ખોકે અપને પર ભી તો ઉસને થા ઉડના સીખા

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ખોકે અપને પર ભી તો ઉસને થા ઉડના સીખા 1 - image


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- જીવનમાં હારેલી બાજી જીતમાં પલટાવવા તનતોડ મહેનત કરશો તો સફળતા તમારા કદમો ચૂમશે.

આ પણા દેશમાં ક્રિકેટ લોકહ્ય્દયની રમત બની ચુકી છે. ક્યારેક આપણે વિશ્વવિજેતા સુધીના પદ પર પહોંચી જઈએ છીએ. તો ક્યારેક આપણે પ્રાણી સંગ્રાહલયોમાં ફરતા સિંહોની જેમ માત્ર સામુહિક ગર્જના કરી સાવ સામાન્ય ટીમ સામે નાલેશીભરી હાર સ્વીકારી લઈએ છીએ. છતાં પણ ક્રિકેટરો બ્રાંડ એમ્બેસેડર બન્યા હોય એવી જાહેરાતો લોકો ઉત્સાહપૂર્વક જુએ છે. ક્રિકેટનો સતત વિકાસ થતો રહે એટલા માટે દેશપ્રેમી રમતવીરોએ આટલી વ્યવસ્થા તો કરી આપી છે.

ક્રિકેટનો ઈતિહાસ ખોલશું તો ખબર પડશે કે સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને બીજા સંખ્યાબંધ ક્રિકેટરો સફળતાની ટોચ પર પહોંચી નિષ્ફળતાની ગર્તામાં ધકેલાયા છે અને ફરી પાછા સફળતાની ટોચ પર પહોંચી શક્ય છે. આ લોકોએ જીત હોય કે હાર એ બંનેનો સ્વીકાર કર્યો છે, બંનેને  સરઆંખો પર ચઢાવ્યા છે.

વિરાટ કોહલી, મહેન્દ્રસિંગ ધોની અને રોબિન ઉથ્થપા પોતાને મળેલી નિષ્ફળતા અને નિરાશાની જાહેરમાં ચર્ચા કરી ચુક્યા છે અને મનોચિકિત્સાનો સહારો લઈ માનસિક રીતે મજબૂત બની ફરી પાછા કેવી રીતે બેઠા થયા એની વાતો જાહેરમાં એમણે કરી છે. નબળા સમયે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ કાલસર્પ દોષ અને નારાયણબલીની વિધિ કરાવી હતી એવા સમાચારો પણ આવ્યા હતાં. જોકે આવી ભણેલી ગણેલી અને સફળતાના શિખર પર પહોંચેલી વ્યક્તિઓ આવી અંધશ્રદ્ધામાં રાચે એ માત્ર એમને માટે નહીં પણ સમગ્ર બુદ્ધિનિષ્ઠ સમાજ માટે લાંછનરૂપ છે.

માનવજીવનમાં અને ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં એવું કેટલીયે વાર બને છે કે કોઈ એક મહત્વની કસોટીમાં કે પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા પછી એકાએક પરફોર્મન્સ બગડવા માંડે છે અને પછી સામાન્ય પરફોર્મન્સ આપવામાં પણ ફાફા પડવા લાગે છે.

શાળા કોલેજની આંતરિક પરીક્ષાઓમાં સારા ગુણ લાવ્યા પછી

બોર્ડ કે યુનિવર્સિટીમાં એનું પુનરાવર્તન થશે કે કેમ ?

પરીક્ષામાં બધુય યાદ આવશે કે કેમ ?

હવે ફરી એક વાર પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી લોકો સમક્ષ માથું ઊંચું રાખી શકાશે કે કેમ?

એ ડર તો લગભગ બધાને સતાવે છે. ક્યારેક એવું પણ બને છે કે પોતાની તૈયારી સારી હોય, પરફોર્મન્સ પણ સારું હોય તો પણ લાગવગીયા કે પેપર ફોડનારા લોકો વધારે માર્ક્સ લઈ જતા હોય, કોઈ અજ્ઞાાત કારણોસર વિકટીમાઈઝેશન થતું હોય, નિષ્ફળતા મળતી હોય જેથી ભવિષ્ય અંધકારમય લાગતું હોય અને હતાશા ઘેરી વળતી હોય છતાં પણ તમામ વિપરિત સંજોગોમાં સિદ્ધિના શિખર પર પહોંચવાનો સંઘર્ષ સૌકોઈ કરતાં જ રહે છે અને ધ્યેય સિદ્ધ કરવા મરણિયા પ્રયાસો કરે છે જેની નોંધ લેવી પડે અને એમાંથી કંઈક શીખવું પણ પડે.

