માનવ મન જેની કલ્પના કરી શકે એની રચના પણ કરી શકે છે

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
માનવ મન જેની કલ્પના કરી શકે એની રચના પણ કરી શકે છે 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- એક કડવું સત્ય એ છે કે મોટાભાગના લોકો નકારાત્મક અને નિંદાત્મક હોય છે. નિંદા કર્યા કરવી એ આખાય સમાજનો સ્વભાવ બની ગયો છે.

હું તમને એમ કહું કે તમારી સફળતા માટે હું તમને એક એવો શોર્ટકટ બતાવું છું જેમાં તમારી પાઈ પણ ખર્ચાવાની નથી અને તેને માટે તમારે કોઈજ મહેનત કરવાની નથી. સફળતાની હું સો ટકા ગેરેંટી આપું છું. તો તમારો જવાબ શું હશે ?

'ડોક્ટર સાહેબ એ ફોર્મ્યુલા જલ્દી બતાવો. કારણ અમારે કોઈપણ પ્રકારની મહેનત વગર કે પાઈનોય ખર્ચો કર્યા વગર બેઠે બેઠે સફળતા મેળવવી છે.'

તો હું તમને જણાવી દઉં છુ કે એ શોર્ટકટ માત્ર બે શબ્દનો છે. 'પોઝીટીવ થિંકિંગ'- 'હકારાત્મક વિચારો'. આમાં તમારા કોઈજ પૈસા લાગવાના નથી તેમજ તમારે કોઈ મહેનત કરવાની નથી. આ વર્ષના હવે પછીના મહિનાઓ માટે તમે તમારા મનને હકારાત્મક વિચારધારાથી ભરી દો. નકારાત્મક વિચારોને કોઈપણ સંજોગોમાં તમારા મનમાં ઘુસવા દેશો નહીં. લશ્કરનો જાબાઝ સિપાહી જે રીતે બોર્ડરની સુરક્ષા માટે પોતાની તાકાતનો ઉપયોગ કરે છે એ રીતે તમે એક પહેલવાન જેવા પહેરેદાર બનીને તમારા મગજમાં કોઈજ નકારાત્મક વિચારોને ઘુસવા દેશો નહીં. તમારા મગજ પર કડક નાકાબંધી કરજો. ભૂલથી પણ તમારા મગજમાં કોઈ નકારાત્મક વિચાર પ્રવેશવાની કોશિષ કરે તો એની ગરદન પકડી એને બહાર કાઢી મુકો.

નકારાત્મક વિચાર તમારા કેવા બેહાલ કરી શકે છે એની કલ્પના સુદ્ધા પણ તમે કરી શકશો નહીં નકારાત્મક વિચારો કોઈપણ પ્રકારના હોઈ શકે છે. દા.ત. કોઈ તમારું બધુજ ધન લૂંટીને નાસી ગયુ. તમારી ગર્લફ્રેન્ડ તમારાથી રીસાઈને જતી રહી છે. તમે એને મનાવવા વારંવાર ફોન કરો છો પણ એ ફોન ઉપાડતી નથી. તમે એને મેસેજ પર મેસેજ કરો છો અને એ જવાબ આપતી નથી. તમે એચ.એસ.સી. ની બોર્ડ એકઝામ આપવા જાવ છો અને તમને કંઇજ યાદ આવતું નથી. આ પ્રકારના વિચારોથી તમારું માથું ફાટી રહ્યું છે એવામાં તમને બધું યાદ આવી જાય છે અથવા તમારી ગર્લફ્રેન્ડનો ફોન આવે છે જાનુ, હું તમને મળવા તરત જ આવું છું.. એ સાથેજ તમારો માથાનો દુખાવો ગાયબ થઇ જાય છે.

આ વાત એ સત્ય સિદ્ધ કરે છે કે નકારાત્મક વિચાર તમારા શરીરમાં કોઈપણ પ્રકારની બિમારી પેદા કરી શકે છે. તમને ચક્કર આવી શકે છે. હૃદયના ધબકારા વધી શકે છે. હૃદય બંધ પડતું હોય એવું લાગવા માંડે છે. શ્વાસમાં તકલીફ થઇ શકે છે, પેટમાં તકલીફ થઇ શકે છે. આમ શરીરના કોઈપણ ભાગમાં તકલીફ થઇ શકે છે જે રોગમાં પરિણમી શકે છે અને નકારાત્મક વિચારો ચાલ્યા જતાં એ રોગ તમારા શરીરમાંથી ખતમ થઇ જાય છે.

હવે તમે વિચાર કરો કે તમારા મનમાં તમે પંદર મિનીટ માટે પોઝીટીવ થીંકીંગ કરો અને પંદર કલાક સુધી નકારાત્મક વિચાર કરતા રહો તો તમને કોઈ પોઝીટીવ પરિણામ મળે ખરા? શું થોડો સમય ડાયેટીંગ કરવાથી તમારું વજન ઉતરે ખરું ? માનીલો કે તમારે તમારું વજન ઘટાડવું છે એટલે તમે સવારે ઓછી કેલેરી વાળો નાસ્તો કર્યો અને દિવસભર પીઝા, આઈસક્રીમ અને મીઠાઈ પર ભુખડાની જેમ તૂટી પડો તો તમારું વજન ઘટે ખરું ? ના. પરિણામ એ આવશે કે તમારું વજન ખૂબજ વધી જશે.

