જીવનમાં નિષ્ફળતા મળવી ખૂબ મુશ્કેલ છે
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- વિઘાતક અને વિનાશકત આદતોથી જો તમે દૂર રહેશો તો ચોક્કસ સફળ થશો જ. પ્રત્યેક વ્યક્તિને સફળતા મળવાની જ હોય છે
સ ફળ થવા માટે અહી દર્શાવ્યા પ્રમાણેની સાત આદતોથી જો તમે દૂર રહેશો તો જીવનમાં નિષ્ફળ ક્યારેય નહિ થઇ શકો. જીવનમાં કુદરતના તમામ નિયમોનું પાલન કરો તો સફળ થવું સહેલું છે પણ નિષ્ફળ થવું અઘરું છે અને નિષ્ફળતા સ્વીકારવી એથી પણ અઘરી છે
સફળ થવા માટે કેવી અને કેટલી આદતો પાડવી, ક્યા પ્રકારનું વર્તન અને વલણ અપનાવવું એ અંગેનું માર્ગદર્શન લગભગ ઘણાં બધા પુસ્તકોમાં મળે છે. આ અંગેના સેમિનારો અને વર્કશોપ્સ પણ થાય છે. કઈ આદતો પાડવી એ જાણવું જરૂરી છે એટલું જ જરૂરી કઈ આદતો ન પડવા દેવી એ છે.
એક પ્રચલિત કહેવત છે 'વ્યક્તિની ઓળખાણ તે કોની કંપનીમાં રહે છે તેના પરથી થઇ જાય છે.' આથી પણ વધારે મહત્વનો મુદ્દો એ છે કે વ્યક્તિની ઓળખાણ તે કોની કંપનીથી દૂર રહે છે તેનાથી વધારે થાય છે. અહીં આપણે નિષ્ફળ માણસોની ઘાતક આદતો વિશે ચર્ચા કરીશું. આનાથી જો દૂર રહેશો તો સફળતા આપોઆપ તમારા પગમાં આળોટશે જ.
નિષ્ફળ માણસોની સાત ઘાતક આદતો :
આદત - ૧ : તેમનાં વિચાર, વાણી અને કાર્યો નકારાત્મક હોય છે.
જીવનમાં મળતી પ્રત્યેક તક તેમને વિકરાળ સમસ્યારૂપ લાગે છે.
એ લોકો હંમેશા ફરિયાદ કરતાં રહે છે - દા.ત. ઉનાળામાં સૂર્ય કેટલો બધો તપે છે... કેટલી ગરમી પડે છે... આ વરસાદ પડયો એટલે તેમણે બહાર જવાનો સરસ કાર્યક્રમ ઘડયો હતો એ સાવ પડી ભાંગ્યો... આ ટપાલી પણ એવો છે સવારનાં પહોરમાં રસોઈ કરવાની હોય ત્યારે જ મનીઓર્ડર લઈને આવે છે... ટૂંકમાં દરેક વસ્તુ, વિષય અને વ્યક્તિ સામે તેમને ફરિયાદો હોય છે.
જીવનમાં કંઇક થોડી અમથી મુશ્કેલી પડે તો તેમની સાથે કોઈ મોટી દુર્ઘટના કે ઘોર અન્યાય થયો હોય તેટલું મોટું સ્વરૂપ તેઓ આપે છે. કોઈ કામ ધાર્યા મુજબ ન થાય કે એમાં થોડીક નિષ્ફળતા મળે તો તેમના પર ભયાનક આફત આવી પડી છે કે આભ ફાટી પડયું છે એવું તેમને લાગે છે. સામાન્ય નિષ્ફળતાથી તેઓ નાસીપાસ થઇ જાય છે; પોતાની ભૂલોમાંથી ક્યારેય તેઓ શીખતા નથી અને તેમની સાથે જ આવું બને છે એવું વિચારી કપાળ કૂટતા રહે છે જેથી ગમે તેવી સામાન્ય પરિસ્થિતિમાં પણ તેમને રસ્તો નથી મળતો, નાની અમથી સમસ્યાનો પણ તેમને ઉકેલ નથી મળતો.
