એ બધાંએ જિંદગી આખી રડાવી છે મને

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
એ બધાંએ જિંદગી આખી રડાવી છે મને 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- તાંત્રિક અને સ્વામીજીનું ગલૂડિયું બનવાની ભૂલે પ્રમિલાબેનને હતાશાની ગર્તામાં ધકેલ્યા... પપી-લવનું આ નગ્ન સત્ય સમજાઈ ગયું.

ત ન અને મન તંદુરસ્ત રાખતી ઠંડીની આ મોસમમાં પ્રમિલાબેન સાવ થીજી જાય છે. જો કે થીજી જવાય એવી ઠંડી પડતી નથી પણ પ્રમિલાબેનનું મન વિચારોના એવા તરંગો પેદા કરે છે કે તેમનો ચહેરો થીજી ગયેલો લાગે છે. તેમને કોઈ વાતમાં રસ પડતો નથી. રેડિયો, ટી.વી., છાપાં-મેગેઝીન-પુસ્તકો વગેરેથી તેઓ દૂર ભાગે છે. સવારમાં મોડા ઉઠ્વું, રસોઈ બનાવવાની આળસ, નિત્યક્રમ તો અભરાઈએ ચડાવી દેવાનો. બસ ગમે ત્યારે સૂઈ જવાનું અને થોડી થોડી વારે જાગીને અતીતની સફરે ઉપડી જવાનું.

સાઇંઠ વર્ષના જીવનમાં બનેલા નાના-મોટા પ્રસંગો, શત્રુના પ્રહારો કે મિત્રના વ્યંગો, નાની મોટી વેદનાઓ, અપમાનો, મનદુ:ખો, ગેરસમજો અને ક્ષણિક સુખના પ્રસંગોને સાચવીને બેઠેલા મનના એક અંધારા ખૂણા પર એકાએક અજવાળું પડે છે અને તેમની આંખ સમક્ષ આખો અતિત ખડો થઈ જાય છે.

જે લોકો સાવ ભુલાઈ ગયા હોય છે, જેમને મનના માળિયા ઉપર ક્યાંક ચડાવી દીધા હોય છે, તેમના પર ધૂળ જામી ગઈ હોય છે તથા જાળા-બાવા, બાઝી ગયેલા હોય છે એ લોકો એક સામટા એમના સભાન મનની સપાટી પર આવી જાય છે. કેટલાક એવા ચહેરાઓ જેમને માટે તેમને તેમનું આયખું ઘસી નાખ્યું અને તેમને જરૂરી પડી ત્યારે એ ક્ષિતિજમાં ખોવાઈ ગયા. કેટલાક એવા ચહેરાઓ જેમણે પ્રમિલાબેનને કાયમ પીડા આપી.

જ્યારે જૂજ ચહેરાઓ જેમણે પ્રમિલાબેનને માત્ર આપ્યા જ કર્યું... બિનશરતી... બદલાની કોઈ જ અપેક્ષા વગર અને આ બધા ઉપસી આવતા ચહેરાઓ તેમના મનને રડાવે છે, તેમના અંતરને રડાવે છે. પ્રમિલાબેન હૈયાફાટ રુદન કરે છે. પરંતુ આંસુનું એકપણ ટીપું તેમની આંખમાંથી પડતું નથી. કારણ અતીતના ભયાનક ઓછાયાએ તેમના આંસુઓને પણ થીજાવી દીધા છે.

પ્રમિલાબેન મનના માળિયા પર વર્ષો પહેલા ચઢાવી દીધેલા એ ચહેરાઓ પરથી માટી ખંખેરે છે અને ભુલાયેલી દાસ્તાન વાગોળે છે.

એ બધું જ યાદ કરે છે જે તેમના જીવનમાં પહેલીવાર બન્યું હતું. પ્રથમ કરેલું રુદન, પહેલું સ્મિત, પહેલી જીદ, પહેલો ગુસ્સો, પહેલો ઝઘડો, પહેલો ડર, યુવાનીમાં કોઈ માટે થયેલો ધબકાર, કોઈનો પ્રથમ સ્પર્શ, પહેલીવાર ઘરથી જુદા પડવું, સાસુનો પહેલો છણકો, સૌ પ્રથમ પતિ દ્વારા કરાયેલો તિરસ્કાર, સંતાનોની પહેલી પાપા પગલી અને એક સામટા કેટલાયે પાત્રો તેમના સ્મૃતિપટ પર ઉભરાઈ આવે છે.

બેતાલીસ વર્ષ પહેલા સુમીતે જ્યારે પહેલીવાર તેમને ફૂલ આપી પ્રેમનો છૂપો એકરાર કર્યો હતો એ અવસર તેમને સંભારે છે. એ સાથે સાંઈઠ વર્ષે પણ તેમના ગાલે શરમના શેરડા પડે છે. સુમિત સાથે ગાર્ડનમાં, થીયેટરમાં, રીડીંગરૂમમાં , કોલેજ લાઇબ્રેરીમાં, કોલેજ ફેસ્ટીવલમાં વિતાવેલી ક્ષણો યાદ આવે છે. પ્રમિલાબેનને સમજાય છે કે આજે પણ સુમીતને તેઓ એટલા જ ચાહે છે.

