શું કરું કે ઝાંઝવાઓએ ડૂબાવ્યો છે મને .
- હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- અંધકારને ભેદતો પ્રકાશ રેલાશે અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે. અને એ માર્ગ હતાશા કે આત્મહત્યા તરફ નહીં જીવન તરફ દોરી જશે... સફળતા તમારા કદમો ચૂમશે
જી તવું એટલે પછડાટો ખાવા છતાં ફરીથી બેઠા થવું. જીવનમાં ઝળહળતી સફળતા મેળવવાના પ્રયત્નો કરતાં તમને નિષ્ફળતા મળે, તમે નાસીપાસ થઈ જાવ એટલે તમને એવા વિચાર આવે કે હંમેશાં મારી સાથે જ આવો અન્યાય કેમ? તો આ લેખ પૂરો વાંચી જાવ.
સત્યાવીસ વર્ષનો આશાસ્પદ સંજય જીવનથી કંટાળી આત્મહત્યા કરવા માગતો હતો એટલે કોઈને કહ્યા વગર ઘેરથી નીકળી ગયો. પેઈનલેસ-સેલ્ફ કિલિંગ અર્થાત્ જીવનનો પીડા રહિત સચોટ અંત આણવાનો વિચાર કરતાં તે ટ્રેનના પાટા સુધી પહોંચી ગયો હતો.
મરવાનો ઈરાદો પાકો હતો. ટ્રેન થોડા સમયમાં જ ત્યાંથી પસાર થવાની હતી. તે પાટા પર સૂઈ ગયો અને તેણે રાહતનો દમ ખેંચ્યો... કારણ મૃત્યુ હવે હાથવેંતમાં હતું. થોડા સમયમાં જ તેના યાતનાભર્યા જીવનનો અંત આવવાનો હતો.
સંજયની આંખ સમક્ષ માતા-પિતાનો પ્રેમાળ અને દયનીય ચહેરો ખડો થયો. ચાર પુત્રી ટેકણ લાકડી સરખો પુત્ર ગુમાવ્યા પછી એમનું શું થશે એ વિચારે તેને વિચલિત કરી દીધો.
ત્યાં પિતાના શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા. ''તુ જિંદગીમાં કંઈ જ કરી શકે તેમ નથી. તારી ઉંમરના લોકો તો ક્યાંય આગળ નીકળી ગયા. જ્યારે તું ઠેરનો ઠેર છે. સાવ માથે પડયો છે. આના કરતાં ભગવાને દીકરો ન આપ્યો હોત તો વધારે સારું હતું...''
સંજયે આ શબ્દોના પડઘા વાગતાં જ આત્મહત્યા કરવાનું ફરીથી નક્કી કર્યું. ત્યાં એને 'મા'નો પ્રેમ અને લાગણી સાંભર્યા. તે ગૂંચવાડામાં પડયો. જીવવું કે મરવું એ વિમાસણમાં તે પાટા પરથી ઊભો થઈ ગયો. એટલામાં નાનકડા ગામમાંથી પસાર થતી એક માત્ર ટ્રેન ઝડપથી નીકળી ગઈ. એટલે આત્મહત્યા કરવાના વિચારનો અમલ ચોવીસ કલાક સુધી મુલતવી રહ્યો. સંજય ઘેર જવા માગતો ન હતો. તે સાવ ભાંગી પડયો. પોતાની વાત કરતાં ધુ્રસકે ધુ્રસકે રડી પડયો અને બોલ્યો, ''કોઈ પણ માણસ કેટલી નિરાશા સહન કરી શકે?... માત્ર મારી સાથે જ આવું કેમ બને છે? હકીકતમાં હું ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો. એસ.એસ.સી. બોર્ડનો રેન્કર હતો. અગિયારમા ધોરણમાં હું સફળતાનો ગ્રાફ વધારે ઊંચો લઈ ગયો. બારમા ધોરણની તૈયારી જોરદાર હતી. ગામમાં ને સ્કૂલમાં મારી હોંશિયારીના દાખલા અપાતા હતા. એસ.એસ.સી. બોર્ડનો સમંદર હું આસાનીથી તરવા સક્ષમ હતો પણ મને ઝાંઝવાએ ડૂબાડયો.''