મન, વચન અને કર્મમાં આટલી નકારાત્મકતા હોવાને કારણે તેઓ જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી અને જે પરિસ્થિતિ તેમને થોડી આરામદાયક લાગે તેમાં જ તેઓ પડયા રહે છે. આ ઘાતક આદત તેમને જ્યાંના ત્યાં જ રાખી નિષ્ફળતાની ગર્તામાં ધકેલે છે.
આદત-૨ : તેઓ પહેલાં કાર્ય કરી નાખે છે પછી વિચારે છે.
બીજી આદત છે ઉતાવળીયુ અને આવેગાત્મક વર્તન. એમને જરા સરખો પણ વિચાર આવે એટલે એનો અમલ કરી નાખે છે. કોઈ એક વસ્તુ ગમે એટલે એના સારા નરસા લાભ-ગેરલાભ કે ઉપયોગિતાનો વિચાર કર્યા વગર એને ખરીદી લે છે. પછી એનાથી કોઈ વધારે સારું અને સસ્તું જુએ તો પસ્તાય છે અને પોતાની જાતને ધિક્કારતા કહે છે કે તેમણે યોગ્ય ચકાસણી કર્યા વગર કે 'બાર્ગેઈન' કર્યા વગર જ વસ્તુ ખરીદી લીધી. આ અનુભવમાંથી કઈ જ શીખ્યા વગર ફૂટી કોડી પણ ન રહે ત્યાં સુધી તેઓ ખર્ચો કરતાં રહે છે, ભવિષ્યનો વિચાર તેઓ ક્યારેય કરતાં નથી, ક્ષણિક આનંદ માટે તેઓ કોઈ પણ પ્રકારનું કામ કરી નાખે છે. તેઓ પહેલાં કોઈ કામ કરે છે અને પછી વિચારે છે કે આ નહોતું કરવું જોઈતું. ફરી પાછુ એવું જ કામ કરે છે, કામ કરતાં પહેલાં કે કામ કરતી વખતે તેઓ પોતાનો જૂનો અનુભવ યાદ કરી શકતા નથી અને ફરીથી એ જ ભૂલ કરે છે. તેઓ જે કરી રહ્યા છે તેના શું સંભવિત પરિણામો જોઈ શકે તેનો વિચાર ક્યારેય કરી શકતા નથી. આવા લોકો ગુનાઈત પ્રવૃત્તિ કે પછી અસલામત જાતિય પ્રવૃત્તિમાં ભેરવાઈ શકે છે.
આદત - ૩ : તેઓ બોલે છે ઘણું અને સાંભળે છે થોડું.
કોઈ પણ પરિસ્થિતિમાં તેમને મુખ્ય હીરો થવું ગમે છે. આ કારણે જ તેઓ સતત બોલ્યા કરે છે, ક્યારેક તેઓ જુઠ્ઠું બોલી જાય છે તેની પણ તેમને ખબર પડતી નથી. સતત બોલ્યા કરતાં આ લોકો વિરોધાભાસી વાતો કરતાં રહે છે. મોટેભાગે તેમને ખબર નથી હોતી કે તેઓ જે બોલે છે તેનો કોઈ ખાસ અર્થ નથી. ક્યારેક પોતાના મનનો ભાર હળવો કરવો છે એમ કહી તેઓ બોલ્યા જ કરે છે, એમને કોઈ વ્યક્તિ સાચી સલાહ આપે કે રસ્તો બતાવે તો તેઓ તેમના કાન બંધ કરી દે છે કારણ પોતે કોઈ પણ ભૂલ કરી શકે છે એનો જરા સરખો પણ સ્વીકાર કરવા તેઓ અસમર્થ હોય છે. પોતે હંમેશા સાચા જ છે એવું માનનારા આવા લોકો એમ.બી.એ. (અર્થાત 'મને બધું આવડે છે') હોય છે. તેમના મિથ્યાભિમનને કારણે તેઓ એમ સમજતા રહે છે કે તમને બધી જ ખબર છે, કોઈએ કઈ કહેવાની જરૂર નથી. કોઈના પણ સૂચનો સાંભળવાથી તેઓ લઘુતા અનુભવે છે જેથી તેને ફગાવી દે છે.
