સોરી...પાપા...મને છેલ્લીવાર માફ કરો

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
સોરી...પાપા...મને છેલ્લીવાર માફ કરો 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- આંગળી પકડીને ચલાવતો કે હવામાં અધ્ધર ઉછાળતો પિતા સંતાનમાં એક ગજબનો વિશ્વાસ પેદા કરે છે કે - 'પિતા મને ક્યારેય નીચે પડવા નહીં દે!!'

ઊં ઘની દવાનું ઇન્જેકશન લીધા પછી પણ તપન પથારીમાં પડખાં ઘસી રહ્યો હતો. ભાંગી ગયેલાં હાડકાંના ઑપરેશન પછી કરાયેલા પ્લાસ્ટરને કારણે હાથપગનું હલનચલન મુશ્કેલ અને પીડાકારક હતું. જો કે તપનની અનિન્દ્રાનું કારણ શારીરિક પીડા નહીં પણ મનમાં સતત ચાલતા વિચારો હતા.

રૂમમાં ટમટમતી ફૂટલાઈટના ઝાંખા પ્રકાશમાં તે પોતાના વહાલસોયા પિતાને જમીન પર પથારી કરી ઘસઘસાટ ઊંઘતા જુએ છે અને સ્વગત બબડે છે : 'સોરી...પાપા...મને છેલ્લીવાર માફ કરો. હવે હું તમને ક્યારેય દુ:ખ નહીં પહોંચાડું.'

તપનને મધુર બાળપણ યાદ આવે છે. નાનકડા તપ્પુને મમ્મી ખૂબ લાડ લડાવે છે. ભાવતું ભોજન બનાવી આપે છે, ચૉકલેટ અને રમકડાંનો ઢગલો કરે છે, પરંતુ પિતા અજયભાઈની વહાલ કરવાની રીત અદ્ભુત છે.તપ્પુ પર વહાલ વરસાવતાં અજયભાઈ તેને પોતાના ખભા પર બેસાડી જોરજોરથી ફૂદડી ફરે છે. માતા ગુસ્સે થાય છે... છોકરો નાનો છે...નાસમજ છે. તમે બરાબર પકડી નહીં રાખે તો ફંગોળાઇને પડશે ત્યારે માથું ફોડશે. આવી ટકોરને અવગણીને તપ્પુને વધારે ને વધારે ફૂદડી ફેરવે અને પછી કહે, 'અરે ગાંડી શું તપ્પુ પર તને એકલીને જ વહાલ છે ? મને વિશ્વાસ છે કે ગમે તેવા સંજોગોમાં પણ હું તપ્પુને ક્યારેય નહિ નહીં પડવા દઉં.'

અમારા બાપ-દીકરાની પક્કડ મજબૂત જ રહેવાની. હું એને કસીને પકડું છું એથી વધારે એ મને વળગીને ચોંટી જાય છે.

તપનને પણ દ્રઢ વિશ્વાસ હતો કે, 'પિતા મને ક્યારેય નીચે પડવા નહીં દે.' એટલે જ તો એ જેમ જેમ વધારે ફૂદડી ફરતો તેમ તેમ વધારે ને વધારે ખિલખિલાટ કરતો.

નાનપણમાં પિતાની આંગળી પકડીને ચાલવું તપનને ખૂબ ગમતું. આજે આટલાં વર્ષો પછી એને સમજાય છે કે પિતાએ તેની આંગળી-એનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો ન હોત તો તે જિંદગીમાં અનેક પછડાટો ખાઈને ક્યાંયે ભટકતો હોત. આટલે વર્ષે પિતાની આંગળી છોડીને તેમની સલાહ વિરુદ્ધ વર્ત્યો ત્યારે કેવો ખરાબ રીતે પટકાયો છે ?

અજયભાઈએ પોતાની કારકિર્દી બૅન્કમાં ક્લાર્ક તરીકે શરૂ કરી હતી. પણ પુત્રને સ્વર્ગના તમામ સુખો આપવાની તમન્નાને કારણે બૅન્કનો પગાર ઓછો લાગતાં તેમણે પોતાનો નાનો ધંધો શરૂ કર્યો હતો. પુત્ર-પ્રેમે તેમને સાહસિક બનાવ્યા હતા અને જોતજોતામાં તો તે કન્સ્ટ્રકશનનો ધીકતો બિઝનેસ કરવા લાગ્યા હતા.

