Get The App

બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ અને બેસ્ટફ્રેન્ડ

Updated: Jul 11th, 2023


Google News
Google News
બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ અને બેસ્ટફ્રેન્ડ 1 - image


- વેદના-સંવેદના -  મૃગેશ વૈષ્ણવ

- તમને તમારી ગર્લફ્રેન્ડ એકાએક એમ કહે કે 

''તું મારો પ્રેમ'' નહિ પણ ''આદત'' હતો ત્યારે તમારી શું હાલત થાય ? જીવનના એક એવા વળાંક પર છોડી દે કે તમને પોતાના બનાવવા તો બાજુએ રહ્યા પણ અન્ય કોઈના બનવાને લાયક પણ ન રાખે ત્યારે શું કરવું?

યુ વાન પુત્રી જ્યારે એમ કહે કે સાગર મારો બેસ્ટફ્રેન્ડ છે અને સન્ની મારો બોયફ્રેન્ડ છે ત્યારે જનરેશન બેબી બુમર્સ (૧૯૪૬ થી ૧૯૬૪ વચ્ચે જન્મેલા), જનરેશન એક્ષ (૧૯૬૫ થી ૧૯૮૦ વચ્ચે જન્મેલા)ના માતા-પિતાને ૪૬૦ વોલ્ટનો ઝાટકો લાગે તે સ્વાભાવિક છે. પરંતુ જનરેશન 'વાય' (૧૯૮૧ થી ૧૯૯૬ વચ્ચે જન્મેલા) કે જનરેશન ઝેડ (૧૮ થી ૨૩ વર્ષની ઉંમરના)ના યુવક યુવતીઓને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ અને બેસ્ટફ્રેન્ડ વચ્ચેનો તફાવત બરાબર સમજાય છે. એટલું જ નહિ પોતાના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને અન્ય કોઈ 'બેસ્ટફ્રેન્ડ' હોય તેમાં કંઈજ વાંધાજનક લાગતું નથી.

નવી જનરેશન પ્રેમ અને લગ્ન સંબંધમાં એકબીજાને 'સ્પેઇસ' આપવામાં માને છે. સંબંધોમાં એટલી ગુંજાઈશ તો રહેવા દે છે જેથી સામેનું પાત્ર સંબંધમાં બંધિયારપણું કે ગુંગળામણનો અનુભવ ન કરે, પરંતુ ઈચ્છે ત્યારે પાણીની બહાર માથું કાઢીને શ્વાસ લઈ શકે.

તનયને પણ તાન્યાના બેસ્ટફ્રેન્ડ કલરવ સામે કોઈજ વાંધો ન હતો. તાન્યા તનયની હાજરીમાં જ કલરવ સાથે સોસીયલ મીડિયા પર લાંબી ચેટ કરતી કે પછી ફોન પર ચોંટી જતી. એમાં પણ તનય અને તાન્યા વચ્ચે ઝઘડો થાય ત્યારે કલરવ વર્ચ્યુઅલ કે રીયલ પ્લેટફોર્મ પર હાજર થઈ જતો.

છવ્વીસ વર્ષના તનય અને તાન્યા છેલ્લા આઠ વર્ષથી એકબીજા સાથે રીલેશનશીપમાં હતાં. બન્નેના કુટુંબને પણ છેલ્લા ત્રણ વર્ષથી તેમના સંબંધોની જાણ હતી અને લગ્ન માટે સંમતિ પણ હતી. બસ લગ્નની તારીખ જ નક્કી કરવાની હતી ત્યાં તાન્યાએ તનય સહિત તેના આખા સર્કલને પોતાની બધી જ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી ડીલીટ કરી નાંખ્યા. તનયને તેની હિલચાલની કોઈ જ માહિતી ન મળે એવો જડબેસલાક બંદોબસ્ત તાન્યાએ કરી દીધો.

તનય અને તાન્યા એકબીજાનો પ્રથમ પ્રેમ હતા. તાન્યાને ઓછાબોલા, શરમાળ, કેરીયર ઓરીએન્ટેડ તનય નજરમાં અને દિલમાં વસી ગયો. અને તનયને વાચાળ, ચંચળ અને બિન્ધાસ્ત તાન્યા ગમી ગઈ. એક-દોઢ વર્ષ 'જીવનમાં જે માંગ્યું હતું તે બધું જ મળી ગયું' એવી માન્યતામાં વિતાવ્યા પછી ભ્રમ ભાંગવા લાગ્યો અને જે કારણે મન મોહ્યું હતું એ જ સ્વભાવ, વર્તન તથા વલણ, મતભેદો અને ઝઘડાના મૂળ બની ગયાં. ક્યારેક તાન્યા તનયના સ્વભાવથી તંગ આવી જતી ત્યારે તેની ફ્રેન્ડ કીયાના અને સમીક્ષાને બધી વાતો કરતી. એ લોકો સાચી-ખોટી સલાહ આપીને પરિસ્થિતિને વધારે વણસવા ન દેતા.