આદત - ૪ : તેઓ સહેલાઇથી મેદાન છોડી જાય છે.
કેટલાક લોકો નિષ્ફળતા મળે તો તેનો સફળતાની સીડી ચડવાના પ્રથમ પગથીયા તરીકે ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક લોકો નાની સરખી નિષ્ફળતા મળવાનો અણસાર આવે તો મેદાન છોડી જાય છે. કોઈપણ કામ શરૂ કરતી વખતે તેઓ ખૂબ જ ઉત્સાહી બની જાય છે. શરૂઆતમાં ઊંડો રસ લે છે અને આકાશી ઊંચાઈઓ આંબવાના દિવાસ્વપ્નો જુએ છે અને જો એમાં થોડીક ભૂલ થાય કે સમજણ ન પડે તો તેમનો રસ તરત જતો રહે છે અને એ કામ છોડી નવી પ્રવૃત્તિ શોધવા લાગી જાય છે. દરેક વખતે આ કહાનીનું જ પુનરાવર્તન થાય છે, આવા લોકો સંજોગો સામે ટકી રહેતા નથી, સંખ્યાબંધ સ્વપ્નાઓ જોયા કરે છે પણ સ્વપ્નાને પરિપૂર્ણ કરવાની દિશામાં આગળ વધતા નથી. સહેલાઇથી રણમેદાન છોડી દેતા આ 'રણછોડ' લોકો પલાયનવાદનાં પૂજારી બની જાય છે.
આદત - ૫ : તેઓ બીજાને સતત ઉતારી પાડે છે.
બિનકાર્યક્ષમ લોકો સફળ થયેલા લોકોની ઈર્ષા કરે છે અને તેમનામાં કોઈ આવડત નથી તથા ગોરખધંધા કરી તેઓ સફળ થયા છે તેવું બોલતાં રહે છે. જીવનમાં સફળતા મેળવવા માટે સફળ વ્યક્તિના જીવનમાંથી પ્રેરણા લઇ તેમની જેમ કઠોર પરિશ્રમ કરવાને બદલે તેમના વિશે ખોટી અફવાઓ ફેલાવી ગમે તેવી હલકી યુક્તિ-પ્રયુક્તિથી તેમનું ચરિત્ર-ખંડન કરી તેમને નીચા પાડે છે. તેઓ એટલા બધા ઘમંડી હોય છે કે સફળ લોકોને તેમની સફળતાના રહસ્યો વિશે પ્રશ્નો પૂછી પોતે કઈ શીખવા માંગતા નથી અને તેઓ એટલો બધો નકારાત્મક અભિગમ ધરાવતા હોય છે કે તેઓ પોતાની કોઈપણ ઈચ્છા પરિપૂર્ણ કરી શકતા નથી. બીજાની લીટી ભૂંસી નાખવી એ તેમનો જીવનસિદ્ધાંત હોય છે. પોતાની લીટી મોટી કરવાની તસ્દી તેઓ ક્યારેય લેતા નથી.
આદત - ૬ : તેઓ સમય વેડફતા રહે છે.