વ્યસ્ત એન સફળ બિઝનેસમૅન બન્યા પછી પણ અજયભાઈ તપ્પુ માટે એક સાચા પિતા હતા. 'ટેસ્ટ ટયૂબ બેબી અને આર્ટિફિશિયલ ઇન-સેમિનેશન'ના આ જમાનામાં પિતા માટે સંતાન હોવું સરળ બની ગયું છે. પણ સંતાનોને સાચો પિતા મળે એ સહેલી વાત નથી સાચો પિતા જીવનમાં લાંબા અને કંટાળા રસ્તા પર સફર માટે સજ્જ થઇ રહેલા સંતાનને અનેક પ્રકારે આધાર આપે છે. સંતાનને આંગળી પકડીને ચલાવતો કે હવામાં ઉછાળી પડવા ન દેતો પિતા સંતાનમાં એક ગજબનો વિશ્વાસ પેદા કરે છે : 'પિતા મને ક્યારેય નીચે નહીં પડવા દે.' એવો વિશ્વાસ બાળકમાં ગમે તેવી નિષ્ફળતા સામે ટકી રહેવાનું બળ આપે છે. સંતાનની કોઈપણ સફળતાના પાયામાં તેના પિતાએ મુશ્કેલ કાર્યનો આરંભ કરવા માટે આપેલી હિંમતનું મૂલ્ય ઘણું મોટું હોય છે.

તપનને પાછું પોતાનું બાળપણ યાદ આવ્યું. ઘરેથી પાંચ કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં મૂકવા પિતા જાતે જ સવારે વહેલા ઊઠી પોતાના ટુ વ્હીલર પર જતા અને સ્કૂલ છૂટે ત્યારે તપ્પુને ઘેર લઇ જવા સ્કૂલના ઝાંપા બહાર રાહ જોતા. સાંજે હોમવર્ક કરાવતા. પરીક્ષાના સમયમાં પોતાનાં બધાં જ કામ પડતાં મૂકી પોતાની પરીક્ષા હોય તેમ તૈયારીમાં લાગી જતા.

વરસો વીતતાં ગયાં. અજયભાઈની આંગળી પકડીને ચાલતાં શીખનાર તપન પહેલાં ડગભર અને પછી પગભર થયો. પપ્પાના કન્સ્ટ્રકશનના બિઝનેસમાં જોડાઈ ગયો. તપન પિતાના સમવયસ્ક જેવો બની ગયો. સંબંધોનું સ્વરૂપ બદલાયું. એક દિવસ જેની આંગળી પકડીને બાળપણ વિતાવ્યું હતું તે જ પુરુષના ખબા પર હાથ મૂકીને ચાલી શકાય એવી દોસ્તી તપન અને અજયભાઈ વચ્ચ વિકસી.

પિતા-પુત્રના આ પરફેક્ટ કોમ્બિનેશનને તપનના મોર્ડન ફૅન્ડસનું ગ્રહણ લાગી ગયું. યુવાનીનાં વર્ષો પાર્ટી, ક્લબ, પિકચર, નેટ સર્ફિંગ અને મદિરાની મસ્તી કરવા માટે તથા ધૂમ્રસેરો ઉડાડી બેફિકરા બનવા માટે પણ હોય છે એવી ભ્રમણા સોબત જૂથના દબાણ હેઠળ તપનને લાગવા માંડી. શરૂઆતમાં તો મિત્રતુલ્ય પિતાને છેતરવાનો ક્ષોભ થયો, આંખથી આંખ મિલાવવાની તકલીફ પડી પણ ધીરે ધીરે તેને ખોટું બોલતાં ફાવી ગયું. પિતાએ પુત્ર પર વિશ્વાસ રાખ્યો પણ એ ઠગારો નીવડયો. નશાખોર પુત્રની હરકતો પિતાને સમજાઈ ગઈ. તેમને કારમો આઘાત લાગ્યો. એકાએક હાર્ટ એટેક આવ્યો. એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકવો પડયો. જેનાથી હાર્ટની કાર્યવાહી નોર્મલ થઇ શકી, પણ પુત્રના વર્તનથી લાગેલા તિવ્ર આઘાતે તેમને તિવ્ર હતાશાની ગર્તામાં ધકેલી દીધા.

કન્સ્ટ્રકશનનો ધંધો તૂટવા લાગ્યો. આમ પણ તપનને આવી કાળી મજૂરીમાં રસ નહોતો રહ્યો. મિત્રોની સલાહથી તેણે શૅરબજારમાં સટ્ટો શરૂ કર્યો. બાળપણમાં મળેલા માનસિક બળને કારણે તપનનો નવેસરથી ધંધો આરંભ કરવાનો આત્મવિશ્વાસ ગજબનો હતો. 

શૅરબજારમાં તપને ઊંચા શિખરો સર કર્યા. પૈસા વધ્યા, મોજશોખ વધ્યા. શૅરબજારની તેજી-મંદીને કારણે મૂડના ચઢાવ-ઉતાર પણ વધ્યા. આ ફાઈનાન્સિયલ સ્ટ્રેસમાં તપન શરાબનો પાકો બંધાણી બની ગયો.

માતા-પિતાએ અનેકવાર સમજાવ્યો, સોગંદો આપ્યાં, કાકલૂદી કરી, સારવાર કરાવવાનો આગ્રહ કર્યો પરંતુ તેને પિતાની સલાહ વામણી લાગી. મોર્ડન લિવિંગના કન્સેપ્ટથી અજાણી પિતાની વાતો પર તેણે ધ્યાન ન આપ્યું કે પછી એનું ધ્યાન જ ન ગયું. કારણ એક સત્યને તે ભૂલી ગયો કે ગમે તેટલી સફળતાના શિખરે ઊંચે ચઢ્યા પછી પણ પિતાને જોવા માટે નીચા વળવું પડતું નથી. પિતાને જોવા માટે અને તેમની વાતો સમજવા માટે તમારે તમારી ગમે તેટલી ઊંચાઈએથી પણ માથું ઊંચું કરીને જોવું પડે છે.