તનય અને તાન્યાના પ્રેમ-સંબંધો ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થતા હતા ત્યાં વાચાળ, હસમુખા અને બિન્ધાસ્ત કલરવની એન્ટ્રી થઈ. તાન્યા અને કલરવ પહેલાં ફ્રેન્ડ અને પછી બેસ્ટ-ફ્રેન્ડ બની ગયાં.

બસ હવે તાન્યાને તનય સાથે નાનો-મોટો કંઈપણ વાંધો પડે તો તે સંકટ સમયની સાંકળ સમાન કલરવની મદદ લેતી. કલરવની દખલ અંદાજી તાન્યા અને તનય વચ્ચે સંબંધ ટકાવી રાખવામાં મદદરૂપ બની કે પછી પરિસ્થિતિ વણસાવવાનું કારણ બની તે તો સમયે જ નક્કી કર્યું.

તાન્યા તેની નાનામાં નાની વાત કલરવને કરવા માંડી. કલરવે તેને જરૂરી સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપ્યા. કલરવ પણ તેના પ્રથમ પ્રેમ કેતકી સાથે ખૂબ ઝઘડતો અને પોતાની વિકટ પરિસ્થિતિમાં બેસ્ટફ્રેન્ડ તાન્યાની સલાહ લેતો.

એકબીજાના પ્રેમ-સંબંધોની ફરિયાદ કરતાં અને ઉકેલ લાવતાં બન્ને જણા એકબીજાની નજીક ક્યારે આવી ગયાં અને ક્યારે બેસ્ટફ્રેન્ડમાંથી બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બની ગયાં તેનું કોઈને ભાન ન રહ્યું. પણ આ સંબંધને પણ પાંચ વર્ષ થઈ ગયાં.

તનય અને તાન્યાના સંબંધોમાં આઠ વર્ષમાં ઘણાં વળાંકો આવ્યા પણ કલરવને કારણે બન્ને લગ્નની તારીખ નક્કી કરવા સુધી તો પહોંચ્યા. તનય પોતાના પ્રથમ પ્રેમને પત્ની તરીકે સ્વર્ગનું તમામ સુખ આપવાના ઓરતા સાથે ધંધામાં વ્યસ્ત થઈ ગયો. તાન્યાની ફરિયાદ વધી ગઈ કે તનય તેને ટાઇમ આપતો નથી. ચેટ કરતો નથી, ફોન પણ 'હમણાં બહુ કામ છે' એમ કહી કાપી નાંખે છે. બન્ને વચ્ચે ઝઘડાઓ વધતા ગયાં. હવે તાન્યા તનયની કલરવ સાથે સરખામણી કરવા લાગી અને તનયને એ બન્ને વચ્ચેના સંબંધોમાં શંકા થવા લાગી. એનું વર્તન વિચિત્ર થઈ ગયું. અને એક દિવસ ભયાનક વિસ્ફોટ થયો. વિફરેલી તાન્યાએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે -

''કલરવ સાથે મારે કોઈ સંબંધ ન હતો. તારી સાથેના સંબંધો ટકાવી રાખવાની ચર્ચા સિવાય અમે ક્યારેય કોઈ વાત કરતા ન હતાં કે એકાંતમાં મળતા પણ ન હતાં. એને ક્યારેય મારો હાથ નથી પકડયો પણ આટલા વર્ષોમાં તું જે નથી આપી શક્યો એવી તડપ, તરસ અને લાગણીનું ઉછળતું વહેણ એણે મને આપ્યું છે. અમે બહુજ સારા મિત્રો હતા. પ્રેમ શું એની સમજ એણે જ મને આપી છે. તું મારો પ્રથમ પ્રેમ નહિ પણ એક આદત હતો.''

બસ એ દિવસે તાન્યાએ તનયને બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધો. તનયે જુદા જુદા સીમકાર્ડથી તાન્યાને સમજાવવાની કોશિષ કરી. કોમન ફ્રેન્ડસ દ્વારા કાકલૂદી કરી. પણ તાન્યા એકની બે ન થઈ. તેણે તો તનયના આખા સર્કલને સોશિયલ મીડિયાની પોતાની પ્રોફાઈલ પરથી ડીલીટ કરી નાંખ્યું. 

તનય તાન્યાના ફોટાઓ જોતો અને તેને પેનિક એટેક આવી જતો.

ક્યારેક તનયને એવું લાગતું કે તાન્યા એની બાઇકની પાછળની સીટ પર બેઠી છે. ક્યારેક તેને એવું થતું કે તે તાન્યાને ઘેર જઈ બધી વાત કરે અને કહે કે તેણે તાન્યા પાછળ આખી જિંદગી ન્યોછાવર કરી છે. ક્યારેક તેને એમ થતું કે તાન્યાના અને તેના બધા અંગત ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરી તેને ઉઘાડી પાડી દે.