આજે વાત કરવી છે ક્રિકેટ જગતમાં ''બેડ બોય'' એટલે કે ''વંઠેલ છોકરા'' તરીકે પંકાયેલા સૌરવ ગાંગુલીની. જોકે તાજેતરમાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા ના તેઓ પ્રમુખ રહી ચુક્યા છે. એક વ્યક્તિ તરીકે તેમનામાં ઘણી ખુબીઓ અને ખામીઓ પણ છે અને ટીમ ઈન્ડિયાના એ એક સફળ કેપ્ટન પણ રહી ચુક્યા છે. રમતમાં રાજકારણ અને રાજકારણમાં રમત પણ એ લાવ્યા છે. ટીમ ઈન્ડિયામાં પ્રાણ પુરવા એમણે સખત મહેનત પણ કરી છે અને તુંડમિજાજી વર્તન પણ કર્યું છે પરંતુ એ બધી ચર્ચામાં અત્યારે પડવું નથી.

વાંચક મિત્રોને યાદ હશે કે ક્રિકેટના ઈતિહાસમાં કેપ્ટન ગાંગુલી અને કોચ ગ્રેગ ચેપલ વચ્ચે મોટો વિવાદ થયો હતો. એ વિવાદમાં કોણ કેટલું સાચું એ પ્રશ્ન તો પ્રશ્ન જ રહ્યો છે પણ એ વિવાદ પછી ઘરમાંથી હડહડ કરીને કૂતરું કાઢતા હોય તેમ બધાએ ભેગા મળી કેપ્ટન સાહેબને જગજાહેર ફેરવેલ આપી દીધું હતું. જેથી આ ''બેડ બોય'' વિચિત્ર વર્તન કરી બેસતા હતાં. અને પડતા ઉપર પાટું પડે તેમ એ વખતના મ્ભભૈં ના ચેરમેન અને ગાંગુલીના ગોડફાધર દાલમિયા પણ ''ન કિસીકી આંખ કા નુર હું... ન કિસીકે દિલ કા ચિરાગ હું...'' એવું ગાણું ગાતા સલતનતના શહેનશાહ પદેથી ધરાશાયી થઈ ગયા હતાં અને સૌરવ ગાંગુલીની હાલત ''સગા દીઠામેં શાહ આલમના, ભીખ માંગતા શેરીએ'' જેવી થઈ ગઈ હતી.

સૌરવે ટીમમાં સ્થાન મેળવવા રીતસરનું ભીખ માંગવાનું શરૂ કર્યું. પોતે ક્રિકેટ એકેડમી સ્થાપી, ચેપલને ચીફ એડવાઈઝર બનાવ્યો. બિહાર ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ''દેખો... એ ગઈયાભી હસ રહા હૈ'' જેવો ફાલતું ડાયલોગ બોલતા હોય ત્યારે ''તાલિયા...'' કહી તેમની રહેમનનજરની પણ ભીખ માંગી. પવારની પગ ચમ્પી પણ કરી, બુધ્ધદેવ ભટ્ટાચાર્ય અને સોમનાથ મુખર્જીની પણ પુરતી મદદ લીધી. બેંગાલ ટાઈગરને માનભેર પાછો બોલાવવા લોક આંદોલનો પણ થયા કે કરાવ્યા. ચેપલના પૂતળા પણ બળાવ્યા.

ટીમમાં સ્થાન મેળવવા સ્થાનિક મેચોમાં પણ હવાતિયા મારતાં ગાંગુલીને જોઈ કેટલાક ડાહ્યા માણશો ભાંભર્યા કે ''હવે તો રીટાયર્ડ થાવ.''

વન ડે ક્રિકેટમાં ચુસ્ત ફિલ્ડીંગ, ફાસ્ટ રનીંગ અને ઝડપી સ્કોર કરનારા નવલોહિયાઓની પણ લાઈન લાગવા માંડી હતી અને લોકોને પણ લાગ્યું હતું કે સૌરવ ગાંગુલી હવે ખતમ થઈ ગયો છે.

