'ફાધર્સ ડે' - 'મધર્સ ડે' સંબંધે થોડું... .

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
'ફાધર્સ ડે' - 'મધર્સ ડે' સંબંધે થોડું...                               . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- શાળામાં શિક્ષકો જે શિખવાડવાના છે તે જ્ઞાાન તો બાળકને ગૂગલ પર એક ક્લિકમાં મળી જાય છે. એટલેજ પહેલાં કરતાં શિક્ષકોની જવાબદારી ઘણી વધારે છે

આ જે એવા માણસની વાત કરવી છે જે જીવનમાં સૌથી વધારે કૂરબાની આપે છે. છતાં પણ તેને સૌથી ઓછી ક્રેડીટ મળે છે.

આ માણસ છે પિતા.

કોણ છે આ પિતા ?.

પિતા એ એક એવો માણસ છે કે એ જ્યારે ઓફિસે જાય છે ત્યારે જુવાન હોય છે અને પાછો ફરે છે ત્યારે ઘરડો થઇ જાય છે.

પિતા એનું સમગ્ર જીવન પોતાના સંતાનોના ભવિષ્ય માટે લગાવી દે છે.

એક બાપ પોતાની જિંદગી સંતાનોના સ્વપ્ના પુરા કરવામાં અને ઘરને સારી રીતે ચલાવવામાં વિતાવે છે. એનાં ખીસામાં પૈસા હોય કે ન હોય પણ એના દિલમાં ઘણી હિમ્મત હોય છે.

પોતાના આનંદ માટે તે પાંચસો રૂપિયાના જોડા પણ નહીં ખરીદે પણ પુત્રની ઈચ્છા પૂરી કરવા દસહજારના જૂતા પણ એ પુત્રના પગમાં પહેરાવી દેશે.

મા નવ મહિના સુધી બાળકને પોતાની કોખમાં રાખીને ભરણપોષણ પૂરું પાડે છે જ્યારે પિતા બાળકની બાકીની ઉંમર સુધી તેની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે.

યુવા પેઢીને હું એક વાત સ્પષ્ટરૂપથી કહેવા માંગુ છું કે જે માતા-પિતાને સંતાન નથી હોતું તે કેટલાયે વ્રત-તપ કરે છે. બાળક મેળવવા માટે દરદર ભટકે છે અને જે ઘડીએ એમને ત્યાં પગલીનો પાડનાર અવતરે છે ત્યારથી એના બધાં સુખ સમૃધ્ધિ અને આનંદની જવાબદારી પોતે લઇ લે છે. મા-બાપ નાનીમોટી બચત કરીને તેમના સંતાનોની કારકિર્દી ઘડવા કે પુત્રી માટે એક એક ઘરેણું બનાવવા પૈસા ભેગા કરવાનું શરૂ કરે છે.

એક બાપ એનાં જીવનભરનાં પ્રોવિડન્ટ ફંડના તમામ પૈસા હસતા હસતા પોતાના બાળકોને આપી દે છે. મા-બાપ બાળકો માટે કોઈપણ હદ સુધીની કુરબાની આપવા માટે તૈયાર હોય છે. મા-બાપ ભલે ગમે એટલા સફળ હોય પણ જયારે બાળકોની વાત આવે છે. ત્યારે એજ માતાપિતા સામાન્ય માણસ થઈને રહી જાય છે.

શાહરૂખ ખાનનો જ દાખલો લઈએ. હિન્દી ફિલ્મ જગતના એ બાદશાહ છે. એમની એક ઝલક મેળવવા માટે એમના બંગલા મન્નતની બહાર લોકોના ટોળે ટોળા જામે છે. એમની કોઈ એક ફિલ્મ સિનેમા થિયેટરમાં લાગે છે ત્યારે લોકો બોક્ષ ઓફીસના રેકોર્ડ તોડી નાંખે છે. એ જે રોડ પરથી પસાર થાય છે ત્યાં સડકો જામ થઈ જાય છે. આવું સ્ટારડમ કોઈ વિરલાના જ નસીબમાં હોય છે. પરંતુ જ્યારે તેમના પુત્રને નારકોટીકસ ડીપાર્ટમેન્ટ દ્વારા પકડવામાં આવ્યો હતો ત્યારે શાહરૂખ ખાન તેમની પાસે બધાંજ રિસોર્સીસ હોવા છતાં લાચાર અને અસહાય બની ગયા હતા. તેમની સમીર વાનખેડે સાથેની વ્હોટ્સએપ ચેટ લીક થઈ હતી જેમાં તેઓ બે હાથ જોડી ભાવુક બની વિનંતી કરતા જોવા મળ્યા હતા. આના પરથી એટલું સમજાય છે કે પુત્રને છોડાવવા માટે પિતાએ કેટલી કાકલુદી કરી હતી. દુનિયાનો સૌથી મોટો સુપરસ્ટાર જેને દુનિયા ઝૂકાવી ન શકી એને પુત્રના બે આંસુએ ઝૂકાવી દીધો.

