'ઓવર થીંકીંગ' અને 'નર્વસ બ્રેક ડાઉન' .
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- આજના સોસીઅલ મિડિયા, આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ અને ચંન્દ્રયાનના યુગમાં મનુષ્ય કદાચ પહેલાં જેટલો માનવતાવાદી ભલે ન રહ્યો હોય, બીજાઓના દિલને ધક્કો લાગશે કે નહીં એની ચિંતા ભલે ઓછી કરતો હોય, પરંતુ તેની પોતાની હતાશા સહન કરવાની શક્તિ ઘટતી જાય છે
ઔ ધોગીકરણ, શહેરીકરણ અને આધુનિકીકરણના આ જમાનામાં પ્રત્યેક વ્યક્તિ ભૌતિકવાદી થઈ ગઈ છે અને મનુષ્ય સ્વાર્થી તથા લાગણીવિહીન થતો જાય છે. એવી વાતો થઈ રહી છે. ત્યારે લોકમાં વધતી જતી ચિંતા-હતાશા, 'ઓવર થિન્કિંગ' 'નર્વસ બ્રેકડાઉન' તથા 'ડિપ્રેશન'નું વધતું જતું પ્રમાણ એ વાત સિદ્ધિ કરે છે કે મનુષ્ય વધારે સંવેદનશીલ બન્યો છે અને તેથી જ તે સામાન્ય વેદના સહન ન કરી શકતાં ભાંગી પડે છે, હતાશ થઈ જાય છે.
કોરોના વખતે ભારતમાં લોકડાઉન પૂરું થયા પછી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાંગી પડયા હતા. દાઢી વધારીને નિસ્તેજ સ્વરૂપે ટી.વી. પર ભાગ્યેજ દેખા દેતા હતા. બે હજાર તેવીસના એક દિવસીય વિશ્વકપની ફાઈનલમાં હારી ગયા પછી રોહિત શર્મા સહિત ટીમ ઇન્ડિયાના તમામ ક્રિકેટરો પણ રડી પડયા હતા.
ક્રિકેટમાં સતત નિષ્ફળતા મળતા સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને 'ઓવર થીકીંગ' અને 'નર્વસ બ્રેકડાઉન' થયેલો. ગયા જમાનાના પ્રસિદ્ધ અભિનેતા ગુરુદત્ત આર્થિક રીતે ખુવાર થઈ જતાં 'ડિપ્રેશન'ના દર્દી બની ગયા હતા, અને વીતેલા જમાનાની પ્રસિદ્ધ અભિનેત્રી મીનાકુમારીને પણ પ્રેમ-લગ્નમાં નિષ્ફળતા મળતાં 'નર્વસ બ્રેકડાઉન'ના હુમલા વારંવાર આવતા હતા.
પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબી અને ઝીન્નત અમાન પણ 'નર્વસ બ્રેકડાઉન'ની સારવાર માટે જે.કૃષ્ણમૂર્તિના સાનિધ્યમાં રહ્યાં હતાં. અબ્રાહ્મ લિંકન અને વિન્સ્ટન ચર્ચિલની જેમ શ્રીમતી સોનિયા ગાંધી પણ પતિના મૃત્યુ પછી 'ડિપ્રેશન'ના શિકાર બન્યાં હતાં.
દીપિકા પાદુકોણે, કરણ જોહર અને હની સિંગ પણ તેમના 'ઓવર થીંકીગ' અને 'નર્વસ બ્રેકડાઉન'ની જાહેરમાં ચર્ચાઓ કરી ચુક્યાં છે. આમ 'ઓવર થીંકીગ' કરવું અને 'નર્વસ બ્રેક ડાઉન' થવો, મનથી ભાંગી પડવું કે 'ડિપ્રેશન'ના શિકાર બનવું એ તમારી લાગણીમાં થતો ફેરફાર છે. તમારી સંવેદનશીલતાની પારાશીશી છે. 'ઓવર થીંકીંગ' અને 'નર્વસ બ્રેક ડાઉન' કોઈને પણ થઈ શકે છે. એટલે હતાશા આવે તો આ રોગની કોઈને ખબર ન પડવી જોઈએ. મનોચિકિત્સકને તો કેમ બતાડાય એવી ગ્રંથિઓ રાખવાની હવે જરૂર નથી.
મનોચિકિત્સા-વિજ્ઞાન જો કે 'નર્વસ બેક્ર ડાઉન' જેવા શબ્દને સ્વીકારતું નથી. પરંતુ આવી બીમારીને (છબેાી ઘીૅિીજર્જૈહ) 'એક્યુટ ડિપ્રેસન' તરીકે ઓળખે છે. એવી જ રીતે સામાન્ય માનવી 'નર્વસ બ્રેકઉન' એટલે માત્ર હતાશાનો હુમલો એટલું જ માનતો નથી. પરંતુ કોઈ પણ પ્રકારની માનસિક બીમારીની શરૂઆતને પણ નર્વસ બ્રેકડાઉનમાં જ ખપાવે છે.
