પોઝીટીવ મેન્ટલ એટીટયુડ + વિલ પાવર = મિરેકલ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
પોઝીટીવ મેન્ટલ એટીટયુડ + વિલ પાવર = મિરેકલ 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- તમારૂં ''વલણ''-''એટીટયુડ'' તમારી સૌથી મોટી મૂડી કે સૌથી મોટા બોજારૂપ પુરવાર થઈ શકે છે

ઉ ત્તરાણના દિવસે એક ફેરિયો વિવિધ રંગી બલૂનોના ઝૂમખાને હવામાં છોડતો હતો. નાના બાળકો અને તેમના માતા-પિતાની ફુગ્ગાના બલૂને લેવા માટે જબરી ભીડ જામી હતી. વચ્ચે જ્યારે પણ ઘરાકી થોડી ઘટે કે તરતપેલો ફેરિયો પોતાના તરફથી પાંચ-છ ફુગ્ગાઓનો એક ઝૂમખો હવામાં ઉડાડતો હતો. આ જોઈ બાળકો ચિચિયારી પાડતાંખૂબ ખુશ થતાં અને વળી પાછી ધરાકી વધતી.

દૂર ઉભેલું એક બાળક આ બધું જોયાં કરતું હતું. તેને કુતુહલ થયું એટલે તે ફુગ્ગાવાળા ફેરીયા પાસે ગયો અને પૂછ્યું. ''અંકલ... અંકલ...તમે લાલ-પીળા-ભૂરા રંગના ફુગ્ગા આકાશમાં ઉડાડો છો તો કાળા રંગનો ફુગ્ગો કેમ નથી ઉડાડતા ? શું કાળા રંગનો ફુગ્ગો ઉપર હવામાં દૂર દૂર જઈને ઉડે ?''

''ઉડેને... બેટા કાળા રંગનો ફુગ્ગો પણ ઉડે. જો બેટા ઉપર આસમાનની ઊંચાઈઓએ પહોંચવા માટે ફુગ્ગાનો રંગ મહત્વનો નથી. બહારથી તે ગમે તે રંગ કે આકારનો હોય પણ ઉપર ઉડવા માટે એમાં શું ભર્યું છે એ મહત્વનું છે.''

ફેરિયાની સામાન્ય વાતમાં બહુ મોટી ફીલોસોફી છે. ફુગ્ગાના ઉર્ધ્વગમનનો આધાર તેનામાં ભરાયેલા હેલીયમ ગેસ પર છે તેવી જ રીતે માણસનું છે.

માણસના ઉર્ધ્વગમનનો, પ્રગતિનો, સફળતાનો આધાર તેની ચામડીના રંગ, લંબાઈ, દેખાવ, જન્મસ્થળ, નાત જાત પર નહીં પરંતુ તેની ખોપડીમાં શું ભર્યું છે તેના ઉપર છે.

તમારી ખોપડીમાં જો હકારાત્મક વલણ ભર્યું હશે તો તમે આકાશી ઊંચાઈને આંબી શકશો. પરંતુ જો તમે નેગેટીવ મેન્ટલ એટીટયુડનો ઉકરડો તમારી ખોપડીમાં ભરી રાખ્યો હશે તો તમારી પ્રગતિ શક્ય નથી.

સુખ, સમૃદ્ધિ, સફળતા, સ્વસ્થતા અને સર્વોપરિતા માટે જરૂરી છે પોઝીટીવ મેન્ટલ એટીટયુડ ગમે તેવાં કપરા સંજોગોમાંથી પણ તમારૂ એટીટયુડ તમને ચાંદ-સિતારાના સાનિધ્યમાં આસમાની ઊંચાઈએ પહોંચાડી શકશે.

યાદ રાખો તમારૂં ''વલણ''-''એટીટયુડ'' તમારી સૌથી મોટી મૂડી કે સૌથી મોટા બોજારૂપ પુરવાર થઈ શકે છે.

હાર્વર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર વિલીયમ જેમ્સે સાચું જ કહ્યું છે,

''આ યુગની સૌથી મહાન શોધ એ છે કે માણસ એના એટીટયુડમાં ફેરફાર લાવીને પોતાના જીવનમાં આગળ વધી શકે છે.''

વીલીયમ જેમ્સની વાત ને સાચી પુરવાર કરે છે આપણી ડાન્સીંગ આઈકોન સુધા ચન્દ્રને.

સામાન્ય કુટુંબમાં જન્મેલી સુધાને બાળપણથી જ જગ પ્રસિદ્ધ કલાસીકલ ડાન્સર બનવું હતું. પોતાના ધ્યેયને હાંસલ કરવા બાલ્યાવસ્થાથી જ તે ખરી લગન અને દ્રઢનિશ્ચય સાથે નૃત્યની આરાધનામાં લાગી ગઈ હતી.

