Get The App

તમે કેમ છો? હાઉ આર યુ? .

Updated: Sep 13th, 2022


Google NewsGoogle News
તમે કેમ છો? હાઉ આર યુ?                              . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- દરેક વ્યક્તિ ઓરડામાં પ્રકાશ ફેલાવે છે. કેટલાક અંદર જઇને તો કેટલાક બહાર નીકળી ને.

''તમે કેમ છો ?''

How are you - હાઉ આર યુ ?

આ ઔપચારિક પ્રશ્ન તમને રોજ દસ વખત લોકો પૂછતા હશે. તમે આ પ્રશ્નનો જે જવાબ આપો છો તેના પરથી તમારા વિચાર, લાગણી, મનોસ્થિતિ અને મનોવલણ પ્રદર્શિત થાય છે.

કેમ છો ? ને લોકો સામાન્યરીતે ત્રણ પ્રકારના પ્રતિભાવો આપે છે.

૧. નેગેટીવ કે નકારાત્મક પ્રતિભાવ જે કંઇક નીચે મુજબ હોય છે

''કંઇ કહેવા જેવું જ નથી.''

''જવા દે યાર...શું કહું''

''પૂછતો જ નહી.''

''મારી તો દશા જ બેઠી છે.''

''આજનો દિવસ મારે માટે ખૂબ ખરાબ ઉગ્યો છે.''

આમ પ્રશ્નના જવાબમાં લાંબી ફરિયાદોનું લીસ્ટ રજૂ કરશે.

૨. મધ્યમ પ્રતિભાવ-મીડીયોકર રીસ્પોન્સ, જે કંઇક નીચે મુજબ હોય છે

''ઠીક છું ભાઈ''

''ચાલે છે બધું''

''વોહી રફ્તાર''

''એટલું બધું ખરાબ નહી''

''ઓ.કે...ઓ.કે.''

૩. પોઝીટીવ કે હકારાત્મક પ્રતિભાવ, જેમ કે

''જોરદાર''

''અરે જલસા છે ભાઈ જલસા''

''એકદમ મઝામાં''

''ગ્રેઇટ''

આ ત્રણ પ્રકારના લોકોમાંથી તમે કોને પસંદ કરશો ?

''ત્રીજા પ્રકારના ?''

''હા''

કારણ તેમના માત્ર શબ્દો જ નહી  ચાલમાં પણ ઉત્સાહ હોય છે. તેઓ તમારામાં પોઝીટીવીટી લાવે છે.

એક પ્રખ્યાત કહેવત છે. ''દરેક વ્યક્તિ ઓરડામાં પ્રકાશ ફેલાવે છે. કેટલાક આવીને તો કેટલાક જઇને.'' તમારે કેવા બનવું છે ?

મને કોઇ પૂછે કે ''કેમ છો ?'' તો હું જવાબ આપું છું ''જક્કાસ...'' ''ટેરીફીક''-''ટેરીફીક.'' હું જેમ જેમ ''ટેરીફીક'' બોલતો જાઉં છું તેમ વધુને વધુ ટેરીફીક લાગણી અનુભવતો જાઉં છું.

તમે પણ તમારો નેગેટીવ કે મિડીયોકેર પ્રતિભાવ બદલીને પોઝીટીવ પ્રતિભાવ આપવાનું શરૂ કરશો તે સાથે જ તમારામાં પોઝીટીવીટીનો ઝબકાર થશે.

તમે કેમ છો ? નો નેગેટીવ પ્રતિભાવ આપી એમ જણાવો છે કે ''મારી તો દશા બેઠી છે.'' ત્યારે તમારા શરીર પર પણ એની માઠી અસર થાય છે. જેવી કે તમારા ખભા નમી જાય છે અને તમે ઝૂકીને નિરાશ વદને ચાલવા લાગો છો.

''અરે જવા દે ને...વાત કરવા જેવી જ નથી.'' એવો નકારાત્મક પ્રતિભાવ આપ્યા પછી તમે નિરાશ અને હતાશ થઇ જાવ છો. કારણ નકારાત્મક શબ્દો નકારાત્મક લાગણીને જન્મ આપે છે. એટલે પરિણામ પણ નેગેટીવ જ હોવાનું.

આ વિષચક્રને તમે તોડી શકો છો. એવું માની લઇએ કે તમારી જિંદગીમાં ખરેખર ખરાબ બનાવો બન્યા છે. જેવા કે તમારૂં બાળક સ્કુલમાં ખરાબ માર્ક્સ લાવ્યું હોય, પતિ-પત્ની વચ્ચે મોટી તકરાર થઇ હોય કે નોકરીમાં બોસ તતડાવતા હોય. આના કારણે તમારું વલણ નિરાશ રહેવાનું અને તમે ''કેમ છો ?''નો પ્રતિભાવ ''અરે જવા દે ને યાર....'' એવું કહીને આપો તેથી તમારી પરિસ્થિતિમાં કોઇ ફેરફાર નહીં લાગે પણ તમે વધારે હતાશ થશો. લોકો પણ તમારા નકારાત્મક વલણને કારણે તમારાથી દૂર ભાગવા લાગશે.