ચારેય બાજુ અંધકાર, નિષ્ફળતા, જાકારો અને હતાશા હતી ત્યારે ઈંગ્લીશ કાઉન્ટી ક્રિકેટ રમતા સૌરવ ગાંગુલીએ પોતાનો સંકલ્પ જાહેર કરી દીધો કે ''આ વખતના વર્લ્ડકપ વખતે હું કોમેન્ટ્રી બોક્ષમાં નહીં પણ મેદાન પર હોઈશ.'' પરંતુ ત્યારબાદ સૌરવે કાઉન્ટીની મેચોમાં ખાસ કઈ ન ઉખાડયું. ઘરઆંગણે રણજી ટ્રોફીની મેચોમાં પણ શરૂઆતમાં એ નિષ્ફળ ગયો. હવે સૌરવે એક કપરો નિર્ણય લેવાનો હતો. કાંતો એ ક્રિકેટ રમવાનું છોડી દે કાંતો પછી પૂરેપૂરા કમીટમેન્ટ સાથે રમે. થોડો સમય તે વિચારતો રહ્યો. તેણે જોયંવ કે આત્મશંકા, ભય, વિકટીમાઈઝેશનની તલવાર, પક્ષપાતનો ડર વગેરે તેની નજર સમક્ષથી હટવાનું નામ લેતા ન હતાં. મેદાન પર ક્રિકેટની પ્રેક્ટીસ અને મેદાન બહાર પોલીટીકલ મેનેજમેન્ટ કરવામાં તે રમતમાં ધ્યાન આપી 

શકતો નહોતો. આ સમયે સૌરવે તેની જાતને કેટલાક પ્રશ્નો કર્યા.

શું મારામાં પહેલા જેલું કૌવત, કમિટમેન્ટ અને લડાયકવૃત્તિ રહી છે ?

શું હું વિવિધ દબાણોનો સ્પષ્ટતાથી સામનો કરી શકું તેમ છું ?

શું મારામાં મારી જાતને ફરી એક વાર મહાન પુરવાર કરવાની ક્ષમતા છે ?

શું સ્પર્ધામાં ટકી રહી, સતત સારો દેખાવ કરી વાહ વાહ મેળવવાનું બંધ થવાને કારણે કે પછી ગમે તેટલા પ્રયત્નો છતાં પણ છેલ્લા કેટલાક સમયથી મળતી નિષ્ફળતાઓથી હું ત્રાસી ગયો છું ?

શું વિવિધ પ્રકારના ભય મને મારી રમતમાં પુરેપુરો ઓત પ્રોત થતો રોકે છે ?

જીવનની સફરમાં કારકિર્દીને ત્રિભેટી ઉભેલા ભય અને આત્મશંકાને કારણે પોતાનામાં ક્ષમતા હોવા છતાં પોતાના કામમાં મન અને હ્ય્દયની લાગણીથી ઓતપ્રોત ન થઈ શકનાર લોકોની વિમાસણને દૂર કરવા આર્નોલ્ડ બેનેટે લખ્યું છે -

''જીવનમાં બનતી દુઃખદાયક ઘટનાના મૂળમાં સૌથી વધારે દુઃખદાયક સ્થિતિ એ છે કે આવી વ્યક્તિ ક્યારેય જીવનમાં તેમને કરેલા મહત્તમ પ્રયાસ બદલ પોતાની જાતને શાબાશી આપતી નથી અને તેની મૂળભૂત ક્ષમતા પ્રમાણે મસ્તક ઊંચુ રાખીને ચાલી શકતી નથી.''

પણ સૌૈરવ ગાંગુલીએ એક દિવસ પોતાની ભૂતકાળની સિદ્ધિઓ બદલ જાત ને શાબાશી આપી સંકલ્પ કર્યો કે ''હવે હું મારી રમતથી જ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવીશ.'' તેણે પોતાના પહેલાના પરફોર્મન્સને યાદ કર્યા. વન ડેમાં દસ હજાર રન પુરા કરનાર મહાન પાંચ બેટ્સમેનોમાં તેનું સ્થાન છે તે યાદ કર્યું. લડાયક વૃત્તિથી રમત રમીને અને કેપ્ટનશીપ કરીને તેણે દેશ માટે જે મહાન કાર્યો કર્યા હતા એના પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેને આખરે સમજાયું કે તેણે ખરેખરો જંગ મેદાન બહારના મેનીપ્યુલેશનમાં નહીં પણ મેદાન પર પરફોર્મન્સ આપી લડવાનો છે. અને આ જંગ પહેલા તેણે પોતાના મસ્તિસ્કમાં ચાલતા નકારાત્મક વિચારો સાથે મોટું યુદ્ધ ખેલવાનું છે. સૌરવે દ્રઢ સંકલ્પ કરી પોતાની જાત સાથે યુદ્ધ શરૂ કર્યું.