બોર્ડની પરીક્ષાના બાર દિવસ પહેલાં મને આંતરડામાં સખત દુ:ખાવો ઊપડયો. હું પરીક્ષા આપી ન શક્યો. બીજી ટ્રાયલે મારા માંડ પિસ્તાલીસ ટકા આવ્યા. લોકોની નજરમાંથી હું ઊતરી ગયો. મને મારી જાત પર ધિક્કાર થવા લાગ્યો.
ફર્સ્ટ ઈયર સાયન્સમાં મેં તનતોડ મહેનત કરી પરંતુ પરીક્ષાના પંદર દિવસમાં મારા હાથમાં ધુ્રજારી શરૂ થઈ. હું માત્ર અડતાલીસ ટકા માર્ક્સ લાવી શક્યો.
ટી.વાય.બી.એસસી.માં મેં મારી તમામ તાકાત કામે લગાડી તોયે મારો ફર્સ્ટ ક્લાસ ન આવ્યો. મને એમ.એસ.સી.માં એડમિશન ન મળ્યું. મેં બી.એડ્.માં એડમિશન લેવાનું નક્કી કર્યું પણ સતત ત્રણ વર્ષ સુધી મારો નંબર ન આવે અને એડમિશન અટકી જાય.
બેકારીના આ વર્ષો દરમિયાન મેં આધુનિક સાયન્ટિફિક પદ્ધતિથી ખેતી કરવાનું નક્કી કર્યું. બે વર્ષ તનતોડ મહેનત કરી પણ બંને વર્ષ નબળા નીકળ્યા. પિતાશ્રીએ સુણાવી દીધું કે તારી પદ્ધતિથી ખેતી કરવામાં મને નુકસાન થયું છે.
પિતા સાથે મતભેદ થતાં મેં ટયૂશન ક્લાસ ખોલ્યા અને ખેતી છોડી દીધી. થોડા જ સમયમાં મારા ક્લાસીસનું નામ ગૂંજવા લાગ્યું. પરંતુ વર્ષાંતે તેમાં પણ મારા પાર્ટનરે દગો દીધો. હું ભાંગી પડયો. દરિયો તરવાની ક્ષમતા ધરાવનાર હું ઝાંઝવામાં ડૂબી ગયો. માત્ર મારી સાથે જ આવું કેમ બને છે એ વિચારે મને તોડી નાંખ્યો.
આ બધું ઓછું હોય તેમ હું યુવતીના પ્રેમમાં પડયો. મને બધી જ રીતે સમજી શકે એવું એ પાત્ર હતું. અમે બંનેએ સોમનાથના કાંઠે અમારી કલ્પનાઓનું રેતીનું ઘર બનાવ્યું. અમારા ભાવિ સંતાનોના નામ પણ નક્કી કરી નાખ્યાં. પરંતુ કુટુંબના વડીલોને આ મંજૂર ન હતું. એમની જિદ સામે ઝૂકી જઈ મેં મારા પ્રેમનું ગળું ઘોંટી નાખ્યું. હું એક જીવતી લાશ બની ગયો. કુદરતે મને જ અન્યાય કરવાનું અને મારી ક્રૂર મશ્કરી કરવાનું ચાલુ રાખ્યું.''
એ બોલતો ગયો... એની પાસે જિંદગીના ડઝનબંધ એવા અનુભવો હતા જે એને મળેલી નિષ્ફળતાની સાક્ષી આપતા હતા. દરેક વેદનાગ્રસ્ત ઘટનાના અંતે તે એટલું બોલતો હતો કે માત્ર મારી સાથે જ આવું કેમ બને છે? જીવનમાં હંમેશાં મને જ નિષ્ફળતા શા માટે મળે છે?
