'એકલતા' - એક ઘાતક મૃત્યુ દંડ છે

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
'એકલતા' - એક ઘાતક મૃત્યુ દંડ છે 1 - image


- વેદના-સંવેદના -  મૃગેશ વૈષ્ણવ

- આયુષ્યના વધારા સાથે એકલતા વધતાં સિનિયર  સિટીઝન્સમાં ડિપ્રેશનનું પ્રમાણ લગભગ ૭૫% જેટલું છે

''દે વીકાકી બરાબર ખાતાં નથી, મોડીરાત સુધી ગાર્ડનમાં આંટા માર્યા કરે છે. ટી.વી. જોવામાં કે દેવદર્શને જવામાં પણ રસ લેતાં નથી. બે-ચાર મહિના બંગલાના બગીચા પર હિંચકો ખાતાં ખાતાં તાકી તાકીને આકાશના તારાઓને જોયાં કરે છે. આંખોમાંથી આંસુ પણ સુકાતાં જાય છે. અડધી રોટલી પણ પરાણે ખાય છે. શિરીષભાઈ, તમે બધાં જવાના છો એટલે કાકીબાની તબિયત આ રીતે બગડતી જતી હોય એવું લાગે છે. તમે બધા જતા રહેશો પછી ક્યાંય સુધી એમની આવી જ દશા રહેશે...'' આ પ્રકારની ટકોરથી બાનો વિશ્વાસુ નોકર રામૂ શિરીષભાઈને તેઓ અમેરિકા પાછા જવાના હોય છે એની પહેલાં જ ફરિયાદ કરી ચેતવી દે છે.

શિરીષને પણ આ વખતે મમ્મીની ચિંતા વધારે થાય છે. બે ભાઈ તેમની પત્ની અને બે-બે છોકરા ઉપરાંત બહેન-બનેવી અને છોકરાઓ એમ બાર જણનો પરિવાર છેલ્લા આ વર્ષે છેલ્લા એક મહિનાથી અમેરિકાથી બા સાથે રહેવા આવ્યો હતો.

કેટલાંયે વર્ષો પછી દેવાંગના બહેનની કુટુંબની વાડી કિલ્લોલ કરતી પુરબહારમાં ખીલી ઉઠી હતી. પતિ ઘનશ્યામદાસના મૃત્યુ પછી છેલ્લાં પાંચ વર્ષથી દેવાંગનાબેનને એકલતા ફાડી ખાતી હતી. તેમની એક એક પળ માંડ માંડ વીતતી હતી. એકલતાનાં આ ભયાનક વર્ષો દરમ્યાન દેવાંગનાબેન તેમના સુકાયેલા આંસુને પણ ટીપે ટીપે પાડીને સમય પસાર કરવા મથતા રહે છે. પતિ ઘનશ્યામદાસના અવસાન પછી દેવાંગનાબાનો જીવન જીવવાનો એક માત્ર હેતુ છે એન.આર.આઈ. સંતાનો આવે ત્યારે થોડાક દિવસો માટે થતા ભર્યાભાદર્યા ઘરમાં ઘડી બે ઘડી આંખ ઠારીને જીવી લેવાનો.

દેવીકાકી સહુને ભાવતી હિંદુસ્તાની વાનગી દોડાદોડ કરી બનાવે છે. શિરીષને માટે દાળવડાં, વિક્રમને માટે મૂઠિયાં, પાતરાં, હાંડવો અને રંજુડી માટે કેરીનો રસ. વયમાં દેવાંગનાબાનાં આ ત્રણેય સંતાનો મોટાં થઈ ગયાં છે. અરે એમને ઘેર પણ અમેરિકન સિટીઝન સંતાનો કૂદાકૂદ કરતાં થઈ ગયાં છે. છતાં પણ બાના સાંનિધ્યમાં શિરિયા, વિકલા અને રંજુડીનું શૈશવ મહોરી ઊઠે છે અને બાના ચહેરા પર અદ્ભૂત જિજીવિષા મહોરી ઊઠી છે. બા તેમનાં પૌત્રો-દોહિત્રોને ચોખ્ખા ઘીની ગોળપાપડી ખવડાવી તાજામાજાં અને કિલ્લોલતાં કરી મૂકે છે. સંતાનો જ્યાં સુધી દેવાંગનાબાના સાંનિધ્યમાં રહે છે ત્યાં સુધી ગુલાબજાંબુની ચાસણી જેવું નીતરતું વહાલ તેમના પર વરસતું રહે છે.