બીજો દાખલો છે રાજા દશરથનો. એ એક પરાક્રમી રાજા હતા. ત્રણેય લોકમાં એમનો ડંકો વાગતો હતો. જયારે દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન ઇન્દ્ર રાજા દશરથની મદદ માંગવા માટે આવી પહોંચ્યા હતા. દાનવ સેના જે રાજા દશરથના નામથી થરથર કાંપતી હતી એમણે પોતાના પુત્રના વનવાસ સાથેજ પોતાનાં પ્રાણ છોડી દીધા હતા. આટલા પરાક્રમી રાજા પણ પુત્રના મોહથી ઉપર ઉઠી શક્ય ન હતા.

મહારાજા દશરથ હોય, શાહરૂખ ખાન કે પછી દુનિયામાં અગણિત એવા નાના મોટા પિતાઓ હોય છે જેમનું આગવું વ્યક્તિત્વ સમાજમાં મોહરતું હોય છે પણ પોતાના સંતાનોની વાત આવે છે ત્યારે તેમનું કંઈક અલગ સ્વરૂપજ લોકો સમક્ષ છતું થાય છે. પિતા થવું આટલું મુશ્કેલ છે.

માત્ર પિતાજ નહીં માં નું કરજ તો મૃત્યુ સુધી ઉતારી શકાતું નથી. બાળકના મળમૂત્ર માતા-પિતા સિવાય કોણ સાફ કરી શકે? છતાં પણ માતાપિતા આ બધું ખુશીખુશી કરે છે. એટલેજ ભગવાને પણ પોતાની પૂજા કરતાં પહેલાં માબાપની પૂજા કરવાની લોકોને સલાહ આપી છે.

યાદ રાખજો દુનિયામાં માત્ર એકજ સંબંધ નિસ્વાર્થ હોય છે અને એ માબાપ નો સંતાનો સાથેનો સંબંધ. માબાપને બાળકોમાં એટલોજ રસ હોય છે કે તેમના સંતાનો મોટા થઈને સફળ થાય, જિંદગીમાં ખૂબજ આગળ વધે. આથી વિશેષ બીજો કોઈજ સ્વાર્થ માબાપને હોતો નથી.

માબાપ તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો તે અંગેની તમારી ઈચ્છાઓની વિરુધ્ધ નથી પરંતુ એ લોકો તમે ગમે તે ધંધામાં જોડાઓ તેમાં તમારી આર્થિક સુખાકારી, સ્થિરતા અને વિકાસ ઝંખે છે. તમે જાવેદ હબીબ જેવા હેર ડ્રેસર બનો, ક્રિકેટર બનો, ચિત્રકાર બનો કે સંગીતકાર બનો એમાં માબાપને વાંધો હોતો નથી પણ તમારો એ શોખ તમારી આજીવીકા પૂરી કરી શકે તેમ છે કે કેમ એની ખાતરી એમને જોઈતી હોય છે.

આજની જનરેશન અને તેના માબાપ સાથેના સંબંધો વિશે હું ચર્ચા કરવા માંગુ છું. સૌથી પહેલાં એક વાત સ્પષ્ટરૂપથી કહી દઉં કે આજની જનરેશન પાછળની બધીજ જનરેશન કરતાં લગભગ તમામ બાબતોમાં આગળ છે. એમને જે એક્સપોઝર મળ્યું છે તે બીજી કોઈ જનરેશનને મળ્યું નથી. જેટલી આવડત આજકાલની પેઢીના છોકરાઓમાં દેખાય છે તેટલી કદાચ ક્યારેય કોઈ પેઢીમાં નહતી. આજની લગભગ તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ૯૮ થી ૧૦૦% આરામથી લઇ આવે છે. જ્યારે પહેલાના જમાનામાં ૫૦ થી ૭૦% લાવવા એ ખૂબ જ મુશ્કેલ કામ હતું. એટલેકે આજની પેઢી બુદ્ધિમત્તામાં સૌથી આગળ છે.