એટલેજ આવતા થોડા મહિનાઓ સુધી લાંબા સમય માટે તમારે હકારાત્મક વિચારો કરવા પડશે. જ્યાં સુધી એ તમારી આદત અને સ્વભાવ ન બની જાય. યાદ રાખો તમારું મન પોઝીટીવ હશે તો તમે પોઝીટીવ કામ કરવા લાગશો.

હકારાત્મક વિચાર કરવામાં સૌથી મોટો અંતરાય એ છે કે આપણા સમાજમાં ટીકા કરવાવાળા વધારે અને વખાણ કરવાવાળા ઘણાં ઓછા લોકો છે. એક સામાન્ય અંદાજ પ્રમાણે માણસના જીવન પર્યંંત એના જેટલા વખાણ થાય છે એથી પાંચસો ગણી વધારે એની ટીકા થાય છે. તમે પણ જો કોઈના વખાણ કરવા લાગશો તો એ પંદર મિનીટથી વધારે નહીં કરી શકો અને કોઈની નિંદા કરવા માટે તમે કલાકો સુધી ટીકા કરતાં રહેશો.

એક કડવું સત્ય એ છે કે મોટાભાગના લોકો નકારાત્મક અને નિંદાત્મક હોય છે. નિંદા કર્યા કરવી એ આખાય સમાજનો સ્વભાવ બની ગયો છે.

આ સમાજથી તમે કંઈક જુદા પડવા માંગતા હોવ અને કંઈક નવું કરવા માંગતા હોવ તો આજથી સોગંદ લો 'હું કોઈની નિંદા કરીશ નહીં કે ક્યારેય કોઈપણ પ્રકારનાં નકારાત્મક વિચારો કરીશ નહીં.'

વોલ્ટ ડીઝનીની જીવન કહાની વ્યક્તિના પોતે કેળવેલા હકારાત્મક સ્વભાવનું એક જીવંત ઉદાહરણ છે. વોલ્ટ ડીઝનીને નાનપણથીજ ડ્રોઈંગ કરવાનો બહુજ શોખ હતો અને તે એક કાર્ટૂનિસ્ટ બનવા માંગતા હતાં. પરંતુ એમનાં ગરીબ પિતા એની વિરુદ્ધ હતાં. કારણ કે આ લાઈનમાં પૈસા કમાઈ શકાય એ વાત પર એમને ભરોસો ન હતો. પિતા-પુત્ર વચ્ચે આ બાબતમાં અનેક વાર ચકમક ઝરતી. એક દિવસ બન્ને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો અને વોલ્ટ ડીસની શાળાનો અભ્યાસક્રમ છોડી ને ઘેરથી ભાગી ગયાં. કારણ તેમને એમની શક્તિઓમાં પુરેપુરો ભરોસો હતો અને એ એવા સ્વપ્ના જોઈ રહ્યાં હતાં જેની કોઈને કલ્પના પણ ન આવે.

એક દિવસ પોતાના બધા ડ્રોઈંગસ એક પબ્લીશરને બતાવવા માટે તેઓ લઈ ગયા ત્યારે પબ્લીશરે એમને જણાવ્યું કે એમનામાં કાર્ટૂૂનિસ્ટ બનાવાનો કોઈ ગુણ છુપાયેલો નથી. ડીઝનીએ સામે જવાબ આપ્યો કે 'હકીકતમાં કલાની સમજ અને કદર તમને નથી.'

આટલું કહી અને તે નીકળી ગયા અને પોતાના વિશે સતત હકારાત્મક વિચારો કરતા રહ્યા. તેઓ પોતાની ક્ષમતા સાબિત કરવા માટે હોલિવુડ પહોંચી ગયા. તે વખતે એમના ખીસામાં માત્ર ચાલીસ ડોલર હતાં. 

પરંતુ સફળતાની ટોચ પર પહોંચવાની તેમની પોતાની ક્ષમતામાં તેમને લેશમાત્ર પણ શંકાઓ નહતી. કોઈએ એમને પૂછયું કે 'તમે હોલિવુડ શા માટે જાવ છો ?'

ત્યારે એમણે જવાબ આપ્યો કે એ બહુજ મોટી ફિલ્મનું ડાયરેકશન કરવા માટે જાય છે.