લેબલોની આવી રમતમાં પડયા પગર આપણે 'ઓવર થીંકીંગ' ડિપ્રેશન 'નર્વસ બ્રેક ડાઉન'ની જરૂરી ચર્ચા કરીશું. મારી કેઈસ ફાઈલમાંથી 'ઓવર થીંકીંગ''ડિપ્રેશન' અને નર્વસ બ્રેકડાઉન ની કેટલીક કેઇસ હિસ્ટ્રી જણાવું છું. જે તમને 'નર્વસ બ્રેકડાઉન'શું બલા છે એ સમજાવવા માટે મદદરૂપ થશે.
કેસ હિસ્ટ્રી-૧
એક વેપારી ભાઈને વેપારધંધામાં ખોટ જવા લાગી એટલે તેઓ 'ઓવર થીંકીંગ' કરવા લાગ્યા. તેમને વિચાર આવવા માંડયા કે-
'હવે મારું શું થશે ?'
'મારા કુટુંબનું શું થશે ?'
ખોટ ભરપાઈ કરવા મારી બધી સંપત્તિ વેચાઈ જશે તો ?
'શું મારે કૂટપાથ પર આવી જવું પડશે ?'
અરે રે... પેટનો ખાડો પૂરવા માટે ભીખ માંગવાનો વારો તો નહીં આવે ને ?
ધંધાની ખોટ ભરપાઈ કરી ફરીથી ધંધો જમાવી શકાય તે માટે આ વેપારી ભાઈએ કેટલાક મિત્રો પાસેથી પૈસા માંગ્યા પરંતુ માત્ર મિત્રો જ નહીં, સગાવહાલાંઓએ પણ હાથ ઊંચા કરી દીધા અને ધંધો બંધ કરી કોઈ નોકરી લઈ લેવા સમજાવવા લાગ્યા. બસ, વેપારીભાઈ તો આ આઘાતથી સાવ ભાંગી પડયા અને વારંવાર બબડવા લાગ્યા કે-
'અરેરે.. જે મિત્રો માટે દિવસ-રાત ખર્ચી નાંખ્યાં તે બધા સાવ આવા નીકળ્યા ?'
'ખરાબ સમયમાં કોઈ સાથ આપતું નથી, બધા સંબંધો નકામા છે'
'કોઈ કોઈનું નથી, બધા જ સ્વાર્થી છે'
આ વિચારો વધતાં તેમને આખી દુનિયા તરફ નફરત થઈ ગઈ. તેઓ આખો દિવસ રડયા કરતા હતા અને બધાંને પગે લાગીને કહેતા કે,
'બસ.. હવે મારા છેલ્લા દિવસો છે... બોલ્યું ચાલ્યુ માફ કરજો...'
'મારાં બૈરીછોકરાંને, બને એટલો સહકાર આપજો.'
'શ્રીકૃષ્ણ શરણમ્ મમ:' એ મંત્ર રાડો પાડીને જોરજોરથી બોલ્યા કરતા.
કેસ હિસ્ટ્રી-૨
આખી જિંદગી ઇમાનદારીથી પરંતુ કડકાઈ, રોફ અને માન-મરતબા તથા મોભા સાથે જીવનાર એક ઉચ્ચ સરકારી અધિકારીને નિવૃત્તિ પછી પોતાનો સરકારી બંગલો ખાલી કરવાનો વારો આવ્યો. જીવનભરની સરકારી નોકરીમાંથી બંગલો તો શું પણ બે ફલેટ ખરીદી શકાય એવો આડો હાથ પણ ક્યાંય માર્યો નહોતો. અને પોતાની આ પ્રામાણિકતાનું તેમને ઘણું અભિમાન પણ હતું. સરકારી બંગલો ખાલી કરવાનો હોવાથી તેઓ ભાડે મકાન શોધવા ગયા. એક મકાન પસંદ પડયું અને ભાડું પણ નક્કી થઈ ગયું. પરંતુ મકાન માલિકે સિક્યોરીટી ડિપોઝીટ રૂપે ત્રણ મહિનાનું ભાડું એડ્વાન્સમાં માગ્યું એટલે તે ગુસ્સામાં રાતાપીળા થઈ ગયા અને બરાડી ઊઠયા કે-
'શું મારા પર આટલો ય વિશ્વાસ નથી ?'