સૌથી ચોકાવનારી હકીકત ત્યારે શરૂ થાય છે જ્યારે બાળકોમાં ૧૪ વર્ષ પછી હોર્મોનના સ્ત્રાવ શરૂ થાય છે આ સાથેજ બાળકોને પોતાના માતાપિતા એમના દુશ્મન લાગવા માંડે છે. બાળકોને આઝાદી જોઈએ છે જ્યારે માબાપ બાળકોને જોઈએ એટલી આઝાદી આપી શકતા નથી. કારણ આવી આઝાદી માટે આ ઉંમર યોગ્ય નથી એટલે માબાપ એમને રોકે છે.

માબાપને એ ખબર હોય છે કે આ ઉંમર લપસી જવાની ઉંમર છે. આ એજ ઉંમર છે જેમાં ભવિષ્ય બની પણ શકે છે અને બરબાદ પણ થઇ શકે છે. એટલેજ માબાપ કેટલાંક નિયંત્રણ લાદે છે. એટલે બાળકો માબાપથી દૂર થતા જાય છે, ક્યારેક જુઠ્ઠુંં બોલે છે તો ક્યારેક ખરાબ સોબતને રવાડે ચડીને વ્યસની બને છે. આ ઉંમર એવી છે કે જેમાં બાળકો માબાપનું સાંભળતાં નથી પણ તેમના હમઉમ્ર મિત્રોનું સંભાળે છે. અને આ ઉંમરે બાળકો માબાપથી દૂર થતા જાય છે.

જો બાળકો આવું વર્તન કરે તો માબાપે હેરાન પરેશાન થવાની જરૂર નથી. આપણે પણ એમની ઉંમરે એમના જેવુજ વર્તન કરતાં હતાં. અને ૨૫ - ૩૦ વર્ષ પછી એમના સંતાનોમાં એમની સાથે આજ પ્રકારનં  વર્તન કરશે. આ ચક્ર ચાલ્યા કરવાનું.

આ સમય દરમ્યાનજ એવું થાય છે કે બાળકો તેમના પોતાના માતાપિતાને નફરત કરવા લાગે છે અને અન્ય કોઈના માતાપિતાની વાત તેમને સાચી લાગે છે. બાળકો માબાપનું સાંભળે નસાંભળે એની મને ચિંતા નથી. બાળકો ૯૦ થી ૧૦૦% લાવે કે ન લાવે એની મને ચિંતા નથી. કારણ સ્કૂલ અને કોલેજમાં ભણાવાયેલી ૯૦% જેટલી વાતો બાળકને ભવિષ્યમાં કામ આવતી નથી. ભૂમિતિના દાખલાઓ જીવનમાં ક્યાંય કામ આવતા નથી. એટલે બાળકો કેટલું ભણે એની મને ચિંતા નથી પણ મને એની ચિંતા છે કે બાળકો ખરાબ રસ્તે ન ચડી જાય. જ્યાંથી પાછા ફરવું શક્ય ન હોય. દા.ત. નશીલી પદાર્થોના સેવનના રસ્તે બાળક એક વખત ચડી જાય તો પછી ત્યાંથી તેને પાછું લાવવું શક્ય નથી. બાળક આ ઉંમરે કોઈ એવું પગલું ન ભરે જેની ચિંતા તેમને જીવનભર રહે. એટલીજ કાળજી માબાપ રાખવા માંગતા હોય છે.

આ ઉંમરમાં એક ખોટું કદમ ઉપાડાઇ જાય પછી રસ્તો ક્યારેય મળતો નથી. મારે તમામ શિક્ષકગણને એમ કહેવું છે કે બાળકને તેઓ આદર્શ મનુષ્ય બનવાનું શિક્ષણ આપે. કારણ શાળામાં શિક્ષકો જે શિખવાડવાના છે તે જ્ઞાાન તો બાળકને ગૂગલ પર એક ક્લિકમાં મળી જાય છે. એટલેજ પહેલાં કરતાં શિક્ષકોની જવાબદારી ઘણી વધારે છે. તે બાળકને નૈતિક મૂલ્યો શીખવાડે. માબાપ પ્રત્યે ગ્રેટીટયુડ એટલે કે આભારની લાગણી પ્રદર્શીત કરતાં શીખવાડે. શિક્ષક એ વાતની ખાતરી કરે કે બાળકો માતાપિતા કે અન્ય કોઇથી પણ કોઈ વાત ન છુપાવે અને પોતાના મનની મુંઝવણોની બધીજ વાત માતાપિતા અને શિક્ષકોને દિલ ખોલીને કહે. એ લોકો બાળકોમાં એટલી સમજણ કેળવે કે તમને કોઈપણ સમસ્યા હોય તો એનો ઉકેલ ચોક્કસ છે.

