સક્રિયાત્મક બનો અને નવી કેડી કંડારો .
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- લોકો ઘણીવાર તેમના વાતાવરણ પ્રભાવમાં આવી જાય છે. જો સમય-સંજોગો અને વાતાવરણ તથા અન્યનો તેમના તરફનો વ્યવહાર ખુશનુમા હોય તો તેમને સારું લાગે છે.
'પ્રો એક્ટિવ' અર્થાત્ સક્રિયાત્મક બનવાનો અર્થ થાય છે જીવનમાં પહેલ કરતા રહેવાનો.
હું એવા સંખ્યાબંધ લોકોને મળ્યો છું જેઓ જીવનમાં કંઈક બનવા માંગે છે. અને એને માટે તેમને કોઈક કંઈક કરી આપે તેની રાહ જોતા હોય છે.
સફળ વ્યક્તિઓનો સ્વભાવ કાર્ય કરતાં રહેવાનો હોય છે. તેમની પાસે કોઈ કર્મ કરાવે તેની રાહ જોવાની તેમની તૈયારી હોતી નથી. સફળ વ્યક્તિઓ પોતે જ કોઈ પણ સમસ્યાનો ઉકેલ હોય છે.
શ્રીમદ્ ભગવત ગીતામાં કહ્યું છે - ''તું આત્મવાન બનીને કર્મ કર''
આત્મવાન એટલે
''મારા વહાણનો હું જ
સુકાની છું''.
''હું જ મારા કર્મનો કર્તા છું''.
''હું જ મારું ભાગ્ય ઘડી
શકું છું.''
આ પુરુષાર્થવાદી વિચારો છે. આવા માણસો પોતાની જવાબદારી બીજા પર થોપી દઈ તેમને દોષ નથી દેતા પણ જાતની જવાબદારી સ્વીકારી લઈ નિષ્ફળતાનું પૃથ્થકરણ કરી લઈ સફળતા મેળવવાનો પ્રયત્ન કરે છે.
જ્યારે એથી વિરુધ્ધનો
સ્વભાવ છે,
'હું તો ચેસ બોર્ડની કૂકરી છું.'
''મારું ભાગ્ય બીજા લોકો
ઘડે છે.''
''હું સંજોગનો ગુલામ છું.''
આવો મત ધરાવતા લોકો પોતાનો દોષ જોતા નથી. અને તેમનામાં આત્મશ્રધ્ધાનો સંપૂર્ણપણે અભાવ હોય છે.
અમેરિકાના આર્લશૂલર નામના વૈજ્ઞાાનીકે 'ORIGIN - PAWN IDEOLOGY TEST' -ઓરીજીન પોન આઈડીયોલોજી ટેસ્ટ બનાવ્યો છે. તેના પરથી વિદ્યાર્થીઓ માટે રીચાર્ડ ડી ચાર્મ્સે એક કસોટી બનાવી છે જેમાં બે પ્રકારના વિદ્યાર્થી ગણાવ્યા છે.
P - o અર્થાત્ PAWN ORIENTED = એટલે કે પ્યાદારૂપ અસ્તિત્વ ધરાવતા વિદ્યાર્થી કે પ્રારબ્ધ વાદી.
O - o અર્થાત્ ORIGIN ORIENTED અર્થાત્ કર્તારૂપ અસ્તિત્વ ધરાવતો વિદ્યાર્થી કે પુરુષાર્થ વાદી.
પરીક્ષામાં ઓછા માર્ક્સ આવશે તો પ્યાદારૂપ અસ્તિત્વ ધરાવતો વિદ્યાર્થી કહેશે -
- પેપર ઘણું અધરું હતું
- કોર્ષ બહારનું પૂછાયું હતું.
- પેપર ઘણું લાંબુ હતું.
- ટીચરે પેપર બરાબર તપાસ્યું જ નથી.
- પરીક્ષાના દિવસે જ ઘરે ખૂબ મહેમાન આવી ગયા એટલે વંચાયું નહીં.
આ બધાં વિધાનો દોષ બીજાને આપે છે. પોતાની જાતનો દોષ સ્વીકારતાં નથી.
જ્યારે O - o : અર્થાત્ કર્તારૂપ અસ્તિત્વવાળો વિદ્યાર્થી કહેશે - ''મારાથી તૈયારી કરવામાં કચાશ રહી ગયેલી.''