પરંતુ ભર ઉનાળામાં વરસતો વહાલનો આ વરસાદ એકાએક થંભી જાય છે. કાળ નામનો કઠિયારો વેકેશન રૂપી ઝાડ કાપી નાંખે છે અને ઝાડ કપાઈ ગયા પછી એન.આર.આઈ. પંખીડાને માળો બાંધવાની કોઈ જગ્યા મળતી નથી અને ફરીથી... ''હમ તો ચલે પરદેશ... હમ પરદેશી હો ગયે...'' એમ કહેતાં એરવેઝમાં ઊડી જવાની તૈયારી કરે છે.

રામૂકાકાની વાતનો તાગ મેળવી શિરિષ બા સમક્ષ અમેરિકા આવવાનો પ્રસ્તાવ મૂકે છે પરંતુ બા એનો અસ્વીકાર કરતા કહે છે ઃ  ''તમારા બાપ સાથે હું પરણીને આ ઘરમાં આવી. આ ઘરમાં કડવી-મીઠી સંઘર્ષ કથાઓ અમે સાથે લખી છે. આ જગ્યાના એક-એક અણુમાં તમારા પિતાનો આત્મા મને સહવાસ આપે છે. મારું ધ્યાન રાખે છે. એમને મૂકીને આ ભવમાં મારે ક્યાંય નથી જવું.''

દર વખતની જેમ સંતાનો ઊડી ગયાં પછી પંખીઓ વિના સૂના ભેંકાર માળામાં ''એમ્પ્ટી નેસ્ટ-સિન્ડ્રોમ'' ના ડિપ્રેશનથી દેવાંગના બા ન પીડાય એટલે તેમની એન્ટિડિપ્રેસન્ટ્સ દવાઓનો સ્ટોક ભેગો કરી શિરીષભાઈ રામુકાકાને આપતા જાય છે.

સિત્તેર વર્ષના દેવાંગના ઘનશ્યામદાસ પટેલ વિશાળ બંગલો, પૂરતી સંપત્તિ, દેવનું દીધેલું ભર્યુંભાદર્યું ઘર છતાં બે નોકરોની વચ્ચે એકલવાયું જીવન ગાળે છે. તેઓ હવે શા માટે જીવે છે, જીવવાનો મકસદ શું એ પ્રશ્ન તેમને થાય છે. પરંતુ આ પ્રશ્નોના કોઈ જવાબ મળતા નથી. ઉદાસ દેવાંગનાની આંખમાંથી દડદડ આંસુ નીકળે છે પરંતુ આ આંસુઓને લૂછનાર હવે કોઈ નથી. દેવાંગનાબેનને હવે મૃત્યુનો કોઈ જ ડર નથી. આજે હમણાં કોઈ ઈન્જેક્શન આપી મારી નાખતું હોય તો તેમને મરવું છે. કારણ તેમને એકલતાનો ડર લાગે છે... જીવવાનો ડર લાગે છે.

વિકસતા જમાનામાં સરેરાશ આયુષ્ય વધતું જાય છે. શારીરિક તકલીફો થાય તો તેનું યોગ્ય નિદાન કરવા મોંઘાદાટ યંત્રો છે. ચોક્કસ દવાઓ અને ઓપરેટીવ પ્રોસીજર્સ આજનું મોત કાલ પર ટાળવા માટે સક્ષમ છે. પરંતુ આયુષ્યના વધારા સાથે એકલતા વધતાં સિનિયર સિટીઝન્સમાં ડિપ્રેશનનું પ્રમાણ લગભગ ૭૫% જેટલું છે.