''હું સંકલ્પ કરું છું કે મારી રમતની ક્ષમતાઓથી હું વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવીશ.'' આવું બોલતા એને કોઈએ સાંભળ્યો ન હતો. કોઈએ તેને બિરદાવતી કે પ્રોત્સાહિત કરતી તાળી પાડી ન હતી. ''બકઅપ'', ''કીપ ઈટ અપ'', ''સાબાશ સૌરવ'' એવું કહેનાર પણ કોઈ ન હતું. કારણ એ લડાઈ એની એની પોતાની અંગત હતી. ભય અને શંકાના નકારાત્મક વિચારો દૂર કરવાની એ લડાઈ એના મનમાંજ ચાલી હતી. થોડાં અઠવાડિયાના ભિષણ સંગ્રામ પછી એનું પરફોર્મન્સ સુધરવા માંડયું.

જે દિવસે એણે સંઘર્ષ કરી પોતાની જાત પ્રત્યેની વચનબધ્ધતા નક્કી કરી તે દિવસથી બધું બદલાઈ ગયું. ભય અને શંકા ફગાવી એણે સાહસના ખેલ શરૂ કર્યા. આકાશમાં ઉડતા પંખીની પાંખો કપાઈ ગયા પછી તે જમીન પર ફસડાઈ પડે છે છતાં પણ નજર ઉંચે આકાશ પર રાખી ત્યાં પહોંચવાના સપના જ જોવે છે એવું જ સૌરવે કર્યું.

ક્રિકેટની વિવિધ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે સૌરવનું બેટ ચાલ્યું. પછડાટોથી નિરાશ થયા વગર એણે સખત પરિશ્રમ કરવાનું અને જાત સાથે ભીતરી લડાઈ લડવાનું ચાલુ રાખ્યું. તેની રમતમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો.

બીજી બાજુ ટીમ ઈન્ડિયાના ઘરમાં ગરજતા સિંહો વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રિકામાં પોતાના ચહેરા પર બ્લેક વોશ કરાવી પાછા ફર્યા. સિલેક્ટરોને ગાંગુલી સાંભર્યો અને સૌરવ ફરી ટીમ ઈન્ડિયા તરફથી ઓપનીંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યો.

સ્ટેડીયમમાં હાજર હજારો પ્રેક્ષકો અને ટીવી પર બેઠેલા કરોડો ચાહકો સમક્ષ તેણે ધ ્ર્ મી ર્િ ર્શા ર્ા મીધ નો આખરી જંગ ખેલવાનો હતો. એનું મોઢું સૂકાતું હતું, શરીર કાંપતું હતું, રુવાડા ઉભા થઈ ગયા હતાં પરંતુ મનમાં સંકલ્પ દ્રઢ હતો. ખંત, ધીરજ અને એકાગ્રતાથી તે રમ્યો. ટીમમાં સેટલ થયો અને અડધી સદી સાથે ટીમને જીત અપાવી તે મેદાનમાંથી પાછો ફર્યો. બસ હવે સારા પરફોર્મન્સની કાલ્પનિક દ્રશ્યાવલી રચી તે આત્મવિશ્વાસ મેળવતો હતો. તેનું બેટ પહેલા જેવું તોફાની બન્યું અને ૬ વર્ષ બાદ ફરી એકવાર મેન ઓફ સિરીઝ બની વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં સ્થાન પામ્યો. સૌરવ તને સલામ.

વહાલા વાચકમિત્રો અને વિદ્યાર્થી મિત્રો, તમારી કસોટી કે પરીક્ષા નજીક હોય ત્યારે તમારે તમારા મનમાં રહેલા ભય અને આત્મશંકાના વિચારો સાથે યુદ્ધ લડવાનું છે. એ માટે સંકલ્પ કરવાનો છે અને પૂરી તાકાતથી, એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે કસોટીના અને પરીક્ષાના છેલ્લા દિવસોમાં અભ્યાસ કરવા લાગી જવાનું છે. હા, તમારા જીવનની કસોટી કે પરીક્ષા ગમે તેવી અધરી હોય તો પણ તમારું આસમાનની ઊંચાઈએ પહોંચવાનું નિશ્ચિત છે.

ન્યુરોગ્રાફ 

જીતવું એટલે વારંવાર પછડાટો ખાવા છતાં ફરી ફરીને ઉભા થતા રહેવું.


Google NewsGoogle News