સુધાની નૃત્ય સાધનાને ઉત્તરોત્તર સફળતા મળતી હતી ત્યાં જ સમયના વિકરાળ પંજાએ તાલબધ્ધ નૃત્ય કરતાં તેના પગને જ એક ઝાટકે ઉડાવી દીધો. સુધા કહે છે - ''બાવીસ વર્ષ પહેલાં મારા જીવનમાં એક ખતરનાક વળાંક આવ્યો. હું સ્વીટ સીક્સટીનમાં પ્રવેશી સોળે કળાએ ખીલી ઉઠી હતી. મારા સ્વપ્નાંઓના શિખર મને હાથવેંતમાંલાગતાં હતાં ત્યાં જ ૬ઠ્ઠી જૂન ૧૯૭૧ના રોજ હું નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ.''

એ દિવસે હું ત્રિચીમાં આવેલા એક તીર્થસ્થાનની યાત્રાએથી મારા માતા-પિતા સાથે ઘર તરફ પાછી ફરી રહી હતી. અમારી બસને અકસ્માત થયો. મારા માતા-પિતાને ઈજા થઈ અને મારા જમણા પગના થાપાના હાડકા-નેફીમરનું ફ્રેકચર થયું. અમને મદદ કરનાર ત્યાં કોઈ જ નહોતું અમે સાવ અસહાય પરિસ્થિતિમાં મુકાઈ ગયા.

સદ્દનસીબે દિલ્હીના ચાર નવ યુવાનો અમારી બસમાં સહપ્રવાસી હતાં તેમાંનો એક એથલેટ હતો. એ એથલેટ પચાસ કી.મી. દૂર દોડીને એક શહેરમાંથી એમ્બ્યુલન્સ લઈ આવ્યો. એમ્બ્યુલન્સ અમને ત્રિચીની સરકારી હોસ્પિટલ લઈ ગઈ. આ હોસ્પિટલના ડોક્ટરે મારા ઘૂંટણમાં પડેલા એક નાના ચીરાને સાફ કર્યા વગર ટાંકા લીધા. પરિણામે ગેન્ગ્રીન થઈ ગયું. મને તાત્કાલિક ચેન્નઈની વિજયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં તો મારા પગમાં ગેન્ગ્રીનનો વ્યાપક ફેલાવો થઈ ગયો હતો. વિજયા હોસ્પિટલના ડોક્ટરોએ મારા પગને બચાવવા ઘણી સારવાર કરી પરંતુ મારી જિંદગી અથવા પગ બેમાંથી એક જ બચાવી શકાય તેમ હતાં.

હું જિંદગી ગુમાવવા તૈયાર હતી પણ મારો પગ નહીં. કારણ મારાં ભાવિ સ્વપ્નાં જ મારા નૃત્ય કરતાં પગ પર નિર્ભર હતાં. મેં મારા પગને બચાવવા કાકલૂદીભરી વિનંતી કરી પરંતુ મારા માતા-પિતાએ વાસ્તવિક નિર્ણય લીધો અને મારા ગેન્ગ્રીનવાળા પગનું ''એમ્પ્યુટેશન'' (પગ કપાવવો) કરાવવાનું નક્કી કર્યું. 

જમણા પગના એમ્પ્યુટેશન સાથે જ મારાં સ્વપ્નાંઓ ભાંગીને ભૂક્કો થઈ ગયાં. ડાન્સમાં સફળતાના શિખરે બેસાડનાર મારો પગ જ અસ્તિત્વ વિહીન થઈ ગયો. મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું. હું હવે જીવવા નહોતી માંગતી.

પરંતુ એક વસ્તુ નહોતી ગુમાવી... મારૂં આશાવાદી વલણ. હા મારી મમ્મી-પપ્પાએ મને હિંમત આપી, હજી પણ જીવનમાં તું આસમાની ઉચાઈએ ઉડી શકે છે. હા મેં નિર્ધાર કર્યો, હું 'ડીસએબલ્ડ-' પંગુતા ના કુંડાળામાં જીવવા નથી માંગતી. મારી આ પરિસ્થિતિને સ્વાકારી મારે મારા જીવનને માણવું છે. એમ્પ્યુટેડ-જમણા પગની પંગુતાનો પડછાયો મારી સાથે જ રહેવાનો છે પરંતુ એને દુશ્મન ગણી એનાથી ગભરાવું નથી એને મિત્ર બનાવી મિત્રતાનો સંબંધનિભાવવો છે. મેં મારી આ અવસ્થાનો સંપૂર્ણ સ્વીકાર કર્યો.

