સંઘર્ષ કરવાવાળા હંમેશાં જીતે છે .

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
સંઘર્ષ કરવાવાળા હંમેશાં જીતે છે                                 . 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- કાળા માથાના પ્રત્યેક જીવતા માણસે મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડે છે. માત્ર મરેલો માણસ એટલે કે મડદાને કોઈ સમસ્યા હોતી નથી

આ દુનિયામાં કાળા માથાના પ્રત્યેક માનવીના જીવનમાં મુશ્કેલ સમય આવે છે.

આવા સમયમાંથી પસાર થતી વખતે ઘણી પરેશાનીઓ અને હેરાનગતિઓ અને તનાવ નો સામનો કરવો પડે છે. ક્યારેક તો ચારે તરફ માત્ર અંધારુ અને અંધારું જ દેખાય છે. ક્યાંય કોઈ રસ્તો કે મંઝીલ દૂર દૂર સુધી નજર આવતી નથી.

આવા સમયમાં મુશ્કલીઓથી ડરવા કે હારવાનું નથી પણ તમારી હિંમત ટકાવી રાખવાની છે. તમારે મેદાન પર ચીટકીને રહેવાનું છે ભાગી જવાનું નથી.

આ માટે નીચે જણાવ્યા મુજબના સોનેરી સુત્રોનું પાલન કરો.

૧. દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યા ન હોય.

જે લોકો બેકાર છે એ લોકો એવું માને છે કે સૌથી મોટી મુશ્કેલી એમને છે પરંતુ તમે એ લોકોને પૂછયું છે જે લોકો નોકરી કરી રહ્યા છે ? શું એ લોકો પોતાની નોકરીથી ખુશ છે? શું એમને એમની નોકરીમાં કોઈજ સમસ્યા નથી ?

ઘણીબધી છે. મતલબ સમસ્યા બન્નેયને છે. નોકરી વાળાને પણ છે અને બેકારો ને પણ છે. પરંતુ બંને માં સમસ્યાનો પ્રકાર અલગ અલગ છે.

હવે જે લોકો નાનો મોટો ધંધો કરે છે તેમની સમસ્યા અલગ હોય છે. કારણ તેમને ગવર્મેન્ટના કાયદા કાનૂન, લાયસન્સ, જીએસટી વગેરેની પરેશાની વેઠવી પડે છે અને જે લોકો મોટો ધંધો કરે છે એ લોકો તો બેંકની લોન પણ ભરી શકતા નથી.

જે લોકોના લગ્ન નથી થતાં એમને એમની સમસ્યા મોટી લાગે છે અને જે લોકો સાદિ સુદ્ધા છે એ લોકો તો ચારેય બાજુથી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયાં હોય તેવું તેમને લાગેછે.

એટલેકે બેકાર હોય કે નોકરિયાત, નાનો ધંધાધારી હોય કે મોટો ધંધાદારી, પરિણીત હોય કે અપરિણીત. વિદ્યાર્થી હોય કે વાલી, ડોક્ટર હોય કે વકીલ, કાર્યકર હોય કે  મીનીસ્ટર,  આઈ. એ. એસ. હોય કે આઈ. પી. એસ. કાળા માંથાના પ્રત્યેક જીવતા માણસે મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડે છે. માત્ર મરેલો માણસ એટલે કે મડદાને કોઈ સમસ્યા હોતી નથી.

એટલા માટે આપણે જે છીએ, જ્યાં છીએ, જેવા છીએ એવી હાલત માં ખુશ રહેવાનું શીખી લેવું ં જોઈએ કારણ અત્યારે જે દુ:ખી દિવસોનો તમે સામનો કરો છો એ ન હોત તો કદાચ બીજી કોઈ વાતનું દ:ખ ચોક્કસ હોત.

૨. દરેક સમસ્યાની અવધિ સીમિત હોય છે

સારો સમય હોય કે ખરાબ સમય હોય બંનેની એક ચોક્કસ અવધિ નિશ્ચિત છે. ખુશીની ક્ષણો હોય કે દુ:ખની ક્ષણો હોય પણ એ ક્ષણ પણ પસાર થઇ જાય છે. જીવનમાં કોઈએક સમસ્થા આવી છે તો એકને એક દિવસે એ જતી પણ રહેશે. 'એ પળ પણ પસાર થઈ જશે.'

રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ એ કુદરતનો ક્રમ છે.

૩. પ્રત્યેક સમસ્યાની એક સકારાત્મક બાજુ હોય છે.

જ્યારે આપણે મુશ્કેલીઓમાં હોઈએ છીએ ત્યારે પરેશાનીઓ અને વિડમ્બણાઓની એક જાળમાં ફસાયા હોઈએ એવું આપણને લાગે છે. પરંતુ એની પાછળ એક હકારાત્મક વાત પણ છુપાયેલી હોય છે. દા.ત. આપણે બહાર જવા નીકળ્યા અને કારમાં પંચર થઇ ગયું જેથી આપણું નુકશાન ગયું પણ પંચર કરવા વાળાને તો ફાયદો થયો. એને ધંધો મળ્યો, રોજીરોટી મળી ગઈ. એટલેકે આપણી મુશ્કેલી બીજાનો ફાયદો હોઈ શકે છે. અર્થાત પ્રત્યેક સમસ્યાની એક સકારાત્મક બાજુ હોય છે.