''મે પેપર લખવાની પ્રેક્ટીશ નહોતી કરી.''
''પેપર લખવામાં સમયનું આયોજન હું બરાબર ન કરી શક્યો.''
''હવે પછી પહેલેથી જ તૈયારી કરીશ જેથી છેલ્લે ટેન્શન ન વધી જાય.''
આમ કર્તાવાન વિદ્યાર્થી પોતાની નિષ્ફળતાનું પૃથ્થકરણ કરી દોષ સ્વીકારે છે. એટલે જ એના સુધારવાની શરૂઆત થાય છે.
O/o અર્થાત્ કર્તાવાન વિદ્યાર્થી પોતાની લગામ પોતાના હાથમાં રાખે છે. જ્યારે u P/o અર્થાત બીજાનો દોષ કાઢી પોતાનું રીમોટ કંટ્રોલ બીજાના હાથમાં સોંપે છે. એટલે બીજાઓ જો સુધરે તો જ તેને સફળતા મળી શકે.
રીએક્ટિવ વ્યક્તિ સાચા સિધ્ધાંતો સાથે સુસંગત રહીને પહેલ કરવામાં માને છે. તેઓ હકીકતોને બરાબર સમજે છે. એટલે બીજાઓ જો સુધરે તો જ તેને સફળતા મળી શકે.
પ્રોએક્ટીવ વ્યક્તિ સાચા સિધ્ધાંતો સાથે સુસંગત રહીને પહેલ કરવામાં માને છે. તેઓ હકીકતોને બરાબર સમજે છે. અને કોઈપણ ઘટનાને પ્રતિભાવ આપવાની શક્તિ આપણામાં જ છે એ પણ સ્વીકારે છે.
મહાત્મા ગાંધીએ કહ્યું છે, 'આપણું સ્વમાન કોઈ છીનવી ન શકે, સિવાય કે આપણે જ એમને હવાલે કરી દઈએ. મતલબ કે આપણી સાથે સંકળાયેલા દરેકે દરેક બનાવ આપણી ઈચ્છાથી જ બને છે.'
આમ તો આપણે સક્રિયાત્મક જ હોઈએ છીએ. પરંતુ ધીરે-ધીરે આપણું જીવન સંજોગોને આધીન થઈ જાય છે. અને પછી સંજોગો જ આપણા પર આધિપત્ય જમાવે છે.
સંજોગોને આધીન થઈને આપણે રીએક્ટીવ અર્થાત પ્રતિક્રિયાત્મક થઈ જઈએ છીએ. આવા લોકો ઘણીવાર તેમના વાતાવરણના પ્રભાવમાં આવી જાય છે. જો સમય-સંજોગો અને વાતાવરણ તથા અન્યનો તેમના તરફનો વ્યવહાર ખુશનુમા હોય તો તેમને સારું લાગે છે. પણ જો એ અનુકૂળ ન હોય તો એનો પ્રભાવ એમના વલણ અને કામકાજ પર અસર કરે છે. સક્રિયાત્મક લોકો જ્યાં જાય છે ત્યાં પોતાનું વાતાવરણ લઈને જાય છે.
પ્રતિક્રિયાત્મક લોકો સાથે જ્યારે બીજાઓ સારું વર્તન ન કરે ત્યારે તેઓ ડીફેન્સીવ કે રક્ષણાત્મક બની જાય છે. પ્રતિક્રિયાત્મક લોકો બીજાઓના વર્તાવને અનુરૂપ પોતાના વ્યક્તિત્વનું અને જીવનનું ઘડતર કરે છે.
પોતાના આવેગોને સિધ્ધાંતો અને મૂલ્યો સામે ગૌણ બનાવી દેવાની શક્તિ સક્રિયાત્મક વ્યક્તિનું મુખ્ય વલણ હોય છે. પ્રતિક્રિયાત્મક લોકો સંજોગોથી, પરિસ્થિતિથી, એમના વાતાવરણથી દોરવાય છે. જ્યારે સક્રિયાત્મક લોકો લાંબા વિચાર અને પસંદગીથી આત્મસાત કરેલા મૂલ્યોથી દોરવાય છે.