તનયને હવે ધંધામાં રસ ન રહ્યો. તેને લાગવાં માંડયું કે હવે તે ક્યારેય કોઈ પર વિશ્વાસ નહિ કરી શકે. કોઈને પ્રેમ નહિ કરી શકે. તેને સ્વપ્નમાં દેખાતું કે તાન્યાનું આખું વોર્ડરોબ તેણે ગીફ્ટ આપેલ ડ્રેસીસથી ભરેલું છે. તે દાંત ભીંસીને બરાડા પાડતો કે તેને ગિફ્ટમાં આપેલ મોંઘાદાટ ફોનોથી જ તાન્યાએ કલરવ સાથે સંબંધ વધાર્યો. તેને થતું કે તાન્યાને ઘેર જઈ બધી ગીફટ પાછી લઈ આવે. ક્યારેક થતું કે તાન્યા આગળ જઈ તે પોક મૂકીને રડે. તનયની ઉંઘ હરામ થઈ ગઈ, તેણે ખાવાનું બંધ કર્યું. બ્રેકઅપ પછી તે ભયાનક ડીપ્રેશનનો શિકાર બની ગયો.

પ્રેમમાં આવા અનુભવ ઘણાં યુવક-યુવતીઓને થતા હશે. પ્રેમીજન જિંદગીના એવા વળાંક પર છોડીને જતું રહે કે એ એના તો ન બનાવે પણ બીજા કોઈના બનવાને લાયક પણ ન રાખે. પ્રેમમાંથી, સંબંધોમાંથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે શું કરવું ? હતાશ થઈને માથું કૂટયા કરવું, દર્દથી ભરેલા ગીતો સાંભળ્યા કરવા કે પછી દેવદાસની જેમ દારૂમાં ડૂબી પલાયનવાદી થઈ જવું ?

આમાનું કશું જ નહિ થવા દેવાનું. બ્રેકઅપના ડીપ્રેશનને સ્વીકારવાનું અને તેની યોગ્ય સારવાર કરાવવાની.

પ્રેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું બંધ કરવાનું. એક સત્ય સ્વીકારી લેવાનું કે પ્રેમ નામના પવિત્ર શબ્દનો મુખોટો પહેરીને કોઈ આવ્યું હતું. એ પ્રેમ ન હતો. જીવનમાં થયેલો એક કડવો અનુભવ હતો. એ વ્યક્તિ ક્યારેય તમારી થઈ ન હતી અને થવાની પણ નહોતી. એના ફોટો અને યાદગીરીને નાબૂદ કરી નાખો. મનમાં એવું વિચારો કે એને તમને નથી છોડયા પણ તમે જ એને છોડી છે. આવી વ્યક્તિથી જેટલો વહેલો છૂટકારો મળ્યો તેટલા તમે નસીબદાર.

બ્રેક-અપ પછી પૂર્વ પ્રેમીનો બદલો લેવાનું કે નફરત કરવાનું બંધ કરો. કારણ એવું કરવાથી એ વ્યક્તિને તમારા મનમાં તમે જીવંત રાખશો. એ વાત સાચી છે કે વિતાવેલા સમયની યાદો ભૂલાવી મુશ્કેલ છે. પરંતુ એ અશક્ય નથી. તમે પ્રેમાળ છો. પ્રેમથી તરબતર છો તમને તમારી લાગણીઓ સમજે તેવું પાત્ર તમને મળશે. ત્યાં સુધી થોભો અને રાહ જુઓ.

યાદ રાખો દુનિયાનો કોઈ સંબંધ આખરી કે કાયમી સંબંધ નથી. સંબંધમાં સમજદારી અને પ્રેમ કરતાં સત્ય, વફાદારી અને સ્પષ્ટતા હોવા વધારે જરૂરી છે. સંબંધમાં કમિટમેન્ટ, નિષ્ઠા અને પારદર્શકતા પણ આવશ્યક છે. પ્રેમમાં મળતી નિષ્ફળતા અને આઘાતો જ વ્યક્તિને પ્રેમની પરિપકવતા તરફ લઈ જાય છે. અને ભવિષ્યમાં સ્થિર અને આધારભૂત પ્રેમસંબંધો બાંધવામાં મદદ કરે છે.

ન્યુરોગ્રાફ ઃ-

પરિપકવ અને જવાબદાર તેમજ અંગતજીવનમાં સ્થિર વ્યક્તિ જ ''બેસ્ટફ્રેન્ડ'' બની શકે. બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ ને જ તમારા બેસ્ટફ્રેન્ડ બનાવી તમારા સંબંધનો પાયો મજબૂત બનાવો.

Tags :
Mrugesh-VaishnavVedna-Samvedna

Google News
Google News