના તારને ફરીથી ઝંકૃત કર્યો. નિરાશા છોડી હું નાચવા લાગ્યો. પછીની અમારી પાંચ વર્ષની દોસ્તીની કહાની અત્યંત દિલચશ્પ પણ અંગત છે. ૧૯૯૨ના એપ્રિલમાં હું દાના સાથે લગ્ન ગ્રંથીથી જોડાયો. અમારા ત્રણ વર્ષના આનંદ દાયક લગ્ન જીવનમાં મારે ''વિલ'' નામે એક પુત્ર થયો...હા....
મારી તંદુરસ્તી જ નહી બિમાર અને બેહાલ પરિસ્થિતિમાં મારી દાના મારી સાથે જ હતી.
મારા ઓપરેશનનો દિવસ આવતો હતો તેમ મારો ભય વધતો જતો હતો. ઓપરેશન સફળ જવાના ૫૦% ચાન્સ હતાં. મારી સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું મારી મેળે શ્વાસ લઈ શકતો જ નહોતો. વેન્ટીલેટર દ્વારા બે શ્વાસ હું ચૂકી જાઉં કે તરત જ એલાર્મ વાતો. એ મારા મૃત્યુનો ઘંટ હોય એમ મને લાગતું. દાના, મારા મિત્રો અને મારો ત્રણ વર્ષનો પુત્ર ''વિલ'' મને સતત આનંદમાં રાખતા. વિલ તેની કાલીકાલી ભાષામાં બોલતો... ''ડેડી એમનો હાથ જાતે હલાવી શકતા નથી. હવે ડેડી ક્યારેય દોડી નહીં શકે.. પણ ડેડી હંમેશાં હસી તો શકશે જ...''
આખરે મારું ઓપરેશન સફળતા પૂર્વક પાર પડયું. ડૉક્ટરે હિંમત આપતા કહ્યું કે ભવિષ્યમાં હું વેન્ટીલેટર વગર મારી જાતે જ શ્વાસ લઈ શકીશ.
ત્રણ અઠવાડિયા પછી મને રીહેબિલીટેશન સેન્ટરમાં લઈ જવાયો. રેસ્પિરેટરી થેરાપીસ્ટે મારી વાઈટલ કેપેસીટી માપવા માટે સ્પાયરો મીટર પર મારો ટેસ્ટ લીધો. સામાન્ય રીતે ૭૫૦ ક્યુબિક સેન્ટીમીટર વાઈટલ કેપેસિટી જોઈએ જ્યારે મારી તો ઝીરો હતી.
મેં ફિઝિયો થેરપી શરુ કરી. ચાર મહીના પછી મારે ન્યુયોર્ક સીટીમાં એક સંસ્થાના ફંડ રેઈઝીંગ માટેના ડીનરમાં હાજરી આપવાની હતી. એ દિવસે રોબિન વિલિયમ્સનું એના ચેરિટીના કાર્યો બદલ સન્માન કરવાનું હતું. મારા માટે વેન્ટીલેટર સાથે જવું જોખમી હતું. જો હું શ્વાસ ચૂકી જાઉં તો મૃત્યુ નક્કી હતુ. શારીરિક જોખમની સાથે અકસ્માત પછી પહેલીવાર જાહેર સમારંભમાં હાજરી આપવાથી મને સાયકોલોજીકલ લાભ થશે એવું લાગ્યું. મેં જોખમ ઉઠાવવાનું નક્કી કર્યું. દાના આ નિર્ણયમાં મારી સાથે હતી. ૧૬ ઓક્ટોબરના રોજ ડીનર જેકેટ ધારણ કરી હું મારી વ્હીલચેર છોડીને ૯૦ કી.મી., પ્રતિ કલાકની ઝડપે ચાલતા વાનમાં ન્યુયોર્ક સીટી તરફ હંકારી ગયો. રસ્તમાં બમ્પ્સ અને પોટ હોલ્સને કારણે હું અનેકવાર જોખમમાં મૂકાયો. હોટેલ પહોંચી મને ઘનિષ્ટ સારવાર માટે સ્પેશિયલ સ્યુટની હોસ્પિટલ બેડમાં આરામ અપાયો.