સંજયની વેદના સાંભળી તમે હચમચી ગયા કે પછી તેના પર સહાનુભૂતિ થઈ?... દયાભાવ ઊપજ્યો? સંજયની અસહ્ય વેદનામાં ખોવાઈ ગયેલા કે પછી તેને શું પ્રતિભાવ આપવો એ નક્કી ન કરી શકતા સહુ કોઈ સમજી લે કે - માનવજીવન દુ:ખ-દર્દ, હતાશા અને પીડાઓથી ભરેલું છે. સંઘર્ષનો તાપ તમને એકલાને જ
દઝાડે છે એવું અનુમાન તમે બાંધ્યું હોય તો તે ખોટું છે. આ દુનિયામાં ઉછીનું સુખ મળે છે. તમારી ખરીદશક્તિ મુજબ તમે સુખ ખરીદી શકો છો, પરંતુ વેદના, દુ:ખ-દર્દ ક્યાંયથી ખરીદી શકાતાં નથી. બીજાઓની પીડા જોઈને તમે તેમાં તમારું જ પ્રતિબિંબ નિહાળો છો એટલે જ દુ:ખી થાવ છો. સહુ કોઈએ પોતાની પીડા પોતે જ ભોગવવાની હોય છે. સહાનુભૂતિના શબ્દો તમારી વેદનાને થોડો સમય હળવી જરૂર બનાવશે પણ એનો સામનો તો પોતાની જાતે જ કરવો પડશે.
ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે જીવન અંધકારમય લાગે તો પણ આત્મહત્યા તેમાંથી છૂટવાનો એક પલાયનવાદી વિચાર છે.
સંજયને લોકો શું કહેશે એ વિચારે હીન ભાવનાનો શિકાર બનાવ્યો છે પણ આત્મહત્યા કરીને એ પુરવાર કરી શકશે ખરો કે પોતે કેટલો કાબેલ હતો? કદાચ લોકો કાયર પણ કહે. જોકે એની કદાચ સંજયને ચિંતા નહીં હોય કારણ એ સાંભળવા માટે તો સંજય જીવતો રહેવાનો નથી. તો પછી લોકો શું કહેશે એની પરવાહ કરી પોતાની સેલ્ફ ઇમેજ જીવતાં જ ખંડિત કરવી જરૂર છે ખરી?
લોકો સમક્ષ સતત પોતાની જાતને પુરવાર કરવા મથતા, નિષ્ફળતાથી હતાશાની ગર્તામાં ધકેલાઈ જતાં સેંકડો લોકો છે. સતત સફળતા જ મળવી જોઈએ એની ઝંખના રાખતા અને નિષ્ફળતાને ન પચાવી શકનાર લાખો લોકો છે. સમુદ્રને તરવાની તમારામાં ક્ષમતા હોય પણ ઝાંઝવાના જળમાં તમે ડૂબી જાવ એ શક્ય છે. પણ આવું માત્ર તમારી સાથે જ બને છે એ વાત ખોટી છે. અને આમાંથી બહાર નીકળવાનો રસ્તો માત્ર આત્મહત્યા જ છે એ વિચારધારા બીમાર માનસિકતાનું પ્રતીક છે.
જીવનમાં નિષ્ફળતા ડગલે ને પગલે લગભગ દરેકને મળે છે. સફળતાની દરેક કહાનીની પાછળ નિષ્ફળતાના સંખ્યાબંધ અનુભવો હોય છે.
એક સત્ય હકીકત છે. એ એકવીસ વર્ષની ઉંમરે ધંધામાં નિષ્ફળ ગયો. બાવીસ વર્ષની ઉંમરે ચૂંટણીમાં ઊભો રહ્યો અને ધોબી પછડાટ ખાધી. ચોવીસ વર્ષની ઉંમરે નવો ધંધો શરૂ કર્યો જેમાં નિષ્ફળ ગયો. છવીસ વર્ષની ઉંમરે એની પ્રેમિકાનું મૃત્યુ થયું. હતાશ થયો પણ હિંમત ન હાર્યો.
ચોત્રીસ વર્ષની ઉંમરે ફરીથી ચૂંટણીમાં ઊભો રહ્યો અને હારી ગયો. પણ હિંમત હાર્યા વગર પિસ્તાલીસ વર્ષની ઉંમરે એ સેનેટની ચૂંટણીમાં ઊભો રહ્યો. ફરી હાર્યો. સુડતાલીસ વર્ષની ઉંમરે વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડયો અને હાર્યો. ઓગણપચાસ વર્ષની ઉંમરે ફરી એક વાર સેનેટર તરીકે હાર્યો અને બાવન વર્ષની ઉંમરે તે ફરીથી ચૂંટણીમાં ઊભો ત્યારે લોકો કહેતા જીતવાનું કોણ એ નક્કી નથી, પણ હારશે કોણ એ નક્કી છે. પણ તે હિંમત ન હાર્યો. પૂરા જોશથી, આત્મવિશ્વાસથી બધી જ શક્તિ કામે લગાડી તે લડયો... અને પ્રેસિડેન્ટની ચૂંટણી જીતી ગયો. આ નિષ્ફળતાની હારમાળા સર્જ્યા પછી સફળ થનાર વ્યક્તિનું નામ છે અબ્રાહમ લિંકન.
