કોઈપણ સમસ્યા તમારી ક્ષમતા કરતાં મોટી નથી
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- હિંમત રાખીને ગમે તેવો નાનો માણસ પણ હિમાલયના શિખર સુધી પહોંચી જાય છે
કો ઈપણ સંજોગોમાં હાર નહીં માનીએ એ વાત દિલમાં આજે ઠસાવી દેવાની છે. આ વાત ક્યારેય ન ભૂલાય નહિ એટલા માટે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમા જીતવા નીકળેલા જવામર્દો માટે એક કહાની અહી રજુ કરુ છું.
એક વેપારી રાજાની પાસે આવ્યો અને રાજાને એક ખૂબ સરસ કિમતી પથ્થર ભેટમાં આપ્યો. રાજા આ પથ્થર જોઇને બહુ જ ખુશ થયા અને એમણે નિર્ણય લીધો કે આ પથ્થરથી ભગવાન વિષ્ણુની એક સુંદર મૂર્તિ બનાવીશું.
એમણે આ પથ્થર પોતાના મંત્રીને આપ્યો અને મૂર્તિ બનાવાનો આદેશ આપ્યો. રાજાના મંત્રી રાજ્યના સર્વશ્રેષ્ઠ મૂર્તિકાર પાસે ગયા અને એને એ પથ્થર બતાવીને કહ્યું કે,
'મહારાજ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે. એટલે સાત દિવસમાં આ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરો એ એને રાજાના મહેલમાં મોકલી દો. આ માટે તને ૫૦ સોનાના સિક્કા આપવામાં આવશે.'
મૂર્તિકાર એક મૂર્તિ બનાવવા માટે ૫૦ સોનાના સિક્કા મળશે એ સાંભળીને બહુ જ ખુશ થયો. મૂર્તિકારે પોતાના ઓજાર કાઢ્યા અને જલ્દીથી મૂર્તિ બનાવવાનું કામ શરુ કર્યું.
સૌથી પહેલા એ પથ્થરને તોડવા માટે એના ઓજારોમાંથી એક હથોડો એણે બહાર કાઢ્યો અને એ હથોડો પથ્થર પર માર્યો પણ પથ્થ તૂટયો નહીં. ફરીથી એણે જોરથી હથોડો માર્યો પણ આ વખતે પણ પથ્થર ન તૂટયો. મૂર્તિકાર થોડો વિમાશણમાં મૂકાયો પરંતુ એણે હિંમત ન હારી અને એક પછી એક પથ્થર પર જોરથી હથોડા મારવા લાગ્યો પણ અફસોસ એ વાતનો હતો કે પચાસ વાર હથોડા માર્યા પછી પણ એ પથ્થર ન તૂટયો.
હારી થાકીને એણે મંત્રીને બોલાયા અને બધી વિગત જણાવી. આ સાંભળીને મંત્રી પણ હેરાન થઇ ગયો. કારણ રાજાએ એને મૂર્તિ બનાવવાની જવાબદારી સોંપી હતી અને મૂર્તિ લીધા વગર રાજાને મોઢું બતાડવા લાયક એ રહે તેમ નહોતો. એ વિચારવા લાગ્યો કે આટલો કુશળ મૂર્તિકાર જો મૂર્તિ ન બનાવી શક્યો તો બીજું કોણ બનાવી શકશે ? ખૂબ વિચાર કરીને મંત્રી એ જ રાજ્યના બીજા એક સામાન્ય મૂર્તિકાર પાસે ગયો અને એણે મૂર્તિ બનાવવા માટે પેલો પથ્થર મૂર્તિકારને આપ્યો.
મૂર્તિકારે પોતાનો હથોડો લીધો અને એ પથ્થર પર માર્યો. એક જ ઘામાં પથ્થર તૂટી ગયો. મૂર્તિકારે મૂર્તિ બનાવવાનું શરુ કર્યું અને થોડા જ દિવસોમાં મૂર્તિ બનાવી લીધી. મૂર્તિ બહુ જ સુંદર બની હતી. મૂર્તિ લઇ એ મંત્રી પાસે ગયો.
મૂર્તિ જોઈ મંત્રી વિચાર કરવા લાગ્યાં કે 'પહેલાવાળા કુશળ મૂર્તિકારે આ મૂર્તિ ઉપર પચાસ હથોડા માર્યા છતાં પણ એ ન તૂટી અને આ એક સામાન્ય મૂર્તિકારે એક જ ઘા એ એ પથ્થર તોડી નાખ્યો ?'
પોતાની મૂઝવણ વિશે મંત્રી મૂર્તિકારને બધી હકીકત જણાવી અને એક પ્રશ્ન પૂછ્યો કે,
'આવું કેમ થયું ?'
