ભવિષ્ય જાણવાની ઉત્કંઠા એટલે ઉપાધિને આમંત્રણ ?!
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- હરેશભાઈ 'પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર'ના સિદ્ધાંત પર પોતાના ભવિષ્યમાં થવા સંભવ અનહોની પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
સ વારના સાડા પાંચ વાગ્યાથી હરેશભાઈ કાગડોળે છાપાના ફેરિયાની રાહ જોતા દરવાજા આગળ આંટાફેરા માર્યા કરે છે. લાંબા ઇન્તેજાર પછી છાપું આવે છે. ફેરિયાને જોતાંવેંત હરેશભાઈ તાડૂકે છે... 'ક્યાં મરી ગયો હતો ? ખબર નથી પડતી કે કેટલા વાગે છાપું લાવવું જોઈએ ?... હવે પછી સાડા પાંચથી મોડો આવ્યો છે તો તારી ધૂળ કાઢી નાખીશ... છાપું બંધ કરાવી દઈશ... સમજ્યો ?'
''હા... બધુંય સમજેલો છું સાહેબ... ધૂળ તો તમે બાકી રે'વા દીધી હોય તો કાઢશો ને ?... બાકી મારા લાલિયાના ગળાના સોગંદ ખાઈ કહું છું કે આખા એરિયામાં સૌથી પહેલું છાપું તમારે ત્યાં જ નાખું છું... સાહેબ મારા, હજી સવારના છ વાગ્યા નથી ત્યાં આટલી બધી ગરમી કેમ કરો છો ?' ફેરિયો બોલ્યો.
'અલ્યા ડબ્બા... ગરમી કેમ કરું છું એ તો હું તને છાપું જોયા પછી કહીશ ને... ઝટ છાપું લાવ હવે...'
હરેશભાઈ છાપું જુએ છે અને તાડૂકે છે... 'અરે... ક્યાં મરી ગઈ છે... હજી સુધી ઘોરે છે ?... જલ્દી ઊભી થઈને ચા બનાવ. અને આજનો દિવસ સંભાળી લેજે... આજે રાશિમાં સૂર્ય છે... હું દિવસ ચડે તેમ તપતો રહેવાનો, સમજી ?'
'હા... બાપ... હા... પંદર વર્ષથી તમારી સાથે ગુડાણી છું પછી કેમ ન સમજું ?' લતાબહેન પથારીમાંથી ઝડપભેર ઊઠી ગેસ સળગાવતા બોલ્યાં.
હરેશભાઈ બ્રશ કરવા ગયા... ત્યાં બાથરૂમના વૉશ-બેઝીનમાં પાણી આવતું ન હતું એટલે તેઓ બરાડયા... 'આ પગી... પણ નકામો થઈ ગયો છે... હજુ સુધી મોટર ચાલુ જ કરી નથી ?... હવે એની ખેર નથી...'
'જરા ટાઢા થાવ... આજે તમારી રાશિમાં સૂર્ય છે એવું જાણ્યા પછી તમે થોડીક તો કોશિષ કરો મગજ શાંત રાખવાની...' લતાબહેન પતિને શાંત કરતાં બોલ્યાં.
'અરે અક્કલ વગરની, ક્યાંથી ટાઢો થાઉં ? તને એટલી પણ ખબર નથી પડતી કે પંદર વરસથી રોજ સવારે મારી રાશિ વાંચ્યા પછી હું એને ખોટી પાડવાની કોષિષ કરું છું... પણ ક્યારેય એ શક્ય બન્યું છે ?' હરેશભાઈ બોલ્યા,
'તમે આ બધા રવાડે ચઢવાનું હવે બંધ કરો... આમાંનું મોટાભાગનું સાચું હોતું નથી...' લતાબહેન બોલ્યાં.
'કેવી નાંખી દેવા જેવી વાત કરે છે... તને એટલી પણ ખબર નથી કે મારી કુંડળી કેટલી પાવરફુલ છે ? શહેરના ધુરંધર જ્યોતિષવિદો મારી કુંડળીની ઈર્ષ્યા કરે છે અને મારી પાછળ પડયા છે ? મારું વશીકરણ કરવા જાતજાતની સાધના અને વિધિઓ એ લોકો કરે છે પણ હું ટક્કર ઝીલું છું કારણ મારામાં વિશેષ શક્તિ છે. હવે એક કામ કર મારા પરથી લીંબુ ઉતારીને ગેસમાં બાળી નાખ એટલે મને એ કોઈની નજર ન લાગે...' હરેશભાઈ બોલ્યા.
છેલ્લાં ચાર વર્ષથી હરેશભાઈ જ્યોતિષમાં રસ લેતા હતા. ચાર વર્ષ પહેલાં તેમને પથરીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરેલા. ડાયાબિટીસ હોવાથી બે વખત ઓપરેશન મુલતવી રાખવું પડેલું અને ઓપરેશન પછી ટાંકા પાક્યા એટલે કુલ્લે તેઓ બે મહિના રજા પર રહ્યાં. આ દિવસોમાં વખત પસાર કરવો તેમને માટે મુશ્કેલ હતો. હરેશભાઈના એક મિત્રે તેમને જ્યોતિષનાં પુસ્તકો વાંચવા આપ્યા. નવરાશના સમયમાં તેમણે એ બધાં પુસ્તકો ઊંડાણથી વાંચ્યા. તેમને જ્યોતિષવિદ્યામાં ઘણો રસ પડયો એટલે આ વિષયમાં તેઓ ઊંડા ઊતરતા ગયા.