અને સચિન તેંડુલકરની જ વાત કરો. ક્રિકેટના ભગવાન તરીકે પૂજનાર મીડિયાએ ૧૦૦મી સેન્ચુરી મારતાં તેને મળેલી નિષ્ફળતાઓ બદલ તેની કેટલી ઝાટકણી કાઢી હતી? એક વર્ષ સુધી સચિનભાઈ ચોમેર ગવાતાં. સાથે ક્રીઝ પર ઊતરે અને પછી ટીકાઓ અને ગાળોનો વરસાદ સાથે સસ્તામાં આઉટ થઈ પાછા ફરે. લોકો કહે અંગત કારકિર્દી માટે રમવાનું બંધ કરી રિટાયરમેન્ટ લઈ લો. ટીમ ઈન્ડિયા ક્રિકેટના આ ભગવાનની હાજરીમાં બૂરા હાલે હારતી રહી. પણ સંખ્યાબંધ નિષ્ફળતાઓ પછી આખરે તેમણે સેન્ચૂરી મારી.
અમિતાભ બચ્ચેનને કોલકાતા રેડિયો સ્ટેશને ફાટેલા નગારા જેવો અવાજ છે એમ કહી રિજેક્ટ કર્યો. સ્થાનિક ડ્રામા કંપનીએ કહ્યું તારો ચહેરો તો એક્સ્ટ્રામાં પણ ચાલે તેમ નથી. ત્યાર બાદ પણ નિષ્ફળતા મળતી રહી... પણ આખરે સુપર સ્ટાર બન્યો ને?
હા... સફળતા એટલે ટોચ પર પહોંચવું એ નહીં પણ ભોંયભેગા થઈને બેઠા થવું.
સંજય જેવા નિષ્ફળતાથી નાસીપાસ થઈ અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયેલા સંખ્યાબંધ યુવાનો છે. પરીક્ષાની નિષ્ફળતા અને ભાવિ કારકિર્દીની ચિંતામાં દિશાવિહીન થયેલાં લાખો યુવક-યુવતીઓ છે. આ બધામાં પૂરતી ક્ષમતા છે. ફરીથી સફળ થવાની તાકાત છે. એને માટે નિષ્ફળતાની પળોને સંભાળી લેવાની છે. કારણ આ સમય પણ પસાર થઈ જવાનો છે.
પછડાટો ખાવામાં નાનપ અનુભવશો તો પછડાટો પછી ઊભા થવાની સિદ્ધિ હાંસલ નહીં કરી શકો.
કોઈ પણ વસ્તુ તમને સાવ સહેલી લાગે એની પહેલાં ખૂબ જ અઘરી અને મેળવવી મુશ્કેલ લાગતી હોય છે.
એરોડાયનેમિક્સના સિદ્ધાંત પ્રમાણે મધમાખીના શરીરનું વજન એની પાંખો કરતાં ઘણું વધારે હોય છે એટલે એની ઊડવાની કોઈ શક્યતા નથી હોતી છતાં પણ તે ઊડે છે. જીવનમાં સફળતા મેળવવી હોય તો નાસીપાસ ન થાવ... કાર્ય કરનાર બનો. જાતમાં શંકા કરનાર નહીં. તમે જેમ જેમ આત્મશ્રદ્ધા રાખી કાર્ય કરતાં જશો તેમ તેમ જીવનમાં નવી દિશાઓ ખૂલશે. અંધકારને ભેદતો પ્રકાશ રેલાશે અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે. અને એ માર્ગ હતાશા કે આત્મહત્યા તરફ નહીં જીવન તરફ દોરી જશે... સફળતા તમારા કદમો ચૂમશે.
ન્યુરોગ્રાફ
જીવનથી હતાશ થયેલ ડેલ કાર્નેગીએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું પણ એ પહેલાં કેટલાક લોકો સફળ કેમ ગયા તેનો અભ્યાસ કર્યો. પુસ્તકો લખ્યાં અને સફળતાના પર્યાય બની ગયા.