'શું હું ભાડું બાકી રાખીને કે ઘરની વસ્તુઓ ચોરીને રાતોરાત ભાગી જવાનો છું ?'
'તમને ખબર છે કે, હું કોણ છું ? અને મારી પ્રામાણિકતાની શું છાપ છે ?'
મકાનમાલિક બિચારો કહે કે, 'સાહેબ આ તો સિરસ્તો છે. તમારામાં અવિશ્વાસનો કોઈ સવાલ નથી !'
પરંતુ અધિકારી સાહેબને તો આ ઘટનાથી ખૂબ જ આઘાત લાગી ગયો. તેમને સતત એવો વિચાર આવવા માંડયો કે, 'શું આ દુનિયામાં પ્રામાણિક માણસોની કોઈ જ ઇજ્જત નથી ?'
બસ આવું વિચારતાં વિચારતાં તેમને એકાએક છાતીમાં દુ:ખાવો ઊપડયો અને ખૂબ જ પરસેવો થયો. એટલે હૃદયરોગના નિષ્ણાતને બોલાવ્યા. કાર્ડિયોગ્રામ, ઇકો, કલર ડોપ્લર વગેરે બધા ટેસ્ટ કરાવ્યા પરંતુ બધા જ ટેસ્ટ નોર્મલ આવ્યા એટલે કાર્ડિયોલોજિસ્ટે એવું કહ્યું કે,
'કોઈ બીમારી નથી, માત્ર ટેન્શન છે. નર્વસ-બ્રેકડાઉન છે. સાઈકિયાટ્રિસ્ટની દવા લો.'
એટલે અધિકારી સાહેબને વધારે આઘાત લાગ્યો કે, 'અરેરે.. મારે આ ઉંમરે પાગલોના ડોક્ટર પાસે જવાનું ? શું હું ગાંડો થઈ ગયો છું ?'
કેસ હિસ્ટ્રી-૩
બાર વર્ષની ઉંમરના એક બાળકને નાનપણથી જ વિમાનોનો બહુ જ શોખ. જુદી જુદી સાઈઝનાં વિમાનોથી આખો દિવસ રમ્યા કરે. રીમોટ કંટ્રોલવાળા હેલિકોપ્ટરથી રમવામાં ઓર આનંદ આવે. વિમાનથી રમતાં રમતાં તેને એરફોર્સમાં જઈ પાયલોટ બનવાની તીવ્ર ઇચ્છા થઈ ગઈ. આ માટે બાલાછડી સૈનિક સ્કૂલમાં એડ્મિશન લેવા પાંચમાં ધોરણનો ઓપન ટેસ્ટ પણ આપ્યો. પરંતુ આ ટેસ્ટમાં તે ફેઈલ થયો એટલે ઓવર થીંકીંગ કરી તે સાવ ભાંગી પડયો. વારંવાર રડવા લાગ્યો.. મનમાં સતત વિચારવા લાગ્યો કે-
'હવે જિંદગી જીવીને શું કામ છે ?'
'જે બનવા માગતો હતો તે તો ન બની શક્યો. હવે જિંદગીનો શો અર્થ ?'
બધાએ ઘણું સમજાવ્યો કે હજી બારમાં ધોરણ પછી એડ્મિશનનો એક ચાન્સ છે. પરંતુ તેને તો ભણવામાંથી રસ જ ઉડી ગયો. ફેમિલી ડોક્ટરે સલાહ આપી કે બાબાને 'ડિપ્રેશન' છે. દવા કરાવો. આ સાંભળી ઘરમાં દાદા કહેવા લાગ્યા કે,
'લાફો મારો એટલે છોકરું ખોટી જીદ કરવાનું અને રડવાનું બંધ કરી દે. એમાં દવાઓ કરાવવાની શી જરૂર ?'
જોકે તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં તેને દવા કરાવવા મારી પાસે લાવ્યા.
હા 'ઓવર થીંકીંગ' અને 'નર્વસ બ્રેક ડાઉન' બાર વર્ષ તો શું પાંચ વર્ષના બાળકને પણ થઈ શકે.
કેઇસ હિસ્ટ્રી-૪
લગ્નનાં સાત વર્ષ પછી પણ સુખી અને સફળ દામ્પત્ય જીવન જીવવા છતાં શેર માટીની એટલે કે બાળકની ખોટને કારણે મનમાં સતત અભાવ અને વસવસો અનુભવતી એક ત્રીસ વર્ષની ગૃહિણીને કપડાં સૂકવવાની બાબતમાં પોતાની પડોશણ જોડે ઝઘડો થયો, જેણે થોડું મોટું સ્વરૂપ લીધું. ઝઘડા દરમ્યાન પડોશ્ણે મહેણું માર્યું કે,
'તું તો વાંઝિયણ છે... તારું તો મોઢું પણ કોણ જુએ ? દિવસ બગડી જાય.. તારી બૂરી નજરથી તો મારો બાબો માંદો પડી ગયો હતો.'