પછી તો તેમની મુલાકાત, બેઠક-ઉઠક પ્રખર જ્યોતિષવિદો અને ભક્તો સાથે થવા માંડી. કુંડળી મેળવવા અને લગ્ન જોવાથી માંડી તેઓ સંતાન પ્રાપ્તિ, પુત્ર કે પુત્રી, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, ચોરાયેલી વસ્તુની આગાહી વગેરે ઘણી બાબતમાં પારંગત થતા ગયા. તેમને લાગ્યું કે પ્રત્યેક વ્યક્તિએ પોતાની કાલ કેવી જશે ? નોકરી ધંધામાં કોની સાથે બનાવ કે અણબનાવ થશે ? સફળતા મળશે કે કેમ ? કેટલાં વિઘ્નો આવશે ? વગેરે વગેરે ભવિષ્યની પૂર્વ જાણકારી મેળવવા જેટલી જ્યોતિષવિદ્યાની જાણકારી મેળવવી જ પડે. કારણ તમારી આજ અને કાલ કેવી જવાની છે એની તમને માહિતી મળી જાય તો તમે ચેતી જઈ કેટલીયે દુર્ઘટના નિવારી શકો.
આજે ચાર વર્ષ થયાં હરેશભાઈ 'પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર'ના સિદ્ધાંત પર પોતાના ભવિષ્યમાં થવા સંભવ અનહોની પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સવારે છાપું જોઈ તેમનો દિવસ સૂર્યની જેમ તપશે કે પછી ચંદ્ર જેમ શાંત રહેશે એ બધી બાબતની જાણકારી મેળવી રહ્યા છે.
ક્યારેક રાહુ કે શનિ હોય તો સતત વિચારોમાં ખોવાયેલા રહે છે. કંઈક અઘટીત થશે એમ વિચારી દહેશતમાં દિવસ કાઢે છે. એક્સિડન્ટ થવાની સંભાવના હોય તો ઓફિસ જવાનું કે બહાર નીકળવાનું પણ ટાળે છે.
આ કારણે છેલ્લાં ચાર વર્ષથી હરેશભાઈનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. દિવસે ને દિવસે તેમનું વર્તન વિચિત્ર થતું જાય છે. ઓફિસમાં પણ ઝઘડા અને અણબનાવ વધતા જાય છે.
ગ્રહદોષ નિવારણ અને માનસિક શાંતિ માટે તેઓ તંત્ર-મંત્ર-સાધના-હોમ-આહુતિ- દોરા-ધાગા, માદળિયાં, વીંટી નંગ વગેરે બધું જ કરાવતા રહે છે. ક્યારેક મોડી રાત સુધી સાધના કરતા રહે છે. તેમની ઊંઘ પણ ઓછી થઈ ગઈ છે. લોકોને હળવા-મળવાનું પણ તેઓ ટાળતા રહે છે. છેલ્લા એક વર્ષથી તેમને એવું લાગે છે કે તેમનામાં અદ્ભૂત શક્તિનો સંચાર થયો છે. માતાજીની તેમને ઉપાસના ફળી છે. હવે સાક્ષાત માતાજી તેમના શરીરમાં પ્રવેશે છે.
એક દિવસ એક પ્રખર જ્યોતિષીને મળવાનું થાય છે ત્યારે હરેશભાઈ માતાજીની ઉપાસના કરીને ઊભા થયા હોય છે. એટલે તેમને કંઈક સ્વયમ્ સ્ફુરણા થાય છે અને કહે છે 'તમારા પૌત્રને અકસ્માતનો યોગ છે. હું હમણાં જ માતાજીની આરાધના કરી ઊભો થયો છું અને મને માતાજીએ આમ કહ્યું છે.'
સંજોગવશ પેલા જ્યોતિષીના પૌત્રને નાનકડો અકસ્માત થયાની હરેશભાઈને જાણ થાય છે એટલે તેઓ દોડતા પેલા વડીલને ત્યાં પહોંચી પગમાં પડીને કહે છે,
''મારા વિશે ગેરસમજ કરશો નહીં. તમારા પૌત્ર પર મેં કોઈ મેલીવિદ્યાની અજમાયેશ નથી કરી. હું સાવ નિર્દોષ છું.''
પેલા વડીલે કહ્યું, 'હરેશભાઈ, તમે આનું ટેન્શન ના લો. મારા પૌત્રને સાઇકલ ચલાવતા પડી જવાથી સહેજ વાગ્યું છે. એવો કોઈ અકસ્માત થયો જ નથી...'