મને સમજાયું કે વાસ્તવિકતાના સ્વીકારની સાથે જ મારૂં મન મારી સમસ્યાના ઉકેલમાં લાગી ગયું. ઉકેલ શોધતાં શોધતાં હું જયપુર ફુટના સ્થાપક ડૉ.પી.કે.શેઠીને મળી.

''હું ફરીથી ડાન્સ કરી શકીશ ?'' ડૉ. શેઠીને સહુ પ્રથમ મેં પૂછ્યું.

શા માટે નહીં ? તું ચોક્કસ ડાન્સ કરી શકીશ... તારાં સ્વપ્નાંઓ પૂરાં કરી શકીશ.

ઘણાં પ્રયોગો પછી મારા એમ્પ્યુટેટેડ જમણા પગમાં જયપૂર કૂટ બેસાડવામાં આવ્યો. અને મેં મારું નૃત્ય શરૂ કર્યું પરંતુ એ ઘણું અઘરું હતું. ઘણીવાર મને એમ લાગ્યું કે મારાથી આ નહીં થાય. નૃત્ય પછી આર્ટીફીસીયલ જયપુર ફુટની અંદર ફીટ કરાયેલ મારો પગ છુન્દાઈ ગયો હતો. તેમાંથી લોહી નીકળતું હતું. સોજો ચડી જતો હતો અને પારાવાર પીડા થતી નથી.

નૃત્ય પછી જયપુર કૂટ કાઢીને મારા પગનું કપાયેલું સ્ટમ્પ હું જોઈ શકતી ન હતી. મારા માતા-પિતા એની સારવાર કરતાં. દવા લગાવતાં, ડ્રેસીંગ કરતાં મને હિંમત આપતાં અને ફરી પાછો પારાવાર પીડા છતાં હું જયપુર કૂટ પહેરી નૃત્ય કરતી.

શારીરિક યાતના સામે લડવાના મારા પ્રયત્નો મેં ધીરજ અને ખંત પૂર્વક સતત ચાલુ રાખ્યા. સુજેલા અને લોહી નિકળતા સ્ટમ્પની પારાવાર પીડા સામે મારા ''વિલ-પાવર'' યાને ''સંકલ્પબળ''ની જીત થઈ. મારા માતા-પિતા ઉપરાંત મારા ફિઝિયોથેરાપિસ્ટ અને ડાન્સ ગુરૂએ મને ખૂબ જ મદદ કરી.

મારા ડાન્સ ગુરૂ મારા ફિઝિયોથેરાપીસ્ટને ડાન્સના સ્ટેપ વિશે સમજાવતા અને ફિઝિયોથેરાપીસ્ટ મને એ મુજબ ડાન્સ કરાવતાં. અને ૨૮ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ મુંબઈના સ્ટેઈજ પર મેં મારું પ્રથમ ડાન્સીંગ પરફોર્મન્સ આપ્યું.

આ બધું બહું જ અઘરું હતું. પરંતુ મને ઈશ્વરમાં અને મારી જાતમાં આશા, શ્રધ્ધા અને વિશ્વાસ હતાં. મેં મારા પોઝીટીવ મેન્ટલ એટીટયુડ સાથે મારા પ્રયત્નો ચાલુ રાખ્યા. મારા કુટુંબજીનોને મારી શક્તિઓમાં વિશ્વાસ હતો, જેને મારી પીડામાંથી મને બહાર કાઢવામાં મદદ કરી. મારે માનસિક પંગુ રહેવું નહોતું.

હું દ્રઢપણે માનું છું કે ઈશ્વર, કુટુંબીજનો અને જાતમાં વિશ્વાસ ગમે તેવી સમસ્યામાંથી રસ્તો કાઢવામાં તમને મદદ કરે છે. જે થવાનું છે તે થઈને જ રહે છે, એને આપણે રોકી શકતાં નથી પરંતુ જેણે તમને આ વિકટ પરિસ્થિતિમાં મૂક્યા છે એની પાસે તમને આમાંથી બહાર કાઢવાની યોજના પણ હોય છે એ તમને જીવનમાં નિષ્ફળ નહીં જવા દે.

જીવનમાં દુર્ઘટના તો બનતી રહેશે. એને તમે અટકાવી શકવાના નથી. પરંતુ દુર્ઘટનાને કેવો પ્રતિસાદ આપવો એ તમારા હાથમાં છે. શ્રધ્ધા, સંકલ્પ અને હિંમતથી તમે ગમે તેવી ઈજામાંથી તમે બહાર આવી શકો છો.

ન્યૂરોગ્રાફ

 ''પંગુ'' - ડીસએબલડને રીહેબીલીટેશન (પુન:સ્થાપન)ની જરૂર નથી સમાજને રીહેબીલીટેડ કરવાની અને વધુ સંવેદનશીલ બનાવવાની જરૂર છે. સુધા તુજે સલામ...


Google NewsGoogle News