આખરે રોબિન ને એવોર્ડ આપવા માટે સ્ટેઈજ પર જવાનો સમય આવ્યો. એક સુપરેમન તરીકે રૂઆબભેર લોકો સમક્ષ હાજર થતો હું આવી લાચાર અને દયનીય પરિસ્થિતિમાં કેવી રીતે જઈ શકીશ ? લોકોને મારું મોઢું કેવી રીતે બતાડીશ ? કોઈ જાદૂઈ જીન મને આ ઘડીએ ગાયબ કરી દે તો કેવું સારું ? એવું હું વિચારતો રહ્યો. આખરે મને સ્ટેઈજ પર ધકેલાયો. સાતમો જણાનો સમૂહ ઉભો થઈ 'વેલકમ સુપરમેન ઈન રીયલ લાઈફ' કહી મને વેવ કરવા લાગ્યો. તેમના આ સન્માન અને લાગણીઓ મારી વિચારધારા બદલી નાંખી.
રીહોબિલીટેશન સેન્ટરમાં પાછા ફરી મેં જાતે જ શ્વાસ લેવાનું નક્કી કર્યું. દસ સેકંડ માટે વેન્ટીલેટરને ખસેડીને ધીરે ધીરે જાતે શ્વાસ લેવાનો મેં નિશ્ચય કર્યો. દરેક પ્રયત્ન વખતે હું હવા માટે તરફડતો, આંખો તારવી જતો, ભૂરો પડી જતો. અકસ્માતને કારણે મારા છાતી સહિત શ્વસનક્રિયાના બધા જ સ્નાગુઓ નિશ્વેત, લકવાગ્રસ્ત થઈ ગયા હતાં. મેં મૃત્યુ સામે સંઘર્ષ ચાલુ રાખી શ્વાસોચ્છવાસની ફિઝિયો થેરાપી ચાલુ રાખી દિવસે ને દિવસે હું વધારે શ્વાસ લેવા લાગ્યો. મારો પ્રોગ્રેસ તબીબ વિજ્ઞાનના પુસ્તકો માટે ચમત્કાર હતો. મારામાં અદ્ભુત આત્મવિશ્વાસ અને તાકાતનો સંચાર થયો. ધીરેધીરે એક મિનીટ... બે મિનિટ..., દસ મિનીટ અને પંદર મિનીટ વેન્ટીલેટર વગર હું શ્વાસ લેવા શક્તિમાન બન્યો. મેં ઘેર જવાનું નક્કી કર્યું. જીનવમાં હવે જ કંઈ કરી બતાવવું છે અવા મનસૂબા સાથે મેં સામા પાણીએ રોજ સંઘર્ષ કરીને ઝઝૂમવાનું નક્કી કર્યું. મારી પ્રિય દાનાના સથવારે જ...
૨૭ મે ૧૯૯૫ના જીવલેણ અકસ્માત પછી તા. ૨૭ જુલાઈ ૨૦૦૩, આઠ વર્ષ અને બે મહિનાનો સમય ગરદનથી નીચેના સમગ્ર શરીરના પેરાલીસીસ સાથે સુપરમેન એની આગવી સુપર સ્ટાઈલમાં વિતાવ્યા છે. ક્રીસ્ટોફર રીવ ની સંઘર્થ કઠ હવે પછી.
ન્યુરોગ્રાફ
એકમાત્ર વસ્તુ જે શક્યને અશક્ય બનાવે છે તે છે ડરને. યાદ રાખો કે ગભરાટનો અર્થ એ છે કે તમારી પાસે કંઈક ગુમાવવાનું છે.