પ્રોએક્ટીવ અને રીએક્ટીવ: બે સમજવા જેવા શબ્દો
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- તમારી નિષ્ફળતા બદલ બીજાઓને દોષ દેવાથી તમે સફળ થઇ શકવાના નથી. તમારી નિષ્ફળતા કે હારનો તમે સ્વીકાર કરશો તો ભવિષ્યમાં સફળતાના રસ્તે અગ્રેસર થઇ શકશો
બ ધા જ નિષ્ફળ માણસોમાં એક સર્વ સામાન્ય અને સર્વવ્યાપી લક્ષણ હોય છે કે તેઓ પ્રતિક્રિયાઓ આપતા રહે છે.
તમે નિષ્ફળ થવાનો નિર્ધાર કર્યો હોય તો તમે ચોક્કસ રીએક્ટીવ બનો અથાત્ પ્રતિક્રિયા આપતા રહો. પોતાની પ્રત્યેક નિષ્ફળતા માટે પ્રતિક્રિયા આપવી એ નિષ્ફળ વ્યક્તિઓની એક જન્મજાત અને પાયાની આદત હોય છે.
શાળામાં ઉજ્જવળ કારકીર્દી ધરાવતો જીકેશ એચ.એસ.સી. બોર્ડમાં માંડ માંડ પાસ થઇ કોલેજમાં આવ્યો હતો. તેને વાંચવામાં કોઈ જ રસ નહોતો પડતો. કોલેજ જવાની તેને કોઈ જ ઇચ્છા થતી નહોતી. પોતાની નિષ્ફળતા વિશે પ્રતિક્રિયાઓ તે નીચે જણાવ્યા મુજબ કારણોથી આપતો.
તેના મિત્રો પાસે મોટરસાયકલ કે કાર છે જ્યારે તેની પાસે માત્ર સાયકલ છે. તે હવે કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો છે. કોલેજમાં તમામ છોકરાઓ કરતાં તે હેન્ડસમ હોવા છતાં તે સાયકલ પર કોલેજ આવતો હોવાથી તેની પોઝીશનમાં પંકચર પડી જાય છે છોકરીઓ તેની સામે જોતી નથી. એટલું જ નહીં પણ સૌથી સુંદર છોકરી તો હાર્લી ડેવીડસન પર કોલેજ આવતા સાવ સામાન્ય દેખાવના છોકરાને સ્માઇલ આપે છે.
જીકેશ આ માટે તેના પપ્પાને જવાબદાર ઠરાવે છે. તેમનામાં છોકરાઓને ગૌરવભેર ઉછેરવાની ત્રેવડ નહોતી તો શા માટે છોકરાં પેદા કર્યાં ? બધાના પપ્પા જો પૈસા કમાઈ શક્તા હોય તો તેના પપ્પા શા માટે નહીં ? મમ્મી પણ ભણેલી છે અને નોકરી કરી શકે તેમ છે તો શરૂઆતથી જ સારી નોકરી કેમ ન કરી ?
જીકેશ તેના મિત્રોને ઘેર લાવતાં પણ શરમાતો હતો. કારણ તેની મમ્મી તેને સાવ મણીબેન જેવી દેશી લાગતી હતી. બીજા બધા મિત્રોની મમ્મીઓ સરસ ફીગર ધરાવતી, બ્યુટી પાર્લરમા નિયમિત રીતે જતી, ફેસીયલ, બ્લીચીંગ, આઈબ્રો વગેરે કરાવતી, ચોક્કસ હેર સ્ટાઇલ રાખતી. જીકેશ એમ માનતો કે તેની મમ્મી સાવ દેશી છે એટલે જ એને કોઈ મિત્રો નથી. જેથી તે ગૃપ્સમાં વાંચી શક્તો નથી. નોટ્સની અને પરીક્ષા વખતે આઈ.એમ.પી.ની કે પછી ફૂટેલા પેપરની આપ લે તે કરી શક્તો નથી.