દિલ્હીથી મુંબઈ જતી વખતે શાહરૂખ ખાને પણ એમજ કહ્યું હતું કે એક દિવસ બોમ્બે શહેર પર હું રાજ કરીશ. આમ ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ પોતાની ક્ષમતા પર વિશ્વાસ કરવો. પોતાના સ્વપ્નો અને પ્રબળ સંભાવનાઓ ઉપર ફોકસ કરવું અને નેગેટીવ કોમેન્ટ્સ કે પરિસ્થિતિની અવગણના કરવી એ સફળ થવાનો રાજમાર્ગ છે. વોલ્ટ ડીઝનીએ કહ્યું હતું કે આપણા કોઈપણ સ્વપ્નો સાકાર થઇ શકે છે જો એનો પીછો કરવામાં તમે ક્યારેય પાછા ન પડો

એટલેજ આજથી નક્કી કરો કે જીવનમાં નેગેટીવ લોકોથી તમે દૂર રહેશો. જો તમને એની ખબર પડે કે તમારા મિત્રમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે તો શું તમે એને ગળે લગાવશો ખરા? ના. હરગિજ નહીં. જો તમે કોઈ નેગેટીવ વ્યક્તિ સાથે વધારે સમય સંપર્કમાં રહેશો તો એની તમામ નેગેટીવીટી તમારામાં આવી જશે.

શું તમે ગંદુ પાણી પીવાનું પસંદ કરશો ? શું તમે ગંદગીમાં બેસીને ભોજન લેવાનું પસંદ કરશો ? પબ્લિક યુરીનલમાં જાવ અને કોઈ યુરીનપોટ પરથી બહુજ ગંદી વાસ આવતી હોય તો તમે ત્યાં જશો ? ના ક્યારેય નહિ. બીજા પોટ તરફ જઈશું. તો પછી તમે એવું કેવી રીતે વિચારી શકો કે ગંદગીથી ભરેલા નકારાત્મક માણસ સાથે રહીને તમે સફળ થઇ શકશો?

તમે કોઈ મંદિરમાં ડોનેશન આપી અને ત્યાં તકતી પર તમારું નામ કોતરાવો અથવા લોકોમાં લાખો રૂપિયાના કપડા અને ભોજન વહેંચો તો પણ તમારું મગજ જો અંદરથી ગંદુ હોય, નેગેટીવ હોય તો તમે કઈ હાસિલ કરી શકશો ખરા ? ના. ક્યારેય નહીં. આ માટે તમારું મન અંદરથી સ્વચ્છ જોઈએ. બહારથી આકર્ષિત નહીં.

તમે ઈલોન મસ્કને પચાસ વર્ષ સુધી યાદ રાખી શકશો. પણ પછી એ શક્ય બનશે ખરું ? જ્યારે કેટલાંક લોકો જેમનું મન અંદરથી સ્વચ્છ છે. નકારાત્મકતાનો અંશમાત્ર જેમના મનમાં નથી એવા લોકો જેવા કે રામકૃષ્ણ પરમહંસ, સ્વામિ વિવેકાનંદ, મહાત્મા ગાંધી કે ભગત સિંહ જેવાનું નામ સદીઓ પછી પણ અમર રહે છે કારણ તેઓ માત્ર બહારથી નહીં અંદરથી પણ ખૂબસૂરત હતાં અને હકારાત્મક વિચારોથી છલોછલ હતાં.

જેવી રીતે તમે તમારા ચહેરાને સુંદર અને દેખાવડો બનાવી રાખવા માટે જુદા જુદા ક્રીમ લગાડો છો તેવી રીતે તમારા મનને સ્વચ્છ દેખાડવા માટે તમારા પર હકારાત્મકતાનું ક્રીમ રોજ લગાડતા રહો. જો તમે તમારું મન હકારાત્મકતાથી ભરેલું રાખશો તો સફળતા તમારા કદમો ચૂમશે. જેમ તમે તમારા કપડા સાફ રાખવા માટે કિમતી વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો. તમારું પીવાનું પાણી સાફ રાખવા માટે વોટર પ્યુરીફાયરનો ઉપયોગ કરો છો. ઘર સાફ રાખવા માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો છો એવી રીતે તમારા મનની ગંદકી હટાવવા માટે અને ત્યાં સફાઈ રાખવા માટે હકારાત્મકતાનો ઉપયોગ કરો. કમનસીબે મોટા ભાગના લોકો નેગેટીવ વસ્તુ ઉપર વધારે ફોકસ કરે છે. જેવી રીતે તમારા ચહેરા પર કોઇ ખીલ નીકળી આવે તો તમારૃં ધ્યાન તમારા આખા સુંદર ચહેરાને છોડીને માત્ર તમારા એ ખીલ પર ફોકસ કરો છો. અરીસામાં વારંવાર એજ જોયા કરો છો. પરંતુ યાદ રાખો એ કંઇ ત્યાં કાયમ માટે રહેવાનું નથી. તેવી જ રીતે તમે નકારાત્મકતા અને નિષ્ફળતા પર ફોક્સ ન કરો. કારણ એ સ્થાયી નથી. તમારી આસપાસ જે સારૃં થતું હોય એના ઉપર ધ્યાન ફોક્સ કરો.

ન્યુરોગ્રાફ : 

મનને હકારાત્મકતાથી ભરી દો અને સફળતાની ટોચ પર પહોંચી જાવ. મનની નકારાત્મક ગંદકીની જડમૂળથી સાફસફાઇ કરતાં રહો.


Google NewsGoogle News