નિષ્ફળ લોકો કોઈ પણ પ્રકારનું આયોજન કરતાં નથી હવે શું કરવું એ તેમને માટે યક્ષપ્રશ્ન હોય છે. જેને કારણે તેઓ ખાધા કરે છે. જ્યાંના ત્યાં પડયા રહે છે, ટીવી જોયા કરે છે કે પછી સિગરેટ અને દારૂ પીતા રહે છે. ટોળટપ્પા મારીને સમય બરબાદ કરવો તેમને કોઠે પડી જાય છે. આવા લોકો સતત એક કોરી દિવાલ સામે તાકી રહે છે. તેમનું ભવિષ્ય સુધારવા શું કરવું તેનો વિચાર તેઓ ક્યારેય કરી શકતા નથી.
જીવનમાં આનંદ મળે તેવી પ્રવૃત્તિ કરવી જરૂરી હોય છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાનું કામ અને આનંદદાયક પ્રવૃત્તિ વચ્ચે સમતુલા જાળવતા શીખવું પડે. સફળ થવું હોય તો સમયનું આયોજન કરતાં પણ શીખવું પડે.
આદત - ૭ : તેઓ હંમેશા સહેલો રસ્તો પકડે છે.
જીવનમાં કોઈપણ વળાંક પર બે રસ્તા જતા હોય ત્યારે તેઓ સહેલાં રસ્તે જવાનું પસંદ કરે છે. કઠિન રસ્તે જવાથી ઉત્તમ વળતર મળતું હોય તો પણ તેઓ તેના પર ચાલવાનું ટાળે છે. જીવનમાં કોઈપણ પ્રકારની અડચણો ભોગવવા તેઓ તૈયાર નથી હોતા. તેઓ આરામદાયક જીવન ઝંખે છે. તેમને એ ખબર નથી હોતી કે 'જેવું તેઓ વાવશે તેવું લણશે.'
જીવનમાં થોડાક ભોગ આપવાની તૈયારી તેમણે દાખવી હોય તો તેઓ ઘણી ઊંચી મંઝિલે પહોંચી શક્યા હોત. તેઓ 'પ્રયત્ન કરો - ભૂલો કરો - પછડાવ - પ્રયત્ન કરતાં જ રહો' એમાં નથી માનતા. જીવનમાં કંઇક મેળવવા ગમે તેટલા કષ્ટો સહન કરવા તૈયાર નથી હોતા - બસ તેમને તો બધું બેઠે બેઠે મળી જાય એ જ - અને એટલું જ જોઈએ છે.
મિત્રો, ઉપરોક્ત આદતો નિષ્ફળ જતી, સંજોગોથી ભાગતી, પોતાની પરિસ્થિતિ માટે લોકોને ભાંડતી અને લઘુતા અને હતાશાની ગર્તામાં ઘકેલાયેલી વ્યક્તિઓની છે. આ વિઘાતક અને વિનાશકત આદતોથી જો તમે દૂર રહેશો તો ચોક્કસ સફળ થશો જ. પ્રત્યેક વ્યક્તિને સફળતા મળવાની જ હોય છે. જીવનમાં પ્રત્યેક કુદરતી નિયમોનું તમે ઉલ્લંઘન ન કરો તો સફળતા મળે છે. હકીકતમાં જીવનમાં નિષ્ફળતા મળવી ખૂબ મુશ્કેલ છે. હા... ઉપરોક્ત સાત વિઘાતક આદતોને ફગાવો તો તમે પણ કહેશો કે જીવનમાં નિષ્ફળ જવું ખરેખર મુશ્કેલ છે.
ન્યુરોગ્રાફ :
ગરીબી હોય તો તેની ફરિયાદ ના કરો. જે નાનકડું કામ તમે કરો તેમાં નવીનતા ઉમેરો. શ્રેષ્ઠ રીતે કરો. નાને પાયે શરુઆત કરો 'તક' સર્વત્ર છે પણ તે તમારી દ્રષ્ટિમાં હોવી જરૂરી છે.
તક+સાહસ+સાતત્ય + શમણા + સંઘબળ = સફળતા