આમ જીકેશની અભ્યાસમાં અરુચિ અને નિષ્ફળતાનું મૂળ કારણ તેના માતા-પિતા છે તેમ તે ગણાવતો અને માનતો.
બોર્ડમાં ઓછા માર્કસ આવ્યાનું કારણ આપતાં જીકેશ બધાંને કહેતો કે તેના સ્કુલના તમામ શિક્ષકો સાવ નકામા હતા. ટયુશન ટીચરો લાલચુ હતા અને એક બેચમાં વીસ-પચીસ છોકરા ભરતા. કોઇનું હોમવર્ક સરખું તપાસતા નહીં કે ટેસ્ટના પેપર તપાસવામા પણ દાટ વાળતા પછી ખોટી મહેનતનો કોઈ મતલબ ન હતો. એ ઉપરાંત પરીક્ષા પધ્ધતિ, શિક્ષણ પધ્ધતિ, બોર્ડ, સરકાર બધાં સાવ નકામા હતાં અને તેના જેવા જીનિયસ વિદ્યાર્થીનું સાચું અને તટસ્થ મુલ્યાંકન કરવામાં અક્ષમ હતાં.
જો કે તેની જ સ્કુલનો એક વિદ્યાર્થી બોર્ડમાં નંબર લાવેલો પણ એ અંગે જીકેશનું કહેવું હતું કે એના પપ્પાની લાગવગ બહુ ઊંચી હતી અને એમણે રૂપીયા પણ ઘણા વેર્યા હતા. જ્યારે એના પપ્પામાં એવી કોઈ ત્રેવડ ન હતી પછી એના માર્કસ કેવી રીતે આવે ?
આમ છતાં તેણે સખત મહેનત કરવાની પૂરતી કોશિષ કરી હતી પણ તેના પાડોશીઓ તેને વાંચવા દેતા ન હતા. આખો દિવસ ટી-૨૦, વર્લ્ડ કપ- ટેસ્ટમેચ એમ કોઇને કોઈ ક્રિકેટની મેચ ચાલુ જ રાખતા જેથી તેનું ધ્યાન ભંગ થતું.
એમનામાં એટલીયે સમજ નહોતી કે ટી.વી. પર મેચ ચાલુ કરે એટલે પાડોશીના છોકરાં મેચ જોવા આવી જ જાય. પછી ભલે ને તેમના ઘરમાં ચેનલ-નેટ બધું જ બંધ કરાવી દીધું હોય. આવા નકામા પાડોશીઓ હોય પછી બિચ્ચારા છોકરાઓ વાંચવામાં મન કેવી રીતે રાખી શકે ?
વાત આટલેથી અટકતી નહોતી તેના મિત્રો પણ સ્વાર્થી નીકળ્યા હતા. કેટલાક તો સારા માર્કસ લાવી મેડીકલ અને એન્જીનીયરીંગમાં ગયા હતા એટલે તેઓ અભિમાની થઇ ગયા હતા. એક છોકરી જે તેને ખૂબ ગમતી તે નાપાસ થઇ હતી. જીકેશ તેને આશ્વાસન આપવા સંપર્ક કરતો હતો પણ તે કોઇ જ રીસ્પોન્સ આપતી જ ન હતી. બસ આમ નકામા લોકો વચ્ચે ફસાઈ જવાને કારણે તે બોર્ડમાં માંડ માંડ પાસ થયો હતો અને તેથી જ તેને કોલેજમાં ભણવામાં રસ પડતો ન હતો.