શેરબજાર ગગડયું. તપનને મોટું નુકશાન થયું. મિત્રો મોઢું સંતાડવા લાગ્યા. ઘેરી હતાશામાં ગરકાવ તપને શરાબની બોટલો પર બોટલો ઉડાડવા માંડી. એક દિવસ નશામાં રેસ ડ્રાઇવિંગ કરવાને કારણે તેને અકસ્માત થયો. નાનાં મોટાં સોળ ફેકચર થયાં. હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશનો કરાયાં. અજયભાઈ પુત્રની સેવામાં ખડે પગે હાજર રહ્યા.

તપનનાં હાડકાં સંધાતાં જતાં હતાં. પણ હોસ્પિટલની પથારીમાં પડયા પડયા તે જેમજેમ ભૂતકાળ વાગોળતો જતો હતો તેમતેમ વધારે ને વધારે નિરાશ બનતો જતો હતો. મન વધારે ભાંગતું જતું હતું. સતત અનિન્દ્રા, બેચેની અને હતાશાનો અનુભવ કરતું મન રડયા કરતું હતુ.

હા...એ દિવસે મારી સાથેના પ્રથમ સિટિંગસમાં જ તપને તેની અપરાધભાવની લાગણીને વાચા આપી. હૃદયને રડવા દેવાયું. આંખોમાંથી પસ્તાવાનું વિપુલ ઝરણું વહ્યું. તપન સતત બબડતો રહ્યો, 'પાપા...પ્લીઝ...મને માફ કરી દો... મને વિશ્વાસ છે તમે મને ક્યારેય નીચો નહીં પડવા દો. અને જો હું ભોંય પર પડી ગયો હોઈશ તો મારી આંગળી પકડી મને બેઠો કરશો, નવેસરથી શરૂઆત કરવાની હિંમત આપશો.' એ દિવસે પિતા-પુત્ર છાતી સરસા ભેટયા હતા. ત્રીસ વર્ષના તપનને ફરી એકવાર ખભા પર બેસાડીને ગોળગોળ ફૂદડી ફરવાની અજયભાઈને ઇચ્છા થઇ આવી હતી.

પિતાના ટેકાથી તપનમાં નવેસરથી કન્સ્ટ્રકશનનનો ધંધો શરૂ કરવાનો આત્મવિશ્વાસ આવ્યો અને પિતા-પુત્ર ખભા ખભા મિલાવી મુશ્કેલીમાં રસ્તો કંડારવા લાગ્યા.

આજે આ વાતને દાયકો વીત્યો છે. તપનના ખાસ દોસ્ત એટલે કે અજયભાઈ આ દુનિયામાં પોતાનો એક ફોટો, સુખડનો હાર અને ધૂપસળીમાંથી નીકળતા ધુમાડાની થોડી ઘણી સેર રાખીને ચાલ્યા ગયા છે. જો કે તપન કહે છે કે પપ્પા ક્યાંય ગયા નથી. એ મારામાં જીવંત છે. એક સમયે એમનું જે જીવન હતું તે જ હું આગળ ધપાવું છું. હું એમનાં અધૂરાં કાર્યો પૂરાં કરીશ.

તા. ૧૬મી જૂનના રોજ 'ફાધર્સ ડે' આવે છે તેના અનુસંધાનમાં તપન અને અજયભાઈની આ સત્યકથા મને યાદ આવી છે. વ્યક્તિના જીવનમાં માતાનું એક સ્થાન હોય છે. માતા હૃદયવાચક ્ને ભાવવાચક શબ્દ છે, જ્યારે પિતાનું બીજું સ્થાન હોય છે.પિતા મનવાચક અને માનવાચક શબ્દ છે. પિતા-પુત્ર કે પિતા-પુત્રી વચ્ચે 'થેંક્સ ગિવિંગ' જેવો ઔપચારિક વ્યવહાર હોતો નથી. સંતાનો માટે પિતા એક સદાય લીલુંછમ રહેતું, શીળી છાંયડી આપતું. થાકી જવાય ત્યારે વિસામો આપતું ઘટાદાર વટવૃક્ષ છે.

ન્યુરોગ્રાફ :

સંતાનને માટે માતા જેમ નવો જન્મ લઇ જન્મે છે તેમ પિતાનો નવો જન્મ નથી થતો. બાળક પિતામાં વિકાસ પામે છે. એમની સાથે તાદાત્મ્ય-  identification સાધે છે. પોતાના પિતા જેવા થવું એ પ્રત્યેક બાળકનું સ્વપ્ન હોય છે.


Google NewsGoogle News