માતા-પિતા પ્રોત્સાહન આપતા નથી. સમાજમાં કોઈ મદદ કરતું નથી. પરિસ્થિતિ ખરાબ છે. નસીબ સાથ નથી આપતું. એવું કહેનારા લોકોને હું ડૉ.આલ્બર્ટ શવાઈટઝરની વાત કહેવા માંગુ છું.
ડૉ. આલ્બર્ટ મોટા સર્જન હતા. અમેરિકામાં રહીને ગમે તેટલા પૈસા કમાઈ શકે તેમ હતા. પણ આજથી પંચોતેર વર્ષ પહેલાં તેમને આફ્રિકાના જંગલોમાં જઈ અભણ
લોકોની સેવા કરવાનું નક્કી કર્યું અને મૂલ્ય આધારિત લાંબી વિચારધારાને અંતે લીધેલા નિર્ણય પછી ડૉ. શવાઈટઝર આફ્રિકાના જંગલોમાં પહોંચી ગયા.
અમેરિકાના એરકંડીશન્ડ વાતાવરણમાં રહેલા મચ્છરોના ત્રાસવાળી જંગલની આબોહવામાં સેટ થવામાં મુશ્કેલી પડી. પરંતુ તેમણે દોષ આબોહવાને ન આપ્યો. સેત્સે માખીના ત્રાસનો પણ તેમણે વાંક ન કાઢ્યો. એ તો સક્રિયાત્મક બની એમનું કામ કરતાં રહ્યા.
આફ્રિકાના લોકો એ સમયે ભૂવા ધૂણાવતા. એમને ડૉક્ટરોની ટેવ નહીં. ભૂવા લોકો ડૉ.આલ્બર્ટનો અપપ્રચાર કરવા લાગ્યા. પરંતુ આલ્બર્ટ તો કોઈને દોષ દીધા વિના પોતાનું કામ કરતાં રહ્યા.
ધીમે ધીમે લોકોમાં શ્રધ્ધા જાગી, કારણ કે સાજા થવાના પરિણામ એમણે જોયાં. ભૂવાની ધૂણીથી રોગ મટતો નહીં. માત્ર હિપ્નોટીક સૂચનોથી થોડું દુ:ખ ઓછું હતું. પણ રોગ તો એમનો એમ જ રહેતો.
લોકોને સાચું કોણ છે એ સમજાવા લાગ્યું. એમને આલ્બર્ટની ઝૂંપડીને બદલે લાકડાની કેબીન બાંધી આપી. આફ્રિકાની આદિજાતીના વફાદાર સેવકો આલ્બર્ટની ટીમમાં જોડાઈ ગયા. આલ્બર્ટ ઓપરેશનો કરવા લાગ્યા. ધીમે ધીમે લોકોએ દરદીને રાખવાની વ્યવસ્થા કરી આપી. માંદા લોકો માટે રસોડાં બનાવ્યાં. આલ્બર્ટ પાસે સારવાર માટે માનવ મહેરામણ ઉમટી પડયો. લોકોની અંધશ્રદ્ધા દૂર થઈ ભૂવાઓ તેમના મિત્રો અને પ્રચારકો બની ગયા.
૯૦ વર્ષની ઉંમર સુધી આલ્બર્ટ શવાઈટ્ઝર ઓપરેશન કરતા રહ્યા. એમને વિશ્વના શ્રેષ્ઠ ચાર એવોર્ડ્સ પણ મળ્યાં.
આલ્બર્ટ શવાઈટ્ઝરને રોબર્ટ ફ્રોસ્ટની કવિતા ખૂબ ગમતી -
PEOPLE TRAVELLED ON ROAD
TRAVELLED BY MANY,
I TRAVELLED ON THE ROAD,
LESS TRAVELLED BY -
AND THAT,
MADE THE DIFFERENCE
લોકો તો મુસાફરી કરે છે તે રસ્તે,
જે રસ્તે બધા આવ-જા કરે છે.
પણ મેં શોધ્યો નવો રસ્તો,
જે અજાણ્યો હતો -
બસ ફર્ક હતો તો આટલો જ હતો !
વાચક મિત્રો તમે પણ પ્રોએક્ટીવ બની નવી કેડી કંડારવા તૈયાર થાવ.
ન્યુરોગ્રાફ
''હું જરૂર આ કામ માં સફળ થઈશ'' મુઠ્ઠી વાળી મક્કમ પણે આ વાક્ય દશ વખત બોલો અને પછી પરિણામની જવાબદારી લો.