એ દિવસે હરેશભાઈ ઘેર આવીને ગુમસૂમ બેઠા રહે છે. આખી રાત મંત્ર-તંત્ર-સાધના-ઉપાસના કરતા રહે છે. બે-ત્રણ દિવસ આમ જાય છે. તેઓ ખાવા-પીવાનું અને ઓફિસ જવાનું પણ ટાળે છે અને ત્રણ દિવસ પછી ઉપાસના પૂરી કર્યા પછી તેઓ ઘરમાં જાહેર કરે છે... 'હવે હું સર્વશક્તિમાન થઈ ગયો છું. આ શહેરમાં મારા જેટલી ક્ષમતા ધરાવતો ત્રિકાળજ્ઞાની જ્યોતિષી કોઈ નથી. હું ધારું તે કરી શકું છું... ધારું તે કરાવી શકું છું.'
આખો દિવસ ફુલફોર્મમાં કાઢ્યા પછી તેઓ રાત્રે પત્નીને પાસે બોલાવી રડવા લાગે છે અને કહે છે, 'બધા લોકોની આંખોમાં હું ખટકું છું. એટલે જ મને એ બધાની નજર ન લાગે એનું તારે ધ્યાન રાખવાનું છે.'
બસ, હરેશભાઈ આ બધા વિચારોમાં છેલ્લા એક મહિનાથી રહે છે. સરખું ઊંઘતા નથી, સતત થાકેલા અને નંખાયેલા રહે છે. તેમનું કામકાજમાં સરખું ધ્યાન ચોટતું નથી. તેમને સતત એમ લાગે છે કે લોકો તેમનું ખરાબ કરવા માટે પ્રયત્નશીલ છે. તેમને સરખી ભૂખ નથી લાગતી, સતત ટેન્શન રહ્યા કરે છે. ઘરમાં બધા પર ગુસ્સે થયા કરે છે. ક્યારેક એકદમ ફોર્મમાં આવી જાય છે કે 'હું સર્વ શક્તિમાન છું... મને માતાજી દર્શન આપે છે... સાક્ષાત માતાજી મારા શરીરમાં પ્રવેશે છે.'
લતાબહેન પતિની હાલતથી ઘણા દુઃખી છે, એટલે તેઓ પતિની સુખાકારી માટે પગલાં ભરવાનું નક્કી કરે છે. જ્ઞાતિમાં માતાજીના સમૂહ યજ્ઞાનું આયોજન થવાનું હોય છે. એકાવન યુગલની યજ્ઞામાં બેસવા માટે નોંધણી થાય છે. લતાબહેન પણ તેમનું અને હરેશભાઈનું એક યુગલ તરીકે યજ્ઞામાં બેસવા નામ નોંધાવે છે.
યજ્ઞાનો દિવસ આવે છે. એકાવન યુગલો સામૂહિક વિધિમાં બેઠા હોય છે. છેલ્લે શ્રીફળ હોમવાનો સમય આવે છે. બધાં યુગલો ઊભાં થાય છે. એમાં એક ભાઈ મંત્રોચ્ચાર કરતાં શ્રીફળ હોમતાવેંત પડી જાય છે, બેભાન થઈ જાય છે.
હરેશભાઈને ધ્રાસ્કો પડે છે... માતાજી કોપાયમાન છે. નક્કી કોઈકે તેમને નુકસાન કરવા માતાજીની સાધના કરાવી છે.
હરેશભાઈ યજ્ઞામાંથી હટી જાય છે. માતાજીને પડકારતા બોલે છે, 'તું પક્ષપાત કરે છે... તું સાચી મા નથી... તું તારા સંતાનોને પોતીકા અને પારકાં એમ સમજે છે. હું તારો અણમાનીતો પુત્ર રહેવા માંગતો નથી. હવેથી હું ક્યારેય તારી ઉપાસના નહીં કરું.'
હરેશભાઈ વધારે પડતું બોલી વિચિત્ર વર્તન કરવા લાગે છે. હરેશભાઈનો આ હુમલો કલ્ચર બાઉન્ડ સાયોકોટીક ડીસ-ઓર્ડરનો છે. આપણા સમાજ અને સંસ્કૃતિમાં મંત્ર-તંત્ર, ગ્રહનડતર નિવારણ, સાધના, ઉપાસના વગેરે સદીઓથી ચાલતી આવતી માન્યતા છે. એટલે લોકોને આ પ્રકારના વિચારો આવે છે. સાચું-ખોટું થવાનો ભય રહે છે અને સમસ્યાઓને ઉકેલવા જે નિવારણ સૂચવાય તે કરે છે. આમ કરતાં કરતાં શ્રધ્ધા ધીરેધીરે અંધશ્રધ્ધામાં ફેરવાય છે એટલે હરેશભાઈ જેવી તકલીફ થાય છે. હકીકતમાં આ બધું મનનું કારણ છે. બાકી માવતર ક્યારેય કમાવતર નથી થતા.
ન્યુરોગ્રાફ
સફળતા કિસ્મતથી કે પૂજાપાઠથી મળતી નથી. તમારી ભીતર એવા ગુણો વિકસિત કરો કે ડગલે ને પગલે સફળતા જ હાસિલ કર્યા કરો.