બસ આ વાત પર 'ઓવર થીંકીંગ' કર્યા કરવાથી એ ગૃહિણીના મગજમાં એવી તો ખૂંપી ગઈ કે તેણે અસહ્ય વેદના જગાવી અને ત્રણચાર રાતો સુધી એ ગૃહિણીને ઉંઘ ન આવી. ખાવા-પીવાનું બંધ કરી દીધું અને નર્વસ બ્રેકડાઉન થતાં તેણે ખૂબ જ રડવાનું શરૂ કર્યું. જોકે સારવારથી એ ગૃહિણીને માનસિક રીતે સ્વસ્થ બનાવી દેવાયાં. અને તેને બાળક પણ અવતર્યું. પરંતુ તે બેબી ગર્લ હતી. એટલે સાસુએ વહુની હાજરીમાં જ ખબર કાઢવા આવેલા બહેનને કહ્યું કે,
'અમારે દસ વર્ષે ઘરમાં સારા દિવસો આવ્યા પણ વહુના નસીબ એટલાં વાકાં છે કે, છોકરી આવી..'
બસ આ વાત ઉપર એ ગૃહિણીને ત્રણ વર્ષ પછી ફરી 'નર્વસ બ્રેકડાઉન' થયો.
હા, 'ઓવર થીંકીંગ' 'ડીપ્રેશન' કે નર્વસ બ્રેકડાઉન આબાલ વૃદ્ધ કોઈને પણ થઈ શકે છે. અને તે કોમ, જાતિ, ઉંચ, નીચ, ગરીબ, તવંગરના ભેદભાવમાં માનતો નથી. એક રીતે તમારી સંવેદનશીલતાની એ પારાશીશી છે.
આમ તો મૂંઝવણો, સમસ્યાઓ, આઘાતજનક પ્રસંગો સહુ કોઈના જીવનમાં આવે છે. તેને કારણે ઘણા લોકો હતાશ થાય છે, કંટાળી જાય છે, થાકી જાય છે. પરંતુ બધાંને નર્વસ બ્રેક ડાઉન નથી થતો એનું શું કારણ ?
શું નબળા મનના લોકોને જ આ બીમારી થાય છે ?
શું દવાઓથી માણસના બાહ્ય સંજોગો બદલી શકાય ?
શું દવાઓ લેવાથી હતાશા મટાડી શકાય ?
આવી દવાઓની પછીથી આદત પડી જાય તો શું કરવું ?
શું સારું વાંચન કરવાથી અને નકારાત્મક વિચારો ફગાવી દેવાથી 'નર્વસ બ્રેકડાઉન' મટાડી શકાય ?
પુરુષો કરતાં સ્ત્રીઓમાં હતાશાનું પ્રમાણ વધારે હોય છે ? શા માટે ?
આ બધા પ્રશ્નો ના ઉત્તરો તમને હવે પછીના લેખોમાં મળતા રહેશા.
અને છેલ્લે એક દર્દીની વાત યાદ આવે છે. તેણે એક વાર મને કહ્યું હતું કે-
'હું હતાશા દૂર કરવા સારા વિચારો કરું છું... નોર્મન વિન્સેન્ટ પીલ ની ' પાવર ઓફ પોઝિટિવ થિકિંગ મેં વાંચી છે. હું મારા પ્રશ્નોની બધા સાથે ખુલ્લા મને ચર્ચા પણ કરું છું. કૃષ્ણમૂર્તિ, વિવેકાનંદ અને રજનીશની ફિલોસોફી પણ મેં વાંચી છે. છતાં પણ હું લગભગ હળવા 'ડિપ્રેશન'માં તો હંમેશાં રહું છુ અને સામાન્ય દુ:ખદ, અપ્રિય કે અણધારી ઘટનાથી મને અવારનવાર 'નર્વસ બ્રેક ડાઉન' થઈ જાય છે.
આવું શા માટે ? એ જાણવા માટે જ તમારી હતાશાની લાગણીને, હતાશાના રોગને ઓળખો, અને હતાશા પરિસ્થિતિને પહોંચી વળવાની તમારી ક્ષમતાને ચકાસો અને આવી ક્ષમતા વધારો.
ન્યુરોગ્રાફ :
મારા વિચારો મને નષ્ટ કરી રહ્યા છે. હું ન વિચારવાનો પ્રયત્ન કરું છું. પરંતુ મૌન મારા અસ્તિત્વને નામશેષ કરી નાખે છે.