પરંતુ પ્રેમની આ આછી અનૂભૂતિ સાથે નફરતનું ઘોડાપુર ઉભરાઈ આવે છે. જનમોજનમ સાથે રહેવાના સોગંદ લીધા પછી પપ્પાના દબાણ સામે ઝૂકી જઈ મઝધારે ડૂબાડનાર નિર્માલ્ય સુમીત પર ગુસ્સો આવે છે.

સુમીત સાથેના સંબંધો ચર્ચાના ચકડોળે ચડયા પછી બદનામીને કારણે દારૂડિયા અને અમીર બાપના બગડેલા ફરજંદ નીખીલ સાથે કમને લગ્ન કરવા પડયા એ પ્રસંગ તેમને આજે પણ ઘણી પીડા આપે છે. છતાં પણ નીખીલ પ્રત્યે પ્રેમીલાબેનને હવે કોઈ ફરિયાદ નથી. ઐયાશ અને દારૂડિયા નિખિલે તેમને ગમે તે રીતે છત્ર આપ્યું હતું. નામ આપ્યું હતું. વૈભવી બંગલો આપ્યો હતો અને સુંદર મઝાની બે પ્રેમાળ દિકરીઓ આપી હતી.

પ્રમિલાબેનને વેદના તો એ લોકોએ આપી હતી જે લોકોને તેમને વંદનીય ગણ્યા હતા. પતિ અને સાસુના ત્રાસથી રીબાતા પ્રમીલાબેને કેટલાયે ભવિષ્યવેત્તાઓના ઉંબરા ધસ્યા હતા.

પતિને વશ કરવાની વિદ્યા શીખવનાર એક તાંત્રિકે તેમના ભોળપણ અને અજ્ઞાાનનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. એ તાંત્રિકને પોતે શરીર કેમ સોપ્યું તે એમને હજી સમજાતું નથી. દુ:ખમાં વધારે પડતા ધાર્મિક બનેલાં પ્રમિલાબેન મનની શાંતિ માટે એક સ્વામીજીના શરણે ગયાં. સ્વામીજીએ તેમને શાંત કર્યા. નર્ક જેવું જીવન પ્રેમિલાબેનને મોક્ષ આપવાનું બીડું ઝડપ્યું. પ્રમિલાબેન એ તારણહારનાં ચરણોમાં એવા બેશુદ્ધ બની ખોવાઈ જતાં કે એ મોક્ષના સ્વપ્નમાંથી સફાળાં જાગતાં ત્યારે તેમના નિર્વસ્ત્ર શરીર પર વિટળાયેલા સ્વામીજીના હાથ તેમને નરકની સાંકળથી પણ બદતર લાગતાં.

શિયાળાની ઠંડીમાં પણ સુમીત-તાંત્રિક અને સ્વામીના ચહેરા તેમને પરસેવે રેબઝેબ કરી મૂકતા. આ ચહેરાઓનું ગળું ટૂંપી દેવા તેઓ બંને હાથના પંજાને જોરથી ભીંસતા. અતીતના આ પડછાયા આજે પણ તેમનો પીછો છોડતા ન હતા. તેમને જંપીને બેસવા દેતા ન હતા.

નફકરો નિખિલ દારૂના નશામાં તેમને ચાર-પાંચ લપડાક જરૂર લગાવતો, પરંતુ નશા વગરનો નિખીલ ખરેખર પ્રેમાળ હતો. મેં તારી જિંદગી બગાડી છે, હું તારો ગુનેગાર છું. એવું કહેતો નિખીલ તેમને નિખીલના હાર પહેરાવેલા ફોટા સામે જોઈ યાદ આવી જતા. ત્યારે તેમને યાદ આવતું કે તેઓ પણ ક્યારેય નિખીલને મારું વહાલું બચ્ચું કહી તેના મો પર હળવી લપડાક લગાવી દેતા હતા.

પ્રમિલાબેનની પીડા તેમના સગાં સ્વજનોના ચહેરાઓ માનસપટલ પર ડોકાતા ત્યારે ઘણી વધી જતી. એકલતાથી છૂટવા તેઓ તેમના એક માત્ર સાથી એવા ફોટો આલ્બમને લઈને બેસતાં. એ આલ્બમમાં પીળા પડી ગયેલા ફોટો સાથે તેઓ તેમના વિતેલા જીવનની વિસ્મૃતિમાં ખોવાયેલા ચહેરાઓને ઓળખવાનો પ્રયત્ન કરતાં, એ ફોટાઓ તેમની થીજી ગયેલ, આભાસી સુખ આપી અટકી ગયેલી ક્ષણોના સાક્ષી હતા. પ્રમિલાબેન ધ્યાનથી ટીકીટીકીને ફોટા જોતા.