પોતાને મળેલી નિષ્ફળતા પછી જીકેશની ઉપર મુજબની પ્રતિક્રિયા હતી. તે સંજોગ, સમાજ વ્યવસ્થા, શિક્ષણ પધ્ધતિ, પરિક્ષા પધ્ધતિ વગેરેનો શિકાર બન્યો હતો. એ બધાને ભાંડતો. ભૂખ લાગે ત્યારે ખાતો. બાકી આખો દિવસ પડયો રહેતો. ઘરમાં કોઇપણ તેને કંઇપણ કહે તો તે બૂમ બરાડા પાડી જવાબ આપતો. તે પોતાની આ પરિસ્થિતિ માટે એ બધાંને જવાબદાર ગણાવતો. તેને મોબાઈલ પર પોર્ન વીડીયો જોવાનું વ્યસન થઇ ગયું. તેને લાગતું કે આ ખરાબ આદત છે પણ દુનિયાએ આપેલા જખ્મો ભૂલાવવા તે આમ જ કરવું યોગ્ય સમજતો.
જીકેશ જેવા સંખ્યાબંધ યુવાનો છે જેમને આપણે એવું કહેતા સાંભળીએ છીએ કે
''જો મારા વડીલો આટલા બેજવાબદાર, નકામા અને અણસમજુ ન હોત.''
''જો મને મારા મિત્રો, શિક્ષકો, પડોશીઓનો સહકાર મળ્યો હોત.''
''લોકો આટલી નિમ્નકક્ષાના ન હોત.''
''આ સમાજ વ્યવસ્થા, સિસ્ટીમ, સરકાર આટલી હદે ખાડે ગયેલી ન હોત.''
''મને મારી જંજાળમાંથી થોડો વધારે સમય મળ્યો હોત તો...?''....
''...તો હું પ્રભુજીની મૂર્તિની જેમ પૂજાવા લાયક સિધ્ધિઓ મેળવી શક્યો હોત. પરંતુ તમામ લોકો, સમય, સંજોગ અને સમાજ વ્યવસ્થાને કારણે મારે પથ્થરની જેમ લાત ખાતાં જીવન વિતાવવું પડે છે.''
આને કહેવાય ''પ્રતિક્રિયાત્મકતા'' એટલે કે રીએક્ટીવ લોકો જે પોતાની નિષ્ફળતા કે હાર માટે બીજાઓને દોષ દઇ જીવનમાં નિષ્ફળતા પર નિષ્ફળતા મેળવે છે.
આપણે જ્યારે જ્યારે કહીએ છીએ કે,
''મારે આટલી સમસ્યાઓ છે''
ત્યારે એ વિચાર માત્ર જ મોટામા મોટી સમસ્યા હોય છે. આ સમસ્યામાંથી બહાર આવી પરિસ્થિતિ સુધારવાનો એકમાત્ર માર્ગ એ છે કે જે બાબત તમારા નિયંત્રણમાં છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરો. જે તમારા નિયંત્રણમાં નથી તેના પર દોષનો ટોપલો ઢોળવાનું રહેવા દો. આને કહેવાય પ્રોએક્ટીવ એટલે કે 'સક્રિયાત્મકતા'. પ્રોએક્ટીવ બનો એટલે પહેલ કરો.
વ્યાપક અર્થમાં પ્રોએક્ટીવ બનો એટલે આપણે જે છીએ, જેવા છીએ, જેવા બની શક્યા છીએ કે નથી બની શક્યા તે માટે આપણે પોતે જ જવાબદાર છીએ.
આપણો વર્તમાન એ આપણા જ નિર્ણયો, વલણ અને વર્તનનું પરીણામ છે. આપણા સંજોગો, સમય કે આસપાસના લોકો આપણો વર્તમાન બનાવી, કે બગાડી શક્તા નથી.
તમારી સાથે જે ઘટના બને છે તેને પ્રતિસાદ કે પ્રત્યાઘાત કેવો આપવો તે તમારી પસંદગી છે. સફળ થવા માટે પ્રોએક્ટીવ એટલે કે સક્રિયાત્મક બનવાની આદત પાડો.
ન્યુરોગ્રાફ
ભારતીય રાજકારણ ''રીએક્ટીવ'' - અર્થાત્ પ્રતિક્રિયા આપતા રહો, વખોડતા રહોના સિધ્ધાંત પર ચાલે છે. પછી મુદ્દો ભલે ગમે તે હોય.