'એકલતા' - એક ઘાતક મૃત્યુ દંડ છે. વૃધ્ધાવસ્થામાં ફાડી ખાનાર એક જ ચીજ છે. ''એકલતા'' જાપાનના ચોંકાવનારા સંશોધન પ્રમાણે ૨૦૨૦માં આત્મહત્યાનું પ્રમાણ અગીયાર વર્ષની સરખામણીએ છેલ્લા એક વર્ષમાં ૧૬ ટકા જેટલું વધી ગયું હતું. આ વધતા આંકડાને ધ્યાનમાં રાખીને જાપાનીઝ વડાપ્રધાન શ્રીમાન. ''યોશીહીકે સુગા'' એ ૧૯ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ શ્રીમાન ''ટેટસુશી સાકોમોટો'' ને જાપાનમાં નવા ખુલેલા 'એકલતા અને આત્મહત્યા' વિભાગના કેબીનેટ મંત્રી બનાવ્યા છે. દેશનાં કથળતા જતા માનસિક સ્વાસ્થ્યના કારણો અને ઉપાયો શોધવાની મહત્વની કામગીરી સોંપાઈ છે.

જોકે બ્રિટનમાં નીમાયેલા લોનલીનેસ કમીશ્નર ''જો કોક્ષે'' પોતાના ૧૯૧૭માં આપેલા ખાસ 

અહેવાલમાં જણાવ્યું હતું કે બ્રીટનમાં ૯૦ લાખથી વધારે એટલે કે સમગ્ર વસ્તીના ૧૪ ટકા લોકો એકલતાથી પીડાતા હતા. આ અહેવાલને પગલે બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી થેરેસાએ જાન્યુઆરી ૨૦૧૮માં શ્રીમતિ ટ્રેસી ક્રાઉચને યુ.કે.ના પ્રથમ લોનલીનેસ મંત્રાલયના કેબીનેટ મીનીસ્ટર બનાવ્યા હતા.

આધુનિક જીવનશૈલીની 'એકલતા' એક ભયાનક વાસ્તવિકતા છે.

વિશ્વના પ્રથમ 'લોનલીનેસ મીનીસ્ટર' શ્રીમતિ ટ્રેસી ક્રાઉચે ચાલીસ વર્ષની ઉંમરે તેમના પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો. તેઓ પાર્લામેન્ટના ચૂંટાયેલા મેમ્બર હોવાના કારણે તેમનું મિત્રવર્તુળ બહોળું હતું. તદ્ઉપરાંત તેમના જીવનસાથીનો સાથ અને સહકાર અદ્ભુત હતા. આમ છતાં ૨૦૧૬માં તેમને એવું લાગ્યું હતું કે દુનિયાથી તેઓ સાવ વિખૂટા પડી ઘોર અંધકારમાં ધકેલાઈ ગયા છે.

ટ્રેસી ક્રાઉચ ૨૦૧૦માં પ્રથમવાર પાર્લામેન્ટમાં ચૂંટાયા ત્યારે તેઓ ડીપ્રેશનના શિકાર બન્યા હતા. તેમને એવુ લાગતું કે તેઓ એક અંધારી અને એકાંત જગ્યામાં ફસાઈ ગયા છે.

જીવનસાથી કે મિત્ર ગુમાવવાનો ડર કોઈ પણ વ્યક્તિને એકલતામાં ખદેડી દે છે. હાર્વર્ડ યુનિ.ના સંશોધનો પ્રમાણે એકલતા અનુભવતા લોકોનું આયુષ્ય એક ચેઈન સ્મોકરની જેમ પંદર વર્ષ જેટલું ઘટી જાય છે.

ગ્લોબલાઈઝેશનના આ જમાનામાં આધુનિક ટેકનોલોજીએ સંદેશા વ્યવહારના સાધનો વિકસાવ્યા છે અને વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ આટલો સરળ બન્યો હોવા છતાં પ્રતિવર્ષ સમાજ-વિમુખતા, એકલતા અને આઈસોલેશનનું પ્રમાણ વધતું જાય છે. આપણી જીવનશૈલી જ એવી બની ગઈ છે તન ટૂંકા, મન ટૂંકા અને મન મેલા માણસોની વચ્ચે એકલતાથી જીવવાનો સહુને કંટાળો આવે છે.