ત્યારે મૂર્તીકારે જવાબ આપ્યો કે,
'મહારાજ આનો જવાબ બહુ સ્પષ્ટ છે. મેં પથ્થર ઉપર પહેલો નહીં પણ એકાવનમો હથોડો માર્યો હતો. પહેલાવાળા મૂર્તિકારે એક હથોડો જો વધારે હોત તો આ પથ્થર તૂટી જાત. પરંતુ એણે હાર માની લીધી.'
મિત્રો તમે શું એજ ભૂલ કરો છો જે પહેલાં મૂર્તિકારે કરી હતી ?
એવાં ઘણાં લોકો છે જેમણે સફળતાની બહુ જ નજીક જઇ અને સફળતા મળ્યા પહેલા હાર સ્વીકારી લીધી છે. તમે પણ શું આમ નથી કઈ કરી રહ્યા ને ?
લોકો સમસ્યાઓથી ડરી જાય છે અને પાછા પગલા માંડે છે પરંતુ તમારે આમ નથી કરવાનું. કારણ હાર માની લેવાથી કોઈ ફાયદો થતો નથી. માત્ર જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોશિશ કરતા રહો આમ ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી જીત ન મળી જાય.
હજી પણ મોડું નથી થયું. બસ પ્રયત્નો ચાલુ રાખો. ક્યારેય પણ ઝૂકી ન જાઓ. એક રણનીતિ બનાવો અને ત્યાં સુધી પ્રયાસ કરતાં રહો જ્યાં સુધી સફળતા ન મળે. તમારી નિષ્ફળતા વિશે વિચારવાનું છોડી દો અને સફળતા મેળવવા માટે દિલોદિમાગ લગાવી ઝઝૂમો. કારણ તમારી પાસે નિષ્ફળ જવાનો વિકલ્પ જ નથી.
ડરો નહીં. કોઈપણ સમસ્યા તમારી ક્ષમતા કરતાં મોટી નથી. કોશિશ કરતા રહેશો તો તમને એક દિવસ સફળતા મળશે જ. તમારું લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી હાર સ્વીકારો નહીં. પહાડ જેવડી મુસીબતોને જોઇને તમે સાવ નાના માણસ છો એવું ન વિચારો. કારણ હિંમત રાખીને ગમે તેવો નાનો માણસ હિમાલયના શિખર સુધી પહોંચી જાય છે.
આપણે બધા આ ભાગદોડથી ભરેલી જિંદગીમાં કેટલીયે મુસીબતો અને તનાવનો સામનો કરીએ છીએ. આ સામનો કરતાં આપણે થાકી પણ જઇએ છીએ તેમ છતાં પણ આપણે આપણી જાતને હાર માનવાની પરવાનગી આપવી જોઇએ નહીં.
હંમેશા યાદ રાખો કે ધૈર્ય અને વિશ્વાસ સાથે આપણે સફળતા તરફ આગળ વધતા રહેવાનું છે. આપણે માટે એ જરૂરી છે કે ગમે તેવી મુશ્કેલ
પરિસ્થિતિમાં આપણે અડગ થઇને ઉભા રહીએ અને સંઘર્ષ કરતાં રહીએ. હારવાને બદલે આપણે મુશ્કેલ રસ્તાઓ ઉપર આગેકૂચ કરતા રહેવું પડશે. જો સંજોગો સામે લડીને આપણે શારિરીક કે માનસિક થાકનો અનુભવ કરીએ તો થોડો સમય આરામ લેવો જોઇએ. આના કારણે આપણી શક્તિ અને તાજગી પાછી ફરે છે જેથી આપણે ફરીથી સંઘર્ષ કરી શકીએ અને હાર માનવાથી બચી શકીએ છીએ.
સફળતાનું રહસ્ય છે.
'સંઘર્ષ કરતા રહો.'
સંઘર્ષ કરવાથી આપણી છૂપાયેલી શક્તિ બહાર આવે છે અને આપણે લક્ષ્ય તરફ આગેકૂચ કરી શકીએ છીએ. એટલું જ નહીં એને પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલા પણ ભરીએ છીએ. બસ આ વાતને તમારા મનમાં બરાબર અંકિત કરી દો કે સંઘર્ષ કરીએ, જરૂર પડે આરામ કરીએ પણ ક્યારેય હાર ન સ્વીકારીએ.