 ફોટામાંથી તેમની સામે જોઈ રહેલી વ્યક્તિઓના ધીમા ધીમા અવાજો પણ તેમને સંભળાતા હતા. એમાં બા-બાપુજી, દાદીમાના ફોટાઓ તેમને કશુંક કહેતા હતા, પણ એમણે જે કહેવું છે તે વીતી ગયેલું છે. પ્રમિલાબેનના વર્તમાન સાથે કશું જ સુસંગત નથી.

આસ્થા અને આશ્કાના લગ્નના આલ્બમ તેમને ક્ષણિક સુખ આપી જતાં. બંને દીકરીઓ પ્રેમાળ છે, સુખી છે પણ પરણ્યા પછી બંને મમ્માને છોડી સાત સમંદર પાર જઈને બેઠી છે. પોતાને આ ઉંમરે એકલી છોડી દેવા બદલ પ્રમિલાબેન પુત્રીઓ સાથે- ફોટા આલ્બમમાંના તેમના ફોટા સાથે મીઠો ઝઘડો કરી લે છે. કારણ આ એવો સંબંધ છે જેમાં માત્ર આપવાનું જ હોય, લેવાનું ન હોય. તેમનાં બા-બાપુજી અને દાદી-દાદાએ પણ એમ જ કર્યું છે.

શિયાળાની ફૂલગુલાબી ઠંડીમા પોતાના અતીતની ગુફાના અંધારામાં પ્રમિલાબેન ભટક્યા કરે છે. મનના માળિયામાં ચડાવેલા ચહેરાઓને બહાર લાવે છે. બંગલાના બારણા બંધ કરી એકલા બેસી રહે છે. ઘરમાં લાઈટ પણ થતી નથી.

દિવાળીની રજામાં લગ્ન માટે લોન લઈ ગયેલો રામો પણ હજી પાછો ફર્યો નથી. આમ પણ મયાળુ પ્રમિલાબેન પાસેથી દિવાળીની રોકડી કર્યા પછી કોઈ રામો પાછો આવતો નથી. સંવેદનાથી ભરેલી લાગણીની મૂર્તિઓને વખતે આવ્યે લાત મારવાની ફાવટ હવે રામાઓને પણ આવી ગઈ છે. અઠવાડિયું ઘરમાં લાઈટ ન બળે તો પાડોશીઓ પરવા ન કરે તેટલા મોડર્ન છે. સગાં-સ્નેહીઓ સાથેનો સંબંધ કપાઈ ગયો છે.

આસ્થા અને આશ્કા મમ્મીને સતત ફોન કરે છે, પરંતુ શિયાળામાં ફોનની ઘંટડીનો અવાજ સાંભળવા જેટલી શ્રવણશક્તિ પ્રમિલાબેન ગુમાવે છે. મમ્મીની તબિયતથી ચિંતિત આસ્થા-આશ્કા તેમની બાળપણની સહેલીને વિદેશથી ફોન કરી પ્રમિલાબેનની ભાળ લેવા વિનવે છે.

આન્ટીની તબિયતથી ચિંતિત અનુશ્કા સાથે પ્રમિલાબેનની તબિયત જોવા અમે તેમના બંગલામાં પ્રવેશીએ છીએ.

પ્રમિલાબેન 'સીઝનલ અફેક્ટીવ ડિસઓર્ડર'નાં શિકાર છે. પ્રત્યેક શિયાળામાં તેઓ મગજના રાસાયણિક ફેરફારને કારણે આવા ડીપ્રેશનનો શિકાર બની જાય છે. તેમના જીવનની ઘટમાળામાં પીડાકારક પ્રસંગો ઘણા છે. પરંતુ એ બધાને ભૂલીને પ્રમિલાબેન ઘણું સારું સોશ્યલ વર્ક કરે છે, પ્રવૃત્ત રહે છે. પરંતુ સિઝનલ અસરને કારણે તેમના મગજના રસાયણો તેમને આટલા સંવેદનશીલ બનાવી ભૂતકાળના ભંડકિયામાં પડેલા ચહેરાઓને ફંફોસવા મજબૂર કરે છે.

પ્રમિલાબેનની જેમ સારામાઠા પ્રસંગો દરેકના જીવનમાં બને છે, પણ કુદરતે આપણને સ્વાભાવિક રીતે ભૂલી જતાં શીખવ્યું છે. હું પહેલાનું બધું ભૂલી જાઉં છું, મને દવા આપો એવું કહેતા કેટલાયે લોકોને હું કહું છું- આ જમાનો હવે વિતેલા ભૂતકાળને યાદ કરવા જેવો રહ્યો નથી. ભૂતકાળને ભૂલીજાવ અને તંદુરસ્ત રહો.

ન્યૂરોગ્રાફ

મારા અંતરની એકમાત્ર ઇચ્છા એ છે કોમ્પ્યૂટરમાંથી નકામી ફાઈલ 'ડીલીટ' થઈ જાય છે એટલી સહેલાઈથી એ બધાને હું મારા માનસપટલ પરથી 'ડિલીટ' કરી નાખું.


Google NewsGoogle News