એક દર્દનાક વાસ્તવિકતા એ છે કે વૃદ્વાવસ્થાને આરે આવી બેઠેલા સિનિયર સિટીઝન કરતાં પણ જેમની સમક્ષ આખું જીવન પડયું છે એવા યુવક-યુવતીઓમાં એકલતાનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. અધિકૃત આંકડાઓ મુજબ આપણા દેશમાં પ્રતિદીન ૨૮ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે અને આ આંકડો પ્રતિવર્ષ વધતો જ જાય છે. વિદ્યાર્થીઓમાં વધતી જતી આત્મહત્યાનુંકારણ ભણતરનો ભાર અને પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર વધારે જવાબદાર હોય છે. આ ચિંતામાં એકલતાની માનસિક પીડા બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.

આપણા દેશમાં તૂટતી જતી સંયુક્ત કુટુંબ પ્રથા, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ જવાની આંધળી દોટ અને કહેવાતી - ''પ્રાઈવસી'' ના આત્મકેન્દ્રી ખ્યાલને કારણે એકલતા અનુભવતા યુવક-યુવતીઓની સંખ્યા વધી છે.

જૂના જમાનામાં પોતાની જાતને ભીડથી થતા ધ્યાનભંગથી દૂર કરવા તપસ્વીઓ એકાંતવાસની શોધમાં ક્યાંય છેવાડાના પર્વત પર એકલતા શોધી ધ્યાનસ્થ થતા. આમાં એકલતાનો આનંદ સમાયેલો હતો. જ્યારે આજે માનવ મહેમરાણીની વચ્ચે જીવતા કરોડો લોકો એકલતાની પીડા ભોગવી રહ્યા છે.

આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવતા આપણે સહુ સાધુ સન્યાસી નથી. બધાને કંપની અને કંપેનીયન તો જોઈએ જ છે. પણ મોર્ડન લાઈફ સ્ટાઈલના ભ્રામક અને સ્વાર્થી ખ્યાલે આપણને એકલતાની પીડાના શિકાર બનાવ્યા છે.

દવાઓ, સિનિયર સિટીઝન્સ, લાફિંગ ક્લબ વગેરે સંસ્થાઓ એકલતા તથા ડિપ્રેશનને દૂર રાખવામાં મદદ કરે છે.

સિનિયર સિટીઝન્સમાં વ્યાપેલા ડિપ્રેશનના સંખ્યાબંધ કેસીસની સારવાર કર્યા પછી હું વડીલોને એટલું ચોક્કસ કહીશ કે ....''જીવન જીવવાથી ન ડરો... જે ઉંમરે બિમારી દરવાજે દસ્તક દેતી હોય...સિનિયર સિટીઝન્સનું લેબલ લગાડી દેવામાં આવ્યું હોય, મન નબળું પડી ગયું હોય, શરીર થાકી ગયું હોય અને અંતરાત્મા'' હવે બહુ થયું'નું રટણ કરતો હોય તેવા જીવનના છેલ્લા વળાંક પર પણ જગતને જીતવાની ખુમારી સાથે નીકળી પડો. તમે તમારી કૌટુંબિક જવાબદારી પૂરી કરી હવે સમાજને તમામ ડહાપણ, અનુભવ અને શક્તિનું યોગદાન આપો. નવી ધરતી અને નવા ગગન તરફ પ્રયાણ કરો.

ન્યૂરોગ્રાફ

વૃદ્વવસ્થાઓ નિસાસાઓ નાંખવાની અવસ્થા નથી, પણ વિતેલાં વર્ષોને અને આવનારાં વર્ષોને તટસ્થતાપૂર્વક જોવાની અવસ્થા છે.



Google NewsGoogle News