હું આજની આ પેઢીને માત્ર એટલુંજ કહેવા માંગુ છું કે પિતાની ઇજ્જત રામની જેમ કરવી. રામે પોતાની જિંદગીના ચૌદ વર્ષ ખુશી ખુશી જંગલમાં વિતાવ્યા અને રાજગાદીને લાત મારી. પિતા તો તેમના મૃત્યુ પછી તેમની બધીજ સંપત્તિ તેમના સંતાનોને જ આપીને જવાના છે.

દેશના યુવાવર્ગને હું કહેવા માંગુ છું કે આજથી આ ત્રણ સિધ્ધાંતોનું પાલન કરો.

૧. ઓછામાં ઓછી ૩૦ મિનિટ પોતાના માબાપ સાથે ચોક્કસ વિતાવો. આ દરમ્યાન તમે પોતે હસો, માતાપિતાને હસાવો, કોઈ જોક્સ કહો. એમને એમની જૂની મધુર યાદો તાજી કરાવો, એમને એમની સ્કૂલ કોલેજની વાતો કરવા પ્રોત્સાહિત કરો. એ સમયના કેટલાક કિસ્સા એમને પૂછો અને તમે જોજો એ એમની સ્કૂલ કોલેજના કિસ્સા કહેવાનું શરૂ કરશે એવી એમના મોઢા પર ચમક આવવા લાગશે.

એટલું યાદ રાખજો કે તમે જેમ મોટા થઈ રહ્યા છો એમ તમારા માતાપિતા વૃધ્ધ થઈ રહ્યા છે. આ સમય ફરી નહી આવે. એ ચાલ્યા જશે પછી તમને ઘણો અફસોસ થશે અને તમે વિચારશો કે કાશ એમને માટે મેં આમ કર્યું હોય કે તેમ કર્યું હોત. યાદ રાખો તમે એમનું કરજ આખી જિંદગી પણ ઉતારી શકશો નહીં પણ એમને રોજબરોજ સમય આપીને એમના કરજનું વ્યાજ તો તમે ચોક્કસ ચુકાવી શકો.

૨. ક્યારેય તમારા માતા-પિતા સાથે ગેરવર્તન કરશો નહીં. એમની સાથે ઊંચી અવાજમાં ક્યારેય વાત ન કરશો. એમને ક્યારેય એવું લાગવા દેશો નહીં કે તેઓ બુઢા થઇ રહ્યા છે. કમજોર થઇ રહ્યા છે એટલે એમની સાથે આ રીતે વાત કરવામાં આવે છે. યાદ રાખો. તમારા કારણે એમની આંખમાંથી નીકળેલ એક આંસુ તમારું ભવિષ્ય બરબાદ કરી શકે છે. જો કે મા-બાપ તો તમને માફ કરી દેશે પણ ઇશ્વર ક્યારેય માફ નહીં કરે.

૩. તમારા દિવસની શરૂઆત મા બાપના આશીર્વાદ લઇનેજ કરજો માબાપને પ્રેમથી આવજો કહ્યા વગર ઘરની બહાર ક્યારેય નીકળશો નહી. આ એક એવું સુરક્ષાકવચ છે જે તમને મોટામાં મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. દિલથી આપેલા એમના આશીર્વાદને ભગવાન પણ ટાળી શકતા નથી.

બસ આ ત્રણ વસ્તુઓનો અમલ કરતાં શીખી જાવ. સફળતા તમારા કદમો ચુમશે.

ન્યુરોગ્રાફ :

'એક ગલત કદમ ઉઠા થા રાહ એ શોખમેં,

ઔર મંઝીલ તમામ ઉમ્ર મુઝે ઢૂંઢતી રહી.'


Google NewsGoogle News