૪. સમસ્યાની સાથે તમે કઈ રીતે કામ લો છો એના આધાર પર પ્રત્યેક સમસ્યા તમારામાં બદલાવ લાવશે

આ સમજાવવા એક ઉદાહરણ આપું છું. એક છોકરો બારમાં ધોરણમાં સારા માર્ક્સ ન લાવી શક્યો. ઈચ્છિત પ્રોફેશનલ કોર્સમાં એડમિશન ન લઇ શક્યો. એને જરાપણ નિરાશ થયાં વગર મલ્ટીલેવલ માર્કેટિંગ શરૂ કર્યું. જેના માટે તેણે સારી સારી મોટીવેશનલ ચોપડીઓ વાંચી અને જોત જોતામાં તે પોતે મોટીવેશનલ ભાષણો આપતો થઇ ગયો. અને તે મોટીવેશન ગુરુ પણ બની ગયો. એટલેકે તમારા જીવનમાં જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે એ સમસ્યા તમારી શુસુપ્ત શક્તિઓને, ભીતરમાં છુપાયેલા મહામાનવને જગાવવા માટે આવે છે. તે તમારી ક્ષમતાઓને બહાર કાઢે છે જેથી તમે તમારી ક્ષમતાઓનો પુરેપુરો ઉપયોગ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે કરી શકો.

૫. તમારી સમસ્યા તમને શું નુકસાન કરી શકશે એ તમેજ નક્કી કરો છો.

દા.ત. તમે તમારી કારમાં જઈ રહ્યા છો. ટ્રાફિક જામ થઇ ગયો છે. એવું લાગે છે કે બે-ત્રણ કલાક સુધી ટ્રાફિક નહિ ખુલે. આ સમયે તમારી પાસે ત્રણ પસંદગી છે. ૧. મ્યુઝીક સાંભળવું. ૨. ચોપડીઓ કે સમાચાર પત્રો વાંચવા. ૩. તનાવપૂર્ણ થઇ જવું અને ચિંતામાં આવી જવું કે 'આમાંથી હું બહાર કઈ રીતે નીકળીશ?'. એટલુજ નહીં આપણા દેશની ટ્રાફિક વ્યવસ્થાને ભાંડતા રહી ક્રોધિત પણ થઇ શકો છો.

વાસ્તવિકતા એ છે કે ટ્રાફિક એના પોતાના સમયે જ ક્લીયર થશે. એના પર તમારો કોઈ કાબુ નથી પરંતુ ઉપરના ત્રણમાંથી કયો વિકલ્પ પસંદ કરવો એ તમારા હાથમાં છે. અર્થાત તેજ વસ્તુ તમારા કાબુમાં નથી એના ઉપર વિચાર કરી તમે જ તમને નુકશાન કરો છો. તમારી સમસ્યા નહીં.

૬. દરેક સમસ્યા પર નકારાત્મક કે હકારાત્મક રીતે પ્રતિક્રિયાઓ આપી શકય છે.

દરેક સમસ્યાને હકારાત્મક કે નકારાત્મક પ્રતિક્રિયા આપવી શક્ય છે. યાદરાખો મુશ્કેલ સમય અલ્પજીવી હોય છે. માત્ર આ થોડા સમય પુરતું જ પ્રત્યેક વ્યક્તિએ ટકી રહેવાનું હોય છે. મનથી મજબૂત લોકો હંમેશા ટકી રહે છે. પ્રત્યેક સમસ્યામાં હકારાત્મક અને નકારાત્મક એક સિક્કાની બે બાજુની જેમ સંકળાયેલા હોય છે. દા.ત. કોઇ એક ધોરણમાં સખત મહેનત કરવા છતાં ઓછા માકર્સ આવે તો હવે પછીની પરીક્ષામાં સખત મહેનત કરી કલાસમાં પહેલો નંબર લાવો અને એ સાબિત કરો કે તમે પણ કોઇથી ઉતરતા નથી.

અથવા તો પછી ઓછા માકર્સ આવવા બદલ ટેન્શનમાં રહો. મહેનત કરવા કરતાં આખું વર્ષ શું કરવું ? મહેનત કરવાનો પણ શો અર્થ છે ? ફરી પાછા સારા માર્કસ નહિ આવે તો આ બધી ગધા મજુરીનો શો અર્થ ? એમ વિચારતા રહો.ઉપર જણાવ્યા પ્રમાણે સમસ્યા વિશે નકારાત્મક કે હકારાત્મક વિચારો અથવા સમસ્યા પછી હકારાત્મક કે નકારાત્મક મનોવલણ રાખવું એ તમારી પસંદગી છે.

દોસ્તો એ માટે નકારાત્મક વિચારો નહીં પણ સંભાવનાપૂર્ણ વિચારો - પોસીબીલીટી થીંકીગ કરો અને એનુ ચિંતન કરો. કોશિશ કરતા રહો. સંકલ્પ કરો. મેદાન છોડીને ભાગો નહિ પણ સંઘર્ષ કરતાં રહો. લગે રહો મુન્નાભાઇ.

યાદ રાખો સંઘર્ષ કરવાવાળા ક્યારેય હારતા નથી.

ન્યૂરોગ્રાફ : 

ખરાબ સમય ક્યારેય વધારે લાંબો ચાલતો નથી પરંતુ મજબૂત મનના માનવીઓ લાંબા સમય સુધી ગમે તેવા ઝંઝાવતો સામે ટકી રહે છે.


Google NewsGoogle News