તમારી મહેનત અને સામર્થ્યને સંઘર્ષપૂર્ણ બનાવો અને જીત તરફ આગળ વધો. પીડા બધાને એક સરખી થાય છે પરંતુ પ્રતિભાવો બધાના અલગ અલગ હોય છે. કોઈ હતાશ થઇને બેસી જાય છે તો કોઈ સંઘર્ષ કરીને ઝળહળી ઉઠે છે. તમે વહેતી નદીને જોઈ હશે અને એ નોંધ્યું હશે કે પોતાના ઉદ્ભવ સ્થાનથી તે ઝડપથી વહેતી આગળ નીકળે છે અને શરૂઆતથી જ એનું લક્ષ્ય એની મંઝીલને પ્રાપ્ત કરવાનું હોય છે. ક્યારેક ક્યારેક રસ્તામાં મુશ્કેલીઓ આવે છે પણ હજારો અંતરાયોને પાર કરીને એ આગળ વધતી જ રહે છે. ક્યારેક એનું વહેણ ધીમું પડે છે પરંતુ ક્યાય એ અટકતી નથી. ખળખળ અવાજ સાથે વહેતા એ પોતાની મંઝીલ તરફ આગળ વધતી રહે છે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરીને જ રહે છે.
તમારે પણ એ નદી જેવા બનવાનું છે. જે કોઈપણ કિંમત ચૂકવીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી જ નિરાંતનો શ્વાસ લે છે. આજ થોડી નબળી હોય તો કાલ સુધરશે. ક્યારેય આશા ત્યજશો નહીં. આ ધરતી પર એવી કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યા ન હોય અને એવી કોઈ સમસ્યા નથી જેનો કોઈ ઉકેલ ન હોય. મંઝીલ ભલે ગમે તેટલી ઊંચી કેમ ન હોય પરંતુ એના તરફ જવાનો રસ્તો તમારા પગ નીચેથી પસાર થાય છે.
યાદ રાખો જો તમે હાર નહીં માની લો તો તમને કોઈ હરાવી નહીં શકે. તમે સંઘર્ષ કરતા રહો છો અને મુશ્કેલીઓનો સામનો કરતા રહો છો ત્યારે તમારી સંઘર્ષશીલતા અને મનોબળ તમને સફળતાની ઊંચાઈ સુધી પહોંચાડે જ છે. જીતવાની તાકાત આપણામાં જન્મજાત હોય છે. આપણે આપણા સ્વપ્નાો, આપણા માપદંડો અને આપણી ક્ષમતાઓને ટકાવી રાખવાની જરૂર હોય છે.
આપણે આપણી નકારાત્મક લાગણીઓ ઉપર વિજય મેળવી હકારાત્મક દ્રઢ નિશ્ચયથી આગળ વધવાનું છે. આપણે આપણી જાતને એક સશક્ત અને આત્મનિર્ભર વ્યક્તિ તરીકે જોવી જોઇએ અને સંઘર્ષ કરતા રહેવું જોઇએ. કેટલીયે મહાન વ્યક્તિઓએ એમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી સફળતાના શિખરે પણ પહોંચ્યા છે.
હાર માની અને કોઈ સમસ્યાને ઘૂંટણીયે પડવા કરતા આપણે આપણા મનને મજબૂત બનાવી આગળ વધવાનો પ્રયાસ કરતાં જ રહેવું જોઇએ તો જ આપણે જીવનમાં સફળ થઇશું. જો તમે પોતે જ હાર માની નહીં લો તો આ દુનિયામાં તમને કોઈ હરાવી નહીં શકે.
લોકો કહે છે કે આ બધો ખેલ નસીબનો કે હસ્તરેખાઓનો છે. પણ હકીકત એ છે કે જેના હાથ નથી એમને પણ પોતાનું ભવિષ્ય હોય છે. કોઈ એ જાણતું નથી કે ક્યારે શું થશે ? એટલે જ આપણું નસીબ આપણે જાતે બનાવાનું છે. તમારે જીવનના આ મેદાનમાં એક કુશળ ખેલાડી તરીકે અડગ થઇને ઝઝૂમવાનું છે. શક્ય છે કે એકાદી સફળતા તમને મળી જાય અને આવી એક સફળતા અન્ય સફળતાઓની હારમાળા સર્જી શકે છે.
ઉભા થાઓ અને ફરીથી એ રીતે ઉઠો કે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં સમાઇ જાય. જે લોકો સફળતા મેળવવા માંગતા હોય એમણે આખરી ક્ષણ સુધી પણ હિંમતન હારવી જોઇએ જે ક્ષણે આપણે હાર માની લઇએ છીએ એ ક્ષણે જ આપણે નિષ્ફળ થઇ જઇએ છીએ.
ન્યુરોગ્રાફ
સફળતા ન મળે ત્યાં સુધી આપણે હાર માની લેવી જોઇએ નહીં. કારણ જે ક્ષણો આપણે હાર માની લઈએ છીએ એજ ક્ષણે આપણે નિષ્ફળ જઇએ છીએ.