જો તમારા શબ્દોથી નેગેટીવીટી જ પેદા થતી હોય તો નેગેટીવ શબ્દો કહેવાનું શા માટે ચાલુ રાખવું ? તમે અત્યાર સુધી ભલે નેગેટીવ પ્રતિભાવો આપતા રહ્યા હોવ પણ હવે તમારી પાસે પસંદગી છે. તમે પોઝીટીવ શબ્દોથી પ્રતિભાવ આપી તમારૂં  ભવિષ્ય બદલી શકો છો. કારણ તમે જે બોલો છો એવું જ બને છે.

જો તમે એમ બોલો કે હાલત બહુ ખરાબ છે. ''તો હાલત એટલી ખરાબ નહીં હોય તો ય ખરાબ થઇ જશે. કારણ આવા શબ્દો તમને એવા જ લોકો પાસે લઇ જશે જે તમને તમારા નેગેટીવ શબ્દો સાચા પાડવામાં મદદ કરે.''

એથી ઉલટું તમે જો એમ બોલશો કે હાલત ફર્સ્ટ ક્લાસ છે તો તમારી હાલત ધીરે ધીરે સુધરતી જશે. કારણ તમે ''બહુ મઝામાં'' ''જોરદાર'' ''જક્કાસ'' એવા શબ્દોથી પ્રતિભાવ આપો છો ત્યારે તમારા શરીરમાં પણ તમારા શબ્દોને સુસંગત હોય તેવા ફેરફારો થવા લાગે છે. તમે એક મહત્વના સિધ્ધાંતને તમારી તરફેણમાં કામ કરતો કરી દો છો કે ''આપણે જેવી આશા રાખીએ છીએ તેવું જીવન જીવવાનું મળે છે.''

તમારી સાથે બધુ ખરાબ બનતું હોય ત્યારે કેમ છોનો જવાબ ''બહુ મઝામાં'' ''જક્કાસ'' આપવો તમને મુશ્કેલ લાગે. પરંતુ જો આવો જવાબ આપવાની આદત પાડશો તો ધીરે ધીરે તમે ''મઝામાં''ની લાગણી અનુભવતા થશો. તમારામાંથી લોકોને પોઝીટીવીટી મળતી થશે તમારૂં એટીટયુડ પોઝીટીવ બનતું જશે.

યાદ રાખો પોઝીટીવ એટીટયુડ લાવવા માટે તમારે ટેલેન્ટેડ, સુંદર કે ધનવાન દેખવાની જરૂર નથી પરંતુ એનર્જીથી ભરપૂર પોઝીટીવ રીસ્પોન્સ આપવાની જરૂર છે.

તમે એવી દલીલ કરો કે તમારા જીવનમાં મઝા જેવું કંઇ ન હોય તમને જક્કાસની લાગણી ન થતી હોય તો પણ લોકો સમક્ષ ખોટું બોલી કેમ છોનો પ્રતિભાવ ઉત્સાહપૂર્વક આપવાનો ? ''હા'' કારણ તમે ખોટું નથી બોલતા પણ તમારા નેગેટીવ એટીટયુડનું પોઝીટીવ એટીટયુડમાં રૂપાંતરણ કરો છો. તમારા જીવનના સારાં પાસાં પર તમારૂં ધ્યાન કેન્દ્રીત કરો છો.

આપણે જે લાગણી અનુભવીએ છીએ તે માપી કે ગણી શકાય એવી હોતી નથી. એ આપણા પૂર્વગ્રહોથી રંગાયેલી હોય છે જ્યારે આપણે જાતને કહીએ છીએ કે ''થાકી ગયા'' ત્યારે આપણે થાક અનુભવવા લાગીએ છીએ અને આપણે જાતને એમ કરીએ છીએ કે ''જક્કાસ'' ત્યારે આપણામાં જબરજસ્ત શક્તિનો સંચાર થાય છે અને આપણે એ બની જઇએ છીએ જે વિચારીએ છીએ.

હવે તમને કોઇ પૂછે કે ''કેમ છો ?'' ત્યારે એનો જવાબ ઉત્સાહથી આપજો કે ''ગ્રેટ''... ''જક્કાસ'' તમે એવું ન અનુભવતા હો તો પણ એવી એક્ટીંગ કરો. પોઝીટીવ થવા માંગતા હો તો પોઝીટીવ છો જ એવું વર્તન કરો. થોડા સમયમાં તમને ''ગ્રેટ'' થવાની લાગણીનો અનુભવ થશે. શક્ય છે કે શરૂઆતમાં આવા શબ્દોનો ઉપયોગ કરતાં તમે બેચેની અનુભવો છતા એને વળગી રહો. અંતે તમે એવું અનુભવવા લાગશો. તમને સારી લાગણી થશે. બીજાઓને તમારી આસપાસ રહેવું ગમશે. તમને પોઝીટીવ પરિણામો મળવા લાગશે.

ન્યુરોગ્રાફ: 

કેમ છો ?

''ગ્રેટ જક્કાસ''


Google NewsGoogle News